વિરહ ભઈલાનો
વિરહ ભઈલાનો
"પુજા ઓ પુજા ..ક્યાં ખોવાઈ ગઈ ? ક્યારની તને બોલવું છું. જો આ રાખડી કેવી છે ? તને ગમે છે ને ! તો ફાઇનલ કરી દઉં. બોલ તારે કેટલી ખરીદવી છે." પ્રિયાની વાત પુજાને ક્યાં સંભળાતી હતી !
પુજાની આંખમાં આંસુ હતા. આજ રાખડી બાંધવા ભાઈઓ તો હતા પરંતુ સાત જન્મો સુધી સાથ નહી છોડવાનું વચન આપવાવાળો ભઈલો ક્યાં હતો ! આજ પણ પુજાની રાખડી આર્યની કલાઈની રાહ જોતી હતી. આજ ફરી પુજા દસ વર્ષ પહેલાંની યાદમાં ડૂબી ગઈ.
*************
"મમ્મી ચીબરીએ હમણાં જ તો કપડા ખરીદ્યા છે. હવે ક્યાં જરૂર છે ! અરે વાહ . . મારે તો ગીફ્ટ આપવાનું કેન્સલ ! ચીબરી તારી રક્ષાબંધનની ગીફ્ટ તો આવી ગઈ ને ! !" હમેંશા આર્ય પુજાને ચીબરી કહી ખીજવતો.
"મમ્મી. ... ભઈલાને કઈંક સમજવાને. દરેક રક્ષાબંધનમાં આવું જ કરે છે. પહેલા લલચાવે, પછી ગુસ્સો અપાવે, ને છેલ્લે પાછો મનાવે. આજ તો મને બહુ ગુસ્સો આવે છે. પેલું સો રૂપિયાનું ટીશર્ટ . એવી કંઈ ગીફ્ટ હોતી હશે... આ વખતે તો હું નહીં જ માનું. પહેલા ગીફ્ટ... અને હા. મારી ફેવરિટ ચોકલેટ નહીં મળે તો ! એક હાથે ગીફ્ટ અને બીજા હાથે રાખડી. નહીતર રાખડી કેન્સલ. " પુજા આર્ય કરતા નાની... એટલે થોડી લાડકી પણ વધારે. અને બધા હેરાન પણ એટલી જ કરે.
"પુજી ! આર્ય સાચું તો કહે છે. હમણાં જ તો ટીશર્ટ લીધું છે. હવે નહીં હો. . તારી ગીફ્ટ આવી ગઈ. ચાલ હવે ગુસ્સો ના કર. બે દિવસ પછી રક્ષાબંધન છે. ચાલ આપણે રાખડી બનાવીએ. તારો લાડકો ભઇલો છે ને ! પુજી ગીફ્ટ મળે કે ના મળે રાખડી તો બાંધવી જ પડે હો. સમજી. મારી નાની ટિંકુડી..." રજનીબેન આર્યની સામુ જોઈ મંદ મલકાય છે. કઈંક પ્લાન તો હતો જ બંનેના મનમાં.
"મને બધી ખબર પડે છે. હું કંઈ નાની નથી. તમે બંને મળી એક નાનકડી માસૂમ છોકરીને હેરાન કરો છો ને ! ! જાવ હું નહીં બોલું તમારી સાથે. હવે તો રાખડી નહીં જ મળે. તું તારી કલાઈ આખો દિવસ મારી સામે ધરીશ ને તો પણ રાખડી નહીં બાંધુ..." ઠેંગો દેખાડી પુજા ગુસ્સો કરે છે.
"પુજી એવું ના બોલાય બેટા. રાખડી તો પવિત્રતા અને પ્રેમની નિશાની છે. સૂતરનો દોરો પણ બાંધી દઈશ ને તો પણ ચાલશે. પણ રક્ષાબંધનના દિવસે ભાઈની કલાઈ સુની ના રહેવી જોઈએ. રક્ષાબંધન તો ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક છે." રજનીબેન થોડા ખિજાઈ ગયા.
પૂજા તો મો મચકોડી બહાર ચાલી ગઈ.
"આર્ય સાંજે તૈયાર રહેજે બેટા . તારા કપડાં લેવા જવાનું છે." રજનીબેન પુજાને સંભળાય તેમ મોટેથી બોલ્યા.
"હા મમ્મી મારે ચેક્સ વાળો શર્ટ અને જિન્સ લેવું છે. અરે વાહ. મને તો મજા પડી ગઈ... " આર્ય પુજાની સામે જીભડી કાઢી તેને ફરી ચીડવે છે.
હકીકતમાં પુજા આર્યની એક ને એક લાડકી બહેન છે. બહુ પ્રેમ કરે છે પૂજાને. પૂજા વગર એક દિવસ ના રહી શકે. રોજ પુજાને એકવાર હેરાન ના કરે ત્યાં સુધી તેનું જમેલું હજમ ના થાય. પુજા પણ ગુસ્સો કરે, પણ થોડી જ ક્ષણોમાં ભૂલી પણ જાય. આર્ય વગર તો પુજા પણ ક્યારેય ના રહી શકે. ભાઈ બહેનની જોડી હતી જ એવી !
