જિંદગી બોલી ઊઠી
જિંદગી બોલી ઊઠી


"મમ્મી, પપ્પા " ? દિશા એ પૂછ્યું. દિશાને જોઈ શીલાબહેનની આંખે દરિયો ઉમટી આવ્યો અને એને ભેટી પડ્યાં.
"શાંત થા મમ્મી, હું છું ને ! હું આવી ગઈ છું હવે તું જરાંય ચિંતા ન કરતી." મુંબઈમાં રહીને જોબ કરતી દિશા પોતાની માતાને આશ્વાસન આપે છે.
પાડોશી શિખરનો ફોન જતાં જ તે મુંબઈથી સૂરત રવાના થઈ ગઈ હતી.
"મમ્મી, પણ થયું છે શું ? પપ્પા સાથે કાલે તો વાત કરી મેં, ને આજે સવારમાં અચાનક શું થયું ?"
દિશા, શીલાબહેનને પૂછી રહી હતી, પરંતુ એમની પરિસ્થિતિ જોઈ શીખરે જ માહિતી આપવી ચાલુ કરી.
સવારે માસા બાથરૂમમાં ગયાં ને લગભગ અડધો કલાક સુધી બહાર ન આવ્યાં ને વળી ખખડાવે તો કઈ જવાબ પણ ન આપે, માટે કાકીએ મને બોલાવ્યો.
મેં પણ મહા મહેનતે દરવાજો લગભગ તોડ્યો ને જોયું તો કાકા ઢળી પડેલા હતાં અને બેશુદ્ધ હતાં. માટે તાત્કાલિક હોસ્પિટલ લઈને આવ્યાં.
વાત ચાલી રહી હતી, ત્યાં તો ડોક્ટર આવ્યાં બહાર અને કહેવા લાગ્યાં, "એમના અંદરના ઓર્ગન્સને નુકશાન થયું છે ને, બંને કિડનીઓ કામ કરતી બંધ થઈ ગઈ છે."
શીલાબેન ત્યાં ખુરશી પર ફસડાઈને બેસી ગયાં.
દિશાએ ડૉક્ટર સાહેબને પૂછ્યું," આ બધું અચાનક કયાં કારણે બન્યું અને હવે આગળ શું કરવું ?
ડૉક્ટર સાહેબે કહ્યું, "આ બધું અચાનક નથી બન્યું. તેઓએ પોતાના સ્વાસ્થ્ય બાબતે ઘણી બેદરકારી દાખવી છે.
તેઓના કોઈ જુના રિપોર્ટસ વગેરે હોય તો લઈ આવો.
એક વાત ખાસ કે આપણને કોઈ કિડની ડોનર જોઈશે. તો જ એમનું જીવન બચાવી શકાશે".
દિશા રડમસ અવાજે બોલી," સાહેબ તમને જે ઠીક લાગે એ કરો. તમે કહેશો એટલો ખર્ચો કરવાં તૈયાર છું. બસ મારા પિતાને બચાવી લો".
હવે અહીં ત્રણ દિવસો પસાર થઈ ગયાં. પરંતુ ઉદય ભાઈને મળતી આવે એવી કિડની નો ક્યાંય પતો લાગ્યો નહીં.
ચોથો દિવસ થયો, ડૉક્ટરે શીલાબહેન અને દિશાને મળવા બોલાવ્યા અને કહેવા લાગ્યાં કે, " આપણી પાસે હવે વધું સમય નથી અને હજી તેમનો કોઈ કિડની મેચ મળ્યો નથી. "
ત્યાં તો દિશા એકદમ બોલી ," સર, મને તપાસી લો. મારી કિડની મેચ થતી હોય તો જોઈ લો. "
ડૉક્ટર સાહેબ વિચારમાં પડી ગયાં ને કહેવા લાગ્યાં, "દિશા, તું હજી જવાન અને અવિવાહિત છે. આ રીતે એક કિડની પર જીવન જીવવું તારે માટે મુશ્કેલ છે. તારાં લગ્ન પછી તારાં વિવાહિત જીવન પર એની અસર વરતાસે અને આગળ ચાલી ને માતા બનવા માટે પણ તારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે".
" ડૉક્ટર સાહેબ, મારું આ જીવન મારા માતા પિતાની જ દેન છે, જો એમને જ કામ ન લાગે તો ધિક્કાર છે મારા જીવનને.
મારા પિતાના જીવન સામે મારા જીવનની ખુશીઓ તૃણ સમાન છે. "
દિશાનાં આવા શબ્દો સાંભળી ડોક્ટર સાહેબ તેને નતમસ્તક થયાં ને તરત જ નર્સને બોલાવી લીધી.
શીલા બહેન આ બધું સાંભળીને અવાક રહી ગયાં.
