વિકાસ ૩
વિકાસ ૩
'હવે દહેરું પાસે છે. દેખાય છે પેલું ઝાડવામાં ?' હરિયાએ પૂછ્યું.
'હા.' માનસીંગ શાળાબંધન તોડીને ભાગવાનો ઉત્સાહ અનુભવતો હતો. મંદિર જોતજોતામાં આવી ગયું. હરિયાએ માનસીંગને કહ્યું : 'ઓટલે પડી રહીએ, નહિ ?'
'અંદર શું કામ જઈએ ? હું તો આ બેઠો.' કહી માનસીંગ ઓટલા ઉપર બેસી ગયો.
'લાવ દોરડું. માથા નીચે રાખીશ.' કહી હરિયાએ ઓટલે બેસતે બેસતે દોરડું હાથમાં લીધું. દોરડું લેતા બરોબર તે જરા ચમક્યો અને બોલ્યો :
'અલ્યા, દોરડું આવું ભીનું કેમ લાગે છે?'
'ભીનું તે હોય ?'
'આ જો ! અને આ પાણી નથી લાગતું. અલ્યા ! આ તો લોહી છે !'
'હોય એ તો.'
'હા. વંડા ઉપર કાચ હતા ને, તે જરા હાથપગમાં પેસી ગયા.' માનસીંગે જાણે કાંઈ બન્યું ન હોય એવી બેદરકારીથી કહ્યું.
માનસીંગ પ્રત્યેનું હરિયાનું માન વધી ગયું. તેણે કહ્યું : 'અંદર પાણીનો ઘડો હશે; ધોવા દે, પછી પાટો બાંધી આપું.'
'એમાં પાટો શાનો? પડી રહે ને !'
'પણ હરિયો પડી ન રહ્યો. તેણે ઓટલા ઉપરથી ઊતરી મંદિરનું બારણું ઠેલ્યું. બંધ હતું. પરંતુ તે બહારથી નહિ, અંદરથી !
અંદરથી બારણું બંધ કોણે કર્યું હશે ? ભાંગી રાતે નાના મંદિરનાં દ્વાર બંધ કરી કોણ સંતાયું હશે ?
હરિયાએ બારણું ઠોક્યું. કોઈએ જવાબ ન આપ્યો. હરિયો ચિડાયો. તેણે બારણાને લાત મારી અને બૂમ પાડી : 'કોણ અંદર ભરાયું છે ? ઉઘાડે છે કે બારણું તોડી પાડું ?'
'એ કોણ મરવાનો થયો છે ? હાલ્યો જા ! નહિ તો મળસ્કું નહિ દેખે.' અંદરથી જવાબ આવ્યો.
તે જ ક્ષણે એના અંગ ઉપર લાકડીનો એક મજબૂત ફટકો પડ્યો; અને તેના દેહને ચારેક હાથ વીંટાઈ વળ્યા. પાછળ ફરી જોતાં તેને જણાયું કે બેત્રણ માણસોએ તેને પકડ્યો હતો.
તેને પકડી રહેલા માણસોએ એકાએક હાથ છોડી દીધા. માનસીંગ દોરડું વીંઝી મજબૂત ફટકા હરિયાને પકડનાર માણસો ઉપર લગાવતો હતો. દોરડા વડે માર મારવાની, દોરડાનો ગાળો કે ફાંસો કરી ગમે તેને નીચે ગબડાવી પાડી કબજે કરવાની તેમ જ દોરડું વીંઝી પોતાનું રક્ષણ કરવાની રમત માનસીંગ બાળપણમાંથી જ શીખ્યો હતો. લાકડીઓ ઊપડી અને દોરડું વીંઝાવા લાગ્યું.
