Nirali Shah

Drama

4.4  

Nirali Shah

Drama

આવડત

આવડત

2 mins
281


"સાવ ડોબા જેવી છે, કોઈ આવડત જ નથી તારામાં ! નથી તું એવું ભણી કે કોઈ તને નોકરીએ રાખે અને નથી તારા ઘરનાં કોઈ કામમાં વેતા ! હાય રે ! મારો તો આજનો દિવસ બગાડયો આ આવડત વગરનીએ !" ગુસ્સામાં બબડતા બબડતા સરલા બહેને છાપું હાથમાં પકડ્યું. બિચારી સુજાતા ! આંખમાંથી વહી રહેલા આંસુ લૂછતાં લૂછતાં ટીપોય પર તેની સાસુ સરલાબહેનની ભૂલથી જ ઢોળાઈ ગયેલી ચા પર પોતું ફેરવવા માંડી.

સરલાબહેનને ઉચ્ચ ભણેલી, કમાતી વહુ જોઈતી હતી અને તેમના એકમાત્ર પુત્ર નિકુંજે દેખાવડી, સંસ્કારી, ઠરેલ, હોમસાયન્સ ભણેલી સુજાતા પર પસંદગીનો કળશ ઢોળ્યો. આથી લગ્નની શરૂઆતથી જ સરલાબહેન સુજાતાને વાતે વાતે "આવડત વગરની, આવડત વગરની" કહીને મેણાં મારતાં હતાં.

પણ આજેતો સુજાતાએ મનમાં નક્કી કરી જ લીધું. જેવા સરલાબહેન બપોરે નિદ્રાધીન થયા કે તરત જ સુજાતા આખી સોસાયટીમાં ઘરે ઘરે ફરીને પોતે નાનાપાયે ચાલુ કરવા માંગતી કેટરિંગ વ્યવસાયની જાહેરાત કરી આવી ને સાથે સાથે સોસાયટીના લોકો તેમને ત્યાં ભવિષ્યમાં આવનાર બર્થડે પાર્ટી કે બીજા નાના ઘરેલું પ્રસંગો માટે કેટરિંગનો ઓર્ડર પોતાને આપે તેવી તજવીજ પણ ડિસ્કાઉન્ટના પ્રલોભનો સાથે કરતી આવી.

પરંતુ સરલાબહેનને કેટરિંગનો વ્યવસાય પસંદ નહોતો. આથી, તેમણે સુજાતાને ચોખ્ખી ના પાડી દીધી. પણ એકદિવસ ઓફિસ પરથી ઘરે પાછા ફરતી વખતે નિકુંજને અકસ્માત થયો, પગમાં ફ્રેકચર થતાં જ છ મહિના ઘરે બેસવાનો વારો આવ્યો. પગાર અડધોને ખર્ચો બમણો થઈ ગયો.

આથી, ઘરખર્ચને પહોંચી વળવા માટે સુજાતાએ નિકુંજ પાસેથી કેટરિંગનો વ્યવસાય ચાલુ કરવાની મંજૂરી લઈ લીધી. સરલાબહેનને પણ મંજૂરી આપ્યા સિવાય કોઈ છૂટકો નહોતો.  

આમપણ આખી સોસાયટીમાં સુજાતાના હાથની રસોઈ વખણાતી હતી, વળી હોમસાયન્સ કર્યું હોવાથી તેને કેક, બિસ્કીટ, નાન ખટ્ટાઈ, ચાઈનીઝ, પિત્ઝા, મેક્સિકન, સાઉથ ઈન્ડિયન, પંજાબી વગેરે બનાવતા પણ આવડતું હતું.  

જોત જોતાંમાં તો સુજાતાનો ઘરેલું કેટરિંગનો વ્યવસાય ખૂબ સફળ થઈ ગયો. એણે હવે પોતાની સાથે બીજી બે ત્રણ બહેનોને પણ મદદ માટે રાખી લીધી. કેટરિંગના વ્યવસાયની સાથે સાથે સુજાતાએ "હોમમેડ ફ્રેશ નાસ્તા" નો વ્યવસાય પણ ચાલુ કરી દીધો. સુજાતાના નાના ઘરના સ્થાને હવે તો બે માળનો બંગલો થઈ ગયો ને સુજાતાનો સ્ટાફ પણ દિવસે દિવસે વધતો ગયો. હવે તો સુજાતાની "કમલા પાર્ક" સોસાયટી "સુજાતા કેટરિંગ"વાળી સોસાયટી તરીકે વધુ ફેમસ થઈ ગઈ.

અને આજે તો એક ટીવી ચેનલવાળાએ સુજાતાને કુકિંગ હરીફાઈ જજ બનવા માટે આમંત્રિત કરી. સુજાતા જતા પહેલા પોતાના સાસુ સરલાબહેનને પગે લાગીને માત્ર એટલું જ બોલી કે, " માં, મને આશીર્વાદ આપો કે હું મારી આવડતથી તમારા કુટુંબનું નામ રોશન કરી શકું."


Rate this content
Log in

Similar gujarati story from Drama