kiranben sharma

Horror Romance

4.5  

kiranben sharma

Horror Romance

વિરાન હવેલી

વિરાન હવેલી

4 mins
401


તન્વીનાં પિતાને શહેરથી થોડે દૂર વિરાન જગ્યા પર બંધાયેલી એક જૂની પુરાણી વિરાન હવેલી ખૂબ ગમી જવાથી, તેને ખરીદી ત્યાં પરિવાર સાથે રહેવા જતા રહ્યા.

તન્વી અને તેના પરિવારમાં મમ્મી-પપ્પા, નાનો ભાઈ અને તેનો સૌથી પ્રિય બાબુ કૂતરો હતો. તન્વી માટે આ હવેલી કંઈક જાણીતી જાણીતી લાગી રહી હતી. તે જે પણ ખૂણામાં કે જગ્યા પર જતી, તેને એક અજાણી યાદ અને એ જગ્યાની જાણે તે જાણકાર હોય તેવું લાગતું હતું. તેના મનમાં એવા વિચાર આવતા રહેતા જાણે તે પહેલા પણ આ જગ્યા પર જ હતી.

તન્વી માટે આ હવેલીમાં સૌથી પ્રિય જગ્યા તેના ઓરડાની બહારની બાજુ પર પડતો ઝરૂખો હતો. હવેલીનું બાંધકામ જ એવું કરેલું કે તેના દરેક રૂમની બહાર નાના-મોટા ઝરૂખા બનાવેલા, જ્યાં ખૂબ જ આરામથી હરીફરી શકાય, દૂર દૂરનું પ્રાકૃતિક દ્રશ્ય જોઈ શકાય, ત્યાં ઝૂલા, સોફા, ખુરશી ટેબલ, મૂકેલા જેથી આરામથી, શાંતિથી પ્રાકૃતિક સૌંદર્યને માણી શકાય. તન્વી પોતાના બાબુને લઇને ખાસ આ ઝરૂખા પર જ સવાર-સાંજ વિતાવતી. તેને એક અનોખો લગાવો આ ઝરૂખા સાથે થઈ ગયો હતો. એ જાણે વર્ષોથી અહીં જ સાંજ વિતાવતી હોય તેમ લાગ્યા કરતું. તે મનમાં ઘણું યાદ કરવા મથતી પણ તેને યાદ ન આવતું. મન-મગજમાં અવારનવાર ઝાંખી ઝાંખી જૂની કોઈ યાદ તેને આવતી, અને રાતે સપનામાં તેને વિચિત્ર કંઈક દેખાતું , પણ તે તેને યાદ રહેતું ન હતું.

તન્વી એક રાતે તેના પલંગ પર સૂતી હતી, તેને તેના ઝરૂખા પર કોઈ વિચિત્ર પડછાયો ફરતો દેખાયો. એ પહેલાં તો ડરી ગઈ, આંખો બંધ કરી, રજાઈ ઓઢી લીધી. તેની આંખો ઘેરાઈ ગઈ, અને તે સૂઈ ગઈ. સવારે તે જ્યારે જાગી અને ઝરુખામાં ગઈ તો તેને ત્યાં એક નાનકડું બોક્સ મળ્યું. જેનાથી તેનો બાબુ કૂતરો રમી રહ્યો હતો. તેણે બોક્ષ લીધું તો તેમાંથી એક યુવતી અને યુવકનો ફોટો જોયો. જાણે બે પ્રેમી પંખીડા હોય તેમ લાગતા હતાં.

ધારી ધારીને જોતાં તેને યુવતીના ફોટામાં પોતાની જ ઝલક દેખાતી હતી. તે વિચારમાં પડી ગઈ. ઘણો વિચાર કર્યા બાદ પણ તેને કાંઈ ન સમજાયું ત્યારે તેણે તેના મમ્મી પપ્પાને પૂછ્યું,

"મમ્મી! આ ફોટામાં મારા જેવો જ ચહેરો કેમ છે ?" 

