PRAVIN MAKWANA

Romance Classics Inspirational

4  

PRAVIN MAKWANA

Romance Classics Inspirational

વિલ અને જોસેફાઇનનો લવ

વિલ અને જોસેફાઇનનો લવ

10 mins
518


વિલ પેરિસમાં રહેતો જુવાન છે. ફ્રેન્ચ કન્યા જોસેફાઇનને જ પ્રેમ કરીને પરણ્યો છે. લગ્નને ત્રણ વર્ષ થયા છે અને સુંદર પત્ની ઔર ખૂબસુરત દેખાવા લાગી છે. કારણ કે, પ્રેગનન્ટ છે. અલબત્ત, એ લગ્ન થયા ત્યારે જ વિલને એના બાપ જે ગામમાં એડના હુલામણા નામથી ઓળખાય છે, એવા એડવર્ડ જોડે ઝગડો થયેલો.

થયું હતું એવું કે સેંકડો વખત વિલ સાંભળીને થાકી ગયેલો એવી વાર્તા બાપુજીએ નવા મહેમાનો સામે શરૂ કરી. દીકરા વિલના જન્મ વખતે પોતાની વેડિંગ રિંગના કેવડી મોટી માછલી પકડી હતી, એની. એમ તો બનતા મૂડમાં આવે ત્યારે દીકરાને બદલે પોતાના જન્મની કથા કહેવા ય બેસતા. કેવો ફાસ્ટ બર્થ હતો કે એડ જન્મતાવેંત ઝાલ્યો ઝલાવાને બદલે દૂર બંદૂકમાંથી ફૂટતી ગોળીની જેમ ફંગોળાયો હતો ! આવા જ ગપ્પા બચપણથી બાપ પાસેથી વિલ સાંભળતો આવતો. દરેક વાતના જવાબમાં બાપા પાસે એમની આત્મકથાનો કોઈ રસપ્રદ ટુકડો હાજર જ હોય.

'એક વખત' તો આમ થયેલું, ને મેં પછી તેમ કરેલું' એવું બધું. પારકી નહિ, પોતાની વાર્તાઓ. વાચાળવૃત્તિ ને રસાળ રહસ્ય પેદા કરતી વાર્તાઓ સાંભળનારાને રોમાંચક લાગે ને મજા પડે. પણ ઘરના વારંવાર એ સાંભળી ચૂકેલા સભ્યોને પછી સજા લાગે. આમે ય કોઈ પણ પબ્લિક પરફોર્મર હોય, બીજાઓ માટે એની કોઈક વાર હોવાને લીધે જે ખૂબી એન્ટરટેઇનિંગ લાગે એ જ નિકટ પરિવાર માટે એનોયિંગ ખામી લાગે ! મતલબ, ગામને ક્યારેક જ હળવા મળવા જોવા સાંભળવાને લીધે મનોરંજક ભાસતા મહાત્માઓ ઘરના સભ્યો માટે માથાના દુ:ખાવા થઈ જતા હોય ! અલબત્ત, વિલના આવા સ્ટોરીટેલર બાપુજી એડની પત્ની ને વિલની હવે વૃદ્ધ માતા સાન્ટ્રા હજુ ય એડની વાતોમાં ભરોસો મૂકી એ સાંભળતી કે આદતવશ સહી લેતી. પણ નાનપણમાં જે વાર્તા અદ્ભુત લાગતી એ જુવાન થયેલા વિલને કંટાળાજનક લાગતી.

એટલે એ તાર્કિક સવાલો પૂછતો. આવું તે કંઈ થોડું હોય કહીને આ ચમત્કારિક લાગતા પિતાના વિવિધ જીવન પ્રસંગોને આધારહીન ફેંકાફેંકી માની અકળાતો ને ખીજાતો. પિતા પ્રેમાળ. એમ તો નાના ગામમાં મોટું ઘર પણ આ જ્યારે ને ત્યારે વાતમાં વધુ પડતું 'મોણ' નાખવાની કુટેવ માટે બાપ તરફ ગિન્નાયા કરતો. એટલે જ પોતાના લગ્નના દહાડે બાપાએ ફરી ગપગોળા લાગતી જીવનકથા શરૂ કરતા એનો બાટલો ફાટેલો ! પછી એ ત્રણ વર્ષ બોલ્યો જ નહોતો બાપ સાથે. અને એને કોલ આવ્યો કે વૃદ્ધ પિતાને કેન્સર છે, પથારીવશ છે, મળવા માંગે છે વિલ હજુ ઘુંઘવાયેલો હતો, પણ એની પત્ની જોસેફાઇન પ્રેમાળ અને સમજદાર હતી 'મારે ય જઈ મમ્મીજી- પપ્પાજી જોડે થોડો સમય રહેવું છે, ચાલો જઈએ, જવું જ જોઈએ.'' કહી એ યુવાન પતિને પોતાના સાસરે, એટલે કે વિલના ઘરે ધરાર લઈ આવી. હવે ઉંમરથી થાકેલા બીમાર સસરાજી પોતાના ગ્રાન્ડ કિડને પેટમાં ઉછેરતી આ મમ્મીને ય વાર્તા સંભળાવે અને એ ય હોંશથી સાંભળતી.

