Raman V Desai

Classics

0  

Raman V Desai

Classics

વિકાસ ૫

વિકાસ ૫

16 mins
464


સૂર્ય નમતો હતો. શહેરના આછી વસ્તીવાળા એક ભાગમાં વંડો વાળેલી એક હવેલી હતી. વંડાની અંદર હવેલીની બાજુમાં બગીચો હતો અને બગીચામાં ટેનીસની રમત રમવાનાં સાધનો હતાં. હવેલીના ઓટલા ઉપર એક મોટી પાટ હતી અને પાટ ઉપર હવેલીના માલિક જયકૃષ્ણદાસ બિરાજ્યા હતા. જીવનભર ધન મેળવવામાં રોકાયેલા આ ધનિકનો દેહ સુખની સાક્ષી આપતો હોવા છતાં તેમના મનમાં સુખનો પ્રવેશ થયો હોય એમ અત્યારે તો લાગતું ન હતું. તેમના પગ આગળ એક માળા પણ પડી હતી. આસપાસ થોડા નોકરો ફરતા હતા.

દરવાન દરવાજેથી જરા આઘો ખસ્યો હતો. દરવાજામાંથી એકાએક ખણખણ કરતા બે બાવાઓએ હવેલીના વંડામાં પ્રવેશ કર્યો. પાટ નજીક આવી 'અહાલેક'ની બૂમ સાથે બન્ને બાવાઓએ સ્થિર ન રહેતાં ઊભે ઊભે પગલાં મૂકવા ઉપાડવા માંડ્યાં.

તે જ ક્ષણે હવેલીની સીડીએથી એક યુવતી અને ત્રણ યુવાનો મોટેથી હસતાં હસતાં અને બોલતાં બોલતાં ઊતરી આવ્યાં. યુવતી નાજુક હતી; તેનું માથું ખુલ્લું હતું અને વાળની સેર તેની પીઠ ઉપર લંબાઈ હતી. તેનો ઉરભાગ પણ અર્ધ ખુલ્લો, શરીરશાસ્ત્રના અભ્યાસી કે ચિત્રકારને માટે સાર્વજનિક સગવડ પૂરી પાડવા સર્જાયો હોય એટલો સ્પષ્ટ થતો હતો. બે યુવકોએ રમતને યોગ્ય અંગ્રેજી અર્ધ પોશાક પહેર્યો હતો, અને એક યુવકે સફાઈબંધ ધોતિયું અને રેશમી કુરતું પહેર્યાં હતાં. એ ચારેને જોતાં બરોબર જયકૃષ્ણદાસની આંખો ફરી ગઈ અને તેમના મુખ ઉપર જલ્લાદની ક્રૂરતા છવાઈ રહી. પગ પાસે પડેલી માળા તેમણે હાથમાં લીધી.

પરંતુ ચારે યુવકયુવતીને તેમની વાતચીત અને હાસ્ય એટલાં એકાગ્ર બનાવી રહ્યાં હતાં કે તેમને જયકૃષ્ણદાસ તરફ નજર કરવાની પણ ફુરસદ ન હતી. છતાં ઓટલાના પગથિયા નજીક ખણખણ અવાજ કરતાં વિચિત્ર વેશધારી બે માનવો તરફ તેમનું ધ્યાન ગયા વગર રહે એમ હતું જ નહિ. પગથિયે ઊતરતાં જ યુવતીએ કહ્યું :

'આ તમારા ધર્મનું પરિણામ !'

'સુધરેલું જગત આ જોઈ હિંદને હસે એમાં કાંઈ આશ્ચર્ય ?' એક યુવકે કહ્યું.

'બાવન લાખ સાધુઓએ હિંદનું સત્યાનાશ કાઢી નાખ્યું !' બીજા યુવકે કહ્યું. જાણે બાવન લાખ સાધુઓ સિવાયના બીજા હિંદવાસીઓએ હિંદને ઉદ્ધારી નાખ્યું હોય !

'હું જો હિંદનો સરમુખત્યાર હોઉં ને તો એ બાવને લાખ સાધુઓને સૈન્યમાં મૂકી દઉ !' ત્રીજા બહાદુર યુવકે કહ્યું. હિંદનો યુવક સેંકડો વર્ષોથી પોતાનાં યુદ્ધ બીજાઓ દ્વારા જ લડે છે. એને સૈન્યમાં જોડાવું જ નથી, એટલે સરમુખત્યાર થવાની તાકાત તેનામાં હજી આવી નથી. એની સરમુખત્યારીના સ્વપ્નમાં મોટાં 'જો' અને 'હોઉં' સરખા ઓથારો એના સ્વપ્નને પણ સફળતાથી સંપૂર્ણ બનાવતાં નથી !

'માઈ ! લોટ આપો.' એક સાધુએ માગણી કરી.

'ભીખ માગતાં શરમ નથી આવતી !' યુવતીએ બોધ આપ્યો. જયકૃષ્ણદાસ વિચારી રહ્યા હતા કે પોતાની પુત્રવધૂનો પહેરવેશ ભીખ માગવાની શરમ કરતાં વધારે શરમભરેલો છે.

'માગવું એ અમારો ધંધો છે, આપવું એ તમારા સરખા ગૃહસ્થોનો ધર્મ છે.' એક સાધુની જીભે વાચાળતા ઊઘડી.

'આ લોકોને કોણે અંદર પેસવા દીધા ? કાઢો બહાર ! પાછો ધર્મ શીખવે છે !' એક યુવકે કહ્યું.

