Leena Vachhrajani

Abstract Others

4  

Leena Vachhrajani

Abstract Others

વ્હાલો વિલન

વ્હાલો વિલન

3 mins
40


બસો ખોલીની બસ્તી હતી. એટલી નાની ગલીની બે બાજુ ખોલીઓની હારમાળા હતી કે પોતપોતાની ખોલીમાંથી બાજુની ખોલીવાળા સાથે હાથ મેળવી શકાય, વાત કરી શકાય. પણ તોય અહીંના રહેવાસીઓ પોતાની દુનિયામાં મસ્ત હતા. દરેકને દરેકની જિંદગી વિશે ખબર જ હતી. અંગત જેવો શબ્દ અહીયાં કોઈના શબ્દકોશમાં જ નહોતો. પહેલી જ ગલીના પાંચમા નંબરની ખોલીમાં તુકારામ અને ચંદા બે બાળકો સાથે રહેતાં. તુકારામનાં મા-બાપ બે વર્ષ પહેલાં જ વારાફરતી વિદાય થયાં નહીંતર છ જણાં દસ બાય દસના વૈભવી ઘરમાં મજાથી રહેતાં હતાં.

બે નંબરની ગલીમાં નવમી ખોલી બાબુ અને બન્ની રહેતાં. આખી બસ્તીમાં અફવા ફેલાયેલી હતી કે એ બંને મુંબઈ બહારથી ભાગીને આવેલાં છે. બંને લગ્ન કર્યા વગર રહે છે અને ચોરીચકારી જ એમનો ધંધો છે. વિલનગીરી જ કરે છે.

આમ જ દરેક ગલીના દરેક ઘરને પોતાનો આગવો ઈતિહાસ હતો. દરેક જણ આર્થિક સંકડામણ અને અભાવમાં જીવતું હતું. સુંદર ફિલ્મી જીવન જીવવાની પ્રબળ ઈચ્છાને લોકલમાં કચડીને રાત્રે ખોલીભેગા થતા રહેવાસીઓ તેમ છતાં દરેક તહેવાર મજાથી ઉજવી લેતા.

એક રાત્રે બે ગલી વચ્ચેના નાનકડા ચોકમાં રહેવાસીઓની દિવાળી આવી રહી હોવાથી કેવી રીતે ઉજવવી એ નક્કી કરવા માટે મિટીંગ ચાલી રહી હતી. બાબુ એક ખૂણે દાંત ખોતરતો ઊભો હતો. બસ્તીના વગર કહે દરેક જણે માની લીધેલા મુખિયા નંદીશંકરે વાતની શરુઆત કરી.

“ભાઈઓ, આ દિવાળી દર વખત જેવી નથી. આ બિમારી એવી વળગી છે કે આપણા જેવા મજૂરવર્ગની કેડ તૂટીને પાટિયું થઈ ગઈ છે. તો આ વખતે બસ્તીમાં પતાકા, રોશની નહીં કરીએ. એના પૈસા આપણે આપણામાં જે વધુ મુશ્કેલીમાં છે એમને દિવાળી સહેજ સારી જાય એવી મદદ કરવી એવો મારો સૂઝાવ છે.”

તુકારામ બોલતાં ખચકાતો હતો. “એ વાત સાચી છે. રોજ કમાતા રોજ ખાતા આપણા જેવા વર્ગ માટે આ વખતે લાલલીલી રોશની કરતાં ઘરમાં કમ સે કમ દિવાળીને દિવસે એક ટંક આખું જમવાનું બને તો પરિવારની નજરમાં સહેજ આનંદ જોવા મળે. મારે તો ચિન્કીની સ્કુલની ફી પણ બાકી છે. મારી કમનસીબીને કારણે એ બહુ હોંશિયાર હોવા છતાં ભણી નહીં શકે.”