મંદિરનાં દ્વાર પણ ખૂલી ગયાં. તેમાંથી પાંચેક માણસો નીકળી આવ્યા. એ. બધાએ મળી મહામુશ્કેલી એ હરિયાને તથા માનસીંગને પકડડ્યા, અને માનસીંગનું દોરડું ઝૂંટવી લીધું. તેમને પકડી રહેનારામાંથી એક જણે કહ્યું :
'અલ્યા, આ તો છોકરાં છે : ન હોય કોઈ પોલીસ કે બાતમીદાર.'
'કપરાં છોકરાં છે !' બીજાએ કહ્યું.
'અલ્યા કોણ છો તમે ?' ત્રીજાએ પૂછ્યું.
'તમારે શી પંચાત ?' હરિયાએ કહ્યું.
'માળા મારામારી કરે છે અને પાછો શી પંચાત એમ પૂછે છે ? મરવાનો થયો છે ?'
'માર્યું માર્યું હવે ! તમારાં મોં જ કહે છે ને !' માનસીંગ બોલ્યો.
'પાંચસાત માણસો થઈ બેને પકડો છો ! મોટી ધાડ મારી એમાં !' હરિયો બોલ્યો. સહુએ બન્ને છોકરાઓ સામે ધારીને જોયું. છોકરાઓના મુખ ઉપર કાંઈ ઉદ્દેશ દેખાયો નહિ. આગેવાનને હસવું આવ્યું અને તે બોલ્યો :
'અલ્યા છોડો, જવા દો, બચ્ચાં છે.'
'બચ્ચાં તારો બાપ !' માનસીંગ બોલ્યો.
'હજી ખબર નથી પડી, એમ ?' આગેવાને આંખ લાલ કરી.
'લઈ જઈ બેસાડો કબજામાં.' બીજા માણસે કહ્યું.
અને ચારેક માણસો બન્ને મિત્રોને ધક્કા મારી દહેરાથી સહજ દૂર લઈ ગયા. ત્યાં વધારાના ત્રણચાર માણસો ઝાડની ઓથે બેઠેલા હતા. હરિયો અને માનસીંગ નાસી છૂટવાના અનેક ઉપાયો કલ્પી રહ્યા હતા. પરંતુ સામાવાળિયાઓની સંખ્યા અને બળ એટલાં વધારે હતાં કે નાસવાનું જોખમ વહોરીને પણ નાસી જવાય એમ ન હતું. બન્ને જણ શાન્ત બેસી રહ્યા, અને ત્યાંથી થતી આછી વાતચીત સાંભળી રહ્યા.
એ વાતચીતમાંથી એક ધ્વનિ નીકળી આવતો હતો. આસપાસ બેઠેલામાંથી કેટલાક ઢોર વેચવા શહેરમાં જવાના હતા. થોડાં બૈરાં અને છોકરાં બરુનાં છાપરાં બાંધી શહેરની ભાગોળે રહ્યાં હતાં. મંદિરમાં ગયેલા આગેવાનો કોઈના ઘરની વિગત સમજતા હતા અને કોણે શું કરવું તે નક્કી ઠરાવવા મંદિરમાં યોજના ઘડતા હતા. ઉપરાંત મંદિરની બાજુમાં પણ થોડા માણસોએ બેચાર દિવસ પડી રહેવાનું હતું.
'અલ્યા છોકરાઓ ! ક્યાંથી નાસી આવ્યા છો ?' એક જણે પૂછ્યું.
'ફાવે ત્યાંથી.' હરિયાએ જવાબ આપ્યો.
'એ એમ માને એવા નથી. પોલીસમાં પકડાવીશું ત્યારે જાણશે.' હરિયો અને માનસીંગ બન્ને શાંત રહ્યા. થોડી વાર રહીને વળી કોઈએ પૂછ્યું.
'અલ્યા, ચોરીબોરી કરીને તો નાઠા નથી ને ?'
'તોય તમારે શું છે ?' હરિયાએ કહ્યું.
'હા હા. ચોરી કરીને નાઠા છીએ. તમારાથી થાય તે કરજો !' માનસીંગે કહ્યું અને તેણે ભોંય ઉપર શરીર લંબાવ્યું. માનસીંગને ખરેખર ઊંઘ આવતી હતી.