બન્ને બાવાઓની આંખ જરા કપરી બની. એ બાવાઓને બહાર કાઢવાનું જોખમ નોકરોને માથે નાખી ચારે જણ બગીચામાં ઝડપથી ચાલ્યાં ગયાં. જયકૃષ્ણદાસે સહુ સાંભળે એવો નિઃશ્વાસ નાખ્યો અને એક નોકરને બૂમ પાડી કહ્યું :

'આપ, બાવાજીને પૈસો. સાધુને પાછા કઢાય ?... શું આજનાં છોકરાં થઈ ગયાં છે !'

'હરકત નહિ, અમારા સાધુલોકને શું ? આપો તોય ઠીક, ન આપો તોય ઠીક.'

'પણ મારા જેવાને ઘેરથી મારાં જ છોકરાં સાધુને પાછા કાઢે ?'

'એ તો એમ ચાલે. આપ ધર્મી છો એટલે આપનું પુણ્ય આપનાં છોકરાંને પણ પહોંચશે.'

'મારું પુણ્ય મારાં છોકરાંને? પુણ્ય પહોંચે તો આવાં વંતરાં પાકે ? હું તો ભગવાન પાસે એ જ માગું છું કે આવો છોકરો અને આવી વહુ કોઈ દુશ્મનને પણ ન આપશો !'

જયકૃષ્ણદાસની ભારે ધાર્મિકતાના પ્રતાપે એક પૈસો સાધુના ખપ્પરમાં પડ્યો.

'ભગવાન તમારું ભલું કરો !' સાધુએ કહ્યું. અને સતત ઊંચોનીચો પગ કર્યા કરતા બન્ને સાધુઓ ઘૂઘરાને વધારે ખખડાવી ચીપિયાને હલાવી 'અહાલેક' ઉચ્ચારણ સાથે પાછા વળ્યા.

'બાવાજી ! કોઈ કોઈ વાર આવતા રહેજો. હું છું ત્યાં સુધી માગનારને ખાલી હાથે નહિ જવા દઉ.' જયકૃષ્ણદાસે કાયમનું આમંત્રણ સાધુઓને આપ્યું.

કારણ એ નહિ કે જયકૃષ્ણદાસમાં ભારે ઉદારતા ફૂટી નીકળી હતી. બે સાધુઓ વચ્ચે એક પૈસો આપનાર એ લક્ષાધિપતિ પોતાના પુત્ર અને પુત્રવધૂમાં પ્રગટ થતી છકેલ આધુનિકતાના કટ્ટર વિરોધી બની ગયા હતા એ જ મુખ્ય કારણ હતું. પુત્ર કે પુત્રવધૂએ સાધુને દાન આપવાની ના પાડી એટલે તેનો વિરોધ દર્શાવવો જ જોઈએ એવો તેમનો માનસિક આગ્રહ ઘડાઈ ગયો હતો.

વીસમી સદીની પહેલી વીશીના જગતયુદ્ધમાં અઢળક ધન કમાયલા જયકૃષ્ણદાસે મોજશોખ પણ નહોતો કર્યો એમ નહિ, પરંતુ એ મોજશોખમાં પૈસો તેમણે બહુ મીજાનથી ખર્ચ્યો હતો. ધનનાં મોજાં એ સમયમાં ખૂબ ઉછાળે ચડ્યાં હતાં. એક મોજું ગગનને અડકે તો બીજું મોજું પાતાળ બતાવે. ગગનને અડકવાની સહુની ઇચ્છા હોય, પરંતુ પાતાળ પણ એ જ રમતનો એક ભાગ છે એની સમજ બહુ થોડાને હતી. જયકૃષ્ણદાસમાં એ સમજ ઊઘડી હતી. પાતાળ તરફ મોજું ઘસડી જાય તે પહેલાં તેમણે પોતાની અધોગતિ અટકાવી દીધી, અને પ્રથમ કક્ષાના ધનિક ગણાવવાનો મોહ ત્યજી દેઈ તેઓ પોતાની રહેણીકરણી દ્વારા સામાન્ય સુખી ધનિકોની નજર ન લાગે એવી કક્ષાએ ગોઠવાઈ ગયા.

તેઓ બહુ ભણ્યા ન હતા. પોતાના એકના એક પુત્રને તેમણે ખૂબ લાડથી ઊછેર્યો. એનું નામ પણ એમણે પોતે જ કુંજવિહારી રાખ્યું હતું - કોઈ ભણેલા કુટુંબમાં એ નામ સાંભળીને. કુંજવિહારી ભણ્યો પણ ખરો - આછું આછું - તે આસ્તે વિલાયત જવાનો તેનો શોખ પણ પિતાએ પૂરો પાડ્યો. મહાન બુદ્ધિ અને અલ્પબુદ્ધિનો ઉદારતાપૂર્વક સમન્વય કરતી બૅરિસ્ટરની પરીક્ષાએ કુંજવિહારીને અભણ કે અર્ધ ભણેલાના આક્ષેપમાંથી ઉગારી લીધો.

