ગરીબી એક અભિશાપ
ગરીબી એક અભિશાપ


શમિતા અને સૌરભ. બંને પતિ પત્નિ સાથે જ રોજ ઓફિસ જાય. રસ્તામાં સિગ્નલ આવે ને ગાડી ઊભી રહે અને રોજ એક 12 વર્ષનો છોકરો ગાડી સાફ કરે. સૌરભ એને રોજ પાંચ રૂપિયા આપે.
એક દિવસ શમિતા કહે, "સૌરભ તું આમ એ છોકરાને પૈસા આપી બાળ મજૂરીને બઢાવો આપી રહ્યો છે. એને આમ પૈસા મળતા રહેશે તો એના મા બાપ એને ક્યારેય નહીં ભણાવે અને આમ જ મજૂરી કરાવતાં રહેશે. જોને કેવા નાના હાથ વડે કેટલો મોટો ભાર વેઢી રહ્યો છે. મારો તો જીવ બળી જાય છે, જયારે પણ હું આવડા નાના નાના બાલુડાઓને કામ કરતાં જોઉં છું."
એટલીવારમાં તો શમિતાનાં ફોન પર એની કામવાળીનો ફોન આવ્યો. બાઈ કહેવા લાગી કે, "બેન આજે હું નહીં આવી શકું. મને ખૂબ તાવ આવે છે. મેં દવા પણ લીધી, પરંતુ તાવ ઉતારતો જ નથી."
આ સાંભળી શમિતા બોલી, " અરે બાપરે ! કામ કોણ કરશે. સાંભળ તું એક કામ કર,તારી દીકરી છે ને એને મોકલી દેજે. "
બાઈએ કહ્યું, "બેન એ તો ફક્ત 12 વર્ષની જ છે. એને નહીં આવડે અને એની શાળા પણ ચાલુ છે."
શમિતાએ કહ્યું, " ઓહો 12 વર્ષની છેને તો કાંઈજ વાંધો નથી, કંઈ નાની ન કહેવાય. તું મોકલી દેજે આજે સાંજે, હું એને કામ શીખવાડી દઈશ અને સ્કૂલમાં બે દિવસ ખાડા પડશે તો કંઈ પરીક્ષામાં નાપાસ નહીં થઈ જાય. સાંજે મારી ફ્રેન્ડ્સ પણ આવવાની છે. કોઈક તો જોઈશે જ ને કામ કરવાં."
આ સાંભળી સૌરભ એની સામે તાકી રહ્યો.