સમય એક ઓસડ
સમય એક ઓસડ


પતિ એનાથી ખુશ ન હતો. કદાચ પ્રેમ જ ન હતો. આજથી 40 વર્ષ પહેલાં જ એ આ વાત કળી ગઈ હતી. બાળકો પણ પોતાના રસ્તે આ દુનિયાની દોડમાં લાગી ગયાં હતાં. પાંખો આવતા જ તેઓને પણ ઊડવાની સ્વતંત્રતા જોઈએ જ. પણ 'એ' ' એ' ત્યાંની ત્યાં જ હતી. સમય એના માટે આગળ જ વધ્યો ન હતો. આજે પણ એ ક્યારેક પહોંચી જતી 40 વર્ષ પહેલાની સુમી પાસે. આમ તો નામ "સુમિત્રા", પણ વ્હાલથી એને બધાં સુમી કહેતાં.
દાદી કહેતાં કે, "મારી સુમી માટે રાજકુમાર આવશે ! પોતાની પાંપણો પર ઘર બનાવી એમાં સુમીને રાખશે." ત્યારે સુમી બહુ હસતી પણ મનનાં કોરાણે એને ય એવી ખાત્રી થઈ ગઈ હતી કે, એના માટે ખરેખર દાદી એ કહ્યાં પ્રમાણેનો રાજકુમાર ભગવાને બનાવ્યો જ હશે.
લગ્ન પછી જેમ જેમ સમય ગયો, એ પતિમાં એવો જ રાજકુમાર શોધવા માંડી. પણ નિષ્ફળતા. સતત નિષ્ફળતા. આવી વર્ષોની નિષ્ફળતાથી એ નિરાશાના વમળમાં ફસાઈ ગઈ હતી. એમાંથી બહાર આવવું એના માટે અશક્ય થઈ ગયું હતું. ત્યાં તો એક દિવસ સુમીત્રાની બાળપણની મિત્ર આશાનો સીધો ફોન જ આવ્યો.
આશા અને સુમી જાણે જુગલ જોડી, પણ આશાનાં લગ્ન ગુજરાતમાં સંયુક્ત કુટુંબમાં થઈ ગયાં અને એ વખતે મોબાઈલ નહીં હોઈ સંપર્કનો સેતુ ન બંધાઈ શક્યો. પણ રામે સમુદ્ર પાર કરી સીતાને શોધી હતી એમ જ આશા મારા સુધી પહોંચી. એની સાથે વાત કરતાં લાગ્યું જ કે આ એ આશા છે જ નહિ. વાતો કરતાં મનનો ભાર જે બોજો બની ગયો હતો એ ધીરે ધીરે ઓછો થવા લાગ્યો. આગળ વધીને આશાએ જીવન જીવવાની નવી દિશાઓ આપી.
એ વાત ને 5 વર્ષ વીત્યાં નિરાશાનાં વમળમાં વર્ષોથી ફસાયેલી હું આજે મેકઅપ આર્ટિસ્ટ બની ગઈ છું. ટીવીની હિરોઈનનાં મેકઅપ માટે મારું નામ જાણીતું બન્યું છે.