કુંજવિહારી વર્તમાન ભણતરની નખશિખ મૂર્તિ બની ગયો. ધીમે ધીમે રહેતે રહેતે પરીક્ષાઓ પસાર કરવી છતાં બુદ્ધિની તીવ્રતા હોવાનો ભ્રમ સેવવો, આળસ, તેમ જ મોજીલાપણાના સ્ત્રૈણમાંથી જન્મતી નાજુકીને કલા ગણવા ગણાવવાનો પ્રયત્ન કરવો; ધર્મ અને ઈશ્વરના સહેલા વિરોધમાં તત્ત્વજ્ઞાનની પરાકાષ્ઠાએ પહોંચવાનું અભિમાન લેવું; સ્ત્રીપુરુષના સંબંધમાં મુક્ત વ્યવહારનું સ્વાતંત્ર્ય એ જ નીતિનો મૂળ પાયો છે એમ માની મનને યુવતીએ યુવતીએ ભમાવ્યે જવું, પિતાએ મેળવેલા ધનને અંગત સુખભોગમાં પૂર્ણ રીતે વાપરી રસોયાને નોકરચાકરોની ગુલામી ભોગવવા છતાં સમાજવાદ, સામ્યવાદ, શોષણ અને વર્ગવિગ્રહની ચમકભરી વાતો દ્વારા બુદ્ધિવૈભવનું પ્રદર્શન કર્યાનો અને પ્રગતિનો સાથ સેવ્યાનો સંતોષ મેળવવો: કંટાળો આપતી સેવાઓ કરવાના પ્રસંગે અન્યને સ્વાશ્રયનો બોધ કરવો કે પૂર્ણ જીવન ગાળવામાં હરકત રૂપ બનેલી કૌટુમ્બિક સંસ્થાના વિઘાતક સ્વરૂપને આગળ કરી સેવાથી ખસી જવું; અંગમહેનત કે કસરત વખતે અહિંસાને આગળ કરવી, અને હિંસાની જરૂર હોય તે પ્રસંગે ગાંધીએ દેશને બાયલો બનાવ્યા માટે ગાળો દેવી; કાંતવા વણવાની વાત આવે ત્યારે તેને અશાસ્ત્રીય મૂર્ખાઈ માની–મનાવી ક્રાન્તિ દ્વારા સત્તા કબજે કરવાની દલીલ કરવી, અને સત્તા મેળવવાના પ્રયત્નમાં માત્ર ફુરસદને વખતે જાતિવિષયક ગ્રંથો અને રશિયાની પ્રગતિનાં પુસ્તકો જોઈ આનંદમાં આવી જવું : આવી આવી આધુનિક યૌવનની રેખાઓ કુંજવિહારીમાં સારી રીતે ઊઘડી આવી હતી.

પુત્રનો આ વિકાસક્રમ પિતાને પ્રથમ તો ગર્વ લેવા સરખો લાગ્યો. તેમને આ બધી વિકારક્રિયાની સમજણ ન હતી. એટલે ચબરાકીનો ઝભ્ભો સતત ઓઢતા પુત્રને માટે તેમણે ધનની પૂરી સગવડ આપી દીધી. પરંતુ પોતે પસંદ કરેલી કન્યા સાથે લગ્ન કરવાની પુત્રે જ્યારથી ના પાડવા માંડી ત્યારથી તેમની આંખ જરા ઊઘડવા લાગી.

આંખ ઊઘડતા બરોબર તેઓ પુત્ર તરફ કરડી નજરે જોતા ચાલ્યા. નજર બદલતાં તેમને જગતભરના દોષ પોતાના પુત્રમાં દેખાવા લાગ્યા, તે નફ્ફટ, નિર્લજ, દુરાચારી, ઉડાઉ, અધર્મી, આળસુ દેખાવા લાગ્યો. તેમણે પોતે વ્યાપારધંધામાં તેમ જ જીવનમાં આવા ગુણ કે અવગુણ નહિ દર્શાવ્યા હોય એમ કહેવાય નહિ. પરંતુ પુત્રના દોષ દેખાતાં પોતે એ બધાય દોષથી જીવનભર પર રહ્યા હોય એમ માની પુત્રનું વગોણું કરવામાં તેઓ મશગૂલ થઈ ગયા. વધતી જતી ઉમ્મર ધર્મ તરફ સહુનું ધ્યાન દોરે છે. જયકૃષ્ણદાસે ધાર્મિક બનવા માંડ્યું, કારણ સઘળી અધાર્મિકતા પોતાના પુત્રમાં પ્રતિબિંબિત થતી તેમણે જોઈ, અને જ્યારથી કુંજવિહારી કોઈ મુરબ્બીને પણ ખબર આપ્યા વગર પરનાતની શાલિની નામની છકેલ કન્યા પરણી લાવ્યો ત્યારથી તો જયકૃષ્ણદાસે પોતાના હાથમાં માળા પણ લઈ લીધી. આમ અધર્મી પુત્રે અધર્મી – કે અર્ધધર્મી પિતાને ધર્મ તરફ હડસેલ્યા. એ લગ્ન પણ કેવું ? કચેરીઓમાં નોંધાવેલું ! માનવીના - વર્તમાન યુગના માનવીના અને તે પણ યુવાન માનવીના પાપનો કાંઈ પાર છે !

