Viha Oza

Children Stories

5.0  

Viha Oza

Children Stories

માતૃત્વ

માતૃત્વ

3 mins
564


(આ પોસ્ટને જીવિત કે મૃત વ્યક્તિ સાથે કોઈપણ સંબંધ નથી,આ પત્ર કાલ્પનિક છે.)


દિકરી એટલે વ્હાલનો દરિયો. એ દરિયો કે જે હંમેશાં લાગણીથી તરબતર રાખે છે, તમને જીવંત રાખે છે. પણ જો જીવનના બાગમાંથી એ ફૂલ હંમેશાને માટે ચૂંટાઈ જાય તો જીવન જીવવું અઘરું બની જાય છે. એ દિકરી વિનાનું જીવન કેવું હોય એ દર્દ દર્શાવતો પત્ર અહીં રજૂ થયો છે.


"તારા વિનાનો મેં સુંઘ્યો છે પવન, મારા છલકાતાં શ્વાસ થઈ છું હું ખાલીખમ." - વિહા.

વ્હાલી દિકરી અન્વેષા..

     મારી વ્હાલી તને ખબર છે તને ફોટામાં જોઈને આજે પણ તારી મમ્મી ભાંગી પડે છે. દિકરા, તું મારી હર એક ધડકનમાં છે ,મારી નાનકડી ઢીંગલી તારા વિના હું અધૂરી છું. આજે જ્યારે કોઈની અંતિમયાત્રા જોઉં છું ને તો રડી પડાય છે. મજબૂત નથી રહેવાતું અને સાચ્ચું કહું તો મારે મજબૂત રહેવું પણ નથી. તને ગુમાવવાનો વસવસો જીવનભર રહેશે બેટા ! હું જ નહીં તારા પપ્પા પણ જ્યારે કોઈની સ્મશાનયાત્રામાંથી આવેને એ પછી ભાંગી પડે છે. લાડલી હોવાનો અહેસાસ મને અને તારા પપ્પાને જીવવા માટે કાફી હતો. જ્યારથી તું ચાલી ગઈ છે ને ત્યારથી ફક્ત સવાર અને સાંજ પડે છે, હવે ફક્ત દિવસો જાય છે.


તું જિંદગીમાં આવીને ત્યારથી અમારા હૈયાનો ધબકાર હતી. સવાર પણ તારાથી જ અને રાત પણ તારાથી જ થતી. હવે તારા હોવાનો માત્ર અહેસાસ જ બચ્યો છે. અમારો સપનાનો મહેલ તારાથી હતો, પણ એ સપનાનો મહેલ બનતાં પહેલાં એ કદાચ પત્તાનો બનેલો હતો જે બનતાં પહેલાં જ તૂટી ગયો.


તું જ્યારથી જીવનમાં આવીને ત્યારથી તને લઈને તારી ઈચ્છાઓને લઈને અમારે કેટકેટલું કરવું હતું. તારા માતાપિતા પછી પહેલાં તારા મિત્રો બનવું હતું. એવાં અંગત મિત્રો કે જેની સાથે તું ખુશીઓ સેલિબ્રેટ કરી શકે અને દુઃખમાં જેનો ખભો તને હુંફ આપે. પણ તું તો એ પહેલાં જ જતી રહી દિકરા. એ પણ કહ્યા વગર, તને આજે પણ તારા મમ્મી-પપ્પા શોધે છે. અમારા તલસાટમાં અમારા વલોપાતમાં તું છે.


કોઈ આટલું વ્હાલું સંતાન આમ થોડી કહ્યા વગર જાય ?અને આમ ચાલ્યું જવાતું હશે કંઈ ?નહોતું જવું. રહી જવું હતુંને મમ્મી-પપ્પા સાથે બેટા. નહોતું જવું કશે દિકરા નહોતું જવું. તારા વગર ફક્ત વસવસો બચ્યો છે વ્હાલી.


તું અમારા જીવનની રોશની હતી.ત ને ખબર છે તારો જ્યારે જન્મ થયોને તો તારા પપ્પા સૌથી વધુ ખુશ હતા. એમણે સ્પેશિયલ પાર્ટી પણ આપેલી અને અમને દુનિયા આખીની ખુશી આપી હતી. મારી લાડ્ડો તારા જન્મથી લઈને તારા મૃત્યુ પહેલાંની હર એક ક્ષણ તારાં પપ્પા એ કચકડામાં કંડારી છે એ એક ક્ષણ અમે હજી પણ જીવીએ છીએ. તારી રુહ, તારો અહેસાસ, તારી મૌજુદગી બધું જ છે બસ તારું અસ્તિત્વ અમારાથી અળગું ગયું છે.


આજે પણ આલીશાન ઘર, ધન દૌલત બધું જ છે. પણ તારા વિના કંઈ મજા નથી. જ્યાં ત્યાં મન ચકડોળે ચડી જાય છે. કંઈ જ સારું નથી લાગતું. સમય પણ પસાર નથી થઈ રહ્યો. જાણે સમય થંભી ગયો હોય એમ લાગે છે. તારા વગર તો આ જિંદગી પણ હવે બેઈમાન લાગે છે.


તને કેટલું બધું કહેવાનું છે મિઠડી. કેટલી બધી યાદો સંભાળવાની છે. તું જ્યાં છે ત્યાંથી પાછી આવીજા દિકરા. તારા મમ્મી અને તારા પપ્પા તારી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


લિ.તને પાછી મેળવવા વલખાં મારતી તારી મમ્મી.


Rate this content
Log in