'ચોરી કરતાં આવડતી હોય તો અમને કામ લાગશો.' હસીને એક જણે કહ્યું.
'છાનો મર, છાનો !' બીજા માણસે તેને ડાર્યો.
'અમારે કોઈને કામ લાગવું નથી.' હરિયાએ કહ્યું. છતાં હરિયાને લાગ્યું કે અનિશ્ચિત ભાવી વધારે સ્પષ્ટ થતું જાય છે. આ લોકો પણ કોઈ ચોરી કે લૂંટની જ યોજના કરતા હતા. શા માટે એમની સાથે જોડાઈ ન જવું? ચોરી કરતાં હરિયાને આવડતી, ગણેશિયું તે બહુ સફાઈથી વાપરી શકતો; એના જોડીદારો પણ એના સાફ કામથી ખુશ થતા. કોઈની આંખ ચૂકવી વસ્તુ લઈ જવી એ એને માટે બહુ સહેલ હતું. એના કાકાને ત્યાં એ કળા શીખ્યો હતો.
પણ માનસીંગ ન માને તો ? એને સંઝેર નાસી જવું હતું. એને સંઝેર મૂકી આવીને આ લોકો ભેગા દાખલ થવું કેમ બને ? એટલામાં તો બેચાર દિવસ નીકળી જાય, અને આ લોકો ક્યાંના ક્યાં ચાલ્યા જાય !
'અમને પૂછપરછ કરો છો, પણ તમે કોણ છો એ તો કહો ?' હરિયાએ પૂછ્યું.
'જે હોઈશું તે હોઈશું. તું જાણીને શું કરીશ ?'
'હુંયે તમારા ભેગો આવી જાઉ.' હરિયાએ કહ્યું.
'ક્યાંના રહીશ છો ?'
'ભીલવાડાના.'
'અલ્યા ભીલ તો મહા ખોટા ! એમનો ભરોંસો ન થાય.'
'કોણે કહ્યું અમે ભીલ છીએ ! ભીલ કહ્યા તો જોવા જેવું થશે; અમે તો ઠાકોર છીએ, રજપૂત !'
'ટેટાં ! અફીણી ! એ અમને શું કામ આપે ?'
'તમારે શું કામ જોઈએ ? તમે ના કરો એવું અમે કરીએ તો ?' હરિયાએ કહ્યું.
તે જ ક્ષણે માનસીંગની ઘેરાયેલી આંખ એકદમ જાગૃત થઈ. તેના હાથને લાગ્યું કે માટી તાજી છે. તેને માટીની સહરી સહરી વાસ પણ આવી. એકાએક તે સમજી ગયો અને બેઠો થઈ ગયો.
'કેમ ? ઊંઘ ન આવી ?' હરિયાએ પૂછ્યું.
'ના.' માનસીંગે કહ્યું.
'સૂઈ રહે ને ! આપણે શું છે ?'
'મને કશું દેખાયું.' માનસીંગે કહ્યું.
'શું ? માતાજીએ શમણું આપ્યું શું ?' હરિયાએ ગાંભીર્ય વધાર્યું.
'કહો, ન કહો ! પણ આપણી આસપાસ અહીં ધન દટાયેલું છે.' માનસીંગ બોલ્યો.
આજુબાજુના માણસો ચમક્યા. પણ એક માણસે માનસીંગ તરફ ધારીને જોયું અને કહ્યું :
'ગપ્પી છે ગપ્પી ! પૈસા તો હજી હવે આવવાના છે !'
'એ જે હોય તે ! હું તો મારી આસપાસના પંદર હાથ જેટલી જમીનમાં ધન દટાયેલું જોઉ છું !' માનસીંગે કલ્પના ઉપર વધારે ભાર મૂક્યો.