ધર્મ માનવીને મુક્તિ આપતો હશે પણ તે આ જન્મે નહિ. એ મુક્તિ માટે મરવાની અણગમતી શર્ત મુકાયેલી છે. એ શર્ત પાળવાની જયકૃષ્ણદાસની હજી તૈયારી ન હતી. ધર્મ ઈશ્વર તરફ માનવીને વાળતો હશે – કદાચ. પરંતુ ગીતાનો શ્લોક

क्रोधाद्भवति संमोहः संमोहात्स्मृतिविभ्रमः ।।

स्मृतिभ्रंशाद्बुद्विनाशो बुद्धिनाशात्प्रणश्यति ।।

બોલતે બોલતે તેઓ કુંજવિહારીનું હાસ્ય સાંભળતા કે શાલિનીનું ગીત સાંભળતા એટલે તત્કાળ ગીતાકારનું વિરાટ સ્વરૂપ તેઓ ધારણ કરતા. જેમ જેમ કુંજવિહારી વધારે આધુનિક - modern - બનતો ચાલ્યો તેમ તેમ જયકૃષ્ણદાસ વધારે અને વધારે ધાર્મિકતા - લગભગ એક સદી પહેલાંની ધાર્મિકતા તરફ પહોંચી ગયા. અને તેમની આ ધાર્મિકતામાંથી ક્રોધ, કંકાસ અને અશાંતિના ધોધ વારંવાર ફૂટી નીકળતા. યુવકની વર્તમાનતા અને મધ્ય વયની ધર્માન્ધતા વચ્ચે થતી ખેંચાખેંચીમાં કોઈ હારતું નથી અને કોઈ જીતતું નથી. છતાં બેદરકારી સઘળા વિરોધોને હરાવે છે. કુંજવિહારી અને શાલિનીની સૃષ્ટિમાં જયકૃષ્ણદાસનું સ્થાન જ ન હોય એવા વર્તને જયકૃષ્ણદાસનો પરાજય કર્યો, અને પુત્ર તથા પુત્રવધૂ અત્યંત સુખચેનથી મન ફાવે તેમ વર્તી જયકૃષ્ણદાસને દુઃખ તથા પરાજયમાં ઊંડે અને ઊંડે ધકેલી દેતાં હતાં.

'કળજુગ છે, મહારાજ ! કળજુગ.' જયકૃષ્ણદાસે બીજે દિવસે આવેલા બન્ને સાધુઓ આગળ ફરિયાદ કરી, ફરિયાદ કરવામાં અને ફરિયાદનું સમાધાન કરવામાં હિંદવાસીઓ માટે બહુ સાધનસગવડ રહેલાં છે. તવંગર અને ગરીબ, દુઃખી કે સુખી સહુને કામ લાગે એવાં કબીર સાહેબે રચી મૂકેલાં ભજનોમાંથી એકાદ કડી ગાતા બરોબર સહુ મુશ્કેલીઓનું સમાધાન થઈ જતું લાગે છે. સાધુઓએ કબૂલ કર્યું કે કળજુગ છે, એ કબૂલાતમાં કશી હરકત ન હતી. કબીરે રચેલી સાખી આજે જ સાધુઓએ ગોખી હતી તેનો તેમણે ઉપયોગ કર્યો :

કબીરા તેરી ઝૂંપડી ગલાકટન કે પાસ,

કરેગા વોહી પાવેગા તું ક્યો રહત ઉદાસ ?

'શેઠસાહેબ ! એવી વાત છે.' એક સાધુએ પૂર્ણ ગાંભીર્યથી કહ્યું. શેઠસાહેબે ડોકું હલાવી એ સાખીનો જે અર્થ હોય તે અર્થ પોતાના જીવન સાથે ઘટાવી દીધો. તેમની હવેલી ઝૂંપડી હતી અને તેમનો દીકરો ગલકટ્ટો હતો. કબીરજીને આધારે એને કર્મના ફળ મળવાં જ જોઈએ એવી મહાધાર્મિક ઈચ્છા હૃદયમાં પ્રગટ કરી તેમણે આંખો મીંચી માળાના પાંચછ મણકા ફેરવ્યા, અને સાધુઓને એકને બદલે આજે બે પૈસા આપવાની ઉદારતા દર્શાવી.

ખણખણ કરતા સાધુઓ હવેલી તરફ મીઠાશભરી નજર નાખતા નાખતા ચાલ્યા ગયા.

ત્રીજે દિવસે પણ તેઓ પાછા આવ્યા, પરંતુ સંધ્યાકાળને બદલે જરા રાત પડી હતી.

'કેમ મહારાજ ! આજ મોડા ?' શેઠની ધાર્મિકતા સાધુસમાગમ શોધતી હતી : ખાસ કરીને અધર્મી બની જતી નવી દુનિયા ઉપર થોડા શાપ વરસાવવામાં સહાય કરવા માટે.

'અમે રખડતા રામ ! મોડું થઈ ગયું ! કાલ વળી બીજે ચાલ્યા જઈએ.'

'તો મારે ઘેર ભોજન ન લો ?'

'અમારે ભોજન શું? ઘઉંનો રોટલો, ફળ અને દૂધ. એ તો ગમે ત્યાંથી મળી રહે.'

'આજે મારી એવી ભાવના છે કે આપ મારે ત્યાં જ અત્યારે ભોજન લો.'

'હરક્ત તો કાંઈ નથી, પણ હજી અડધો કલાક અમારે ઊભા રહેવું પડે.'

'બાગમાં ફરો, ચાલો હું સાથે આવું. પછી ભોજન લેઈને જ જાઓ.'

સાધુઓએ આમંત્રણ સ્વીકાર્યું. કુંજવિહારીના મિત્રો માટે ઘરમાં ખાણું હતું અને તેઓ આ ખાણા પ્રસંગે રાત રહેવાના હતા એટલે જયકૃષ્ણદાસે સાધુઓને જમવા માટે આગ્રહ કર્યો. આવા બેત્રણ ખાણાં થઈ ગયાં હતાં. છોકરાને કાઢી મૂકવો કે જુદો રાખવો એની ગૂંચ પૂરી ન ઉકેલી શકેલા પિતાએ આજે નિશ્ચય કર્યો હતો કે આવતી કાલ સવારે પુત્ર અને પુત્રવધૂને ઘર છોડવા ચોખ્ખું કહી દેવું અને ઘર બહાર ન જાય તો ધક્કા મારી સહુને તેના મિત્રો સહ - કાઢવા.

