Lata Bhatt

Romance

3  

Lata Bhatt

Romance

વીલ યૂ મેરી મી?

વીલ યૂ મેરી મી?

6 mins
897


સુરભી એક કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા જઇ રહી હતી. તે તેની આદત મુજબ આપેલા સમય કરતા લગભગ અડધીએક કલાક વહેલી પહોંચી ગઇ. આ તેનો પહેલો ઇન્ટરવ્યૂ નહોતો આ પહેલા પણ તે અનેક ઇન્ટરવ્યૂ આપી ચૂકી હતી. કેટલીય નોકરી બદલાવી હતી. વારંવાર નોકરી બદલવાનુ કારણ માત્ર એટલુ જ તે પોતાના ચારિત્ર સાથે કોઇ સમાધાન કરી શકતી નહોતી. તેની ખૂબસુરતી તેને વારંવાર એવી પરિશ્થિતિમાં મૂકી દેતી કે તેની પાસે નોકરી છોડવા સિવાય કોઇ વિકલ્પ નહોતો રહેતો. ખૂબસૂરતી જ માત્ર હોત તો ય વાંધો નહોતો પણ સાથે વધતી ઉંમર અને સિન્ગલનું લેબલ જોઇને સૌ તેની સાથે ટાઇમ પાસ કરવા માંગતા.

આ કંપનીનુ કાર્ય થોડુ વ્યવસ્થિત લાગ્યું. ઇન્ટરવ્યૂ માટે ઉમેદવારોને એક સાથે બોલાવવાને બદલે અડધા અડધા કલાકના અંતરે ત્રણ ત્રણ ઉમેદવારોને બોલાવવામા આવ્યા હતા. વળી આવતાવેત તેને પાણી ને થોડીવાર પછી ચા- કોફી ઓફર થયા,આ પહેલા તેણે આટલા ઇન્ટરવ્યૂ આપ્યા કલાકો બેસાડી રાખે પણ પાણીનો ય કોઇ ભાવ ન પૂછે. અહી બેસવાની વ્યવસ્થા પણ એ રીતે હતી કે સૌને વચ્ચે ટેબલ પાસે સામયિક ને સમાચારપત્રનું રિવોલ્વીંગ સ્ટેન્ડ હતું. ને સામે રાખેલા ટીવી પર જનરલ નોલેજ પીરસાતુ હતું.

સુરભી ફ્રેશ થવા વોશરુમમાં ગઇ. મોટા કદના અરીસામાં તે પોતાનું પ્રતિબિંબ જોઇ રહી આ એ જ ચહેરો હતો જેની પાછળ અજય દિવાનો હતો ને તેને અજય કરતા ય અજયની દિવાનગી ગમતી. એક વાર તે ફેમિલી સાથે કાશ્મીર ગઇ હતી. અજયને જાણ કરી નહોતી અજયને જેવી જાણ થઇ કે તરત જ તે કાશ્મીર પહોચી ગયો. એક પળ પણ તે સુરભીથી વિખૂટા પડવા નહોતો માંગતો. કોલેજના છેલ્લા સેમેસ્ટરમાં તો તેનો અને અજયનો ક્લાસરૂમ અલગ હતો તોય અજય સુરભીના ક્લાસમાં જ બેસતો. અજયની આ દિવાનગી જોતા બધાને લાગતું હતુ કે તે અને અજય લગ્ન કરી લેશે ને અજયે તેને પ્રપોઝ પણ કર્યું હતુ પણ તે કોલેજ પૂરી થવાની રાહ જોતી હતી. અચાનક સુરભીના પપ્પાને હાર્ટએટેક આવ્યો, એ પછી ધંધામાં ઓછુ ધ્યાન અપાયું ભાગીદારે દગો કર્યો. ધંધામાં ખોટ બતાવી. ને સુરભીનો બંગલો લિલામ થયો એક સામાન્ય ભાડાના મકાનમાં તેઓ રહેવા આવી ગયા. સુરભીનો ભાઇ આકાશ હજુ એમ. ઇ. કરતો હતો. આ દરમિયાન અજય તેનાથી અલગ થઇ ગયો. એને એક વાર પણ મળવા ન આવ્યો, ને એ સંબંધને આપોઆપ પૂર્ણવિરામ મૂકાયું ને સાથે સંબંધ પરના વિશ્વાસને પણ … એ પછી સુરભીના પપ્પા એક વરસ પથારીવશ રહીને ગુજરી ગયા ….ને એ પછી સુરભી માટે અનેક માંગા આવ્યા પણ કોઇ તેને પસંદ ન પડ્યું. સુરભી ભણવામાં તેજસ્વી હતી, વળી વાંચનનો તેને શોખ હતો,કમ્પ્યુટર પર તેનો સારો કમાન્ડ હતો, પણ જ્યાં પણ નોકરી મળી ત્યાં તેની ખૂબ ખૂબસૂરતીને લીધે મળતી. સુરભી એ વાત સારી રીતે જાણતી હતી. ઘણીવાર તેને ઘેર બેસી રહેવાનુ મન થતુ પણ ઘરની આર્થિક પરિસ્થિતિ એવી હતી કે થોડોક પણ ટેકો થાય તો સારુ.