રક્ષાબંધનના આગલા દિવસે પુજા રમતા રમતા પડી ગઈ. તેના હાથમાં ફ્રેકચર આવ્યું. પુજાનું રડવું બંધ જ નહોતું થતું. આર્ય તેને તેડી રિક્ષામાં બેસાડી દવાખાને લઈ ગયો. જાણે એક મા એક બાળકને વહાલ કરતી હોય તેમ આર્ય પુજાને ખોળામાં બેસાડી સાંત્વના આપતો હતો.
"પુજી હમણાં મટી જશે. તું રડ નહીં. હમણાં જ ડોક્ટર સારું કરી દેશે. કંઈ નથી થયું તને. મારી બેની તો બહાદુર છે ને ! તો પછી ! કેમ રડે છો ? હું છું ને તારી સાથે... અરે... કાલ તો તારે રાખડી બાંધવાની છે ! મને ખબર છે તે મારી માટે રાખડી બનાવી છે. તું જ્યારે રાખડી બનાવતી હતી ત્યારે હું છૂપાઈને જોતો હતો. અને મારી ચીબરી માટે ગીફ્ટ પણ તૈયાર છે. જોઈએ છે ને ! ! ! તારી ફેવરિટ છે... તું તો ગાંડી જ થઈ જઈશ જોઈ ને ! અને હા તારી ફેવરિટ ચોકલેટ પણ છે બકા. ચાલ હવે રડવાનું બંધ કર. જો આપણે દવાખાને પહોંચી ગયા. હમણાં જ મારી ચીબરી દોડતી થઈ જશે." આટલું બોલી આર્ય મોઢું ફેરવી રડવા લાગ્યો.
"ભઈલા તું રડીશ તો હું ફરી કીટ્ટા થઈ જઈશ. ભઈલા મારી રાખડી તારી વાટ જોવે છે. તું મને ગીફ્ટ નહીં આપે તો પણ ચાલશે. તું રડીશ તો હું પણ રડીશ." પૂજા આર્યને ભેટી રડવા લાગી.
પુજાને હાથે ફ્રેકચર હતું. ડોક્ટરે પૂરા હાથમાં પ્લાસ્ટર કર્યું. પુજાનો હાથ હલે પણ નહી.
"હું કાલે ભઈલાને રાખડી કેમ બાંધીશ ! " આટલું બોલી પુજા ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી.
"અરે પાગલ. તારા એક હાથમાં જ પ્લાસ્ટર છે. બંને હાથમાં થોડી છે ! સાવ ગાંડી છે તું.. તું રાખડી પકડી રાખજે, મમ્મી ગાંઠ વાળી દેશે. સિમ્પલ... અને એક સિક્રેટ કહું? મમ્મી કાલે તારા ફેવરિટ રસગુલ્લા બનાવવાની છે. કાલે તો મજા પડી જશે. હવે બહુ નાટક ના કર. કાલે વહેલી ઊઠી જજે. ચાલ હવે ઘરે." ભાઈનો બહેન પ્રત્યેનો પ્રેમ અવર્ણનીય છે.
પુજા ઊભી થવા જાય છે ત્યાં જ તેને ઠેસ આવે છે. તેની મમ્મી કંઈ કહે એ પહેલા જ આર્ય બોલી ઊઠે છે,"ખમ્મા મારી બેની"
પોતાના બંને બાળકોનો પ્રેમ જોઈ રજનીબેન ભાવુક બની રડવા લાગ્યા.
હવે તો પુજાને લાડ કરવાની મજા પડી ગઈ. મમ્મી ઘરનું કામ કરતી હોય ત્યારે આર્ય પુજાને બધી મદદ કરતો. પૂજાને પોતાના હાથથી જમાડતો. પુજાને કંઈ પણ જોઈતું હોય આર્ય હાજર જ હોય.
બીજા દિવસે બધા વહેલા ઊઠી ગયા. રજનીબેને પૂજાની થાળી તૈયાર કરી. આર્ય અને પુજા પણ નવા કપડાં પહેરી તૈયાર થઈ ગયા. પુજાએ બનાવેલી સુંદર રાખડી જોઈ આર્ય ખુશ થઈ ગયો. પુજાએ એક હાથે ભઈલાની આરતી ઉતારી. ભાલે તિલક કર્યું. અને એક હાથે રાખડી ભઈલાની કલાઈ પર મૂકી.
ફરી પુજા રડવા લાગી.
"અરે ગાંડી... મમ્મી રાખડી બાંધી દે તો શું થઈ ગયું. આ થોડી આપણી છેલ્લી રક્ષાબંધન છે. આપણો સાથ તો સાત જન્મનો છે. હું દરેક જનમમા તારો ભાઈ બનીને આવીશ. તને હેરાન કરવા..." આર્ય પુજાને પ્રેમથી સમજાવે છે.
