ઉપકારનો બદલો
ઉપકારનો બદલો


આંખો ખુલતા જ અમુલકભાઈને એક જાણીતો ચહેરો સામે દેખાયો. તેઓ બોલી નહતા શકતા. ડાબી બાજુનું અંગ હલાવી નહોતા શકતા. તોય થોથવાતે અવાજે બોલ્યા,"ક્રિષ્ના !"
"હા કાકા ,હું ક્રિષ્ના,ઓળખી ગયાં મને તમે.વાહ સરસ !એટલે મગજ તો સાબદું છે તમારું. હાશ ! મને એ જ ચિંતા હતી. હવે વાંધો નઈ આવે. જરાય ચિંતા કરતાં નહીં. હું છું કાકા."
ફરી એવા જ થોથવાતા અવાજે, "મને શું થયું છે ? મારા શરીરની એક બાજુનાં અંગો કેમ હલતા નથી. "કાકા, જુઓ હમણાં તમારા કોઈ સગા સંબંધી નથી અહીં, તો તમને જ જણાવું છું. તમને પેરાલીસીસનો અટેક આવ્યો હતો. પણ વધુ ચિંતાજનક વાત નથી. તમને જલ્દી જ સારું થઈ જશે."
અમુલકભાઈ આંખોમાં આંસુ સાથે, "મારા સુકેતુને ફોન.." આટલું બોલતા તો થાકી ગયાં.
"હા હાકાકા,તમારા મોબાઈલથી મે એમને કોલ કર્યો છે. તેઓ ઉપાડતા નથી. બીઝી હશે. મિસકોલ જોશે તો કરશે. "
"એક મિસ કોલમાં નહીં કરે. ઓછામાં ઓછા પાંચ કર." કહીને એમની આંખો ભરાઈ આવી.
એટલી વારમાં લક્ષ્મીબાઈ જે અમુલકભાઈનાં ત્યાં લગભગ પાંત્રીસ વર્ષથી કામ કરે છે, એ આવી પહોંચી. માર્ગીનાં લગ્ન, સુરેખાનાં મૃત્યુ પછી અને સુકેતુનાં અમેરિકા ગયાં પછી તો ઘરકામ સહિત બે ટાઈમની ચા અને રસોઈ પણ એજ કરી આપતી.
"સાહેબ, કેમ છો હવે ? આજે રસોઈ કરવાં આવી ત્યારે તમને જમીન પર પડેલા અને અકળાઈ ગયેલા જોયા. ગભરાઈને મેં પાડોસીઓને બોલાવ્યા. પછી તરત ક્રિષ્નાને ફોન કર્યો.ક્રિષ્ના, સાહેબ ઓળખી ને; મારી દીકરી. સાહેબ, એ નર્સ બની ગઈ છે. યાદ છે ને મેં પેંડા ખવડાવ્યાં હતાં. એ ફટાફટ એમ્બ્યુલન્સ લઈને આવી. બસ પછી બધું એણે સંભાળી લીધું સાહેબ." એકી શ્વાસેએ બધું બોલી ગઈ.
એટલી વારમાં સુકેતુનો વીડિયો કોલ આવ્યો. તેને અંદાજો આવી ગયો કે પપ્પાને કંઈક થયું છે.
"શું થયું પપ્પા ?"
પણ અમુલકભાઈ હલનચલન કરવાની હાલતમાં ન હતાં. તરત જ ક્રિષ્નાએ ફોન લીધો અને સુકેતુને બધી પરિસ્થિતિની જાણ કરી.
"પપ્પા, આમાં અચાનક આવું થઈ ગયું ! પણ પપ્પા તમે ચિંતા ન કરતાં. ક્રિષ્નાએ કહ્યું છે. વાંધો નઈ આવે. ફિઝિઓથેરા્પીથી ધીરે ધીરે ફરક પડી જશે.પપ્પા, હું હમણાં આવી શકું એમ નથી. હમણાં ઓછામાં ઓછા ત્રણ મહિના હું ઇન્ડિયા નહીં આવી શકું. માર્ગી પણ એના બાબાને એસ. એસ. સીની પરીક્ષા હોવાથી આવશે પણ કદાચ તમારી જોડે રોકાઈ નહીં શકે. પણ મેં ક્રિષ્નાને બધું સમજાવી દીધું છે. એ તમારું ધ્યાન રાખશે." આટલું કહી પપ્પા શું કહે છે એ સાંભળવાની પણ દરકાર ન કરતાં, સુકેતુએ ફોન કાપી નાંખ્યો.
અમુલકભાઈની નિરાશા અને આંસુ ક્રિષ્ના પારખી ગઈ. " કાકા, તમે મારી સ્કૂલ અને કોલેજની ફી ભરી હતી , ત્યારે જ હું આજે નર્સ બની શકી છું. અમુલકભાઈએ ન પણ કીધું હોત ને તો હું જ તમારી પૂરી દેખરેખ કરવાની હતી. મારી મમ્મીએ એક વાત મને શીખવી છે, કે 'કોઈનો ઉપકાર ક્યારેય ન ભૂલવો,એ જ માણસાઈ છે'. હું છું ને કાકા,તમારી ત્રીજી દીકરી, જરાય મુંજાતા નહીં. તમને જોજો કેવા દોડતા કરી દઉં છું. "
આટલું સાંભળી અમુલકભાઈની બંન્ને આંખોમાં બે પ્રકારનાં આંસુ હતાં. એકમાં ગમનાં અને બીજામાં ખુશીનાં.