વિધિની વક્રતા
વિધિની વક્રતા


માહોલ ખુબ જ ગમગીન હતો, બધાના જ આંખમાં આંસુ હતા અને સ્કેલા પોક મૂકી મુકીને રડતી હતી. જોંગનું શરીર એક તરફ ઢળેલું પડેલું હતું. મી.સ્વઝ્કી સ્કેલાને સમજાવી રહ્યાં હતા અને આશ્વાસન આપી રહ્યાં હતા. સ્કેલા હવે પહેલા જેવી જ થઇ ગઈ હતી એનો આનંદ પણ થોડો ઘણો હતો. પણ સ્કેલાને આ વચ્ચેનું કઈ જ યાદ ન હતું બસ જોંગ ગયો અને એ કારણે જ સ્કેલા...
વાત આ ઘટનાના નવ-દસ મહિના પહેલાની છે. એટલે કે... ઈ.સ. 1905 ની છે. એ એવો સમય હતો જયારે માનવ સંસ્કૃતિએ પ્રકૃતિનો હાથ સદંતર છોડ્યો ન હતો અને આધુનિકતાનો સ્પર્શ વધુ ને વધુ આનંદ આપી રહ્યો હતો. માનોરંજનના સાધનો ઓછા હતા અને નહોતા એવું પણ ન હતું. રશિયા, સોવિએત સંઘના મોસ્કોનું મી.ઝાસ્કાનોવાની માલિકીનું " ધ ગ્રેટ રેમ્બો સર્કસ" ધૂમ મચાવી રહ્યું હતું. આયર્લેન્ડમાં ધામા નાખ્યા હતા, દરરોજ ખેલ ચાલી રહ્યાં હતા, માણસ અને પશુ-પક્ષીઓ પોતપોતાના કરતબ બતાવીને મેનેજર મી.સ્વાઝ્કીના નેતૃત્વ હેઠળ પેટીયું રળી લેતા હતા અને ખુશીથી સહુ જીવતા હતા.
એક દિવસ એવો જ એક ખેલ ચાલી રહ્યો હતો, સ્કાલાનો સમય આવ્યો, સ્કાલા હવામાં ઝૂલાના કરતબ બતાવતી હતી, અહીથી ત્યાં અને ત્યાં થી અહી, હવામાં એ આમથી તેમ એવી રીતે ફરતી જાણે ઉડતી ન હોય. સ્કાલા મી.સ્વઝ્કીની ૨૦ વર્ષની યુવાન અને રૂપાળી દીકરી હતી. અચાનક એ દિવસે એનો હાથ છૂટ્યો અને એ નીચે પટકાઈ ગઈ, કોઈને જરા સરખો અંદાજો ન હતો કે આ ઘટના બહુ મોટું સ્વરૂપ લેવાની છે. કારણકે, નીચે જાળી હતી જ્યાં સ્કાલા પડી જાય તો પણ આરામથી બચી જાય એમ હતું. ખેલ પત્યો પણ સ્કાલા ઉભી ન થઇ. ખેલ સહુએ મળીને સ્કાલાને ઉભી કરી, ડોક્ટર આવ્યા, સ્કાલા અજીબ વર્તન કરતી હતી, કંઈ જ સમજાયું નહિ, અંતે ખબર પડી કે ઉપરથી પડતી વખતે સ્કાલાનું માંથું લોખંડના થાંભલા સાથે ભટકાયું હતું જેને કારણે એ પોતાની યાદશક્તિ ગુમાવી બેઠી છે અને આઠ-નવ વર્ષની નાની બાળકીની માનસિક સ્થિતિમાં આવી ગઈ હતી. ત્યારે મી.સ્વઝ્કી ખુબ જ ટેન્શનમાં આવી ગયા, પણ એટલી રાહત હતી કે ડોકટરે કહ્યું હતું કે કોઈ દુર્ઘટનાથી આવી પરિસ્થિતિ ઉભી થાય છે એમ જ કોઈ ઘટનાથી ઉકેલ પણ આવી જાય છે. શારીરિક રીતે તો સ્કાલા વીસ વર્ષની હતી પણ માનસિક રીતે તે આઠ-નવ વર્ષની બની ગઈ હતી.
