Nirali Shah

Inspirational

4.5  

Nirali Shah

Inspirational

લગ્ન પડીકું

લગ્ન પડીકું

2 mins
577


ચાર્મીની સગાઈ થઈ ત્યારથી જ ચિત્રાબહેનને એક વાતની ચિંતા સતાવી રહી હતી કે ચાર્મીના લગ્ન વખતે ચાર્મીના સાસરે લગ્ન પડીકું લઈને કોણ જશે ? આમ તો રિવાજ પ્રમાણે લગ્નના એક દિવસ પહેલાં કન્યાના મામા જ ગોરમહારાજની સાથે વેવાઈના ઘરે જઈને આ વિધિ કરતા હોય છે.

પણ, ચાર્મીના મમ્મી ચિત્રાબહેનને તેમના એકમાત્ર ભાઈ મયંક સાથે એક નાની અમથી ગેરસમજના લીધે અબોલા થઈ ગયા હતા. અને છેલ્લા ત્રણ - ચાર વર્ષથી તો એકબીજાના ઘરે રક્ષાબંધન અને ભાઈબીજ પર આવવા- જવાનો સંબંધ પણ રહ્યો નહોતો. ચાર્મીની સગાઈ વખતે પણ મયંકભાઈને આમંત્રણ આપવામાં આવ્યું જ હતું, પરંતુ મયંકભાઈ એક યા બીજા બહાને હાજર નહોતા રહ્યા. હવે આ સંજોગોમાં લગ્ન પડીકાંની વિધિની વાત તો ક્યાંય બાજુ પર રહી ગઈ.

ચાર્મી તેની મમ્મીને થઈ રહેલી ચિંતા અને વેદનાથી પરિચીત હતી. આથી તેણે એક દિવસ પોતાના મંગેતર નૈષધને આ વાત જણાવી અને સાથે સાથે આ વાતનો ઉકેલ કઈ રીતે લાવી શકાય તે અંગે મૂંઝવણ રજૂ કરી. કોમ્પ્યુટર એન્જિનિયર થયેલો નૈષધ સ્વભાવે ખૂબ જ શાંત, ઠરેલ, સમજુ અને લાગણીશીલ હતો. તેણે મનોમન આ વાતનો ઉકેલ વિચારી લીધો.

બીજા દિવસે નૈષધ ચાર્મીને લઈને ચાર્મીના મામા મયંકભાઈને ત્યાં પહોંચી ગયો. રસ્તામાં ચાર્મીએ ઘણી આનાકાની કરી જવા માટે પણ નૈષધે તેને ખૂબ સરસ રીતે સમજાવી કે,'જો આપણે કોઈ ભૂલ કરીએ ત્યારે આપણા મોટા આપણને માફ કરીને આપણી ભૂલ સુધારે છે, તો પછી જ્યારે આપણા મોટાથી કોઈ ભૂલ થઈ જાય તો આપણી પણ ફરજ બને છે એ ભૂલ સુધારી લેવાની '.

મયંકભાઈ તો પોતાના ઘરે અચાનક આવેલા ભાણી - જમાઈ( ચાર્મી - નૈષધ) ને જોઈને અચંબિત જ થઈ ગયા. નૈષધ અને ચાર્મી મયંકમામાને પગે લાગીને તેમના હાથમાં મીઠાઈનું બોક્સ મૂકતા બોલ્યા,'અંદર આવીએ મામા ?' અને મયંકભાઈ બોલી ઉઠ્યા,' હા,હા, કેમ નહિ ? મામાને ઘરે આવવા માટે પરમિશન થોડી લેવાની હોય બેટા ! આ તમારું જ ઘર છે.' બસ પછી તો મીતામામીએ ચાર્મી અને નૈષધ માટે લાપસીના આંધણ મૂક્યા.

લગ્નના ત્રણ-ચાર દિવસ પહેલાં ચિત્રાબહેન ચાર્મીના પપ્પા ચિરાયુભાઈને પૂછી જ રહ્યા હતા કે, 'કહું છું, સાંભળો છો ? પછી શું વિચાર્યું ? કોણ પડીકું લઈને વેવાઈને ઘરે જશે ?' અને ત્યાંજ,' બીજું કોણ ! આ ચાર્મીનો મામો !' કહેતાં કહેતાં મયંક મામા અને મીતામામી મોસાળું લઈને આવી પહોંચ્યા. ચિત્રાબહેન અને ચિરાયુભાઈ આ ચમત્કાર સમજે ના સમજે એ પહેલાં જ મયંકભાઈ બોલી ઉઠ્યા,' બેટા ! ચાર્મી ! હવે તો હું કહુંને તારી મમ્મીને ?'.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational