KAJAL Shah

Thriller

4  

KAJAL Shah

Thriller

udaan

udaan

5 mins
347


 "આવ બહેના, ઉડાનમાં તારું સ્વાગત છે."

રમીલાબેન ઉડાન નામક મહિલા આશ્રય સ્થાનનાં સંસ્થાપક અને વ્યવસ્થાપક બંન્ને છે, તેઓએ નિરાશ વદને ઉભેલી સાંચી ને કહ્યું.

45 વર્ષની,મધ્યમ કદ, મધ્યમ શરીરનો બાંધો ધરાવતી ઘઉંવર્ણી સ્ત્રી, સાંચી, અંદર આવી અને એક રૂમમાં એણે એક પલંગ જે હવે એનું નવું ઠેકાણું હતું એ સોંપવામાં આવ્યું.

બાજુમાં રહેલ કબાટમાં તેણીએ પોતાનો સમાન મુક્યો ને બાજુમાં રહેલ પલંગ પર ફસડાઈને બેસી.

રમીલાબેન માટે આ દ્રશ્ય નવું ન હતું. ઉડાનમાં અત્યારે લગભગ ત્રીસએક સ્ત્રીઓ હતી અને તે દરેક સ્ત્રીનો પ્રથમ દિવસ આ રીતે જ વીતતો.

પાણીના બોજથી ભરાયેલા વાદળ કેવાં કાળા ડિબાંગ બની જાય છે અને એની આસપાસનું વાતાવરણ પણ એટલુંજ ઘેરું બનાવી દે છે, સૂર્યને પણ જાણે ગળી જઈ, ધરતીપર અંધારું કરી મૂકે છે અને એકાદ ઠેસ લગતાજ બસ ધૂઆધાર પવન સાથે વરસી પડે છે.

બસ એવાજ હૃદય પર ભાર, મુખ પર છવાયેલી તકલીફોની કાલીમા, લપાઈ ગયેલો સુખનો સુરજ અને બાકીના જીવનનો બની ગયેલો ધૂંધળો માર્ગ,આ બધી પરિસ્થિતિઓ લઈને દરેક સ્ત્રી જયારે અહીં આવીને પલંગ પર બેસતી ત્યારે બસ આંખેથી એવી અશ્રુવર્ષા કરતી કે આખુંય ઉડાન એમાં ગરકાવ થઈ જતું.

આ જાણે ઉડાનની રીત બની ગઈ હતી.અહીં આવેલી દરેક સ્ત્રીનો પ્રથમ દિવસ આમજ વીતતો.

લગભગ અડધા કલાક પછી રમીલા બહેન એની પાસે ગયાં, એણે પાણી પાયું ને માથા પર હાથ ફેરવ્યો અને સાંચી રમીલા બેનને ભેટી ફરી ખુબ રડી.

 હવે લગભગ સાંજ થઈ હતી. સંચીએ પણ ખુબ અશ્રુ સાર્યા અને હવે થોડી હળવી થઈ હતી. સાંજે બધાં જમવાં ભેગા થયાં પણ સાંચી ન આવી,તો સ્વયં રમીલાબહેન તેણીને લેવા ગયાં. બધાં સાથે જમવાં બેઠા હતાં, બધાને જમવાં સાથે મસ્તી મજાક કરતા જોઈ તેના મુખ પર ન જેવું હાસ્ય આવ્યું. રમીલાબહેને તેને જોડે બેસાડી જમાડી.

જમ્યાં બાદ અહીંનો નિયમ કે, બધી સ્ત્રીઓ મળી પ્રથમ કામ પતાવે ને પછી બધી જોડે બેસી અલકમલકની વાતો કરે. કાં તો કાંઈ રમત રમે કે પછી ભજનો ગાય, અહીં તો જયારે જેવો મૂડ.

પણ આજે સાંચીનો પ્રથમ દિવસ હોઈ આજે ઓળખાણનો દિવસ હતો.

બધી સ્ત્રીઓએ પીડિતાથી ઉડાન સુધીની પોતાની સફર કહેવાની શરૂઆત કરી.