તો છૂટી છવાઈ રીતે રજૂ થતા એ સ્ટોરીનુમા પ્રસંગોનો સળંગ ગ્રાફ કંઈક આવો થતો હતો. નાનકડા જૂના જમાનાના અમેરિકન ગામડામાં એક તોફાની. કંઈક નવું ને જુદું કરવાનું એને જોશ. ગામમાં એક પ્રૌઢ કદરૂપી સ્ત્રી જંગલ જેવા વિસ્તારમાં ભૂતાવળ જેવા ઘરમાં એકલી રહેતી. મિત્રો જોડે ટીનેજર એડ એને સતાવવા તોફાન કરવા ગયેલો. ગામ એને ડાકણ કહેતું. એણે બાકીના મિત્રોને એક દિવસ માટે જાદૂથી ડુક્કર બનાવી દીધા, પણ એક આંખ વાળી એ બાઈએ એડને નજીક આવવા દીધો. કહેવાય છે કે એડવર્ડે એની એ ટેલીસ્કોપા કાચ જેવી મોટી અર્ધગોળાકાર આંખમાં પોતે કેવી રીતે મરવાનો છે, એ જોઈ લીધેલું !

એ ઘટનાના બે તારણ નીકળ્યા. એક તો એડ નવા સાહસો માટે કદી પાછું વળીને ન જોનારો નીડર નવજવાન બન્યો. કારણ કે, એનું મોત કઈ રીતે થશે એ એને ખબર હતી. માટે બીજી આફતોમાંથી એ બચી જશે, એનો આત્મવિશ્વાસ બુલંદ હતો. બે, દુનિયા મોટે ભાગે જેનને વિચિત્ર કે શેતાની કહી કાનાફૂસી કરી ખોટી વાતો ઉડાડી બીજાને બીવડાવે એવી મોટા ભાગની બાબતો એવી કંઈ ડરામણી, ભયાનક કે શંકા કરવા જેવી નથી હોતી. મૂળ તો આવી વ્યક્તિઓ એકલી હોય છે, સમાજથી તરછોડાયેલી કે કપાયેલી હોય છે, એનો અહેસાસ એડવર્ડને થઈ ગયેલો.

એમાં એ નાના ગામમાં મૂછનો દોરો ફુટવાની ઉંમર હીરો ગણાતો. દેખાવડો, સ્પોર્ટસમાં આગળ, ભણવામાં-વાંચવામાં હોશિયાર. શારીરીક રીતે ખડતલ. વાતોમાં રસિક. એટલે જ ગામમાં નવી ચેલેન્જ આવી ત્યારે મોતનો ડર નહિ, ને મનથી એકલા થયેલા લોકો જ વધુ ચીડિયા હોય એ ગાંઠ મારી પડકાર ઝીલ્યો એણે. ગામના પશુઓ ખાઈ જતો એક 'રાક્ષસ' આવેલો અચાનક સીમની ગુફામાં !

એડ એને લલકારવા ગયો, ત્યારે જોયું કે 'રાક્ષસ' એકચ્યુઅલી એક ઉંચો તગડો કુદરતી રીતે થયેલો (ગ્રેટ ખલી જેવો) જાયન્ટ સાઇઝનો ઈન્સાન છે. આમ દુનિયા એને નોર્મલ નથી ગણતી એટલે પેટ ભરવા આવા ખેલ કરે છે. 