સુરભી ફ્રેશ થઇ વોશરુમમાંથી બહાર આવી ત્યાં તેનું નામ બોલાયું. સુરભી પોતાની ફાઇલ લઇ અંદર ગઇ, "મે આઇ કમ ઇન" "યસ યૂ મે……તેને એમ કે કોઇ મોટી ઉંમરના ચાર પાંચ ઓફિસર બેઠા હશે, તેના બદલે એક ત્રીસેક વરસનો હેન્ડસમ યુવાન બેઠો હતો. તેણે કહ્યું” મારું નામ અક્ષત ઓઝા, પ્લીઝ હેવ એ સીટ ને તમે મને અક્ષત જ કહેશો તો મને ગમશે…નો સર ..નો ફોર્માલીટી" સુરભીની ફાઇલ હાથમાં લેતા આગળ કહ્યું, “નામ સુરભી.. સરસ …ઉંમર ત્રીસ વરસ… બસ આ બાબત એવી છે કે હું તમને પૂછી ન શકત ને તમને કહેવામાં સંકોચ થાત". ફાઇલ પાછી આપતા કહ્યું "તમારી પાસે તમારી રજૂઆત માટે હવે પાંચ મિનિટનો સમય છે," ને ઘડિયાળ હાથમાં લેતા કહ્યું, “યોર ટાઇમ સ્ટાર્ટસ નાઉ” સુરભીએ સહેજ પણ વિચલિત થયા વગર વ્યવસ્થિ રીતે પોતાની રજુઆત કરી. અભ્યાસ હોબી ફેમિલિ બેકગ્રાઉન્ડ... અક્ષત ક્યારેક ઘડિયાળ સામે ક્યારેક તેની સામે જોતો આમ પાંચ મિનિટ પૂરી થઇ ને કહ્યું "હવે પાંચ મિનિટમાં તમે કંપની માટે શું કરી શકો તેમ છે અથવા તો શું ન કરી શકો તેમ છો અને શા માટે તમારે આ કંપની સાથે જોડાવું છે તે કહો” “આઇ ટ્રાય માય બેસ્ટ" તે ત્યાં અટકી ગઇ તેને કહેવું હતુ, "હું ટાઇમ પાસ નહીં થઇ શકુ" પણ તે કહી ન શકી ને અક્ષત તેની સામે જોતો બેસી રહ્યો. થોડી બેચેન થઇ ગઇ. તેણે એક બે વખત નજર હટાવી પણ અક્ષત તેની સામે જ જોતો પાંચ મિનિટ પૂરી થઇ ને અક્ષતે નજર હટાવી.“ઓકે.અમે એક બે દિવસમાં જાણ કરશું".સુરભી કેબિનની બહાર નીકળી કાચમાંથી તેણે તેના કરતાય સુંદર ને થોડી ફેશનેબલ કેન્ડીડેટને જોઇ પણ તેને કોણ જાણે કેમ એમ લાગ્યું કે આ નોકરી તેને જ મળે તો સારું. આ તેનું દિમાગ નહીં દિલ કહેતું હતું. તેને અક્ષત સાથે પહેલી જ નજરનો પ્રેમ થઇ ગયો હતો. ગજબનું ખેચાણ હતુ અક્ષત પ્રત્યે. આ પહેલા ક્યારેય આવું નહોતું થયુ અજય માટે પણ નહિ….. ને ત્રીજે દિવસે ઓફર લેટરનો મેઇલ આવી ગયો, ને પછી એપોઇન્ટમેન્ટ લેટર પણ…”કંપનીમાં તેને ફાવી ગયું. વ્યવસ્થિત કામ હતું કામનું ભારણ નહોતુ કે નહોતું રાજકારણ. તેના કામનો રિપોર્ટ તેણે સીધો અક્ષતને કરવાનો હતો. કામ પ્રત્યેની લગન અને ધગશથી થોડા વખતમાં જ તેણે કંપનીમાં એક ચોક્કસ સ્થાન ઊભુ કરી દીધુ હતુ પણ દિલના એક ખૂણે અક્ષત આવી ગયો હતો. દિલ હવે અક્ષતની નિકટતા ઝંખતુ હતુ. તેનું આ ખેચાણ તેના ભાભીના ધ્યાનમાં તરત આવી ગયું. તેણે કહ્યું પણ ખરું કે આ અમારા નણદલબાનું દિલ કોણ ચોરી ગયું! સુરભીએ પહેલા તો અનાકાની કરી પણ પછી તેણે ભાભીને અક્ષત વિશે વાત કરી ભાભીએ કહ્યું ,'એવું હોય તો અમે વાત કરી જોઇએ' પણ સુરભીએ કહ્યું "પણ ભાભી અક્ષતનું મન હું કળી શકી નથી. ક્યારેક મને લાગે છે કે અક્ષત પણ મને પ્રેમ કરે છે ને અક્ષતના લગ્ન થઇ ગયા છે એ નહીં એ પણ હું નથી જાણતી સીન્ગલ હોય તો સારુ …કોને પૂછવું?ભાભી,એક બે વાર મેં આડકતરી રીતે તે જાણવા પ્રયત્ન કર્યો હતો પણ મને સફળતા મળી નહિ."

