વીજળી સહિત મેઘ ગાજ્યો
વીજળી સહિત મેઘ ગાજ્યો


"મેઘ બેટા, હું ને તારા ડેડી પાર્ટીમાં જઈને આવીએ છીએ, તું વાંચજે પરીક્ષા નજીક છે અને હા તારી રસોઈ તૈયાર છે. નીલા દીદીને કે'જે તને આપી દેશે, તું બરાબર જમી લેજે અને સમયસર સૂઈ જજે. અમે કોશિશ કરશું જલ્દી આવવાની." માલવિકા જતાં જતાં એના દીકરા મેઘને તાકીદ કરતી ગઈ.
મેઘ પણ જવાબમાં, "હા મમ્મી, તમે જઈ આવો. મારી ચિંતા ન કરશો." એટલું કહી એના રૂમમાં ચાલ્યો ગયો.
બાર વર્ષનો મેઘ, માલવિકા અને મયંકનો એકનો એક દીકરો હતો માટે માલવિકા માટે મેઘ, એની પ્રાથમિકતાની સૂચીમાં પ્રથમ આવતો હતો. એના માટે મેઘને તો જાણે એણે પોતાનો પ્રોજેક્ટ બનાવી રાખેલો. મેઘ કયા સમયે શું કરશે એ બધું માલવિકા જ નક્કી કરતી હતી. માલવિકા હતું કે મેઘ જીવનનાં કોઈ ક્ષેત્રમાં પાછો ન પડે. એ માટે એના સમયનું ટાઈમ-ટેબલ માલવિકાએ નક્કી કરી રાખ્યું હતું.તે પોતે પણ મેઘ માટે ખૂબ સમય ફાળવતી. એનું પૂરતું ધ્યાન રાખતી.
પાર્ટીમાંથી લગભગ 12 વાગે તેઓ પાછા ફર્યા.મયંક હજી વધું પાર્ટીમાં રોકવા ઈચ્છતો હતો. પરંતુ મેઘ એકલો છે એમ કહી માલવિકા મયંકને ઘરે ખેંચી લાવી.
નીલા દીદી જે ઘર કામમાં માલવિકા ને મદદ કરે છે તે તો ઘરે હોય છે જ, છતાં તેને મેઘની ચિંતા રહેતી.
ઘરે આવી સૌથી પહેલાં તે મેઘને જોવા એના રૂમમાં ગઈ ને, ત્યાંનું દ્રશ્ય જોઈ તે ડઘાઈ ગઈ.
લગભગ પાંચ મિનીટ પછી તેને ભાન આવ્યું ને તેનાથી ચીસ નંખાઈ ગઈ, "મેઘ".
મયંક ભાગીને આવ્યો ને,"શું થયું માલુ", કહી જોવા લાગ્યો તો તે પણ સ્થિર થઈ ગયો.
માલવિકાનો અવાજ સાંભળી મેઘ નીંદરમાંથી જાગી ગયો. તે ખૂબ ડરી ગયો હતો.
મયંક એ દરવાજો બંધ કર્યો ને કહેવા લાગ્યો "મેઘ, આ શું છે બેટા ?તે આ બધું શું કર્યું છે ?
તે મમ્મીનો દુપટ્ટો કેમ આમ્ પહેર્યો ને આ લિપસ્ટિક આ વાળમાં ક્લિપો આ બિંદી આ બધું શું છે? કેમ બેટા બોલ કેમ ?"
મેઘ રડવા લાગ્યો અને માલવિકા પણ પોક મૂકી રડવા લાગી.
મયંકે બંનેને શાંત કર્યાં. મેઘને માથે પ્રેમથી હાથ ફેરવી મયંક એને પૂછવા લાગ્યો કે, "બેટા, આ બધો છોકરીઓનો શણગાર કે'વાય ને તું તો છોકરો છે તો તે આ બધું શા કારણે પે'ર્યું ?
