Dina Vachharajani

Drama Inspirational Thriller

4.7  

Dina Vachharajani

Drama Inspirational Thriller

વિશ્વાસ

વિશ્વાસ

3 mins
476


" નિરાલી, તું બહુ જીદ્દી છે. આજે તો તારી જીદ પૂરી કરીએ. . . . કેયા ને લઈ આપણે ફનફેયર માં જઈએ. આવતાં અઠવાડિયે તો તને પૂછ્યા વગર જ હું ઈંગ્લીશ મૂવીની ટીકિટ લઈ જ આવીશ. પછી તો તારે કેયાને બાઈ પાસે મૂકી ને આવવું જ પડશે . . . તારા કોઈ બહાના નહીં ચાલે . . . સમજી ?

નિતાંતની આ ફરિયાદ એકદમ જ યોગ્ય હતી. આજે એક વરસ થવા આવ્યું બંનેના લગ્નને, પણ કેયાની ' સાવકી મા ' બની ને આવેલી નિરાલી પોતાની એક એક ક્ષણને કેયાનાં હૃદય તરફ જતી પગદંડી પર જ પાથરવા મથતી. આડત્રીસ વરસે એક વિધૂર સાથે લગ્ન કરવાનું કારણ જ આ નાની દીકરી હતી.

નિરાલીને એ દિવસ યાદ આવ્યો જ્યારે એ નિતાંતની ઘરે એની કઝીન સાથે પહેલી વાર આવેલી. . . . . . બધાં વાતોમાં હતાં ત્યારે બાજુના રૂમમાંથી વારેવારે ડોકીયું કરી જતી નાની પાંચ-છ વરસની ઢીંગલી જેવી કેયાને જોઈ એણે મનમાં કોઈ અજીબ ખેંચાણ મહેસૂસ કર્યું. . . એનું માતૃત્વ સળવળી ઉઠ્યું. . . જે ક્યારેય તૃપ્ત નહોતું થવાનું કારણ એના ગર્ભાશયમાં મોટી ખામી હતી ! અને એ જ તો કારણ હતું એના લગ્ન ન થવાનું !

જ્યારે નિતાંત તરફથી લગ્નની વાત આવી એણે તરત જ કબૂલી. . . . નિતાંત-નિરાલી એકબીજા સાથે ખૂશ હતાં. ઘરમાં શાંતિનું જ વાતાવરણ હતું. દુનિયાની નજરે બધું સરસ ગોઠવાઈ ગયું હતું. . . . . . પણ નિરાલીની નજરે હજી બધું અધૂરું જ હતું. એ કેયાની આસપાસ જ જીવતી. એનું પૂરેપૂરું ધ્યાન રાખતી. એને કોઈ રીતે પોતાની મૃત મમ્મીની ખોટ ન સાલે એમ જ વર્તતી પણ કેયા તો જાણે એનાથી અતડી જ રહેતી. આમ તો જિંદગી જીવાયે જતી હતી પણ એના ધબકારાનો જે લય ચૂકાતો હતો તે નિરાલીને ખૂબ જ ઉદાસ કરી દેતો ! કેયા એને ક્યારેય 'મમ્મી ' ન બોલાવતી. . . મોટે ભાગે તો સંબોધન કરવાનું જ ટાળતી અને ન છૂટકે બોલાવવું જ પડે તો 'આન્ટી' જ કહેતી નિતાંતના ટોકવા છતાં પણ. . . . . . ! કેયાનો વિશ્વાસ જીતવા હવે શું કરવું ? કંઈ ન સૂઝતાં નિરાલી ઉદાસ થઈ જતી.

રોજની જેમ જ આજે પણ નિરાલી, સોસાયટીના ગાર્ડનમાં કેયાને રમવા લઈ આવી હતી. બચ્ચાં પાર્ટી હિંચકા-લપસણી પર રમી રહ્યાં હતાં ને મમ્મીઓ ટોળે વળી વાતોમાં મશગૂલ હતી. નિરાલી થોડી-થોડી વારે રમતી કેયા પર નજર નાંખી લેતી હતી. અચાનક નિરાલી એ જોયું કે જોરથી ઝૂલતા હીંચકા પરથી કેયા ફંગોળાઈ નીચે પડી રહી છે. . . . એ જ ક્ષણે નિરાલી શ્વાસ ભેર દોડી. . . . ખાલી અને હજુ જોરથી ઝૂલતો હીંચકો પોતાને વાગી શકે ! એની પણ પરવાહ કર્યા વગર. . . એ ક્ષણે કેયાનું રક્ષણ કરવું. . . એજ એનું લક્ષ્ય હતું. . . . ફંગોળાતી કેયાને એના લંબાયેલા હાથે ઝીલી લીધી અને . . . . . . એં. . . એં. . . કરી રડવા માટે લંબાયેલા કેયાના હોઠ વચ્ચેથી રુદનભર્યાં શબ્દો નીકળ્યા " મ. . . મ્મી. . . . . " ને એણે બે હાથે નિરાલીને સજ્જડ ભેટતા એની છાતીમાં એક વિશ્વાસ સાથે માથું ખોસી દીધું. નિરાલી અને કેયાનાં આંસુ એકમેકમાં ભળી ક્યાંય સુધી વહેતાં રહ્યાં.


Rate this content
Log in

Similar gujarati story from Drama