Nirali Shah

Drama

4  

Nirali Shah

Drama

ચરિત્રહીન

ચરિત્રહીન

2 mins
317


"અલી,જો જો ! હું કે'તી તી ને કે એકજેટ સાત વાગે ને એટલે એવડીએ છપ્પરપગી મોબાઈલ લઈને બાલ્કનીમાં આવીને બારણું બંધ કરીને કોઈના હારે અડધો કલાક ખપાવે છે. હું તો છેલ્લા કેટલાય દિવસથી જોઉં છું. તમે બધા હાચું નહોતા માનતા. હવે ક્યો ?"

જ્ઞાની (હેમલતા)માસી જલધારા આર્કેડની ચોથામાળની બાલ્કની સામે જોઈને તાળી પાડીને બોલ્યાં એટલે બધાનું ધ્યાન ત્યાં ગયું ને પછી ગાર્ડનમાં બેઠેલી હેમલતા માસીની "જ્ઞાનીઓની મંડળી" ઉર્ફે ચંડાળ ચોકડીએ ચોથા માળની બાલ્કનીમાં ઊભી રહી ને વાતો કરતી નિધિ સામે જોઈને ડચકારા બોલાવીને વાતમાં હામી ભરી.

સાત માળના જલધારા આર્કેડના ગાર્ડનમાં સિનિયર સિટીઝન માટે બાંકડા મૂકવામા આવ્યા હતા. જેની પર હેમલતામાસી, જશુંમાસી,કોકિલામાસી ને દમયંતીમાસી રોજસાંજે ૫ થી ૮ બેસતાં ને આખા આર્કેડની જાસૂસી કમ કૂથલી કરતાં. આર્કેડના લોકો તેઓને કટાક્ષમાં "જ્ઞાનીઓની મંડળી" કહેતા હતાં.આ મંડળીના લીડર હતાં હેમલતામાસી, એટલે બધા એમને લાડમાં જ્ઞાની (હેમલતા)માસી કહેતાં.

પણ હવે ચરિત્રહીન નિધીની વાત તેના સાસું નીતાબેન ને કહેશે કોણ ? એ એક મોટો યક્ષ પ્રશ્ન થઈ ગયો, કેમકે નિધિના સાસુ નીતાબેનને હાર્ટમાં સ્ટેન્ટ મુકાવીને હમણાં પંદર દિવસ પહેલા જ હોસ્પિટલથી ઘરે લાવ્યા હતાં.

પણ, રેડિયો જેવા હેમલતામાસીએ ફેલાવેલી વાત ઊડતી ઊડતી નીતાબેનના કાને પહોંચી એટલે એ નિધિ પર ગુસ્સે થઈ ગયા અને નિધિને બોલાવીને કોઈ ખુલાસો માંગે તે પહેલાજ નિધિની નણંદ વાણીનો નીતાબેન પર ફોન આવ્યો ને એમણે જ્યારે ગુસ્સામાં નિધિના ચારિત્ર અંગેની ફેલાયેલી વાત કહી ત્યારે ડઘાયેલી વાણીએ નિધિ વિશે જે કહ્યું તે સાંભળીને નીતાબેનની આંખો ભરાઈ આવી.

વાણીના કહેવા પ્રમાણે વાણીના પતિથી ધંધામાં ખૂબ મોટું દેવું થઈ ગયું હતું ને હતાશ થઈને એ આત્મહત્યા કરવા જઈ રહ્યા હતા, પણ ભગવાનનું કરવું તે વાણી જોઈ ગઈને ગમે તેમ કરીને તેમને બચાવી લીધા.પોતાની બીમાર માને તો એ કંઈ કહી શકે એમ નહોતી આથી રોજ નિધિભાભી સાથે ફોન પર સાંજે સાત વાગે વાત કરતી હતી, જ્યારે બાળકો તથા ભાઈ ઘરમાં ન હોય ને મમ્મી દવા પીને સૂઈ ગયા હોય.નિધિની ખૂબ સમજાવટથી વાણીના પતિ હતાશામાંથી બહાર આવી શક્યા ને નિધિના ખૂબ આગ્રહ પછી તેઓ નિધિના પિયરમાંથી મદદ લેવા તૈયાર થયાં.

નિધિના કાકા અને બીજા કુટુંબીઓની મદદથી વાણીના પતિને દેવામાંથી મુક્તિ મળી અને નિધિના કાકાએ વાણીના પતિને સારી નોકરી પણ અપાવી દીધી.

પોતાની ગુણિયલ વહુનાં ઓવારણાં લેતાં લેતા નીતાબેન બોલી ઉઠ્યા,"નખ્ખોદ જાય પેલી ચંડાળ ચોકડી ( જ્ઞાનીઓની મંડળી)નું."


Rate this content
Log in

Similar gujarati story from Drama