'આમ ને આમ તો મારી તિજોરીનું તળિયું કાઢશે !' સાધુઓ આગળ પિતાએ વરાળ કહાડી.

'તિજોરીનું કામ શું ? બેન્કોમાં આપ તો પૈસા રાખતા હશો.' સાધુએ પૂછ્યું.

'એ ખરું મહારાજ ! પણ ઘરમાંયે થોડુંઘણું હોય ને ?'

'સાચવી મૂકવું. આજ તો સગા દીકરાનો પણ વિશ્વાસ ન રખાય.'

'એ જ છે. છોકરા પાસે એની વહુનાં ઘરેણાં અને થોડી હાથખરચી હોય, બાકીનું આપણા હાથ તળે. બેન્કની વાત ઈલાયદા.'

પુત્રવિરુદ્ધ ફરિયાદ કરતે કરતે તેમણે પોતાની હોશિયારી પણ બતાવી. સાધુઓ જમી આશીર્વાદ આપી ચાલ્યા ગયા. ઉપર પુત્રના ખંડમાં સંગીત અને હાસ્યનાં મોજાં ઊછળી રહ્યાં હતાં. જગત ઉપર પ્રલય ફરી વળતો હોય એમ પિતાને લાગ્યું. પુત્રને કાઢી મૂકવાનો નિશ્ચય દૃઢ કરી તેઓ પુત્રના ઓરડા તરફ ગયા અને શાલિની નૃત્ય સાથે કાંઈ ગાતી હતી તે જોઈ ભભૂકી ઊઠ્યા :

'અત્યારે અને અત્યારે જ મારા ઘરમાંથી બહાર નીકળો. આ તે ઘર છે કે ઘંઘોલિયું ?'

'પપા, પપા...' કુંજવિહારીએ સિગાર મુખમાંથી જરા ખસેડી કહ્યું. અને પૂરું બોલવા ન દેતાં પિતાએ કહ્યું :

'તારો પપા ગયો જહાનમમાં ! મારા ઘરમાં આ નાચરંગ શા ?'

'આ લોકોને આમંત્રણ આપ્યાં છે અને તમે આવો જંગલી દેખાવ કરો...' કુંજવિહારીએ કહ્યું.

'જંગલી? મારો જંગલી દેખાવ ? અત્યારે જ બહાર નીકળો !'

'હું તમને ક્યાં જંગલી કહું છું ? Be logical.'

'મારે કાંઈ સાંભળવું નથી.'

'અમે સવારે ચાલ્યાં જઈશું, મને પણ એમ લાગે છે કે મારાથી તમારી સાથે નહિ રહી શકાય.'

'તે સવાર શું કરવા કહે છે? અત્યારે જ જા ને !'

'અત્યારે હરકત પડે એમ છે.'

આ થોડી સભ્યતાભરી વાતચીત થઈ રહેતાં જયકૃષ્ણદાસ પાછા પોતાના ઓરડામાં ચાલ્યા ગયા. મધ્યરાત વીતી હતી. ત્રણમાંથી બે મિત્રો તો સોફા ઉપર સૂઈ જ રહ્યાં હતા: કુંજવિહારી અને બીજો મિત્ર પણ બીજા સોફા ઉપર સૂતા. શાલિની પણ એક આરામખુરશી ઉપર પડી. જમણમાં શરાબનો ઉપયોગ થયેલો લાગતો હતો. ખાણું, સંગીત, સંગીતમાં થયેલી દખલ અને પિતાએ રચેલું ક્રોધભર્યું જંગલી દૃશ્ય અત્યારના જીવનને સ્વપ્નવત્ બનાવી રહ્યા. તેમાં શરાબે સ્વપ્નસ્થિતિ વધારે ગાઢ બનાવી દીધી.

બારીનાં બારણા ખુલ્લાં હતાં. ફરફર પવન આવતો હતો. સહુની આંખ મળેલી હતી. જરા રહી શાલિની ઊભી થઈ. ઝગઝગાટ બળતા દીવા તેણે હોલવી નાખ્યાં. દરેક પુરુષના શરીર ઉપર તેણે સુંવાળી શાલ ઓઢાડી. ઝાંખા પ્રકાશમાં તેણે મોટા આયનામાં પોતાનું મુખ જોયું. મુખ બરાબર દેખાયું નહિ. આયના ઉપરનો એક શીતળ ભૂરો દીપક તેણે બટન દાબી પ્રગટાવ્યો. ભૂરા પ્રકાશમાં શાલિની નહાતી હોય એમ તેને લાગ્યું. તેણે મુખ જોયું, પોતાનો દેહ જોયો, કપડાં જોયાં, ઠીક કર્યા અને જરાજરા વિખેર્યા. દીવો બંધ કરી તેણે પાછળ જોયું.