"હું સુજાતા, મારો પતિ દારૂ પીને ખુબ મારતો, પછી પોતાનું પુરૂષત્વ દેખાડતો, મારાં કમાવેલા પૈસા લઈને બજારું સ્ત્રીઓ પર ને દારૂ, જુગારમાં ઉડાવી દેતો. આ લગભગ રોજનો નિત્યક્રમ. છતાંયે ત્રીસ વર્ષ એની સાથે રહી, છેવટે એક દિવસ એ દારૂનાં નશામાં ગટરમાં પડી મરી ગયો, અને હું અહીં આવી. છૂટી એ પીડામાંથી બેન."

"હું નમ્રતા, મારાં કાકાનાં દીકરાએજ મારી પર બળાત્કાર કર્યો. મમ્મીને કહ્યું, તો વાત દબાવી દીધી, પછી તો મારાં કઝીનને ફાવતું ચડ્યું. એક વર્ષ સુધી એણે મારી પર અત્યાચાર કર્યો.ઉડાન વિષે સાંભળ્યું હતું, તો એક દિવસ લાગ જોઈને ઘરેથી ભાગી છૂટી ને આવી ગઈ અહીં."

 આમ એક એક બહેન પોતાની પીડિતા હોવાની ગવાહી આપી રહ્યાં હતાં.

કોઈક પતિથી પીડિત તો કોઈ સાસુથી તો કોઈ સસરાની ખરાબ નજરોથી પીડિત તો કોઈકને તો પોતાના સગ્ગા માતાપિતાએ જ પૈસા ખાતર વેચી દીધી.

કોઈકને પોતાના પ્રેમીથી દગો થયો તો કોઈક બાળકો દ્વારા થતી હેરાનગતીથી ત્રાસી અહીં આવી હતી,તો કોઈ સમાજના કારણે અહીં ધકેલાઈ હતી.

બસ આમજ પીડાઓને વાચા આપવાનો દોર ચાલુ હતો ને,હવે વારો આવ્યો સાંચીનો.

સાંચીને શારીરિક પીડા એટલી નહતી જેટલી માનસિક પીડા હતી.

એનો પતિ દુર્ગેશ, લગ્નની રાત્રેજ એના પર ક્રોધે ભરાઈ એની સાથે ઝગડી સૂઈ ગયો, કારણ નાજુક નમણી સાંચી એના પતિની હવસને પૂરતો પ્રતિસાદ નહતી આપી શકી.

એના પતિ સાથે પ્રથમ મુલાકાતના જે સ્વપ્ન સેવ્યાં હતાં તે કાચની જેમ ભુક્કો થઈ ગયાં,ને વિખરાઈ ગયાં.

સાંચી સ્તબ્ધ બની ગઈ હતી. તેના માટે બધુંજ નવું હતું. તેણી કાંઈ વિચારે કે સમજે તેના પહેલાજ તેનો પતિ રૂમમાં આવતાની સાથેજ તેના પર તૂટી પડ્યો હતો. તેણીએ પતિને સાથ આપવા કોશિશ કરી પણ એ નાકામયાબ રહી.

તેણીએ પોતાના થનાર પતિ પાસે પ્રથમ એક મિત્ર, એક ચાહક ને પછી પતિ બને એવી આશા રાખી હતી.

ત્યાર બાદ તો સાંચીએ બાજી સંભાળી લીધી હતી ને પતિને ખુશ રાખવાની પુરી કોશિશ કરતી હતી.

પણ દરેક રાતે તેને થતું કે પોતે જાણે રમકડું છે,ને તેનો પતિ તેની સાથે રમીને ખુશ થાય છે. પણ આ સંબંધમાં પ્રેમ, લાગણી, ભાવ ખૂટતાં હતાં.

 તેણીને બે બાળકો પણ થયાં, પ્રેમ અને સર્વાંગી.

 લગ્નનાં લગભગ પાંચેક વર્ષ પછી તો દુર્ગેશે લગ્ન બાહ્યં સંબંધો રાખવા શરું કરી દીધાં હતાં. એ બાબતની જાણ થતાં,એ લડતી ઝગડતી પણ કાંઈજ બદલાતું નહીં.

