Nirali Shah

Drama

3  

Nirali Shah

Drama

સ્વીકાર

સ્વીકાર

2 mins
235


બિચારી અપર્ણા ! આખરે ચંદ્રેશભાઈએ પોતાની દીકરી પોતાના શેઠને અર્પણ કરી જ દીધી. અપર્ણાના લગ્નમાં આવેલા મહેમાનોમાં આજ ગુસપુસ થઈ રહી હતી.

વર્ષોથી અશક્ત અને મોટેભાગે બીમાર રહેતા અપર્ણાના મમ્મી કરુણાબહેન કેન્સરની માંદગીમાંથી સાજા ના થઈ શક્યા અને તેમણે વૈકુંઠની વાટ પકડી. નાનપણથી જ ભણવાની સાથે ઘર સંભાળતી અને મમ્મીની સેવા કરતી અપર્ણાએ લગ્ન ન કરવાનું નક્કી કર્યું હતું. પોતાના આ નિર્ણય પર મક્કમ અપર્ણાએ લગ્નની વય વીતી જવા છતાં, પોતાના મમ્મી - પપ્પાના ઘણું સમજાવા છતાં ના માન્યું.

કરુણાબહેનની સારવાર પાછળ ચંદ્રેશભાઈએ પોતાના શેઠ સુકેતુ પટેલ પાસેથી લાખો રૂપિયા ઉછીના લીધા હતા.પરંતુ, ચંદ્રેશભાઈના શેઠ સુકેતુ પટેલ એક સજ્જન માણસ હતા. તેમણે વ્યાજ લેવાની તો ના જ પાડી હતી સાથે સાથે મૂડી પણ સગવડે પાછી આપવાનું કહ્યું હતું.

સાત વર્ષ પહેલાં જ પત્નીને એક અકસ્માતમાં ગુમાવી ચૂકેલા સુકેતુ પટેલને "શિવાની" નામની એક પંદર વર્ષની પુત્રી હતી. મા વગરની,બાપના અતિશય લાડમાં ઉછરી રહેલી શિવાની નાની ઉંમરમાં જ સ્વભાવે તોછડી અને ઉદ્ધંડ થઈ ગઈ હતી.જેની ચિંતા સુકેતુ પટેલને દિવસ - રાત થયા કરતી હતી, તેમને સમજાઈ ગયું હતું કે શિવાનીને એક માનું સ્થાન લઈને સંભાળી શકે તેવી પરિપક્વ સ્ત્રીની જરૂર છે.

કરુણાબહેનની સારવારની સાથે જ ઘર સંભાળતી અપર્ણાને સુકેતુ પટેલે જોઈ હતી. આથી તેમણે ચંદ્રેશભાઈ પાસે અપર્ણાનો હાથ માંગ્યો અને સાથે ઉમેર્યું કે અપર્ણાની મરજી હોય તો જ. શિવાની વિશે જાણ્યા પછી અપર્ણાએ સુકેતુ પટેલને લગ્ન માટે હા કહી દીધી.

સુકેતુ પટેલના ઘરમાં અપર્ણાનો "નવીવહુ","નવી શેઠાણી" તરીકે સ્વીકાર થઈ ગયો પણ શિવાનીએ તેને "મા" તરીકે સ્વીકારવાની ના પાડી દીધી. એ હંમેશા અપર્ણાને "આન્ટી" જ કહેતી.

મોડીરાત સુધી ક્લબો અને પાર્ટીઓમાં કોઈ રોક - ટોક વગર રખડતી શિવાનીને સુધારવાનું અને સાચા રસ્તે લાવવાનું બીડું અપર્ણાએ ઝડપી લીધું. રાતોની રાતો શિવાનીની પાછળ ને પાછળ એક અદ્રશ્ય ઢાલની જેમ રહેતી અપર્ણાએ એક દિવસ શિવાનીની છેડતી કરતા માણસની ધોલધપાટ કરીને તેની ચુંગલમાંથી શિવાનીને છોડાવીને શિવાનીનું દિલ પણ આખરે જીતી લીધું.

બીજા દિવસે સવારથી ઘરમાં શિવાનીને "મા","મા" કહી અપર્ણાની આગળ પાછળ ફરતા જોઈને સુકેતુ પટેલ પણ હર્ષથી બોલી ઊઠ્યા," વાહ ! આજે તો અપર્ણાનો "મા" તરીકે પણ સ્વીકાર થઈ ગયો આ ઘરમાં".


Rate this content
Log in

Similar gujarati story from Drama