એણે એને કહ્યું કે 'તારા માટે આ ગામ નાનું છે. ને મને ય થાય છે કે હું બિગ ફિશ ઈન સ્મોલ પોન્ડ છું. અર્થાત મને ય આ મૂળિયાથી આગળ વિસ્તરવું છે. બહાર જઈને કશુંક મોટું કરવું છે, નામદામ કમાઈને મોટા માણસ બનવું છે. ચાલ મારી જોડે અહીંથી.'

અને આમ એડવર્ડ આંખોમાં સપના આંજીને નાના ગામને છોડી વિસ્તરણની વાટ પકડે છે. એ અને જાયન્ટ સાથે ચાલે છે, પણ માર્ગમાં બે ફાંટા પડે છે. એડવર્ડૅ એડવેન્ચરના સ્વભાવથી અજાણ્યો રસ્તો લે છે. એમાં તોફાન ત્રાટકે છે. પાણી અને ગ્રીક દંતકથાઓ જેવી પ્રલોભનના પ્રતીક જેવી 'સિડક્ટ્રેસ' સુંદરીને વટાવી એ એક નાનકડા રૂપકડા ગામ નામે 'સ્પેક્ટર' પહોંચે છે. એ ગામ હાશકારા અને નિરાંત ચિત્તનું થાણુ છે. ત્યાં બધા જ લોકો બસ હસીખુશીના ખજાના લઈ સેલિબ્રેશન મોડમાં જ જીવે છે ! વ્હાલથી અજાણ્યા અતિથિનું પોતીકું સ્વાગત કરે છે. નાચે ગાય છે, સરસ ભોજન કરાવે છે. જ્યાં એક 'કવિ' છે, જે બાર વર્ષથી કવિતા રચવા મથે છે. પણ 'ધરતી કેવી લીલીછમ, આકાશ કેવું ભૂરું ભૂરું. સારું ગામ કેવું રળિયામણું' જેવી તુકબંદીથી આગળ એ ભોળો જીવ કશું લખી શકતો નથી. ત્યાં યુવાન એડવર્ડને એનાથી દસ વર્ષ નાની જેની મળે છે. જેને, આ સોહામણો તાજો યુવાન ગમી જાય છે.

બધા એને રોકાવાનો આગ્રહ કરે છે. પણ એડને લાગે છે કે આરામના આ ધામમાં એ 'સમયથી વહેલો' આવી ગયો છે ! એ જીવન ચલને કા નામ માની ભોળા અને પ્રેમાળ પરગજુ એવા એ ગામવાસીઓને મૂકી આગળ વધે છે. વળી પેલો છુટો પડેલો ઉંચોતગડો જાયન્ટ મળી જાય છે. એનાં એ સરકસમાં જઈ ચડે છે. સરકસનો ઓછી હાઇટ ધરાવતો 'બટકો' મેનેજર અનુભવી પણ મૂંહફટ છે. ત્યાં જાયન્ટને કામ મળી જાય છે એટલે એ રાજી થઈ જાય છે કે લોકોને ડરાવવાને બદલે મોજ કરાવીને પેટ ભરી શકાશે. એમાં એક સુંદર યુવતીને સરકસ જોવા આવેલી જોઈ એડને તો 'લવ એટ ફર્સ્ટ સાઇટ' જેવો પહેલા નશા, પહેલા ખુમાર થઈ જાય છે. બસ, આ જ મારી મંઝિલ, એના માટે જ મારામાં હૃદય ધબકતું થયેલું એવું લાગે છે. પણ સોશ્યલ મીડિયા વગરના યુગમાં ભાળ કેમ મળે ? મેનેજરને ખ્યાલ આવે છે કે કઈ બ્યુટીને લીધે ફેમસ છોકરીની વાત ચાલે છે. પણ એ શરત મૂકે છે કે મફતમાં સર્કસમાં કામ કરવાનું તો દર મહિને એના વિશે એક વિગત આવશે. (પ્રેમમાં શોધ કરવા નીકળેલા સામે પઝલ જેવી કસોટીઓ દરેક પ્રદેશની લોકકથામાં નથી હોતી ?) એડવર્ડ તો એ તરત કબૂલ કરે છે.

