Viha Oza

Romance Tragedy

4.1  

Viha Oza

Romance Tragedy

વિરહની વેદના

વિરહની વેદના

9 mins
1.4K


એક સ્ત્રી જે વિધવા થઈ જાય છે માત્ર 28 વર્ષની નાની ઉંમરે,પણ ત્યારે એનો 1 વર્ષનો નાનો દિકરો પણ હોય છે,જેને એ એકલાં હાથે મોટો કરે છે.એના પતિને અનન્ય પ્રેમ કરતી હોવાના કારણે બીજી વાર લગ્ન કરવાનું વિચારી જ નથી શકતી,દિકરો મોટો થાય છે,માતાની સહમતીથી લવ મેરેજ કરી લે છે, પત્ની મોર્ડન જમાનાની હોવાથી છ મહિનામાં જ તેને સાસુની રોક-ટોક એને સહેજ પણ પસંદ નથી,જ્યારે સાસુ જ સાચી હોય છે તેમ છતાં.પત્ની એના પતિને અલગ થઈ જવા કહે છે,પણ એ માનતો નથી.પત્ની રિસાઈને પિયર જતી રહે છે.સતત 6 મહિના સુધી પતિ એને મનાવતો રહે છે ઘરે પાછી આવવા માટે છતાંય તે માનતી નથી અને રાગ દ્વેષ એટલો વધી જાય છે કે પત્ની પોતાનાં પતિને પણ મળવા માંગતી નથી.એ એની પત્નીનો સાથ ઈચ્છે છે,પણ એની મમ્મીથી અલગ થઈને નહીં,તો આખરે કંટાળીને પતિ એની પત્નીને પત્ર લખે છે,તો એ પતિની મનોવેદના અને પત્નીને સમજાવતો આ કાગળ અહીં રજૂ થયો છે.

"તારા વિના જીવી રહ્યો છે,જાણે કે સમયનાં કડવાં ઘૂંટ ભરી રહ્યો છું."

વ્હાલી મદિરાક્ષી,

હા,હજું આજે પણ તું એટલી જ વ્હાલી અને ખાસ છે જેટલી આજથી પાંચ વર્ષ પહેલાં આપણે મળ્યાં ત્યારે હતી.યાદ છે તને આપણે આપણી સ્કૂલ સાથે જ પૂરી કરેલી.ત્યાં સુધી આપણે માત્ર મિત્રો જ હતાં.સમય જતાં આપણે એક જ ફેકલ્ટી પસંદ કરી અને આપણી મહેનત અને જોડાયેલાં ભાગ્યનાં ખેચાણે આપણને એક જ કૉલેજમાં એડમિશન મળ્યું.

એ પછી ધીમે ધીમે આપણે ખૂબ સારાં મિત્રો બનતાં ગયાં અને આપણું ગ્રુપ પણ બન્યું પણ સમય જતાં આપણને બંન્નેને સમજાવાં લાગ્યું હતું કે આપણે સારાં મિત્રો જ નહીં પરંતુ એથી પણ કંઈક વિશેષ જ છીએ પરંતુ એ વાત આપણે સ્વીકારી નહોતાં શકતાં.કદાચ ત્યારે આપણે એકબીજાને ખોવાથી કે દૂર જવાના વિચારમાત્રથી ડરતાં હતાં અને આજે.....??

આજે આપણે કંઈકેટલાય દૂર છીએ,કિલોમીટરના અંતરે નહીં પરંતુ મનનાં અંતરે.

કૉલેજકાળમાં વેકેશન પડે તો આપણે રાહ જોતાં કે કયારે વેકેશન પૂરું થાય અને આપણે કયારે મળીએ.કોલેજમાં ત્રીજા વર્ષે દિવાળી વેકેશનમાં તો આપણે અલગ થવાના વિચાર જ આંખોમાં પાણી લાવી દેતાં હતાં પણ વેકેશન પડયું અને વેકેશન ખૂલતાં મળીએ એમ કહીને આપણે છૂટાં પડ્યાં.