કોઈએ તારી સાથે મસ્તી કરી છે કે બેટા ? શીલા દીદીએ આવું કર્યું કે ? તું બોલ બેટા મને જણાવ. તું ચિંતા ન કર. અમે તારા મમ્મી પપ્પા છીએ અને તને ખૂબ પ્રેમ કરીએ છીએ. તો અમને કે બેટા, તને કોઈ કાંઈ નઈ કહે."
પપ્પાનો પ્રેમ જોઈ મેઘ બોલવા લાગ્યો, " પપ્પા, મમ્મી, ઘણાં સમયથી મને એવું મહેસૂસ થાય છે કે, ભગવાને મને છોકરી કેમ ન બનાવી ? મને છોકરીઓનો શણગાર ખૂબ ગમવા લાગ્યો છે.તેઓના કપડાં મને આકર્ષે છે.પપ્પા મારે છોકરી બનવું છે."
આ સાંભળી માલવિકા અને મયંકનાં માથે જાણે વીજળી પડી.
એ બંનેને એવું લાગ્યું જાણે આકાશની વીજળી પણ તેઓને બાળવા સક્ષમ નથી જેટલી મેઘની વાતો એમને દઝાડી રહી હતી.માલવિકા તો એટલી ડઘાઈ ગઈ કે જો ધરતી ફાટે તો એમાં સમાઈ જાય.
મયંક ખૂબ સમજુ અને શાંત વ્યક્તિત્વ ધરાવતો હોવાથી, તે સમય તેણે પોતાને સંભાળી લીધો અને મેઘને બધો શણગાર કઢાવી સુવડાવી દીધો.
માલવિકાને તે બેડરૂમમાં લઈ ગયો. માલવિકાનાં અંગો અને એની મુખાકૃતિ જાણે સ્થિર થઈ ગયાં હતાં. એક પણ ભાવ ચહેરા પર દેખાતો ન હતો.
મયંકે ખૂબ મહેનત કરી માલવિકાને સમજાવવાની પણ માલવિકા એક શબ્દ ન બોલી.
મૂર્તિવત એણે એક જ દિશા તરફ જોયે રાખ્યું.
મયંક પણ થાક્યો હતો. તે માથે હાથ દઈ પલંગનાં બીજા ખૂણે બેસી ગયો.
ખાસ્સા અડધો કલાક પછી માલવિકા અચાનક રડવા લાગી. મયંકે તેને બાથમાં ભરી લીધી ને શાંત કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો.
ખાસ્સો અડધો કલાક રડ્યા બાદ તે શાંત થઈ. એ લોકો માટે આ સમય ખૂબ કપરો હતો.
આવું તો ફિલ્મોમાં જોયું ને પેપરોમાં વાચ્યું હતું. આવી પરિસ્થિતિ પોતાના ઘરમાં સર્જાશે એવી બંને પતિપત્નીને કલ્પના પણ નતી.
પરંતુ આવી કલ્પના કોઈને જ ન હોય. કુદરતે આ કયા પ્રકારનો કોપ વરસાવ્યો એ સમજાતું ન હતું.કયા પાપની આ સજા મળી છે, એ માલવિકા વિચારતી રહી.
સવારથી ઘર મંદિરમાં જઈને બેસી ગઈ. મયંક એને નાસ્તા માટે બોલાવે, જમવા બોલાવે એ પણ એ મંદિરમાંથી ખસી જ નઈ.
આ બધું જોઈ નાનકડો મેઘ પણ ખૂબ ડરી ગયો.એવું તે શું બની ગયું એની એને સમજ ન પડી. આ રીતે પુરુષ જાતિમાં જન્મી, સ્ત્રીત્વ ગમવું એ ગુનો કહેવાય એ વાત,એ જાણતો ન હતો.
માલવિકાને તો એવો આઘાત લાગ્યો હતો કે,એ લગભગ પોતાના મગજનું સંતુલન ગુમાવી બેસી હોય એવું લાગવા માંડ્યું.
મયંકને તો આ બંનેની જ એટલી ચિંતા હતી કે એ પોતાનું દુઃખ તો ભૂલી જ ગયો હતો.એણે જોબમાં રજા મૂકી ને આ બંનેની સુશ્રુશામાં લાગી ગયો.