સમય વીતતો જાય છે. વર્ષો વીતે છે. એમાં અચાનક એડ એક વેરવુલ્ફ (માણસના રૂપમાં ફરતું વરૂ)નો સામનો રાતના કરે છે, એને મારવાની તૈયારીમાં હોય છે પણ બાજુના જોકરની આંખની ઉદાસી જોઈ, એ એને જીવતું છોડી દે છે. પછી ખબર પડે છે કે એ વેરવુલ્ફ જ પેલો સર્કસનો મેનેજર છે. માણસો ખાવાને બદલે રાતના તંબૂ તાણ્યા હોય એ નજીકના જંગલમાં જઈ શિકાર કરી આવે છે. આવી બેવડી જિંદગીથી એ રાજી નથી, પણ એ કુદરતની કરામત છે. એટલે ખીજાયેલો રહે છે આસપાસના જગત પર, ને ખુદ પરનો ગુસ્સો બીજો પર કાઢતો ફરે છે ! એડના સમજદારીભર્યા જીવતદાનથી ખુશ થઈ એ પેલી છોકરીની બધી જ વિગતો એને આપે છે.

એડવર્ડનો ગોલ સરકસમાંથી મળતા નામ-દામ નથી. પેલી ગમી ગયેલી છોકરીનો સહવાસ છે. એ બધું છોડીને ભાગે છે એની પાસે પણ એમાં સમય વીતી ગયો હોય છે. એ ગાળામાં એડના જ ગામના એક ચાર્મિંગ પણ અંદરખાને સ્વભાવમાં રેઢિયાળ એવા દોસ્ત સાથે એ ડ્રીમ ગર્લ નામે સાન્દ્રાની સગાઈ થઈ હોય છે. માણસે લડવું જ જોઈએ પણ ક્યારે સઢ સંકેલવા એ ય ખબર હોવી જોઈએ એવું કહેતો એડ અહીં ખુદ જ મૂર્ખની જેમ હાથ માંગવા તો ય ધસે છે. ના, હરીફને પછાડતો નથી હજારો ડિફોડીલ્સ વાવ્યા હોય છે પ્રતીક્ષામાં પ્રેમની, એ ફૂલો વચ્ચે એ ઢોરમાર ખાય છે. એટલો માર ખાય છે કે આવી રીતે મારામારી કરતા પશુ જેવા માણસ સાથે જીવવું નથી કહીને સાન્દ્રા સગાઈ તોડે છે અને એડ યાને એડવર્ડને પ્રેમ કરી, એની જીવનસંગિની બની જાય છે!

પછી તો જે આ વાર્તાઓ સાંભળી ધૂંધવાઈ ગયો છે એ બાળક વિલ જન્મે છે. બાપ એડવર્ડ તો યુદ્ધમાં જોડાય છે કોરિયાના. એમાં વળી 'સિયામીઝ ટ્વીન્સ' કહેવાય એવી બે જોડકા બહેનો એને દુશ્મન લશ્કરના કેમ્પમાં મળે છે. એ જાનના જોખમે એને બચાવી અમેરિકા લઈ આવે છે. પ્રોસ્ટિટયુટ જેવા કામ છોડાવી સર્કસના અનુભવે એમના શો ગોઠવી ડિગ્નીફાઈડ લાઇફમાં સેટ કરે છે. અને ખુદ પરિવાર માટે ટ્રાવેલિંગ સેલ્સમેન બની જાય છે. એવી જ એક સફરમાં એને એક ધાડપાડુ મળી જાય છે, જે એને પરાણે બેન્ક લૂંટવા લઈ જાય છે! ચાલો, કોઈક વાર આય અનુભવ કરી જોઈએ એમ માની કૂતુહલથી એ આમાંય જોડાય છે. એ ચોર બનેલો શખ્સ પેલો વર્ષો પહેલા સ્પેક્ટર ગામમાં મળેલો કવિ છે! કવિતાની નેચરલ ટેલન્ટ વિના કવિ થવાના બહુ પ્રયાસો પછી ફસ્ટ્રેટ થઈ એ ગામ મૂકે છે ને પૈસા કમાવા બેંક લૂંટનાર બન્યો છે. બેન્કમાં તો કશું નીકળતું નથી અને એ લૂંટારાનો કવિજીવ કોઈને મારવામાં માનતો નથી, એ જોઈને સેલ્સમેન એડ કહે છે કે પૈસા કમાવા હોય ને ખાલી સમય હોય તો વોલ સ્ટ્રીટમાં જઈને શેરબજાર કર, સુખી થઈશ. ઓળખાણો પર થોડું કામ અપાવું.