તેના માતા-પિતા પણ ફોટો જોઈ નવાઈ પામી ગયા. આ હવેલીનો એક ખૂબ જુનો ચોકીદાર હતો રામુકાકા. તન્વીને એ યાદ આવતા, તે રામુકાકા પાસે ગઈ, અને ફોટો બતાવી પૂછ્યું

"આ ફોટા માના યુવક-યુવતી કોણ છે ? "

રામુકાકાએ ઝીણી આંખ કરી, ચશ્મા ઠીક કરી, ઘણી વાર સુધી ફોટો જોતા રહ્યાં, તેમની આંખમાં ઝળઝળિયા આવી ગયા. તેમણે કહ્યું,

"મારા શેઠની દીકરી અને તેનાં પ્રેમીનો ફોટો છે. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. આ રાધા અને તેનો પ્રેમી મોહન છે. મોહન ગરીબ ઘરનો હતો અને રાધા તેના પિતા અમીર હતા. રાધાના પિતા મોટેભાગે બહાર જ રહેતા, ક્યારેક જ આ હવેલીમાં આવતા, આથી રાધા અને મોહન આ ઝરૂખામાં બેસી રોજ સાંજે વાતો કરતા, રમતાં ,મસ્તી કરતાં , બંનેનો નિર્દોષ પ્રેમ આ ઘરડી આંખોએ જોયો. એક દિવસ શેઠને આ વાતની ખબર પડી , તેમણે મોહનને બોલાવી, રાધા અને મોહનને સાથે જ આ ઝરૂખામાંજ તલવારથી વાઢી નાખ્યા, અને બન્નેને સાથે જ અહીં હવેલી પાછળ ચિતા સળગાવી બાળી મૂક્યા." રામુકાકા એ ભીની આંખો લૂંછી. વર્ષો પછી આ હવેલીમાં તમે રહેવા આવ્યા.જ્યારથી તન્વી બેટીને જોઈ, લાગ્યું કે ફરી રાધા બેટી આવી. બન્નેને મારી નાખ્યાં, આ વાતની જાણ મારા સિવાય કોઈને નથી. શેઠ- શેઠાણી પણ થોડા સમયમાં લાંબી બીમારી બાદ મૃત્યુ પામ્યા. હવેલી હવે વિરાન બની ગઈ. નાના સાહેબ ક્યારેક આવતાં પણ હવે તો તે પણ વિદેશ જતા રહ્યા."

તન્વી એ જ્યારથી ફોટો જોયો ત્યારથી તેના સપનામાં આવતો ઝરૂખો અને પેલો પડછાયો સ્પષ્ટ થઈ ગયો. તેને હવે મોહન દેખાવા લાગ્યો. તેના મનમાં અધૂરો રહેલો પ્રેમ ફરી જાગી ગયો. તે મોહન હવે નવા રૂપમાં ક્યારે મળે , તેની રાહ જોવા લાગી. કુદરતે ધાર્યું તે જ થાય.

એક દિવસ તન્વી ઝરૂખામાં ઊભી હતી. ત્યાં દૂરથી ખુલ્લી જીપમાં એક નવયુવાન તેની હવેલી તરફ આવતો જણાયો. નજીક આવતા તે એકદમ મોહન જેવો જ લાગ્યો. તન્વી અને તેનાં માતા પિતા તો તેને જોતા જ રહી ગયા.

"પારસ! મારું નામ. હું અહીં પુરાતન તત્વ ખાતા તરફથી જૂની ઇમારતો, હવેલી ,ખંડેરોની તપાસ - ચકાસણી અને માહિતી માટે આવ્યો છું. " 

તન્વીના માતા-પિતાએ તેને બેસાડી, હવેલી બતાવી, પારસને આ બધું જોયેલું જોયેલું લાગ્યું, તે પણ તન્વીને જોતાં જ રહી ગયો. તન્વીના માતા-પિતાએ પેલો ફોટો બતાવ્યો. ચોકીદાર સાથે વાત કરાવી. પાછલી જિંદગીની વાત કરી, પારસ અને તન્વીનાં પાછલા જન્મનો પ્રેમ ફરી પુનઃ જીવંત થયો. બન્નેએ એકબીજાને પસંદ કર્યા, અને અધૂરા રહેલા પ્રેમને પૂર્ણ કરવા લગ્નગ્રંથિથી જોડાયા.  

આજે વિરાન હવેલીનો ઝરૂખો તેમનાં પ્રેમની સાક્ષી પૂરતો ફરીથી હસતો ખેલતો બની ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Horror