તારાં અને મારાં ઢગલાબંધ મેસેજીસો,ફોનકોલ્સ,સેલ્ફીઓ,કેન્ટીન ટોક,આપણાં કૉલેજ બંક્સ મે ત્યારે પણ એટલાં જ મિસ કર્યાં જેટલાં આજે-અત્યારે કરું છું,પણ ફર્ક એટલો કે ત્યારે તારાં ફોન કોલ્સ અને અઢળક મેસેજીસથી ગુંજતો રહેતો.તારાં માટે તો મે સ્પેશિયલ રિંગટોન અને મેસેજટોન પણ રાખેલી.અત્યારે આ બધું જ મને ખૂબ યાદ આવે છે શું તને નથી આવતું "મીઠી".....??

દિવાળી વેકેશન પૂરું થયું આપણે કૉલેજમાં ફરી વખત મળ્યાં,એ દિવસે જાણે મને મહેસૂસ થઈ ગયેલું કે તારાથી દૂર જવું અશક્ય છે.એ પછી કૉલેજનાં છ જ મહિના બાકી હતાં.ધીરેધીરે પરિક્ષા નજીક આવી રહી હતી અને સાથેસાથે જ દૂર જવાની ક્ષણો પણ.મનમાં થતું હતું કે હવે થોડો સમય જ સાથે છીએ.

ત્યારે ચૌદ ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન્સ ડે આવ્યો.તું એ દિવસે મારા કરતાં વહેલી આવીને મારી રાહ જોઈ રહી હતી અને હું આવ્યો ત્યારે અચાનક જ મારી સામે આવી અને આખી કૉલેજ વચ્ચે ઘૂંટણિએ બેસી લાલ ગુલાબ આપીને આઈ લવ યુ કહી અને તારા પ્રેમનો ઈઝહાર કર્યોં અને મારા માટે એ સુખદ આશ્ચર્ય હતું,મેં પણ આઈ લવ યુ ટુ કહ્યું અને તારું આપેલું ગુલાબ પણ સ્વીકાર્યું."જાન"તું માનીશ નહીં પણ એ ગુલાબ આજે સૂકાયેલું હોવાં છતાં મારી ડાયરીમાં એમ જ સચવાયેલું છે.મને સૌથી વધુ પ્રિય ભેટ તરીકે મારાં માનસપટમાં સચવાયેલી છે એમ જ!

એ પછી પરિક્ષા આવી અને આપણે સાથે મળીને વાંચવા લાગ્યા,ખૂબ જ મહેનતના પરિણામે ઉંચું મેરિટ બન્યું.એ પછીનાં બે વર્ષ સુધી આપણે એક જ કૉલેજમાં આગળનો અભ્યાસ કર્યો.રિસામણાં મનામણાં વચ્ચેના શું સુંદર અને સોનેરી દિવસો હતાં નહીં "મિઠડી".....??

પહેલાંતો આવાં સંબોધનો મારાં મોઢે તું બોલાવડાવતી અને હું બોલું પછી તારાં ચહેરાં પરની ચમક અદ્ભુત હતી,અને તું પોતે પણ કેટકેટલાં વ્હાલભર્યાં-પ્રેમભર્યાં શબ્દોથી મને બોલાવતી.બધું જ બહું જ યાદ આવે છે યાર.

આપણને અભ્યાસ પછી જોબ મળી.આપણે એકબીજાને ઓછો સમય આપી શકતાં,તેથી આપણે મળીને ઘરે લગ્ન માટેની વાત કરી અને એક જ જ્ઞાતિનાં હોવાંથી બધાં રાજી થયાં અને આપણાં લગ્ન થયાં.આપણું સાથે મળીને જીવવાનું સપનું જાણે કે પાંપણનાં પલકારાંમાં હકીકત બની ગયું!અહા..અદ્ભુત-અવિશ્વસનીય આપણું સપનું!

એ પછી આપણું સુખી દાંમ્પત્યજીવન શરૂ થયું.ખૂબ જ હળવાશભરી અને ખુશખુશાલ ઝિંદગી આપણે જીવી રહ્યાં હતાં.સાચ્ચું કહું તો એ દિવસો મારા માટે એક સુખદ અને અકલ્પનીય સપનાં હતાં.હું તારી અને આપણી મમ્મી સાથે ખૂબ જ ખુશ હતો,આપણે આનંદ કિલ્લોલ કરતાં દિવસો પસાર કરી રહ્યાં હતાં.એ આપણાં ખૂબ જ યાદગાર દિવસો હતાં "મદિરા".