'હશે, હશે ! બોલીશ નહિ. આ લોકો જાય પછી વાત ! સૂઈ જા ! હુંયે આડો પડું છું.' કહી હરિયો સૂતો. સૂતે સૂતે તેણે વાક્ય ફેંક્યું.
'એને તો માતાની મહેર છે ! જમીન કે દીવાલ એની આંખ આગળ કાચ બની જાય છે.'
માનસીંગ પણ સૂતો. બન્ને જણ ઊંઘી ગયા. આસપાસ ચોકી કરતા માણસો પણ એકબીજાની સામે જોયા કરતા હતા : દૂર દૂર આવેલા ઝૂંપડામાંથી કૂકડો બોલતો સંભળાયો, અને મંદિરમાં બંધ બારણે યોજનાઓ ઘડતા આગેવાનો ત્યાં આવી પહોંચ્યા.
'ચાલો, બધું નક્કી થઈ ગયું.' મંદિરમાંથી આવેલા એક આગેવાને કહ્યું.
'અહીં કોણ રહેશે ?' એક માણસે પૂછ્યું.
'રઘો અને બીજા બે જણ.' આગેવાને કહ્યું.
'આ છોકરાઓનું શું કરીશું ?'
'કયા છોકરાઓ !'
'રાતમાં આપણે ઝાલ્યા છે તે.'
આવી અચાનક કૈંક મારામારીઓ થતી. એટલે યોજના ઘડતા આગેવાનો હરિયાની તથા માનસીંગની હાજરી ભૂલી ગયા હતા.
'તે એમને મારી કાઢ્યા નહિ ?' આગેવાને પૂછ્યું.
'અહીં જ ઊંઘી ગયા છે.'
'પડ્યા રહેવા દો. જાગશે એટલે જતા રહેશે.'
'જાય એમ નથી.'
'કેમ ?'
'જરા આમ આવો; હું સમજાવું.'
'કહી બે માણસો થોડે દૂર ગયા. જરા વાર પછી એ બન્ને આવ્યા અને આગેવાને કહ્યું :
'જગાડો એ છોકરાઓને, અને લેઈ લ્યો સાથે.'
આરામથી સૂતેલા માનસીંગ અને હરિસીંગે જાગૃત થતાં બહુ વાર લગાડી. તેમને ઢંઢોળવામાં આવ્યા, થાપટો મારી અને હળવી લાતો લગાવી. ઠંડું પાણી છાંટ્યું ત્યારે મુસીબતથી તેઓ બેઠા થયા. આગેવાને તેમને આજ્ઞા આપી :
'ચાલો ! આગળ થાઓ, છોકરાઓ !'
'અમારે કાંઈ આવવું નથી.' માનસીંગે કહ્યું.
'અરે, ચાલો તો ખરા ? તમારું કામ છે.'
'અમે તો નાસી આવેલા છીએ. ઊલટા અમારે લીધે પકડાઈ જશો.' હરિયાએ કહ્યું.
'હરકત નહિ. અમે તમને એવા સંતાડીશું કે આખું શહેર પણ તમને પકડી નહિ શકે.'
'પણ અમને લઈ જઈ કરશો શું ?' માનસીંગે પૂછ્યું.
'તારી આંખનો પરચો જોવો છે.'
'એટલે ?'
'તું કહે છે ને કે તારી આંખ આગળ ભીંત પણ કાચ જેવી બની જાય છે, તે અમારે જોવું છે.'
'તે કાંઈ દર વખતે એમ બનતું નથી. માતાની મહેર હોય ત્યારે એ બને.' હરિયાએ કહ્યું.
'હરકત નહિ. એકાદ વખત તો માતાજીની મહેર થશે ને ?'
'કોણ જાણે !' માનસીંગે કહ્યું.
'પણ એમાં તમને ફાયદો શો ?' હરિયાએ પૂછ્યું.
'જે મળે એમાંથી તમને ભાગ કાઢી આપીશું.'
'માતાજીનો એક ભાગ જુદો રાખવો પડશે.' હરિયાએ કહ્યું.
