વિષાદ
વિષાદ
સુરેખા એ દિવસે બહુજ ઉદાસ હતી. પિયર આવ્યા પછી એક માસ થઈ ગયો હતો. એમના પતિ એક વાર પણ મળવા સુધ્ધાં આવ્યા નહોતા. ત્યારે તો પિયરીયા પણ સવાલો પૂછવા લાગ્યા હતા. "બેન ! તું સાસરે કંઈ ઝગડો કરીને તો નથી આવી ને ?" જે કોઈ સગાં સંબંધીઓ ક્યાંય વાર પ્રસંગે મળે તો સૌ કોઈ પૂછતા કે "કાં સુરેખા ! હજી રોકાણી છો ? કેમ તારા વરને તારી યાદ નથી આવતી ? તારા સાસરિયાઓ તને તેડાવતા નથી કે શું ?"
આવી બધી વાતોથી કંટાળેલી સુરેખાને ત્યાર બાદ ક્યાંય પ્રસંગમાં જવું ગમતું ન્હોતું.
સાસુના ગુજરી ગયા પછી બેઉ નણંદો અને દિયરે મળીને સુરેખાની ઉપર ખોટું આળ ચડાવ્યું કે બા ની પથારી નીચેથી કાળા દોરાધાગા નીકળ્યા હતા. એ કાળા કામા નવી વહુનાં છે. નવી વહુએ આવતા વેંત ડોશીનો જીવ લીધો.
હકીકત એવી હતી કે એ લોકોનું જુગાર ધામ ! જે ઘરમાં ચાલતું હતું, એ સુરેખાના આવવાથી ઠપ્પ થઈ ગયું હતું. સુરેખાનો મોટો નણંદોય જે ઘરજમાઈ હતો એને બીજો કોઈ કામ ધંધો નહીં, બસ આખો દિવસ જુગાર ચાલે.
સુરેખાનો પતિ ખુશાલ થોડો કાચા કાનનો ! એટલે બંને બહેનો ફાવી ગઈ. સાચા ખોટા કરીને યેનકેન પ્રકારે સુરેખાને પિયર મોકલી દીધી.
એક મહિનો, બે મહિના, છ મહિના, વરસ, બે વરસ..સમય પાણીનાં રેલા જેમ ચાલ્યો જાય છે. વિયોગની વાત ન કહેવાય ન સહેવાય ! મનમાં બળતી અગન કેમેય ન બુઝાય. વૃદ્ધ માબાપની સાથે સુરેખા એકલી જ રહેતી હતી. ભાઈ ભાભી જૂદાં રહેતા હતા. લગ્નના છએક મહિના દરમિયાન જ આ બધું બની ગયું હતું. ત્યારબાદ પિયર આવ્યાને બે વર્ષ વિત્યા છતાં ન પતિએ સુરેખાને તેડાવી, કે ન એ પોતાના સ્વમાનના ભોગે જવા તૈયાર થઈ.
પિતાના ઘરે કોઈ કમી ન હતી. પણ આખો દિવસ શું કરવું ! એમ વિચારીને સુરેખાએ સિવણ ક્લાસ ચાર વર્ષનો ડિપ્લોમા કોર્સ શરૂ કર્યો. બહાર જતાં આવતાં ક્યારેક દૂરથી પતિદેવના દર્શન થઈ જતાં. પણ કોઈ પૂર્વના અંતરાય કર્મ પ્રભાવે સુરેખાની સામે પણ જોયા વિના ચાલ્યા જતા.
સુરેખાને હવે લોકો કહેતા કે "છૂટાછેડા લઈ લો, આવા લોકોને તો કોર્ટમાં કેસ કરી ખુબ ધક્કા ખવડાવવા જોઈએ, તારા ભવિષ્યનો તો વિચાર કર ! માવતર ક્યાં સુધી ? તારે તો એના ઉપર ખાધા ખોરાકીનો દાવો કરવો જોઈએ. જો તારા છૂટાછેડા થાય તો બીજે ક્યાંક! સારૂ ઠેકાણું જોઈને પરણી જવાય !"
પણ સુરેખાનો એકજ જવાબ હતો.
"મારે એક ભવમાં બે ભાવ નથી કરવા, છુટાછેડા લઈને નથી હું એને છોડવા માંગતી ! કે નથી હું એનાથી છૂટવા માંગતી. મારી દેવ, ગુરૂ, ધર્મ પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે. આજ નહીં તો કાલે ધર્મ પસાયે ભગવાન સૌ સારા વાના કરશે !"
સુરેખાના સીવણ ક્લાસના ડિપ્લોમાના ચાર વર્ષ પુરા થઈ ગયા. એને પિયર આવ્યાને હવે છ વર્ષ પૂરા થવા આવ્યા હતા. હવે ખુશાલ રસ્તે મળતા ક્યારેક હસીને સામે જોવા લાગ્યા હતા. સુરેખાને પતિનું આવું વર્તન સમજાતું નહોતું. પણ અંતરના ઉંડાણમાંથી મિલનની ઝંખનાએ એક આશા જગાવી હતી. એનું મન કોઈ ચાતક વરસાદની પહેલી બૂંદને તરસે એમ પતિની અમીભરી એક નજરને તરસતું હતું. પણ ખુશાલ તરફથી એને લઈ જવાના કોઈ આસાર નથી. દિવસો વિત્યે જાય છે સુરેખાની મનોદશા ! જાણેકે એ મધદરિયે ફસાયેલી નાવ જેવી છે જે ન આ પાર કે ન પેલે પાર..
ત્યાં જ એક દિવસ ભાઈ ભાભી આવ્યા ને એમણે કહ્યું કે ખુશાલ મળ્યા હતા. અને એમની સાથે અમે વાત કરી કે "હવે કેટલાં વર્ષ અમારી બેનની કસોટી કરશો ? તમે આવીને એને લઈ જાવ, અમારી બેન આપણા ધર્મ સિવાય અન્ય કોઈ અંધશ્રદ્ધામાં નથી માનતી. કોઈ એવાં કામ ન કરે તમારે આ બાબતે પૂરતી તપાસ કરવી જોઈતી હતી. ખેર જે ભાગ્યમાં માંડ્યું હતું એ થયું. હવે તમારે શું કરવું છે ? આમને આમ તમારા બેઉની જિંદગીનો સોનેરી સમય તમે ગુમાવી દીધો." અને અંતે તેઓ માની ગયા છે.
એમણે કહ્યું કે "એ જાતે ગઈ હતી ને જાતે જ આવી શકે છે, પણ હું તેડવા નહીં આવું !"
ભાભીએ કહ્યું કે"આપણે આટલા વર્ષે અંતરાય તૂટી રહ્યા છે, ત્યારે થોડું નમવું પડે તો કંઈ વાંધો નથી. હું આવીને તમને ત્યાં મૂકી જઈશ !"
સાંજે ભાભી સાથે સુરેખા તૈયાર થઈને બા બાપુજીના આશિષ લઈને જવા માટે બારણું ખોલ્યું ત્યાં તો સામે જ ખુશાલ ઊભા હતા. બંનેની આંખો ભીની હતી, હવે વિયોગ ના દિવસો વીતી યાદ બની જશે, ને મિલનની વેળાએ પ્રેમનો વરસાદ સઘળાં વિષાદને વિસારી દેશે.