જોતજોતામાં તો છ મહિનાં પસાર થઈ ગયાં,જાણે કે દિવસો કે મહિના ક્ષણવારમાં આવ્યાં.આ છ મહિના દરમિયાન આપણાં વધતાં જતાં પ્રેમની સાથેસાથે જ જવાબદારી અને એક પરિપક્વતા પણ આપણાંમાં આવી.આપણો આ સાથ ખૂબ જ સમજદારીપૂર્વંક પસાર થઈ રહ્યો હતો.

તને નોકરી કરવી હતી અને એ વાતમાં મમ્મી અને હું તને સાથ અને સંમતિ આપતાં હતાં આ વાતથી તું પણ સહમત છે જ.તું નોકરી કરતી,આખો દિવસ ઓફિસ જતી અને હું પણ.સાંજે આપણે મળતાં.તું વહેલી આવી જતી અને હું તારા પછી પણ એ છ મહિના આપણે હંમેશાં એક જ સાથે એક જ થાળીમાં જમતાં.તું ઘરે આવી અને મમ્મીને મદદ કરતી.હા,ત્યારે તને રસોઈ નહોતી આવડતી પણ મમ્મીએ જ કહ્યું હતું કે હજી નાની છે,આવડી જશે ધીમેધીમે બધું અને તું રસોઈ અને બીજું ઘરનું કામકાજ પણ શિખતી.

ધીરેધીરે તું મમ્મીનાં શિખવાડવાથી કંટાળવાં લાગી,મમ્મી જે કે એ સાચી વાત હોય તો પણ તને એ ગમતી નહોતી પણ મમ્મી તને પોતાની માનીને શિખવતાં હતાં અને તને એ રોકટોક લાગતું હતું,તું દિવસે દિવસે અકળાવાં લાગી હતી.તું મમ્મી કંઈ કહે તો જવાબ દે અથવા તો ન પણ દે."મારી જાનુ" આવી તો નહોતી જ.એ આપણી મમ્મી છે "દિકા".કદાચ એ તને કંઈ શિખવે કે કંઈ સલાહ આપે તો એ તારાં-મારાં,આપણા સારાં માટે જ હશે ને..??

લગ્ન પહેલાંથી જ તું જાણતી હતી કે પરિવારમાં માત્ર હું અને મમ્મી જ છીએ,પપ્પા તો હું એક વર્ષનો હતો ત્યારે ગુજરી ગયેલાં,મમ્મી માત્ર અઠ્યાવીસ વર્ષની જ હતી,બધાં એ બીજા લગ્ન માટે એને ખૂબ મનાવી પણ મારા પિતા પ્રત્યેનો એનો પ્રેમ અનન્ય હોવાથી અને મારા માટે થઈને મમ્મી એ બીજા લગ્ન ન કર્યાં.તું એ પણ જાણે છે કે પપ્પા ગુજરી ગયાં ત્યારે કંઈ રકમ મારાં ભવિષ્ય માટે કે મમ્મી માટે નહોતાં મૂકીને ગયાં,સાવ સામાન્ય પરિસ્થિતિ હતી ત્યારે મમ્મીએ મજૂરી કરી અને મને એકલાંહાથે ઉછેર્યોં છે,કયારેક તો એમ પણ બને કે એ પોતે ભૂખી રહીને મને જમાડે.ત્યારે આજે આપણે જેટલાં સદ્ધર છીએ તેટલાં નહોતાં પણ મમ્મીએ મને ગમતી કે જોઈતી વસ્તુમાં કયારેય ના નથી કહી એ પોતાની વસ્તુઓ ના લે પણ મારી ગમતી વસ્તુ લાવે જ.મને ખૂબ પ્રેમથી લાગણીથી ઉછેર્યોં છે.

જાણું છું કે આ વાંચીને તને થશે કે આવું કોઈપણ મા કરે પણ "વ્હાલી"મમ્મીએ એ કઈ રીતે કર્યું એ પણ એકલપંડે અને જયારે ઘરમાં કોઈ પુરુષ ન હોયને ત્યારે એક બાળકને ઉછેરવું ખૂબ અઘરું બની જાય છે.લોકોની ઘણી ખરીખોટી વાતો પણ સાંભળવી પડે છે.મમ્મીએ મને પેટે પાટા બાંધીને મોટો કર્યો છે.મારાં મોજશોખ માટે કે હું ખુશ રહું એ માટે મમ્મીએ પોતાની બધી જ ખુશીઓ કુરબાન કરી છે અને હું કઈ રીતે વધુમા વધુ ખુશ રહું એવાં સતત પ્રયત્નો કર્યાં છે.