ત્રણે પુરુષો સૂતેલા હતા. છતાં શાલિનીને બીક કેમ લાગી ? તેનો પોતાનો સ્વભાવ જ બીકણ હતો. બારીમાંથી કોઈ ખસી ગયું એવો ભ્રમ તેને થયો ? એ તેનો અનુભવ રાતની વિચિત્રતા અને ઉજાગરાના મિશ્રણ રૂપ હતો એમ તેને લાગ્યું. તે આવીને પોતાની આરામખુરશી પર પડી. થોડી વાર તેણે આંખ મીંચી છતાં તેને નિદ્રા આવી નહિ. તેને લાગ્યું કે બારી ખુલ્લી હોવાથી તેને ભય રહ્યા કરે છે. તે ઊઠી અને બારી પાસે આવી. બારીનું બારણું બંધ કરતાં બરોબર તેણે એક ભયાનક આકાર બારીમાં જ ઊભો થતો નિહાળ્યો. તેને લાગ્યું કે તેનાથી ચીસ પડાઈ જશે. પરંતુ એ આકૃતિએ કઠેરામાંથી બારીમાં પ્રવેશ કર્યો, અને ચમકતો છરો બતાવી ધીમેથી કહ્યું :

'બોલી તો મરી જાણજે !'

શાલિનીએ આંખો મીંચી દીધી. તેને લાગ્યું કે ઘરમાં ચોર પેઠો છે. પરંતુ એક ચોર હતો ? તેણે આંખો ઉઘાડી. ચોર એક જ ન હતો, એની. પાછળ એક, બે, ત્રણ, ચાર માણસો બારી ઉપર ચડી આવ્યા. સહુની આકૃતિ ભયાનક હતી. મોટાં શરીર, કાળી બુકાની નીચે ઢંકાયેલાં મુખ, તગતગતી ક્રૂર આંખો અને હાથમાં ખુલ્લાં હથિયાર ભલભલા પુરુષોને પણ ગભરાવી મૂકે એવાં હતાં. સ્વપ્ન તો નહિ હોય ? સિનેમાનું કોઈ દૃશ્ય તો તે નિહાળતી નહિ હોય ? ના. તેના જ ઘરમાં, તેના જ ઓરડામાં પાંચ સાચા ચોર પ્રવેશ કરી ચૂક્યા હતા. પછી કેટલા આવ્યા ? કોણ જાણે !

વર્તમાનપત્રો સિનેમા અને નવલકથાઓ વાંચી ભેદભ્રમ ન હોય ત્યાં પણ ભેદભ્રમ ઉપજાવનાર માનસ તેનામાં પણ વિકસ્યું હતું. કદાચ તેનું હરણ કરવા તો આ ટોળી નહિ આવી હોય ? તેના એકમાર્ગી બની ગયેલા જીવનમાં આવો નવો અનુભવ-કંપ થાય એ એકાદ વખત તો ઈચ્છવા યોગ્ય ખરું. પોતાનું હરણ થાય એવી કદી કદી તેણે કલ્પના પણ કરી હતી. અને કુંજવિહારી સાથેનું તેનું લગ્ન પણ એકબીજાના હરણ જેટલું રોમાંચક હતું. બન્નેએ માતાપિતાની જાણે કે સંમતિ વગર જ એકાએક લગ્ન કર્યા હતાં. પરંતુ એક રોમાંચ ક્યાં સુધી પહોંચે ? તેના જીવનમાં આ બીજો રોમાંચક બનાવ બનતો હતો શું ?

‘ઘરેણાં કાઢ.' એક ચોરે કહ્યું.

શાલિનીએ એક હાથ ઉપર હીરાની બે બંગડી પહેરી હતી, બીજો હાથ ખાલી હતો. તેણે બંગડીઓ કાઢવા માંડી.

‘બંગડી રહેવા દે.' ચોરે કહ્યું.

‘કેમ ?'

‘પરણેલી છે ને તું ?”

આ નાટક ન હતું છતાં શાલિનીને આમાં નાટકનો ભાસ થયો. ચોર પણ સૌભાગ્યચિહ્ન માટે આટલી કાળજી રાખે છે ? જુનવાણી ચોર ! સોંઘા સૌભાગ્યને બંગડીનું મહત્ત્વ શું ?

‘અરે કાઢવા દે, ડાહ્યલા !' બીજા ચોરે આજ્ઞા કરી.

એકાએક શાલિનીના દેહમાં કંપ થયો. શાલિનીને ખરેખર બીક લાગી. તેનાથી એક આછી ચીસ પડાઈ ગઈ, જે એક ચોરે મુખ દાબી ગૂંગળાવી દીધી. ચીસ સંભળાતાં - અગર સંભળાયાનો ભ્રમ થતાં સોફા ઉપર સૂતેલા એક મિત્રની આંખ જરા ઊઘડી. ઊઘડતાં બરોબર તેણે આંખ પાછી મીંચી દીધી. ભયભર્યું સ્વપ્ન આવે તો આંખ ઉઘાડવા મથવું અને ઉઘાડી આંખે ભયભર્યું દૃશ્ય દેખાય ત્યારે આંખો મીંચી દેવી એ કુમળા, ફૂટડા, સોહામણા ગુજરાતી યુવકનો સનાતન ધર્મ છે !

‘ઘરેણાં ક્યાં મૂક્યાં છે જલદી કર.' ચોરે છરી બતાવી ધમકી આપી. શાલિનીને ખરેખર ભય લાગ્યો હતો. તેણે કબાટ તરફ આંગળી કરી. ઊંચકતાં પણ શાલિનીને લાગ્યું કે તેના હાથ ઉપર બ્રહ્માંડનો ભાર મુકાયો છે.

‘કૂંચી લાવ.' ચોરે આજ્ઞા કરી.