આવી તો કેટલીય પીડા બસ્તીના દરેક પાસે હતી. ચર્ચાવિચારણાને અંતે નંદીશંકર નિર્ણય પર આવે એ પહેલાં અત્યાર સુધી મૌન રહેલા બાબુએ મોં ખોલ્યું,“ભાઈલોગ સુનો. દિવાળી પહેલાના જેમ જ ઉજવવી જોઈએ. રોશની, દીવા, પતાકા બધું જ કરવું જોઈએ.”

અને.. બધા શ્રમિકોના ચહેરા પર આક્રોશ છવાયો.“શું જોઈને બોલે છે બાબુ? તારે જવાબદારી નથી. તારે મહેનત વગરના પૈસા આવે છે. અમારે તો આ આઠ મહિનામાં રોજગારી પણ અરધી થઈ ગઈ છે. તારા પાસે બહુ પૈસા હોય તો હિલસ્ટેશન જતો રહે. અહીયાં અમારા જેવા શ્રમિકોના બસ્તીમાં શું કામ પડ્યો રહ્યો છો ?”

અને શોરબકોર થઈ પડ્યો. દરેક જણ ગુસ્સામાં જેમ ફાવે એમ બોલતું રહ્યું. બાબુ એકદમ ચૂપચાપ ઊભો રહ્યો. નંદીશંકરે ઘાંટો પાડીને બધાને શાંત થવા કહ્યું. બાબુ તરફ ફરીને અણગમાથી કહ્યું,“હવે શું મૂંગો ઊભો છો ?”

“મારી વાત મગજ ઠંડું કરીને સાંભળો તો હું કહું ને !”

“બોલ હવે.”

“જો મને બસ્તીના ભાઈઓ યોગ્ય ગણે તો આ વખતે દિવાળીમાં આખી બસ્તીનો ત્રણ દિવસનો સમગ્ર ખર્ચ હું ઉઠાવીશ. અત્યાર સુધી મેં કોઈ સારું કામ કર્યું નથી. તમારા બધાની અફવા મારા સુધી પહોંચે છે. એમાં હું ચોરીચકારી કરું છું એ વાત સાચી પણ હું કોઈ મજબૂર કે ગરીબનું પર્સ નથી તફડાવતો. હું ક્યારેય જરુરિયાતમંદને હેરાન નથી કરતો. મારી જરુરિયાત પૂરી થઈ જાય પછી હું વધેલા રુપિયા જેને જરુર હોય એને આપી દઉં છું. ચોરી મારો વ્યવસાય બની ચૂક્યો છે કારણકે ગરીબીને કારણે અશિક્ષિત રહી ગયો અને બીજા બધાની ઉજળી જિંદગી જોઈને અભરખા જાગે એ પૂરા કરવા અનીતિના માર્ગે ચાલું છું. અને હા, બન્ની મારી પત્ની જ છે. ગામમાં લગ્ન થયાં હતાં.”

પચાસ જણા બેઠા હતા પણ તોય સોપો પડી ગયો. “અને હા, એક વાત ઓર. તુકારામભૈયા તમારી ચિન્કીની હવે ફી હું ભરીશ. આપણી જિંદગીના લાગેલા ગ્રહણને એના ઉજળા ભવિષ્ય પર હાવી નહીં થવા દઈએ.”

અને બસ્તીમાં ક્યારેય નહોતી ઉજવાઈ એવી દિવાળીની ઉજવણી માટે તડામાર તૈયારી ચાલુ થઈ ગઈ. બાબુ રોજ દાંત ખોતરતો નંદીશંકર સાથે ખર્ચાના હિસાબ કરીને પૈસા આપી જતો. ચિન્કીની ફી ભરાઈ ગઈ. 

દિવાળીએ આખી બસ્તી એકઠી થઈ હતી. નંદીશંકરે બાબુને બોલાવીને આભાર માન્યો અને કહ્યું,“તું બદનામ ફરિશ્તો છો. તારે લીધે જે શક્ય નહોતું એ બસ્તીને માણવા મળ્યું. તું વિલન પણ વ્હાલો વિલન છો.”


Rate this content
Log in

Similar gujarati story from Abstract