તું ઘરે આવી ત્યારથી જ મમ્મીએ તને તારાં મોડાં ઉઠવાં બાબતે કે તારાં મોર્ડન કપડાં પહેરવાની બાબતે તને રોક-ટોકી નથી,તું માને જ છે આ વાત એણે તને તારી મરજી મુજબ રહેવાની છૂટ આપી જ છેને?

હું જ્યારથી સમજણો થયો ત્યારથી જ મારી મમ્મી જ મારા માટે સર્વસ્વ હતી જેમ મમ્મી માટે હું!થોડો વધુ સમજણો થયો તો હું પણ વેકેશનમાં મમ્મી સાથે કામ પર જવાં લાગ્યો અને કોઈ દિવસ કામ ન કરેલું હોવાથી બિમાર થઈ ગયો,મમ્મીએ મારી ખૂબ સારવાર કરી,તાવ નહોતો ઉતરતો દવાથી પણ મમ્મીએ આખી રાત જાગે અને મને ઠંડાં મીઠાં પાણીનાં પોતાં આખી રાત મૂકે.હું જરાક કણસું અને પીડા મમ્મીને થાય.હું સાજો થયો પછી મમ્મી મને એની સાથે કામ પર ન જવા દેતી.મે મમ્મીથી છુપાઈને બીજી જગ્યાએ કામ કરવાનું શરૂ કરેલું જેથી મમ્મીને મદદ કરી શકું.પણ મા છે ને?એને ખબર પડી ગઈ કે હું કામ કરું છું તેથી મને એ કામ છોડાવી જ દીધું અને ભણવા પર જ ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું.મે એ પછી એમ જ કર્યું અને એ પછી આજે આપણે આટલા સદ્ધર છીએ,પણ મારી મહેનત અને મારી સફળતા પાછળ મમ્મીનો પરસેવો અને મહેનત એટલી જ છે, મારી સફળતા પાછળ મમ્મીનો ખૂબ મોટો ફાળો છે.

તું મોર્ડન વિચારોવાળી છોકરી છે હું અને મમ્મી આ વાત સમજીએ છીએ કયારેક તારા અને મમ્મીના ઝગડા પછી હું તને સહેજ પણ ઉંચા અવાજે કહું તો મમ્મી તરત જ કહે કે તું એને કંઈ ન કહીશ અને હું મમ્મીને એમ પણ કઉં કે તું દરેક વખતે એનો જ પક્ષ લે છે.તું જાણે છે મમ્મી ત્યારે શું કહેતી?એ કહેતી કે બેટા એ છે તો આપણે છીએ,એ ઘરની લક્ષ્મી છે અને મે એને વહુ નહીં પણ દિકરીની જેમ જ માની અને પ્રેમ આપ્યો છે.જયારે તું કાચી પાકી રોટલી બનાવે હું કદાચ કોઈ વાર કંટાળી ગયો હોઈશ પણ મમ્મીનાં શબ્દો હોય કે,"વાહ,આજ મારી દિકરીએ બહું સરસ રોટલી બનાવી છે."હસતાં મોઢે જ એ તારી કાચી પાકી રોટલી જમતી.એક વખત શાકમાં તારાથી મીઠું વધું પડી ગયેલું તો એ આક્ષેપ હું તારા પર ગુસ્સે ન થાઉં એ માટે મમ્મીએ પોતાના પર લઈ લીધો,ના "મીઠી" એ તારાં પર એણે અહેસાન નહીં પણ તારી પ્રત્યે એને પ્રેમ છે એટલે એમ કરેલું.મને પણ હંમેશાં કહેતી કે એ પોતાનું ઘર,પરિવાર,મિત્રો બધું જ છોડીને તારી સાથે આવી છે,હંમેશાં એને સુખી રાખજે,એનું દિલ ન દુભવતો અને એમ પણ કહેતી કે એનું માન જાળવજે જો તું એનું માન જાળવીશ તો જ બધાં જાળવશે.હું પણ તેવાં તમામ પ્રયત્નો કરતો કે તને ખુશ જોઈ શકું.

