puneet sarkhedi

Crime

3  

puneet sarkhedi

Crime

વેરની વસૂલાત

વેરની વસૂલાત

3 mins
158


રઘુભાનું ઢાળીયું ત્રણ ગામના તરભેટે આવેલું, ઊગમણો રસ્તો પકડો તો સુરુભાનું ધારુકા આવે, આથમણે પથુભાનું પીપરાળી અને ઓતરા'દા રઘુભાનું કેરીયા.

ઢાળીયું તો કંઈ ન્હોતું, ખાસ્સી સાંઈઠ બાસઠ વીઘા જમીન હતી, અડધાથી વધારે જમીન ઢાળમાં હતી એટલે આ ખેતરનું નામ ઢાળીયુ પડી ગયેલું, અને આમેય ગામડા ગામમાં લોકજીભે સરળતાથી ચડી જાય એવા નામ તરત જ પડી જતા હોય છે, જેમ કે જે વાડી ખેતરની આજુબાજુ બાવળીયા ઊગેલા હોય તો કાટવણ્ય, નેળ્યવાળી, આબાંવાડીયું, ખાડ્ય, હૂરાપુરાવાળી, આમ જમીન પણ નામધારી હતી.

આ ત્રણેય ગામમાં કંઈ માથાકુટ, બબાલ થાય કે કંઈ ગામ વચાળે સમજણ કરવાની હોય, વહટી કરવાની હોય તો લોકો તરત જ કહેતા કે " હાંજે રઘુભાના ઢાળીયે ભેગા થઈએ."

રઘુભા હતા ત્યાં સુધી તો આ ઢાળીયા પર બારે માસ લીલી ઓઢણી લહેરાતી રહેતી, રઘુભા પોતાની મહેનતથી વરસમાં ચાર ઉપજ લેતા. ઉમરાળા પંથકના લોકો કહેતા કે, 'ખેતી જોવી હોય તો જાવ રઘુભાના ઢાળીયે'.

પણ આ જાહોજલાલી, આ માનપાન, રઘુભાનું પાંચમાં પૂછાવું, રઘુભાના પિતરાઈઓને આંખના કણાની જેમ ખૂંચતું હતું. ખેડ્યની જમીન તો બધાને એક સરખી ગલઢેરાઓ વારસાઈમાં આપી ગયા હતા. પણ રઘુભા જેવી મહેનત કોણ કરે ? 

ભાગીયાના ભરેસો કેટલા વરસ ખેતીવાડી ચાલે, ધીમે ધીમે ખેતીવાડી ટુટતી ચાલી સાથે દારુ, જુગાર અને વ્યાજમાં લગભગ બધી જમીન સ્વાહા થતી રહી. અને એક દિવસ બંને પિતરાઈ ઉભડીયા થઈ ગયાં.

 રઘુભાએ એમને સુધારવાની ઘણી કોશીશ કરેલી, પણ સુધરે તો ને ! થાય એટલી મદદ કરેલી, આખરે લોહી તો એક જ હતું ને ? 

 આ વરસે કપાસની ઉપજ સારી આવેલી, તે સાંજે જીનીંગ મીલવાળા ડાયરેકટ કપાસ ભરવા રઘુભાના ઢાળીયે આવેલા. કાંટા પર એક એક ધારણ થતી જાય અને ટ્રક ભરાતો જાય, જીનીંગ મીલવાળા અને રઘુભા હિસાબ કરીને ઊભા થયા ત્યારે રાતનો એક વાગ્યો હતો, કપાસની ઉપજ પુરી ૧૨ લાખ રૂપિયા આવી હતી. "હવે સવારે ઘરે જઈશ" મનમાં ગણગણી રઘુભા, રોકડા ૧૨ લાખ વાડીએ ઉતારેલા એક ઓરડાનાં કબાટમાં મુકી ઓરડાને તાળુ મારી ને બહાર ઓસરીમાં ખાટલો ઢાળીને સૂતાં.

 વહેલી સવારે ઢોરને પાણી પાવા કુંડી ભરવા, કૂવાની મોટર ચાલું કરવા ભીમો આવ્યો અને કુંવામાં રઘુભાની લાશ તરતી જોઈને ભીમાની રાડ્ય ફાટી ગઈ, અને ગામ ભણી દોટ મેલી.

 નાના એવા ગામમાં હાહાકાર મચી ગયો, ઘરેથી ગજરાબા બેય છોકરાના સહારે ઢાળીયે પહોચ્યા અને ગામવાળાએ કુંવામાંથી બહાર કાઢેલા રઘુભાનાં મૃત શરીર પર પડતું મુક્યું.

 બેય, સમજણા થયેલા હાવજ જેવા છોકરાઓની સામસામી નજર મળી અને કોઈ ન સાંભળે એવા ધીમા આવાજે મોઢામાંથી શબ્દો ખરી પડ્યા "કાકા સાહેબ"

 તાળુ તૂટેલા ઓરડામાંથી ગઈ રાતે વેચેલા કપાસનો હિસાબ મળ્યો પણ ૧૨ લાખ રૂપિયા ગુમ હતા.

 રાબેતા મુજબ પોલીસ આવી, પંચનામુ કર્યુ અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી, તપાસ ચાલુ કરી.

શકના આધારે બંને પિતરાઈઓની ધરપકડ કરીને પોલીસ ચાલી ગઈ.

રઘુભાના દેહને અગ્ની દેતા પહેલા ગજરાબાએ બેય છોકરાઓને સોગંન લેવરાવ્યા કે જ્યાં સુધી તમારા બાપના મારતલ જીવે છે ત્યાં સુધી આપણા બધા માટે આ ગામનું પાણી અગરાજ છે, રઘુભાના ફૂલ વીણીને વાઘણ જેવી ગરાસણી હરિદ્વાર ચાલી ગઈ, અસ્થીને ગંગામાં પધરાવી ગજરાબાએ પિયરની વાટ પકડી.

 આ ઘટના ઘટ્યાને ૧૨ વરસ પછી, એક બપોરે ઢાળીયા પર, ઉમરાળા-સણોસરા ફેરા કરતી જીપ ધૂળ ઉડાડતી ઊભી રહી, એમાંથી બે દાઢી વધારેલા, ૨૮/૩૦ વર્ષના બે જુવાન ઉતર્યા. ઉજ્જડ થઈ ગયેલી વાડીનો ઝાંપો ખોલ્યો.

નજરે જોયેલા સાક્ષીના અભાવે નિર્દોષ છૂટી ગયેલા બંને "કાકા સાહેબો" પાસેથી લૂંટના ૧૨ લાખ પાછા લઈ, કેરીયાની ભર બજારે તલવારના ઝાટકે વેરની વસુલાત કરીને, બેય ભાઈઓ જાતેજ પોલીસમાં હાજર થયેલા. બંને પર કેસ ચાલી જતા ૧૦ ૧૦ વર્ષની સજા થયેલી.

રઘુભાના બંને હાવજ આજે સજા પુરી થયે સીધ્ધા ઢાળીયે આવ્યા હતા. અને ઓરડાની બહાર આવી ગજરાબાએ બંનેને કપાળે કુમકુમ તિલક કરી વધાવ્યા.

પાછળ પાછળ આવેલું જે સી બી મશીન ઢાળીયામાં ઊગેલા બાવળને ઉખાડવા કામે લાગ્યું. અને, રઘુભાનું ઢાળીયુ પાછું લીલુછંમ થવાની સફરે ઉપડ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Crime