આજે તે ઑફિસમાં આવી ત્યારે રિસેપ્સનીસ્ટ મિસ મીનીએ કહ્યું આવતી કાલે સરનો જન્મદિવસ છે! સર બધાને પાર્ટી આપવાના છે સાંજે છ વાગે હોટેલ મીનવ્હાઇલમાં…સુરભીને લાગ્યું કે હવે તેને ખબર પડી જશે કે સરના મેરેજ થઇ ગયા છે કે નહીં બીજા દિવસે સુરભી હોટેલ થોડી વહેલી પહોંચી ગઇ. સુરભીની નજર અક્ષતની બાજુમાં ઊભેલી યુવતી પર પડી. ખાસ સુંદર તો તે નહોતી પણ સુરભીને તેની ઇર્ષા થઇ. એટલામાં અક્ષતે તેને જોઇ પાસે ઊભેલી યુવતીને કહ્યું, "ચાલ બ્રિંદા સુરભીને મળાવું" સુરભીએ પરાણે મોઢુ હસતુ રાખ્યુ. બ્રિન્દાએ કહ્યું, "તો આ છે સુરભી એમ ને અક્કી, જેણે મારા ભાઇનું દિલ ચોરી લીધું છે.. તારી પસંદગી એટલે કહેવું પડે સંગેમરમરમાંથી બનાવેલી જાણે કોઇ મૂરતી! અરે, મારા ભાઇએ તને પહેલી જ વાર જોઇ ને ત્યારથી બસ તારી જ વાતો કરે છે." અક્ષતે સહેજ નજીક આવી કહ્યું, "હા જ્યારથી તને કોલેજના પહેલા વરસમાં જોઇ હતી, હું તને મનોમન ચાહવા લાગ્યો હતો. ત્યારથી ને પછી સાવ ધીમેથી કહ્યું પણ તારા જીવનમાં ત્યારે કોઇ બીજુ હતું."

સુરભીના ચહેરા પર ખુશી છવાઇ ગઇ અક્ષતે તે પછી ઘણી વાતો કરી પણ સુરભી વિચારોમાં ખોવાયેલી હતી. અચાનક બ્રિન્દાએ એનાઉન્સ કર્યું. અક્કી સાથે કાયમ હું કેક કાપુ છું પણ આજે અક્કીની થનાર સ્વીટ સ્વીટ બેટરહાફ મિસ સુરભી સાથે તે કેક કાપશે. પણ કેક કાપતા પહેલા અક્ષતે સુરભીને ઘૂંટણિયાભેર બેસીને પ્રપોઝ કર્યું, “વીલ યૂ મેરી મી?” ને રીંગ પહેરાવી દીધી. સુરભીને આશ્ચર્ય થયું ભાઇ,ભાભી ને મમ્મી પણ ત્યાં હાજર હતા ને આશ્ચર્યથી જોઇ જ રહી. ક્યાંક આ સ્વપ્ન તો નથી ને? ના એ સ્વપ્ન નહોતું !


Rate this content
Log in

Similar gujarati story from Romance