મમ્મી સાથેનાં તારાં ઝઘડાં એટલાં વધી ગયાં કે તું ઝઘડીને તારાં પિયર જતી રહી છે,મમ્મી સાથે વાતતો દૂર તું એનું મોઢું જોવાય રાજી નથી,તું જીદ્દ પકડીને બેઠી છે કે તારે અને મારે અલગ ઘરમાં રહેવાં જવું.આ કઈ રીતે શક્ય છે?મમ્મીની પણ હવે ઉંમર થઈ એ થાકી જાય છે અને એ પણ તારો પ્રેમ ઝંખે છે ફક્ત ને ફક્ત તારો પ્રેમ.તું એટલું પણ એમને નહીં આપી શકે?

તું મમ્મીને મળવાં,વાત કરવાં કે મોઢું જોવાય માંગતી નથી જેણે તારી માટે કંઈકેટલાય પ્રેમથી સપનાંઓ- સુખી ઘરનાં સપનાંઓ જોયા છે.મમ્મી છે એ આપણી "વ્હાલી"એ હંમેશાં આપણને ખુશ અને સાથે જ જોવા માંગે છે.આપણી ખુશી માટે એ કેટલું વિચારે છે.મમ્મીએ તું પિયર જતી રહી ત્યારે જ કહ્યું કે હું વૃદ્ધાશ્રમમાં જતી રહું અહીં તું અને વહુંબેટા રહેજો.તું જ કહે મને કે જેણે નાનપણમાં મારી આંગળી ન છોડી હોય એ આંગળી હું ઘડપણમાં કઈ રીતે છોડું?મારી મમ્મીની કુરબાનીઓ હું કઈ રીતે ભૂલું?તારી જાતને મારી જગ્યાએ રાખીજો અને મને જવાબ ન કઈશ તો પણ મનમાં-તારાં અંતરાત્માને પૂછજે કે શું તું જે કરી રહી છે તે વાજબી છે?તારું વર્તન યોગ્ય છે?

તારી અને મમ્મી વચ્ચે એટલાં મતભેદો અને રાગ દ્વેષ વધી ગયાં છે કે હવે તો તું મને મળવાનું પણ ટાળે છે તને હું છેલ્લા છ મહિનાથી મનાઉં છું પણ તું ટસની મસ થતી નથી.તું મારા મેસેજ કે ફોનનો જવાબ નથી આપતી અને તે મારા નંબર રિજેક્ટ લિસ્ટમાં રાખી દીધા છે,હું ગમે તેટલાં ફોન કરું તારાં ફોનમાં હું ફક્ત રિજેક્ટ લિસ્ટમાં રહી ગયો છું.શું મારું તારી ઝિંદગીમાં આટલું જ માન છે કે તે છ મહિનાથી મારી સાથે વાત નથી કરી?શું મારું આટલું જ મહત્વ છે કે તે છ મહિનાથી મારો ફોન રિજેક્ટ લિસ્ટમાં નાખી દીધો છે?શું તને મારી પર આટલી જ લાગણી હતી?શું મને તું યાદ આવે છે એમ હું તને યાદ નથી આવતો?શું તને આપણાં જોયેલાં સપનાંઓ હકીકત બનતાં નથી જોવાં?શું સાથે રહેવાનું આપણું સપનું સપનું જ બની રહેશે?શું તું મારી સાથે ખુશ નહોતી?આ બધાં જ સવાલોનાં જવાબ તું તારાં મનથી જાણજે અને જો યોગ્ય લાગે તો પ્લીઝ મારી સાથે વાત કરજે,મને મળજે અને આપણાં ઘરે આવતી રહેજે.

"જાના"હું તારી સાથે હંમેશાં હંમેશાં માટે જીવવાં માગું છું પણ મારી મમ્મીથી અલગ થઈને નહીં,અત્યારે તું ગુસ્સે છે,મગજ શાંત થાય અને ગુસ્સો ઉતરે ત્યારે મને પ્લીઝ બ્લોક લિસ્ટમાંથી કાઢી નાખજે.તારી પાસેથી માત્ર એટલી જ અપેક્ષા છે કે તું મને સમજીશ અને આપણાં ઘરે ફરી આવી જઈશ.એ સાંભળ,આવતાં અઠવાડિયે આપણાં લગ્નને એક વર્ષ થઈ જશે તો વ્હેલી આપણાં ઘરે આવ "વ્હાલી".

લિ.

તારી અને તારાં ફોનની રાહમાં ઝૂરતો "મંદાર".


Rate this content
Log in

Similar gujarati story from Romance