હવે મહત્તમ સમય એ જોંગ સાથે પસાર કરતી, કારણકે એના બાળપણનો ખુબ જ પ્રિય સાથીદાર જોંગ હતો. જોંગ એટલે ઉરાંગુટાન પ્રજાતિનો વાંદરો, જે આ સર્કસનો વર્ષો જુનો સભ્ય હતો. સ્કાલા નાની હતી ત્યારે એની યુવાની હતી અને જયારે સ્કાલા સાથે આ દુર્ઘટના થઇ છે ત્યારે એ ઘડપણમાં જીવી રહ્યો છે. કોઈ ન માને પણ માણસો સાથે રહીને પ્રાણીઓ પણ માણસો જેવા જ થઇ જાય છે. પણ આ જોંગને રોગ થયો એ પણ માણસ જેવો જ. એણે અલ્ઝાઈમર જેવો રોગ થયો, એ બધું ભૂલવા લાગ્યો, કરતબ તો બહુ દૂરની વાત, એ વર્ષો સુધી સાથે જીવનારા પ્રાણી કે માણસોને ભૂલવા લાગ્યો. મી.સ્વઝ્કીને ઘણા એ કીધું કે એણે જંગલમાં મૂકી આવીએ પણ કોણ જાણે મી.સ્વસ્કીનો જીવ ક્યારેય ચાલ્યો નહિ. મેનેજમેન્ટે જોન્ગની દેખભાળ રાખવાનો ખર્ચ બંધ કરી દીધો તો મી.સ્વઝ્કીએ સ્વખર્ચે પણ જોંગને રાખ્યો. અને સમયની વક્રતા જુઓ તે સમયે સ્કાલા પોતાની યાદશક્તિ ગુમાવીને જોંગ પાસે પહોંચી હતી. શરુ શરૂમાં જોંગ સ્કાલાને પણ ઓળખાતો ન હતો. પણ સ્કાલા દરરોજ જઈને જોંગ સાથે વાતચીત કરતી, જોક કહેતી, એને રમાડવાનો પ્રયત્ન કરતી, ધીરે ધીરે જોંગ સ્કાલા સાથે ભળી ગયો, પહેલા પાંજરામાં અને પછી પાંજરા બહાર પણ બંને સાથે સાથે ભટકવા લાગ્યા. બંનેની ખુબ જામતી. દિવસો પસાર થતા ગયા, બંને મઝાથી રહેવા લાગ્યા, સ્કાલા જોંગને ઓળખે અને જોંગ સ્કાલાને. સાથે રહે, ખાય, પીવે, ફરે અને મઝા કરે. એક દિવસ વળી સવારે જોંગ અને સ્કાલા સર્કસના તંબુમાં કોઇને પણ કીધા મુક્યા વગર પ્રવેશ્યા અને ઉપર ચઢતા ચઢતા ઝુલાની જગ્યા એ પહોંચી ગયા. બાળ માનસ અને ઉત્સુકતાને કારણે બંને ઝૂલા પર ઝૂલવા લાગ્યા, કોઈને ખબર ન હતી કે શું થઇ રહ્યું છે અંદર? ખુબ ધમાલ મસ્તી બંને કરતા હતા પણ અચાનક જોંગથી ચૂક થઇ અને એ નીચે પટકાયો, જાળી નહિ હતી અને સ્કાલાની આંખ મીંચાઈ ગઈ અને જોરથી ચીસ પડી ઉઠી. આંખ ખુલી ત્યારે જોન્ગના માંથામાંથી લોહી વહી રહ્યું હતું, એ ત્યાં કેવી રીતે પહોંચી? જોંગને શું થયું? એને કઈ જ યાદ ન હતું.
મી.સ્વઝ્કીએ સ્કાલાને બધું વિગતે સમજાયું ત્યારે એને સમજાયું કે જોંગ જતા જતા પણ એની મિત્રતા નિભાવી ગયો.