સ્કૂલ માટે મેઘને એ જ તૈયાર કરી મોકલતો ને માલવિકાને પણ ખૂબ દબાણ આપી રોજનાં સામાન્ય કામ કરાવતો. મુશ્કેલીથી થોડું ખવડાવતો.
એવામાં એના મગજમાં એક વાત આવી અને તે આવી માનસિક્તા ધરાવતા વ્યક્તિઓ વિષે ગૂગલ પર સર્ચ કરવાં લાગ્યો.
આવી વ્યક્તિ દુનિયામાં ઘણાં હોય છે. જે પોતાની જાતને વ્યક્ત નથી કરી શકતા અને અંદર અંદર ખૂબ ઘૂંટાય છે. આવી માનસિક્તા ધરાવવી એ કોઈ પાપ નથી કે નથી કોઈ દિમાગી બીમારી, બલ્કે કુદરત જ કેટલાક વ્યક્તિઓને આ પ્રકારની માનસિક્તા આપે છે.
આવી માનસિકતા અત્યંત કુદરતી છે. એમાં માતા પિતા કે એ વ્યક્તિ પોતે પણ એમાં જવાબદાર હોતી નથી.
મયંકે આવા ઘણાં ઉદાહરણ જોયા જે આ પ્રકારની માનસિક્તા ધરાવતા હોય છે. તે ઉપરાંત એણે એ પણ જોયું કે આમાંનાં કેટલાક જે સ્ત્રી હોવા છતાં પોતાને પુરુષ માને છે,કે પછી પુરુષ તરીકે જન્મ લીધો હોવા છતાં અંદર ખાને સ્ત્રીનો આત્મા પડેલો હોય છે અને જે બહું જ મક્કમતાથી મને છે કે પોતે જે ખોળિયામાં જન્મ્યા છે એ સ્વીકાર્ય છે જ નહીં તો પોતે લિંગ પરિવર્તન ઓપેરશન કરાવી લે છે.
પણ ઘણાં એવા પણ છે જે સ્ત્રી અને પુરુષ બંને પ્રકારની ભાવનાઓ પોતાનામાં ધરાવતા હોય છે. તેઓને આ પ્રકારનું ઓપેરશન કરવાની જરૂર નથી જણાતી.
તે ઉપરાંત આવા દરેક લોકો પોતાની જિંદગી ખૂબ સરસ રીતે તો જીવી જ શકે છે એટલું જ નહીં જીવનમાં જે સફળતાનાં શિખરો સર કરવાં હોય એ પણ કરી શકે છે.
આવા લોકો પણ ખૂબ સામાન્ય જીવન મસ્તીથી જ જીવે છે.
આ બધું વાંચી મયંકને પણ હાશકારો થયો.
તેણે માલવિકાને આ દરેક બાબતની માહિતી બતાવી, તથા આ પ્રકારની મન:સ્થિતિ ધરાવતા લોકોનાં ઈન્ટરવ્યૂ અને લેખો પણ વંચાવ્યા.
આ બધું જોઈને માલવિકાને થોડી હાશ થઈ,પણ મન તો એટલુંજ ખીન્ન હતું. છતાં મયંકનાં કહેવાથી તેઓ ડૉક્ટર પાસે ગયાં અને બધી હકીકત જણાવી.
ડૉક્ટર સાહેબે પણ માલવિકાને આ પરિસ્થિતિઓ બાબતે જાણ કરી. આ બધું શરીરમાં હોર્મોન્સને કારણે બને છે,જેના માટે મેઘ કે બંને પતિ પત્ની જરાય જવાબદાર નથી.આ બધું અત્યંત કુદરતી છે.
આ બધું જાણીને તેઓ ઘરે આવ્યા. મેઘ તો પોતાના રૂમમાં જઈને ભણવા બેસી ગયો. એ પણ ખૂબ દુઃખી હતો કારણ એની મમ્મી જે એને થોડી વાર પણ એકલો ન પાડવાં દેતી. જેના મોઢે" મેઘુ મેઘુ "સાંભળી ક્યારેક એય કંટાળી જતો.એવી મમ્મી આજે છેલ્લા પંદર પંદર દિવસથી એની નજીક નહતી આવી.