કોઈની પણ આજ્ઞા માનવા નુ ટેવાયલી યુવતીમાં આજ્ઞાધારકપણું આવી ગયું. કૂંચી પણ તેણે કાઢી આપી અને એક ખુરશી ઉપર તે બેસી ગઈ. તેના માથા ઉપર એક ભયાનક પુરુષ ઝઝૂમતો હતો. એક ચોરે કૂંચી લેઈ કબાટ ઉઘાડ્યું અને તેમાંથી હતાં એટલાં ઘરેણાં અને રોકડા રૂપિયા તેણે કાઢી લીધા. બીજા ચોર સૂતેલા પુરુષોને સંભાળી ઊભા હતા. ઘરેણાં અને પૈસા ધાર્યા કરતાં વધારે પ્રમાણમાં મળી આવ્યાં.

'શેઠની તિજોરી ક્યાં છે ?' ચોરે બાતમી પૂછી.

‘તિજોરીમાં હવે કાંઈ નથી.' શાલિની બોલી.

‘કેમ ?'

'જે છે તે અહીં જ છે.' શાલિનીએ કહ્યું.

‘કેમ ?'

‘અમે આજે જ ઘરેણું અહીં લાવ્યાં.'

બહુ જ ધીમેથી થતી આ વાતચીત આખરે વાતાવરણને તો હલાવતી જ હતી. કુંજવિહારીએ પાસું ફેરવ્યું અને સોફાની પીઠે મુખ સંતાડ્યું. આંખ ઊઘડી કે નહિ તે કોઈને દેખાય પણ શા સારુ ?

કમ્પાઉન્ડની બહાર એક કૂતરું ભસ્યું. કુંજવિહારી બે ત્રણ વાર શિકારી અને વણઝારી કૂતરા ચોકી માટે લાવ્યો હતો, પરંતુ જયકૃષ્ણદાસની પુત્રવિરોધી ધાર્મિકતા કૂતરાનાં દર્શનથી પણ અભડાઈ જતી હોવાથી તેમણે અધર્મી પુત્રના કૂતરાને પણ શાંતિથી ઘરમાં રહેવા દીધા નહિ. કુંજવિહારીને લાગ્યું કે પિતાના ધર્મો જ ચોરીને સફળ બનાવી હતી. તેનો ધર્મવિરોધ હતો તે કરતાં વધારે પ્રબળ બન્યો. દેવ, દેવસેવા, દેવસેવાનાં સાધનો અને એ સહુનો ઉપયોગ કરતા પિતા આખા જગતમાં થતી ચોરીના કારણભૂત હોય એવો ગુસ્સો પુત્રને ચડ્યો. ચોર બિચારા સંજોગોનાં પૂતળાં છે અને તેમની દયા ખાવી જોઈએ; પાપી પિતાની જડમૂળ ઉખાડી નાખવાની જરૂર છે એમ તેને લાગ્યું. એટલે ચોરોની બાજુએ પણ તેણે જોયું નહિ.

બીજા મિત્ર જાગ્યા અને એકાએક ઊભા થઈ ગયા. એક ચોર નાક ઉપર આંગળી મૂકી આગળ ધસ્યો. સિનેમાના ચોર અને તેમના સામાવાળિયા શરણે આવ્યાના અભિનયમાં પશ્ચિમના ધોરણે બે હાથ ઊંચા કરે છે. હાથ ઊંચા કરનારને સિનેમા અભિનયમાં કોઈ મારતું નથી એટલે હિંદના દેશી ચોરો પણ તેના ઉપર હવે હુમલો નહિ કરે એમ માની બેઠેલા આ મિત્રે પોતાના ઊંચકાયલા હાથ નીચે પાંસળામાં એક ડાંગનો ફટકો એકાએક વાગ્યો અનુભવ્યો, અને તેના ઊંચકાયલા હાથ જ માત્ર નહિ પણ તેનું આખું શરીર ભોંય પર તૂટી પડ્યું. ટેનીસની ગૃહસ્થાઈભરી રમતના આ જાણીતા ખેલાડીને લાગ્યું કે અભણ હિંદી ચોરના ‘પ્લેસિંગ', 'કટ' અને 'સ્મૅશ’ કલામય નહિ પરંતુ અસરકારક તો બહુ હોય છે.'

ત્રીજા મિત્ર ન હાલ્યા કે ન ચાલ્યા. ગુજરાતની આશારૂપ એક યુવતી અને ગુજરાતના ભાવિને ઘડી રહેલા ચાર યુવકોમાંથી માત્ર યુવતી જ અત્યારે હાલતી ચાલતી રહી. તેના સગા પતિએ ધર્મ અને સમાજ પ્રત્યેના ઉગ્ર કોપમાં મુખ ફેરવી લીધું. એક મિત્રે ઊભા થવાની હિંમત કરી, પરંતુ એ એક ફટકે જમીન ઉપર તૂટી પડ્યો. બાકીના યુવાનો સમાધિસ્થ બની માયા રૂપ જગતને ભૂલવાનો મહા પ્રયત્ન કરતા શ્વાસને પણ રોકી રહ્યા. આમ ગુજરાતના ચોર આગળ ગુજરાતનું યૌવન, ગુજરાતનું ભણતર અને ગુજરાતના સંસ્કાર અસહાય નિષ્ક્રિય અને પરાજિત બની ગયાં.

