વિવાહ
વિવાહ
સતીશભાઈ ની દીકરી રૂપાની અમિત સાથેની સગાઈનો પ્રસંગ રંગે ચંગે પતી ગયો. બંનેના વિવાહ માગશર સુદ પાંચમનાં નક્કી થયા. બંને ઘરમાં લગ્નની ખરીદી અને ખુશીનો માહોલ હતો.
બરાબર લગ્ન નાં પાંચ દિવસ પહેલા રૂપાએ અમિત આગળ ધડાકો કર્યો કે તે આ લગ્ન કરી શકે તેમ નથી, તે જેને કોલેજ માં પસંદ કરતી હતી તે તીર્થ ખાસ તેની સાથે જ લગ્ન કરવા અમેરિકાથી આવ્યો છે. અને બીજા દિવસે બંને આર્યસમાજ મંદિરમાં જઈને લગ્ન કરવાનાં છે, કોર્ટ મેરેજ માટે પણ તીર્થે પહેલેથી નોંધાયેલું છે એટલે દસ દિવસ રહી ને એ પણ થઈ જશે, પછી વિઝાની કાર્યવાહી ચાલુ થશે.
આઘાતથી મૂઢ બની ગયેલા અમિત ઘરે જઈને ખાનગીમાં તેના મા - બાપ ને બધી વાત કરી અને પછી ત્રણેય જણા કંઈક નક્કી કરીને રૂપાનાં ઘરે પહોંચ્યા. રૂપાના મમ્મી - પપ્પા તો જમાઈ અને વેવાઈ ને અણધાર્યા આવેલા જોઈ ને અચંબિત થઈ ગયા.
મનમાં કેટલાય અમંગળ વિચારો સાથે સતીશભાઈ અને મનોરમા બહેન ઉપરના માળે બેસાડેલા વેવાઈ અને જમાઈ ને મળવા ગયા. અમિતે ટૂંકમાં બધી વાત કરી અને સાથે ઉમેર્યું કે જો તેમને અને રૂપાની નાની બહેન નીપા ને વાંધો ના હોય તો તે નીપા સાથે લગ્ન કરવા માંગે છે. આમપણ જ્યારે અમિત પ્રથમવાર રૂપા ની ઘરે તેને જોવા આવ્યો ત્યારે આંગણમાં ઊભેલી નીપા ને જ રૂપા સમજી બેઠો હતો . હવે નો નિર્ણય નીપા પર છોડવામાં આવ્યો, જો નીપાંની હા હશે તો નક્કી કરેલા દિવસે અને સમયે નીપા- અમિતનું પાણિગ્રહણ યોજાશે અને તેઓના લગ્ન સુધી આ વાત ફક્ત અમિત અને નીપા નાં મમ્મી - પપ્પા સુધી જ સીમિત રહેશે.
આજે માગશર સુદ પાંચમનો એ મંગળ દિવસ છે અને ચોરીમાં નીપા - અમિત ફેરા ફરી રહ્યા છે. આમંત્રિત મહેમાનોને એ નથી સમજાતું કે જ્યારે સગપણ રૂપા - અમિતનાં થયા હતા, કંકોત્રીમાં પણ રૂપા - અમિત નાં નામ છપાયેલા છે તો પછી વિવાહ નીપા - અમિતનાં કેમ થઈ રહ્યા છે ?