આમ ચાલતી સફરમાં અનાયાસ ફરી એ સ્પેક્ટર ગામે જઈ ચડે છે. એ કથાનું વર્ણન કરતા એ કહે છે, ''એક જ માણસ અલગ સમયે ચીજોને અલગ રીતે જોતો થઈ જાય છે!'' હવે કંઈક તો પેલી ટીનએજની જવાન ગુલાબી સ્વપ્નિલ નજર નથી રહી એટલે અને કંઈક 'વિકાસ'ના રસ્તા ગામ સુધી પહોંચી જતા ગામમાં ઇર્ષા, માથાકૂટ, ક્રાઈમ વધી જતાં ઘણા ગામ છોડી ગયા ને ઘણા બરબાદ થઈને ફતનદેવાળીયા નશાખોર થઈ ગયા એમાં ફેરીટેલ ફેન્ટેસી જેવું ગામ હોરર થઈ ગયું હોય છે. અને એડવર્ડ એના રિયલ એસ્ટેટના મિત્રોની સહાયથી એક સમયે ખૂબ ગમેલું આખું ગામ 'ખરીદી'ને નવું વસાવે છે, જૂના લોકોને ફરી વસાવે છે!

રીડર બિરાદર, આ વાર્તાઓ મરવા પડેલો પિતા એડ એના પત્રકાર તરીકે સત્યશોધક પુત્ર વિલને કહે છે. તબિયત એની સતત લથડે છે. વિલ સચ્ચાઈ શોધવા બીજા લોકોને મળે છે. 'આર્ટ ઇઝ ફોર્મ ઓફ લાઈંગ' ક્વૉટ એને સમજાતું નથી. ખાના ફંફોસતા એને સ્પેક્ટરનો નકશો જડતા એ ત્યાં જઈ ચડે છે. પેલા વર્ણન જેવું તો નહિ પણ હવે ખંડેર થવા લાગેલું એક જૂનું નાના કસબા જેવું કામ ત્યાં ઉભું હોય છે. જેમાં એક ઘર જીવંત છે. જેમાં એકલી પ્રૌઢ સ્ત્રી રહે છે. પેલી દસ વર્ષ નાની જેની એડને મળેલી એ! એ વિલને આ છેલ્લી કથા કહે છે કે કેવી રીતે એડે ગામ બેઠું કરવા મહેનત કરેલી. ''કોઈ અઢારનું ને કોઈ દસનું હોય તો પ્રેમ ન થાય. પણ કોઈ ૩૮નું ને કોઈ ૨૮નું હોય તો થાય પણ ખરો. એટલે તારા બાપને મેં બહુ પ્રેમ કર્યો, એ મને મારી લાગણી સમજી મળવા આવતો, આ મકાન પણ બનાવી આપ્યું. પણ હું એને પ્રેમ કરતી, અને એ તારી માને. એણે એને તરછોડી નહિ, હું એકલી જીવતા શીખી ગઈ!''

હવે વિલને લાગે છે કે બાપને એ બરાબર સમજ્યો નથી. નાના ગામ, સંઘર્ષની સર્કસથી સેલ્સમેન સુધીની જીંદગી, પ્રેમ-પુત્રની કાળજીને જે મળે એ મિત્રોની મદદમાં થોડીક કલ્પનાની રંગપૂરણી કરવી એ ક્રેઝીનેસ, કમ્પેશન, ક્રિએટિવિટીથી ઓર્ડિનરી લાઇફને એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવતો હતો! એને યાદ આવે છે કે એક વાર પોતે પિતાને પૂછેલું 'તમે સાચે કોણ એ સમજાતું નથી!' ને એડે કહેલું કે, 'હું તો જન્મથી હું જ છું. બીજો કોઈ ન જ હોઉં ને. પણ એ તને ગળે ન ઉતરે એ તારો પ્રોબ્લેમ છે!'

