વ્હાલનો વ્યવહાર
વ્હાલનો વ્યવહાર


“નાથુ એ નાથુ, પ્રિન્સને બહારનાં રખડતાં કૂતરાં સાથે નહીં રમવા દેવાનું. કેટલી વાર સમજાવવાનું કે શેરીમાં રખડતાં કૂતરાંને ન જાણે કેવા રોગ હોય? શું ખાતાં હોય? ચોખ્ખાઈ ન હોય!”
“પણ ક્રિસભાઈ, પ્રિન્સ તો મારા હાથમાં જ હોય છે. પેલો મોટો કાળો ગલીમાં રખડતો રહેતો કાળિયો કૂતરો જ એની નજીક આવીઆવીને એને જીભથી વ્હાલ કરી જાય છે. કેટલું હડહડ કરું તોય ખસે જ નહીં ને!”
સરસ વેલ્વેટની ગાદી પર બેઠેલો પ્રિન્સ કાળિયાના વ્હાલને યાદ કરીને મરકી રહ્યો હતો.
“અરે તમે માણસજાત શું સમજો? સ્વાર્થ સિવાય તમને આવડે શું? એ કાળિયાના ગલુડિયાને ગાડી નીચે આવીને કચરાઈ ગયે બે વર્ષ થયાં. મને અનાથને જોઈને એને વ્હાલ ઉભરાય છે. તે સ્હેજ મળી લે એમાં તમને તમારી પ્રતિષ્ઠા જોખમાતી લાગે !”
બીજે દિવસે નાથુના હાથે બચકું ભરી પ્રિન્સ કાળિયાની સાથે ગલી છોડીને ભાગી ગયું.