હેપ્પી ચોકલેટ ડે
હેપ્પી ચોકલેટ ડે


આજે નરસી મુંજી કૉલેજમાં ચોકલેટ ડે હતો. દીવાએ આ કૉલેજમાં નવુ જ એડમીશન લીધું હતું. દીવા ખૂબ સુંદર અને તેનું વ્યક્તિત્વ પણ ખૂબ પ્રભાવશાળી હતું.
ચોકલેટ ડેના દિવસે તે જેવી કૉલેજમાં આવી તો જાણે, ચોકલેટનો વરસાદ વરસી ગયો. દીવા સાથે દોસ્તી કરવાની મંશા લગભગ ઘણાં યુવાન હૈયા ધારાવતાં હતાં. ચોકલેટ ડે હોવાથી તેણે બધી ચોકલેટોનો સ્વીકાર કરી લીધો. એક છોકરો જેનું નામ પ્રકાશ હતું, તે દીવાને ચોકલેટ આપવામાં શરમ અનુભવતો હતો. પાછું એને એ પણ ડર હતો કે ક્યાંક દીવા એને પણ બીજા છોકરાઓની જેમ ભૂલી ન જાય, તેથી તે દીવા એકલી પડે એની રાહ જોતો હતો.
ત્યાં તો દીવા એની મિત્ર આર્યાને લઈને કૉલેજની બહાર આવી અને ઓટો રિક્ષામાં બેસી. પ્રકાશ પણ કોણ જાણે કાંઈ પણ વિચાર્યા વગર તેનો પીછો, બીજી રીક્ષા દ્વારા કરવાં લાગ્યો. તે આજે તેને કોઈ પણ ભોગે ચોકલેટ આપવાંનો નિર્ણય કરી ચુક્યો હતો. થોડેક દૂર જઈને દીવાની રીક્ષા એક ગરીબોની બસ્તીમાં જઈને ઉભી રહી. એને જોઈ પ્રકાશ પણ ત્યાંથી થોડે દૂર રીક્ષા છોડીને ઊભો રહ્યો.
ત્યાં આસપાસની જગ્યાને પ્રકાશ વિસ્મય ભરી નજરે જોઈ રહ્યો. ત્યાં તો દીવાએ બે ત્રણ બચ્ચાઓને બોલાવ્યા, તેઓ સાથે કંઈક વાત કરીને તેઓ જતાં રહ્યાં. બસ પાંચ જ મિનિટમાં ઓછામાં ઓછા વીસ એક છોકરાઓ ભેગા થઈ ગયાં. દીવા અને આર્યા બધાં બચ્ચાઓને ચોકલેટ વેચવાં લાગ્યાં. આ જોઈને પ્રકાશ એટલો ખૂશ થઈ ગયો કે પોતાની જાતને તે રોકી ન શક્યો ને પહોંચી ગયો દીવાની નજીકને કહેવા લાગ્યો,
“હેલો દીવા, હું પ્રકાશ તારી જ કૉલેજમાં ને તારાં જ ક્લાસમાં છું.“
દીવા બોલી, “તું અહીં !”
“ઇટ્સ અ લોન્ગ સ્ટોરી. પછી કહું, અત્યારે તો ચોકલેટ ડે મનાવી લઈએ “.પ્રકાશે કહ્યું.
પ્રકાશ જે ચોકલેટ બૂકે દીવા માટે લાવ્યો હતો, તે પણ તેણે બચ્ચાઓમાં વહેંચી દીધો. ત્રણે જણનાં ચહેરા પર અલગ જ તૃપ્તતા દેખાઈ રહી હતી. પ્રકાશે છેલ્લે દીવા અને આર્યાને કહ્યું, “હેપ્પી ચોકલેટ ડે. આજે વાસ્તવિક અર્થમાં ચોકલેટ ડે મનાવ્યો. આભાર દીવા !”
ત્યાર બાદ ત્રણે જણ હસતાં હસતાં કૉલેજ પાછા ફર્યા.