"બસ ભઈલા એવું ના બોલ. મારી ઉંમર પણ તને લાગી જાય." પુજા હતી નાની પણ વાતો મોટા માણસો જેવી કરતી.
"બેની મારી કલાઈ હમેંશા તારી પાસે રહેશે. હું ક્યારેય તારાથી દૂર નહી જાવ. . એક ભાઈનું વચન છે. ગીફ્ટ નથી જોઇતી ?"
આર્ય પુજાને બોક્સ આપે છે.
"અરે વાહ પરીના કપડા. ભઈલા મને આ જ ગીફ્ટ જોઇતી હતી. " ખુશીથી પુજા ઉછળી પડી.
"અરે... અરે. ઉછળવાનું બંધ કર. હાથમાં પ્લાસ્ટર છે હો. ભૂલી ગઈ !..." આર્ય એક હળવું સ્મિત વેરે છે.
ભઈલાના હાથમાં રાખડી જોઈ પુજા કેટલી ખુશ દેખાતી. પરંતુ પુજાની ખુશી ભગવાનને મંજૂર નહોતી.
**************
"પ્રિયા તને ગમે તે લઈ લે. તારી પસંદ મને ના ગમી હોય એવું બન્યું છે કદી ! મને એક કામ યાદ આવી ગયું. તું તારી રીતે ઘરે પહોંચી જજે." આટલું બોલી પ્રિયા જાણે એક કાળી ડીબાંગ વાદળીને વરસાવવા એકાંત શોધી રહી હોય તેમ દોડી પડી.
દસ વર્ષ પહેલાં આર્ય કાર એક્સીડન્ટમાં મૃત્યુ પામ્યો. આજ પણ પુજા આર્યને યાદ કરી ધોધમાર વરસી પડે છે.
બીજા દિવસે રક્ષાબંધન હતી. દર વખતની જેમ પુજાએ આર્ય માટે પોતાના હાથે રાખડી બનાવી.
"ભાઈ તારી દસ રાખડી ભેગી થઈ ગઈ છે. હવે તો તારી કલાઈ આપ મને ! જો હવે તો મારા હાથમાં કોઈ પ્લાસ્ટર નથી. મારા બંને હાથ ખુલ્લા છે. હું જ તને રાખડી બાંધીશ. હવે હું મોટી થઈ ગઈ છું. અને હા ગાંઠ વાળતા આવડી ગઈ છે હો ! મમ્મીની મદદ નહીં લેવી પડે. ભઈલા મારે કોઈ ગીફ્ટ નથી જોઈતી. મને તારો સાથ જોઈએ છે ! તારી ફેવરિટ ડીશ બનાવી છે. જો તો ખરી ! તારી ચીબરી આજ એક શેફ બની ગઈ છે. તું મારી ડીશ ચાખીશ પણ નહીં ! ભઈલા હવે હું ક્યારેય ગુસ્સો નહીં કરું. તારું બધું માનીશ. જો હું તારી માટે તારો ફેવરિટ ચેકસનો શર્ટ લાવી છું. હવે તો આવી જા. કેમ માનતો નથી તું ! તને ખબર છે કઈ, મમ્મી પપ્પાની હાલત શું છે? તારા ગયા પછી તો તેણે જીવવાનું જ છોડી દીધું છે. ભઈલા મમ્મી, પપ્પા ફક્ત શ્વાસ જ લે છે. બાકી તેની જિંદગી તો તું ગયા પછી એક અંધારી કોટડી જેવી બની ગઈ છે. કેમ માનતો નથી તું? દસ વર્ષથી હું તને સમજાવું છું.. મારા પ્રશ્નનો કેમ જવાબ નથી આપતો. મને ખબર છે કે તું મારી સાથે છે. તો કેમ મને દેખાતો નથી ! ભઈલા મમ્મી પપ્પાને હું એકલી કેમ સાંભળું ! હવે હું થાકી ગઈ છું. ભઈલા મારે તારો સાથ જોઈએ છે.
જો આજ તો હું રાખડી બનાવવામાં માસ્ટર બની ગઈ છું. જો તને ગમતા મોતી જડ્યાં છે. તને ગણેશજીની રાખડી બહું ગમતી ને ! જો તો ખરી... આજ તો કેટલી સુંદર રાખડી બની છે. ભાઈ મને તારી કલાઈ જોઈએ છે. . ભાઈ આવ ને પાછો... તારી ચીબરીને રડતા જોઈ તને દયા નથી આવતી. કેમ બોલતો નથી.ભઈલા. ..." રડતા રડતા પૂજા ઢળી પડી. પણ પુજાને સંભાળવાવાળો આર્ય ક્યાં હતો હવે ! ! ! !
વિરહની વેદના ક્યારેય કોઈ સમજી નથી શક્યું.