સાધના
સાધના


"ગીતા કાકી, આજે કેમ મને ઉઠાડી નહીં."રીમા બોલી.
ગીતા કાકી બોલ્યા,"અરે બેન બા મેં રાત્રે તમને 3 વાગે રસોડે પાણી પીતા જોયાં હતાં, તો થયું કે લાવ લગીર સૂવા દઉં, રોજ તો ઘડિયાળનાં કાંટા માફક દોડો સો."
રીમા બોલી,"પણ કાકી મારે ઓફિસ જતાં પહેલા સોહમને પણ મળવા જવાનું છે, હવે કેમ પહોંચાશે બોલો."
કાકી બોલ્યાં, "તે રોજ તો જાવ સો, અને એક દા'ળો ના જાવ તો, ક્યાં વળી એ તમને કંઈ કે'વાના સે. એ તો જાણે મૂર્તિ બની, મૂઈ હોસ્પિતાલને મંદિર સમજી ત્યાંજ સ્થાપિત થઈ ગ્યાં સ, ન બોલે ન ચાલે, પેલું હુ હતું....
તે પેલું હાં.. 'કોમા' એમાં જઈ સરી પડ્યાં સે ન."
રીમા એમને સમજાવવા લાગી કે, "હાં કાકી, હું જાણું છું, પણ જેમ તમે કાન્હાનાં દર્શન કરવાં ત્રણ ટાઈમ મંદિરે પહોંચી જાવ છોને. કાન્હાને મેળવવાં એને આત્મસાત કરવાં,તમે તમારી એ અવિરત ચાલતી સાધનાનો ક્યાંરેય ભંગ નથી કર્યો.
બસ...એમજ મારો ભગવાન મારો સોહમ છે, અને હું નથી ઇચ્છતી કે મારી સાધનામાં ક્યાંરેય કોઈ પણ ખલેલ પડે. જો... મારો ઈશ્વર રિસાઈ જશે... તો !"