રામ વિનાની સીતા
રામ વિનાની સીતા


"મૈથીલી, બેટા આજે ઓલો ગુલાબી ડ્રેસ પહેરજે, તારા પર બહું જચે છે".
આજે સવારથી તૈયારીઓ ચાલતી હતી. સુનયના બહેન, મૈથીલીનાં મમ્મી, ખૂશ તો હતાં, કારણ શારદા બહેને આ વખતે કહ્યું હતું કે,"આ વખત તો જોજો રામ જ આવશે ને શિવ ધનુષ્ય ઉંચકી લેશે". છતાંયે થોડો તણાવ અનુભવતાં હતાં એ એમના ચહેરાથી સ્પષ્ટ હતું.
આજે પંદરમો છોકરો મૈથીલીને જોવા આવવાનો હતો. અત્યાર સુધી ચૌદ છોકરાઓએ મૈથીલીને રિજેક્ટ કરી હતી.
ના,ના, એવું નહતું કે મૈથીલીમાં કોઈ ખામી હતી. સુંદર પાતળી લગભગ પાંચ ફૂટ ચાર ઈંચ ઊંચી, ગૌરવર્ણી, એમ.બી.એ. થયેલી અને સારામાં સારા પગાર વાળી નોકરી કરતી મૈથીલી. સુનયના બહેન આમ થોડા જુનવાણી એટલે નાનપણથી જ દીકરીને પાકકલા ઘરકામ વગેરેમાં નિપુણ તો બનાવી જ હતી. તથા સંગીત ને નૃત્યનો મૈથીલીને પોતાને શોખ એટલે એ ક્ષેત્રમાં પણ તે પાછી પડે એમ નહોતી.
"તો તમને થશે જ કે મૈથીલી ઈસ લાઈક મોસ્ટ એલીજીબલ બેચલર ઈન ટાઉન. તો પછી ચૌદ ચૌદ મુરતિયાઓ એ કેમ તેને રિજેક્ટ કરી હશે."
મૈથીલી જયારે કૉલેજનાં છેલ્લા વર્ષમાં હતી ત્યારે આકાશની ખૂબ નજીક આવી ગઈ હતી. અને આકાશને પણ મૈથીલી ખુબ ગમતી. બંને જાણે ભણવાની બાબત કહો કે કૉલેજમાં કોઈ વધારાની પ્રવૃત્તિ કહો, દરેક બાબતે એકબીજાથી ચઢીયતાં એટલે આકર્ષણ તો થવાનું જ, અને આગળ જતાં એને પ્રેમનું નામ અપાઈ ગયું.
કૉલેજથી નીકળી બંન્ને નોકરીની શોધમાં હતાં, ત્યાં તો આકાશને એક અમેરિકન છોકરી સાથે લગ્ન કરી ત્યાંજ સ્થાયી થઈ, તેણીનાં પિતાનો પૂરો વ્યાપાર સંભાળવાનો પ્રસ્તાવ આવ્યો.
આકાશે મૈથીલીની જાણ બહાર આ પ્રસ્તાવને સ્વીકારી અમેરિકા જતો રહ્યો. આ વાત મૈથીલીને તેના એક મિત્ર પાસેથી મળી. સંબંધમાં વિશ્વાસઘાત એ વ્યક્તિનાં અસ્તિત્વનોજ ઘાત કરી નાંખે છે. જે સંબંધ આપણાં હોવાનો આધાર હોય છે, તેજ પાયામાંથી ખસી જાય તો અસ્તિત્વની ઈમારત ડામાડોલ થઈ જાય છે.
મૈથીલી તેને જોવા આવતા દરેક મુરતિયાને આકાશ વિશેનો પોતાનો ભૂતકાળ કહેતી, કારણ તે ઈચ્છતી હતી કે, તેના લગ્નજીવનનો પાયો સંપૂર્ણ વિશ્વાસની ઈંટોથી ચણાય, પણ મૈથીલીની આ વાત સાંભળતા જ દરેક મુરતિયાઓ મૈથીલી માટેનું કેરેક્ટર સર્ટિફિકેટ એટલે કે ચરિત્રનું પ્રમાણપત્ર તૈયાર કરી લેતા, કે આને એક સંબંધની વાત કરી છે પણ એના બીજા પણ આવા સંબંધો હોઈ શકે છે, આકાશ અને એના સંબંધમાં તેઓ કોઈ સીમા પાર કરી ગયાં હશે તો... આવી છોકરી ન ચાલે.
સુનયના બહેન ત્યાં તો રૂમમાં આવ્યાં ને મૈથીલી વિચારોનાં વમળમાંથી નીકળી કિનારે આવી. સુનયના બહેન બોલ્યાં, "બેટા, આજે જે મુરતિયો આવવાનો છે, મહેરબાની કરી તેને તું તારો ભૂતકાળ ના કહેતી, કારણ બેટા, અહીં પત્ની તરીકે સીતા બધાંને જોઈએ છે. ભલે પછી પોતે 'રામ' હોય કે નહીં. અને સ્ત્રી ચરિત્રની અગ્નિ પરીક્ષા કરવામાં રામ પણ ક્યાં પાછાં પડ્યાં".
મૈથીલી પણ એક આંખે વિષાદ અને એક આંખે વિસ્મય લઈ બેસી રહી.