અને એને અહેસાસ થાય છે કે એ ચીકણો પંતુજી બની કેવળ 'ફેક્ચ્યુઅલ ટ્રુથ'ના માસ્તરિયા કાનૂની ચોકઠાંથી જ જીવન બ્લેક એન્ડ વ્હાઇટ જોયા કરતો હતો. ને એનો બાપ એવા જડ સત્યોને વળગી રહેવાને બદલે જીવનના સત્યો પામી ગયેલો. ફેક્ચ્યુઅલ ફન્ડામેન્ટલિઝમના ત્રાસવાદ સામે એણે પોઝિટિવ ઈમેજીનેશનનું કલરિંગ કરેલું. ફેક્ટસથી કોઈનું ભલું ન થાય, પણ ફીલિંગથી થાય. લાઇફ ઇઝ નેરેટીવ ટ્રુથ. ઘટનાઓ તો સારી ખરાબ બન્યા કરે. આપણે એનો અર્થ કેવો કાઢવો ને એ અનુભવમાંથી શીખી કેવા ઘડાયા એ ખરી સચ્ચાઈ. શબ્દોના આંકડાઓના, દેખાડાના સત્યોની પેલે પાર જીવનના સત્યો છે: પ્રેમ, ક્ષમા, ઉદારતા, મદદ, સાહસ, સેવા, પરિવાર, મૈત્રી, સૌંદર્ય, આનંદ, સહયોગ...

વિલ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લેતા પિતાને હવે પોતે વાર્તા સંભળાવે છે. બાપ એ ચેન્જ જોઈ ખુશ થાય છે. વિલની વાર્તા એવી છે કે ભવ્ય ઉત્સવ જેવા વાતાવરણમાં એ પિતાને લઈને સમંદર કાંઠે જાય છે. પિતા બધા વ્હાલા સ્વજનો સામે જુએ છે ને પછી અફાટ સમુદ્રમાં તરતી વિરાટ માછલી બને છે. મત્સ્યાવતાર જેવું! ફાઈનલી હી ઇઝ બિગ ફિશ ઈન બિગ પોન્ડ! વાર્તા પૂરી થાય ત્યાં પિતાનું જીવન પણ પૂરું થાય છે.

અને વિલ ચોંકે છે ત્યારે કે ગ્રેવયાર્ડમાં બાપની અંતિમ વિદાયમાં એને ખોટી લાગતી એ વાર્તાઓના પાત્રો જેવા લોકો આવે છે. એકલી રહેતી ને એને ચાહતી હવે ડાકણ જેવી થઈ ગયેલી જેની, ગુસ્સાવાળા સ્વભાવથી વરૂ જેવો ઘરડો સર્કસ મેનેજર, સિયામિઝ ટ્વિન્સ બહેનો જેણે કદાચ કદી યુદ્ધ ન જોયેલું, શેરબજારમાં કમાયેલોને એમાંથી જ એડવર્ડને ઘર લેવામાં મદદ કરનાર કવિ, એક ઉંચોતગડો આદમી...

અને એને ખ્યાલ આવે છે કે, મરવાનો ડર જ બચપણથી ફગાવીને જીવતો બાપ 'બિગ ફિશ' ન બન્યો. પણ લિટલ ફિશ બની એણે બધાની મદદ કરેલી એને સમાજ સમજી ન શકતો તેવા સામાન્ય કે મિસફિટ લોકોની લાઇફમાં એન્ટર થતા આવડતું. એના સંપર્કમાં જે આવ્યા એ સારા માટે બદલાતા ગયા, પિતા એડે તો જીવતા જ હીરો જેવું નિર્વાણ મેળવી લીધું. સંતાનો જેને ચાહે એ મા-બાપ મહાન જ કહેવાય ને! એ ડ્રીમવર્લ્ડના એસ્કેપ થકી કોઈની ટફ સિચ્યુએશનને ટચ કરતો!

એકલા રહેવાથી એકલતા લાગે એવું નથી, સમજી ન શકતા ટોળા વચ્ચે ઉલટી વધુ એકલતા લાગી શકે છે! એવું વિચારતા વિલને બધાએ કહ્યું, 'તારા પિતા અમારી વાર્તાના ને અમે એની વાર્તાના હીરો હતા, એ કિસ્સા જ અમર રહેશે. અમારા જીવનમાં જે થયું એ જ નાની મોટી વાર્તાઓ બની. તું તારા સંતાનને કહેજે કે જે માણસ પોતાની પાછળ વાર્તા મૂકી જાય છે તે જ અમર બને છે!'

અને વિલે એક દૂર ઉભેલા બૂઢા આદમીને જોઈને પૂછ્યું, 'મારા પિતાએ તમારા માટે શું કરેલું?'

'મને હસાવેલો!' એ બુઝર્ગે ધૂંધળી આંખે, ધૂ્રજતા હાથે બોખું સ્મિત કરતા કહ્યું !


Rate this content
Log in

Similar gujarati story from Romance