હાથ આવેલો માલ સારા પ્રમાણમાં હતો. એથી વધારે મેળવવાનો લોભ હવે કરવો કે નહિ તેનો એક ક્ષણમાં જ નિશ્ચય કરી આગેવાને ઈશારો કર્યો. એકેએક બારી પાસે જઈ નીચે ઊતરવા માંડ્યું. અંદર રહેલા ચોરમાંથી એકે શાલિનીની રહી ગયેલી બંગડી ઉપર નજર કરી, અને તેનો હાથ પકડી તે ખેંચવા માંડી. બંગડી ખેંચતાં ચોરની રસિકતા જરા જાગ્રત થઈ. તેણે શાલિનીના ગાલ ઉપર ટપલી મારી. શાલિનીનું હૃદય ધડકી ઊઠ્યું. હળવી નીતિભાવના પણ જંગલીપણાથી ભય પામે છે. મનુષ્યહરણની કલ્પના અને સાચું મનુષ્યહરણ એ બંનેના કંપ જુદા હોઈ શકે એમ શાલિનીને લાગ્યું. શાલિનીના વીજળી સરખા વિચારો એકાએક બંધ પડી ગયા. ચોરને વાંસામાં એક જબરજસ્ત ગુમ્મો પડ્યો, અને આખી ઓરડીમાં ફરી વળેલા એના પડઘા આગળ એક અવાજ સંભળાયો :

‘યાદ રાખ ! મેં એને મા કહી છે.'

શાલિની ફરીથી કમકમી. શું પેલા બે બાવાઓ તો ચોર નહિ હોય ?

'મૂરખ ! આને ઉપાડીએ તો બીજા બેત્રણ હજાર મળે !! મુક્કો ખાધેલા ચોરે હીરાની બંગડી ખેંચી કાઢી કહ્યું.

બહાર કૂતરાં ભસ્યાં. બંગડી ખેંચતા ચોરને બીજાએ કહ્યું :

'ચાલ, આગળ થા.'

તે આગળ થયો, અને બારીમાંથી ઊતર્યો. ઓરડીમાં હવે એક જ ચોર રહ્યો.

‘જો કોઈ હાલ્યુંચાલ્યું કે બોલ્યું તો તે મર્યું જ જાણજો.’ એમ ધમકી આપી એ ચોર પણ બારીએથી નીચે ઊતરવા લાગ્યો. ઓરડો ચોર રહિત બની ગયો.

શાલિનીની આંખ ખુલી હતી. યુવકોએ મીંચેલી આંખો હજી મીંચેલી જ રાખી. ડાંગ ખાઈ પડેલો યુવક જરા આંખ ઉઘાડી નિસાસા નાખવા લાગ્યો. એકાએક શાલિનથી ચીસ પડાઈ ગઈ : ‘ચોર ! ચોર !'

ઓરડામાં ચોર હતા જ નહિ. જયકૃષ્ણદાસ પોતાના ઓરડામાં સૂતા હતા, અને જગતના યુવાન પુત્રો અને પુત્રવધૂઓને ધાર્મિક શિક્ષણ આપનારી એક પાઠશાળાનાં ફંડમાં પોતાનો આર્થિક ફાળો ભરવાની તૈયારીનું સ્વપ્ન સેવતા હતા. રકમ ભરે તે પહેલાં તે જાગી ઊઠ્યા, અને બૂમ પૂરી ન સમજાવાથી બબડી ઊઠ્યા : 'સાળાં વંઠેલ ! પાછલી રાતે પણ ચીસાચીસ કરે છે ! રામ, રામ, રામ !' એટલું કહી વળી પાછા સૂઈ ગયા.

ઓરડામાંના યુવકોએ આંખો ખોલી. ચોર ન હતા; પાછા આવવાનો સંભવ પણ હતો. ત્રણે ઝડપથી ઊઠ્યા અને શાલિની પાસે ધસીને ગયા. શાલિનીએ આંખો મીંચી દીધી. તેનાથી બીજી ચીસ પડાય એમ હતું જ નહિ. એક યુવકે હિંમત આપવા શાલિનીને કપાળે હાથ મૂક્યો; બીજા યુવકે તેના હાથ ઉપર પોતાનો હાથ ફેરવવા માંડયો. કુંજવિહારીએ તેના શરીર ઉપર શાલ ઓઢાડી પતિ તરીકે સહુથી વધારે ઉપચાર કર્યાનો સંતોષ લીધો; અને ડાંગ ખાઈ નિસાસા નાખતા યુવકે પણ દુઃખતે શરીરે પાસે આવી શાલિનીના તગતળિયાં ઉપર હાથ મૂકી મૂર્છિત દેહમાં ઉષ્મા લાવવાનો મિત્રધર્મ બજાવ્યો.

શાલિનીની આંખો જરા વાર રહી ઊઘડી. ઓરડામાંનો યુવકસમુદાય પ્રસન્ન થયો. કુંજવિહારી બોલ્યો :

ધે હેડ અ રફ, પ્રિમિટિવ સેન્સ ઓફ મોરાલીટિ,

ધેટસ વ્હોટ ધે કોલ શિવલ્રી.

બીજા મિત્ર સફાઈદાર અંગ્રેજીમાં બોલ્યા.


'ઇન્કૉમ્પ્રિહેન્સિબલ ટૂ ધ પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ આઉટ લૂક, એહ!' ત્રીજા મિત્રે વિલાયતવાસીઓને શરમાવે એવી છટાથી કહ્યું.

આમ ગુજરાતના એક યુવાન પતિએ, ગુજરાતના પ્રગતિશાળી સંસ્કારઉજ્જવલ મિત્રોએ ચોરની અવિકસિત નીતિ પ્રત્યે તુચ્છકાર અનુભવ્યો !


Rate this content
Log in

Similar gujarati story from Classics