Chinamyi Kotecha

Abstract Fantasy Inspirational

4.3  

Chinamyi Kotecha

Abstract Fantasy Inspirational

વહાલી સખીને પત્ર

વહાલી સખીને પત્ર

2 mins
254


વહાલી સખી વંદના,

તારો પત્ર મને મળ્યો. તારી સુંદર કવિતાઓ તો હું વાંચતી જ હતી અને તારી અનેરી વાર્તા તથા ઉત્કૃષ્ટ લેખ પણ વાંચ્યા.

આજના નવા વર્ષથી ચાલને આપણે નવી શરૂઆત કરીએ. આપણે બંને નિયમિત વાંચન કરીએ અને બીજાને પણ વાંચતા કરીએ. લોકો વધારે વાંચતા થાય અને એ પણ વ્યાકરણની ભૂલ વગરનું. લોકો જેવું વાંચશે તેવું લખશે. તારી તો આપણી ગૌરવવંતી ગુજરાતી લોકોની સંસ્કૃતિ એવી ગ્રામ્ય સમાજની કૃતિ પણ ખુબ સુંદર હોય છે. આપણી મા આપણી માતૃભાષા ગુજરાતી માટે આપણે એટલું તો કરી જ શકીએ ને ?

લેખક બનવા માટેની પહેલી શરત છે કે શ્રેષ્ઠ વાચક બનવું. તો સૌ પ્રથમ ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ કૃતિઓ આપણે વાંચીએ. હું આ નૂતન વર્ષથી સંકલ્પ લઉં છું કે એક વર્ષમાં ઓછામાં ઓછા 51 પુસ્તક વાંચીશ. મારાથી શક્ય હશે એટલા પુસ્તકના રીવ્યુ પણ લખીશ. જેથી વધારે લોકો વાંચવા પ્રેરાય.

ઉત્કૃષ્ટ વાંચન એક એવી જડીબુટ્ટી છે કે જેનાથી માનવીનો સર્વાંગી વિકાસ થાય છે. આપણને ખબર ના હોય એમ આપણે અંદરથી બદલાતા જતા હોઈએ છીએ. આજના યુગમાં વ્યસન હોય, તો બસ સારા પુસ્તકના વાંચનનું જ હોવું જોઈએ.

નરસિંહ મહેતાના ભજનો, દયારામની ગરબી, પ્રેમાનંદના આખ્યાન, શામળ ભટ્ટની પદ્યવાર્તા, ભોજા ભગતના ચાબખા, ગુજરાતી સોનેટના પિતા બળવંતરાય ઠાકોર, અખાના છપ્પા, ધૂમકેતુની નવલિકાઓ, બાળસાહિત્યમાં ગિજુભાઈ બધેકા, ગુણવંતરાય આચાર્યની દરિયાઈ સાહસકથાઓ, મહાદેવભાઈ દેસાઈની ડાયરીઓ, મહાત્મા ગાંધીજીની આત્મકથા, સ્નેહરશ્મિના હાઈકુઓ યાદી તો ઘણી લાંબી થશે. આપણી સમૃદ્ધ ગુજરાતી ભાષાના ઉત્કૃષ્ટ સાહિત્યનું રસપાન વધુ લોકો કરે તેવા આપણે પ્રયત્નો કરીએ.

કોઈપણ સારું પુસ્તક આપણે વાંચવા માટે વાંચીએ અને પછી તેને ભૂલી જઈએ તો કંઈ અર્થ નહિ. આપણે એ સારા વિચારોને આચરણમાં મુકવા પણ પ્રયત્ન કરીએ.

આપણો મુખ્ય હેતુ લોકો શુદ્ધ ગુજરાતી ભાષાનું વાંચન કરે, અને તેવું જ શ્રેષ્ઠત્તમ લેખન પણ કરે. ગુજરાતીભાષા આપણી મા છે. અને તેનું ગૌરવ હંમેશા સચવાય તેવા સઘન પ્રયત્ન આપણે કરીએ. જેવી રીતે ગુજરાતી ગરબા દુનિયાભરમાં લોકપ્રિય અને પ્રસિદ્ધ છે. તેવી જ રીતે આપણા ગુજરાતી સાહિત્યની અમરકૃતિઓ પણ દુનિયામાં વિખ્યાત થાય તેવું કંઈક કરીએ.

ચાલ હવે મારું પ્રિય પુસ્તક મારી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું છે. તું મને લખજે કે તારા શું વિચારો છે ? અને તું હવે કયા કયા પુસ્તક વાંચવાની છો ?

લિ.

તારી વહાલી

સખી ભાગ્યશ્રી


Rate this content
Log in

Similar gujarati story from Abstract