આત્મવિશ્વાસ
આત્મવિશ્વાસ
નાનકડી પરી જેવી આસ્થાના લગ્ન બહુ નાની ઉંમરમાં જ થઈ ગયા. લગભગ ૨૫ વર્ષની વયે તો બે દિકરાની માતા પણ બની ગઈ. ખૂબ નાની ઉંમરમાં તેણે બધી જવાબદારી પોતાના ખભે લઈ લીધી. પ્રેમ અને લાગણીની જાણે નદીઓ વહેતી હતી. આસ્થા અને આકાશ બંને એકબીજાને ખુબ જ પ્રેમ કરતા હતા. એક બીજા વગર એક ક્ષણ માટે પણ રહેવું તેના માટે કપરું હતું. બંને એકબીજાને બધું પૂછી પૂછીને કરતા. બંને એકબીજાના દિલમાં શ્વાસ બનીને ધડકતા હતા.
આસ્થાની ઉંમર લગભગ ૩૫ વર્ષની હતી ત્યારે આકાશને હાર્ટ એટેક આવ્યો અને તેનું મૃત્યુ થયું. આસ્થા જાણે એક પથ્થરની મૂર્તિ બની ગઈ. ના હસતી, ના રડતી, ના બોલતી, કોઈ કંઈ પણ પૂછે તે એક શબ્દનો જવાબ પણ ના દેતી. બસ એક ખૂણામાં બેસી રહેતી. આસ્થાની આંખના આંસુઓ જાણે થંભી ગયા હતા. બસ આકાશના ફોટા સામે જોયા જ કરતી. તેના બંને દિકરાઓ પણ તેને બોલાવવા માટે બહુ પ્રયત્ન કરતા પરંતુ આસ્થા કંઈ જ બોલતી નહીં. બસ મૌન સહારો લઇ લીધો હતો તેણે.
લગભગ છ મહિના વીતી ગયા ત્યાર બાદ તેનો પરિવાર જાણે તેનાથી સાવ અળગો થઈ ગયો. બધા જ આસ્થાની વિરુદ્ધ જઈને ઊભા રહી ગયા. બસ આસ્થાને મેણાં મારતા કે તું મારા છોકરાને ભરખી ગઈ. તું ડાકણ છો. તું ચાલી જા અહીંથી.
ધીમે ધીમે આસ્થાના નામ ઉપર જેટલી પ્રોપર્ટી હતી બધી જ તેના સાસુ-સસરાએ હડપી લીધી. આસ્થા અને તેના બંને દિકરાઓને રોડ ઉપર રહેવા મજબૂર કરી દીધા. એટલું કંઈ ઓછો નહોતું તો તેના સાસુ-સસરાએ પોલીસ કેસ કર્યો કે મારા દિકરાના મૃત્યુ પાછળ તેની પત્ની જ જવાબદાર છે. તેના કારણે જ મારા દિકરાનું મૃત્યુ થયું છે.
હવે આસ્થાને શું કરવું કંઈ જ ખબર નથી પડતી. તેને થયું કે હવે હું કંઈ બોલીશ નહીં તો મારા દિકરાઓ નું શું થશે !
આસ્થા હિંમત કરી ઊભી થઈ. આખી દુનિયા તેની વિર
ુદ્ધ હતી અને આસ્થા પોતાના દિકરાઓ સાથે એકલી હતી. તેની પાસે એક પણ રૂપિયો નહોતો. ઘરમાંથી પણ તેને કાઢી મૂકી.
આસ્થાને આકાશની વાત યાદ આવી, આકાશ હંમેશા કહેતો કે પરિસ્થિતિ ગમે ત્યારે ગમે તેવી આવીને ઊભી રહે તો તેનો સામનો કરવો એ આપણી ફરજ છે. જો આપણે લડીશું તો જ આપણે જીતીશું. જો હારીને આમ ને આમ જ બેઠા રહીશું તો દુનિયા આપણો ફાયદો ઉઠાવશે જ.
આસ્થાએ પોતાનું મનોબળ મક્કમ કર્યું. પોતાના બંને દિકરા માટે લડવા તૈયાર થઈ. આકાશ ક્યારેય આસ્થાને દુઃખી ના જોઈ શકતો. આકાશ અને બાળકોની ખુશી માટે આસ્થાએ મૌન તોડ્યું.
અઘરું છે પૂરા પરિવાર સામે જઈ લડવું. જ્યાં ડગલે ને પગલે સાપની જેમ ફૂફાડો મારવાવાળા આવી જ જાય.
આસ્થા સોફ્ટવેર એન્જિનિયર હતી. એટલે નોકરી મળવામાં તો તેને તકલીફ ના થઈ. સારી એવી કંપનીમાં તેને નોકરી મળી ગઈ. તેણે ખૂબ જ મહેનત કરી. ઘરની બહારની અને બાળકોની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવતી. કોઈનો પણ સાથ નહોતો.
આસ્થાએ માં અને બાપ બંનેની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી. ક્યારેય પોતાના બાળકોને એવું મહેસૂસ ન થવા દીધું કે તેના પપ્પા તેની સાથે નથી. બંને છોકરાઓને ખૂબ જ ભણાવ્યા. આજ તેના બંને છોકરાઓ ડોક્ટર છે.
અસત્ય, દંભ, ઈર્ષા આ બધું જાજો ટાઈમ માટે ટકતું નથી. જ્યારે માણસ માણસાઈ ગુમાવી બેઠો છે ને ત્યારે અસત્ય અને ઈર્ષ્યાનો જન્મ થાય છે અને તેનું ટોળું તો વધતું જ જાય છે. આ સમયે આ બધા ને હરાવવા માટે ફક્ત અને ફક્ત એક જ વસ્તુ કામ લાગે છે અને એ છે માનવતા. જેમાં કોઈ ઈર્ષા, કોઈ દંભ, કોઈ સ્વાર્થ હોતો નથી. બસ નિ:સ્વાર્થ ભાવે આત્મ મનોબળ મક્કમ કરી તેની સામે લડશું તો એ બધાની હાર નક્કી જ છે.
હજારો ગણી ઈર્ષાને નાથવા માટે ફક્ત એક માનવતા નામનો શબ્દ જ પૂરતો છે.