મેઘ તો હજી બાર વર્ષનો નાનો બાળક હતો.એને ક્યાં સમજ કે એની ચિંતા કરે. એને તો બસ એક જ ચિંતા ને દુઃખ કે,એ રાત પછી મમ્મી મારાથી દૂર થઈ ગઈ એટલે એને એમ સમજાયું કે મમ્મીની વસ્તુઓ અડી એટલે મમ્મી નારાજ થઈ ને માટે એની સાથે વાત નથી કરતી.
ડૉક્ટર સાહેબને મળી ઘરે ગયાં પછી થોડી વાર રહી મેઘની મનપસંદ ખીર બનાવી માલવિકા એના રૂમમાં ગઈ. એને જોઈ મેઘ ડરી ગયો કે,મમ્મી પાછો ગુસ્સો કરશે.
પણ આવતાની સાથે જ માલવિકા મેઘને ભેટી પડી.
જેના વગર એનો દિવસ શરૂ નહતો થતો, એના વગર એ આટલા દિવસ રહી એ જ વિચારી વિચારીને એની આંખનાં ઘેરાયેલા વાદળ આજે અનરાધાર વરસી રહ્યાં હતાં.
એની આ પ્રેમવર્ષામાં મેઘ પણ તરબતર થઈ રહ્યો હતો. એની મા એને પાછી મળી ગઈ એ જોઈને એની પણ અશ્રુધાર એક સરખી વહી રહી હતી.
બંનેએ એકબીજાનાં અશ્રુ લૂછ્યા અને પછી તો માલવિકાએ પોતાના દીકરાને પોતાના હાથે ખીર ખવડાવી.
મેઘને હાશ થઈ. તે કહેવા લાગ્યો,"મમ્મી હવેથી હું તારો દુપટ્ટો અને લિપસ્ટિક નઈ લઉં.
મને મન થશે તો શીલા દીદીનું લઈશ."
માલવિકા હસવા લાગી ને બોલી, "નાં બેટા શીલા દીદીનું નહીં, જોઈએ તો મારું જ લેજે. પણ બેટા એક વાત માનીશ મારી ?"
"હા મમ્મી, કે ને." મેઘ બોલ્યો.
" જો બેટા આ કપડાં કે આ બધું તો આપણું શરીર ઢાંકવા માટે છે.એટલે એ મહત્વનું નથી કે શું પહેરવું. પણ તારે ખૂબ ખૂબ ભણીને આગળ વધવાનું છે,હોંશિયાર થવાનું છે. આ બધી બાબતો પર આપણે ધ્યાન નહીં આપીએ.
કાલથી તારા સ્વિમિંગ, વ્યાયામ અને અથલેટિકનાં ક્લાસ ચાલુ કરી દઈએ પાછા.
હવે છોકરો છોકરી, આ વિચાર બાજુ પર મૂકી તારા ભણતર અને તારી બીજી આવડતો પર આપણે ધ્યાન આપીશું. "
આ બધું સાંભળી મેઘ કહે, "હા મમ્મી, હું ખૂબ ભણીશ અને બહું પૈસા કમાવી તને સ્વીટ્સઝરલેન્ડ લઈ જઈશ. તારે ત્યાં જવું છે ને."
આ સાંભળી બધાં હસવા લાગ્યાં, આ વાતમાં તો મયંક પણ તેમની સાથે જોડાયો જે ક્યારનો રૂમની બહાર ઊભો રહી મા દીકરાની બધી વાતો સાંભળી રહ્યો હતો.
બધાં સાથે ઘરનાં મંદિરમા દર્શન કરવાં ગયાં.
બીજા દિવસે ફરી ,"મેઘ મેઘ મેઘ "નાં નામની બૂમો ચાલુ થઈ.
માલવિકાનાં મુખેથી મેઘનાં નામનો પાઠ શરું થઈ ગયો.
પણ આજે મયંક અને મેઘ બંનેને આ બૂમો જાણે મધુર સંગીત જેવી લાગતી હતી.