તેઓ કરગરવા લાગ્યાં કે, "દિશા બેટા તું આ શું બોલે છે. નાના, ડોક્ટર સાહેબ, એ તો નાસમજ છે. પણ આપણે તો સમજદાર છીએ ને.
એના આખાં જીવનને આમ હું દાવ પર ન લગાવી શકું. આપણે એકાદ દિવસ રાહ જોઈએ. ભગવાન કોઈક ને કોઈક રસ્તો જરૂર બતાવશે."
દિશા એની માતાને બહાર લઈ ગઈ. પાણી પીવડાવી શાંત કરી. દિશા ખૂબ ભાવુક થઈ બોલી, " મમ્મી, તે મને બચાવી ન હોત તો શું હું આજે હયાત હોત ?
મારી ચિંતા ન કર, એ વખતે પણ ભગવાને મને બચાવવાં તને મોકલી હતી અને આજે પપ્પા ને બચાવવાં મને. "
શીલા બહેન એની આ વાત સાંભળી વિસ્મય પામી ગયાં. આંખો જાણે એક ઈંચ મોટી ખુલી ગઈ.
"દિશા, બેટા તું આ બધું.. !" બોલતા બોલતા તો ગળે ડૂમો આવી ગયો.
દિશાએ શીલા બહેનનાં ખોળામાં માથું નાખી કહ્યું, " મમ્મી હું દસમા ધોરણમાં ભણતી હતી. એ વખતે હું સ્કૂલથી ઘરે આવી અને બેડરૂમમાં વાતો કરતાં તમારા શબ્દો કાને પડ્યાં ને ત્યારથી આ સત્યથી હું વાકેફ છું. "
શીલા બેનનો ડૂમો ડુસકુ બની ગયું ને બોલી ઉઠ્યાં,"ઓ મારી દીકરી ! આટલી નાની ઉંમરથી તે આ સત્યનો ભાર એકલા વેઠ્યો.
હે ભગવાન ! મારી નાનકડી દિશું, "કહીને એને બાથ ભરી લીધી.
"મમ્મી, હવે મારો ઋણ ચૂકવણીનો સમય છે હવે એક પણ મિનિટ વેડફાય નહીં ને હજી કિડની મેચ થાય પછીની વાત છે ને. ચાલ, મને જવાદે હવે,મારી માડી."
કહીને નર્સ સાથે ટેસ્ટ માટે ગઈ.
કલાકમાં તો રિપોર્ટ આવી ગયો ને કિડની મેચ થઈ ગઈ છે એ સમાચાર સાંભળી એ તો જાણે મોરલા માફક નાચવા લાગી.
ભગવાનને પ્રાર્થના કરી કહેવા લાગી, " આપનો આભાર પ્રભુ ! કાશ ! આ વિચાર મને પહેલાં આવ્યો હોત તો, પપ્પા ને આટલા દિવસ રીબાવું ન પડત.
"કેટલી નગુણી છું હું !" એમ કહી રડવા લાગી.
દિશાની આવી માતૃપિતૃ ભક્તિ જોઈ ડોક્ટર સાહેબ અને આસપાસ બેઠેલા બધાનાં હૃદય સંગ આંખો ભીંજાઈ ગઈ.
હવે ઓપરેશનની તૈયારી તુરંત આદરી દેવાઈ.
ખુશી ખુબ જ ખૂશ અને સ્વસ્થ જણાઈ રહી હતી.
એને જોઈ શીલા બહેનનાં મનની અંદર શબ્દોનાં વિચારોનાં ઘેરાં વાદળ છવાઈ ગયાં હતાં, પણ એ શબ્દો એમના હોઠોની પાળને તોડીને બહાર આવવાને સક્ષમ ન હતાં.
દિશા પોતાની માતા અને ત્યાં રહેલા ગણપતિ બાપ્પાનાં આશિષ લઈ પોતાના ઈષ્ટ દેવનું સ્મરણ કરી ઓપરેશન થીએટર તરફ ચાલી પડી.
એને જતી જોઈ શીલા બહેનનાં હૃદયમાં ઘેરાયેલા શબ્દો આંસુઓનો વરસાદ બની દડદડ વરસવાં લાગ્યાં ને ભૂતકાળમાં સરી પડ્યાં.
શીલા બહેન અને ઉદય ભાઈ બંને સરકારી બેંકમાં સરસ નોકરી કરતાં.
સૂરજ નામે એક દીકરો, પણ ઘરમાં દાદા દાદી હોવાથી સરસ સચવાઈ જતો.
એક દિવસ તેઓ નોકરી જવા નીકળ્યા. બંને સાથે ચાલીને જ જાય.
રસ્તામાં એક કચરાપેટી આગળથી પસાર થવાનું થયું ને એ સમયે એક નાનકડા બાળકનો રડવાનો અવાજ સંભળાયો.
બહું નજર કરી પણ કઈ દેખાયું નહીં ને તેઓ આગળ વધી ગયાં.