 આમને આમ 25 વર્ષો વીતી ગયાં. હવે તે રિબાવા લાગી હતી, મનથી ખુબ પીડાતી હતી.

 પ્રેમ તો એને જિંદગીભર મળ્યો ન હતો, અને હવે તો પતિ પણ એનાથી દૂર દૂર રહેવાં લાગ્યો હતો.

જાણે તે એક કામવાળી હોય એમજ વર્તતો.

ઘરને લગતા દરેક નિર્ણયો દુર્ગેશ જ લેતો. સાંચીનું કાંઈ ન ચાલતું.

આખી જિંદગી જેની આસપાસ વિતાવી દીધી, પણ ક્યારેય એના દિલના વ્યાસમાં સાંચી પગ નહતી મૂકી શકી. તે મનોમન ખુબ પીડાતી અને ડિપ્રેશનમાં જતી રહી હતી.

પોતે સારી ડાન્સર કે સારી ગાયક હોવા છતાંયે ક્યારેય પોતાના વિશે ના વિચાર્યું.

હવે તે હસવાનું,ખુશ થવાનું પણ ભૂલી ગઈ હતી. હંમેશા નિરાશ રહેતી અને બીમાર પણ રહેવાં લાગી હતી.

એવામાં તેણીની દીકરીના પણ લગ્ન થઈ ગયાં અને દીકરો આગળ ભણવાં અમેરિકા જતો રહ્યો.

તેની દીકરી સર્વાંગી, આ બધું જાણતી હતી,પણ કાંઈ કહી નહતી શકતી.

ત્યારે આ વાત સર્વાંગીએ ગામડે રહેતી તેની દાદીને કહી.

એક દિવસ સાંચીનાં સાસુ સ્વયં આવ્યાં, ને તેની પાસેથી તેના મોઢે હકીકત કઢાવી.

અને તેના સાસુએ તેને એક કાર્ડ આપ્યું જેમાં ઉડાન વિષેની માહિતી હતી.

સાંચી સ્તબ્ધ થઈ ગઈ.

પણ તેની સાસુએ કહ્યું," કે લગ્નજીવનમાં ઉપેક્ષાની શું અસર થાય છે એ મારાથી વધારે કોઈ ન સમજી શકે બેટા, અને આવી ઉપેક્ષા કરનાર વ્યક્તિ પાસેથી અપેક્ષાઓ રાખવાનો કોઈ જ અર્થ નથી. હું નથી ઈચ્છતી કે આ પીડાનો બોજ તું જિંદગીભર ઉઠાવે, માટે જો તું છૂટવા માંગતી હોય તો નીકળી જા. તારી લગભગ જવાબદારીઓ પૂર્ણ થઈ ગઈ છે, અને બાકી રહેલ જવાબદારીઓ હું પુરી કરીશ, જે ઘરમાં સ્ત્રી ને પગલુંછણીયું માનવામાં આવે ત્યાં રહેવાનો કોઈજ અર્થ નથી, અહીં ઉડાનમાં જઈ મારું નામ આપજે, રમીલા મારી બચપણની સહેલી છે.સાચું કહું તો 

આવો જ પ્રસ્તાવ, મને રમીલાએ 30 વર્ષ પહેલાં આપ્યો હતો અને મેં તે સ્વીકાર્યો ન હતો, પણ તું સ્વીકારી લે બેટા, નહીંતો આ પીડામાં તું જીવી પણ નહીં શકે ને મરી પણ નહીં શકે. "

રમીલા બહેને તેણીની સાસુનું નામ પૂછ્યું અને તેણી એ કહ્યું, "યશોદા".

રામીલા બહેન ગળગળા થઈ ગયાં અને સાંચીને ગળે લગાડી.

રમીલા બહેન છેલ્લે બોલ્યાં," પીડિતા તરીકેની તમારી ભૂમિકા પતી ગઈ છે, હવે અહીં આપણે સહુએ સાથે મળી ખુશીઓની ને પ્રગતિની ઉડાન ભરવાની છે તો સાથ આપશો ને બહેનો."

અને બધાં સહીત સાંચી પણ ખુબ ખુશ થઈ નાચવાં લાગી.


Rate this content
Log in

Similar gujarati story from Thriller