બેંકમાં પહોચી શીલા બહેનને ચેન ન પડે. એમના મનમાં શંકા થઈ ને તરત તેઓ ત્યાંથી કીધાં વગર જ નીકળી ગયાં ને પાછા એ જગ્યાએ આવ્યાં,જ્યાંથી બાળકનો અવાજ સાંભળેલો.
ફરી નજર કરી પણ હવે અવાજ આવતો ન હતો.
ત્યાં એક કૂતરું આવી એક પોટલાં પાસે ભોંકવા લાગ્યું.
શીલા બહેન ચમક્યાં ને તરત એ પોટલું ખોલી જોવા લાગ્યાં ને જોઈને ચીસ નંખાઈ ગઈ.
એક બાળક, બેભાન અવસ્થામાં. તેઓ રડવા લાગ્યાં. તુરંત બધાં આસપાસ નાં લોકો ભેગા થઈ ગયાં.
તેણે તરત હોસ્પિટલ લઈ ગયાં. ડૉક્ટરે ત્યાં એની તપાસ કરી ને એને ભાનમાં લાવવાની કોશિશ કરી.
ત્યાંતો એનો રડવાનો આવાજ આવ્યો ને એ જ સમયે ઉદયભાઈ પણ હોસ્પિટલ પહોંચી શીલા બેનને પૂછવા લાગ્યાં કે, " શીલા શું થયું ? આમ અચાનક અહીં કેમ બોલાવ્યો ? "
શીલાબેનનાં મુખમાંથી શબ્દો સરી પડ્યાં, " જિંદગી બોલી ઉઠી ! "
ત્યાંતો ડૉક્ટરે તેઓને બોલાવ્યા, ને દીકરી સોંપી દીધી.
પોલીસને પણ બોલાવવામાં આવી હતી.બહું બહું મિન્નત કરી, તેઓ દિશા ને ઘરે લઈ આવ્યા .
પોલિસને પણ તેઓએ બાંહેધરી આપી કે એના પાલક આવશે તો એમને સોંપી દેશે નહીં તો, થોડો સમય રાહ જોઈ પોતે જ આ બાળકીને દત્તક લેશે.
શ્રાવણ મહિનો હોવાથી પોતાના ઈષ્ટ દેવ શંકર મહાદેવનો પ્રસાદ માની ઉદય ભાઈએ અને નાનકડા સુરજે એને ગળે લગાડી આંઉં તેનું નામ દિશા રાખવામાં આવ્યું.
ઘરે સાસુ સસરા આ વાતથી નારાજ હતાં.
તેઓ કહેતા, " કઈ જાતની હશે ? કોની કુખેથી જન્મી હશે ?
એના માબાપના સંસ્કારોનો વરસો લઈને જન્મી હશે !"
પણ શીલા બહેને એક જ વાત કહી, " કે બાળક માટીનું પીંડ જેવું હોય છે. એને જે ઘાટમાં
ઘડવો હોય હોય એ ઘાટમાં ઘડી શકાય.
કોરી પાટી જેવા એના મસ્તીષ્કમાં આપણે જે લખવું હોય એ લખી શકાય.
નાનકડા એ જીવને મા મળશે ને મને દીકરી.
શરૂઆતમાં તો આનાકાની કરતાં રહ્યાં. પરંતુ નાનકડી ઢીંગલી જેવી ખૂબ હસમુખી દિશાને પ્રેમ કરતાં એ પોતાને વધું દિન ન રોકી શક્યાં.
પછી તો બંને બાળકોને સરસ અભ્યાસ કરાવ્યો.
સૂરજ એન્જિનિયરમાં માસ્ટર કરવાં અમેરિકા ગયો ને દિશા એમ.બી.એ. કરી મુંબઈમાં સરસ જોબ મેળવીને ત્યાં જ રહેવાં લાગી.
પાછલો સમય જાણે એક ફિલ્મની રીલની જેમ આંખો સામેથી પસાર થઈ રહ્યો હતો ને ત્યારે જ નર્સ આવી.
" મેડમ, ઓપરેશન સફળ થયું છે. હવે આપ નિશ્ચિન્ત બનો. એ લોકો ત્રણથી ચાર કલાકમાં ભાનમાં આવી જશે." આટલું બોલી તે પાછી જતી રહી.
શીલા બહેનની તંદ્રા તૂટી ને ખૂબ હર્ષિત થયાં. એમનો પાડોશી શિખર પણ ત્યાં જ હતો.
ચાર કલાક પછી બંનેને લગભગ સાથે ભાન આવ્યું.
શીલા બહેન આંખમાં આંસુ ને હોઠો પર મસમોટી મુસ્કાન સાથે બંનેને જોઈને બોલ્યાં, ફરી એક વાર આજે જિંદગી બોલી ઊઠી !"