puneet sarkhedi

Tragedy

4.2  

puneet sarkhedi

Tragedy

સહજીવન

સહજીવન

3 mins
302


"હાઆઆક થું," શાંતિલાલે બારી બહાર કડવાશથી ભરેલો ગળફો ફેંક્યો.

"સાલો વરસાદ" મનનો ધુંધવાટ થુંકવાથી મટ્યો નહીં તો શબ્દને કડવાં કર્યા.

વાંક શાંતિલાલનો ન્હોતો, વરસાદનો હતો. સવારથી જ મંડાયેલો ધોધમાર વરસાદ બપોર થયાં તોય ખમવાનું નામ ન્હોતો લેતો.

માત્ર બે દિવસ દમયંતી ભત્રીજાના લગ્નમાં જેતપુર ગઈ એમાં તો શાંતિલાલને જાણે ભવએકનું છેટુ પડી ગયું.

લગ્નજીવનના પચાસ વર્ષ દરમ્યાન દમયંતી પહેલી વાર શાંતિલાલ વગર બહાર ગામ ગઈ હતી, અને એ પણ બે દિવસ.

ના, જરાય એવુ નહી માનતા કે, શાંતિલાલ આકરા સ્વભાવના, ગુસ્સાવાળા, અડીયલ, પત્ની પર જોહુકમી ચલાવનાર પતિ હતા.

ચાલોને યાર, વધારે સસ્પેન્સ ઊભું નથી કરવું.

વાત જાણે એમ હતી કે, શાંતિલાલ અને દમયંતીના લગ્ન થયાં ત્યારે શાંતિલાલની ઉંમર ૧૪ વર્ષની અને દમયંતીની ઉંમર ૧૩ વર્ષની. ઢીંગલા ઢીંગલીના લગ્ન કરાવવાની ઉંમરમાં વડીલોએ આ બંનેને પરણાવી દીધા હવે, આ બાળપણ અને યુવાની વચ્ચે જુલતા બંને જણાને સંસાર શું કહેવાય એ શું ખબર !

લગ્નના બીજા જ દિવસથી બંને જણા બાળ સહજ શેરીમાં, ફળીમાં, મહોલ્લામાં હેડ હેડીના છોકરા છોકરીઓ સાથે રમવા માંડ્યાં.

બંનેના સહજીવનની સફર મિત્રતાથી શરૂ થઈ, સાથે રમવું, સાથે ભણવું, સાથે ગાંધીની દુકાને ભાગ લેવા જવું, બસ આમ સથવારામાં એકબીજાની આદત પડતી ગઈ.

સંસાર ક્યારે શરૂ થઈ ગયો એ બંનેને ખબર નહીં રહી. છોકરાવ થયા પછી પણ એમના આગવા સહજીવનમાં કોઈ ફેર ન પડ્યો. એ જમાનામાં પતિ પત્નીનું સાથે બહાર નિકળવું, એ સમાજ માટે જોણું બનતું અને કેટકેટલીય વાતો ફેલાતી એવા સમયમાં શાંતિકાકા બિન્ધાસ્ત દમયંતીનો હાથ પકડની બજારમાં ટહેલવા નિકળતા.

છોકરા મોટા થયા, પંખીનાં બચ્ચાઓને પાંખો આવી અને એક પછી એક માળો છોડીને ઊડી ગયાં. 

બસ ત્યારથી શાંતિકાકા અને દમયંતી એકબીજાનો સહારો બનીને ઊભા રહીં ગયા, ધીમેધીમે વૃધ્ધા અવસ્થા તરફ જઈ રહેલા બંને પતિ પત્ની કરતા મિત્રો વધારે હતાં.

જેતપુર ભત્રિજાનાં લગ્નમાં નહીં જવાનું શાંતિલાલ પાસે કારણ હતું. પાંચેક દિવસ પહેલા બાથરુમમાં લપસી જતા પગ ભાંગીને બેઠા હતા, એટલે ના છુટકે દમયંતીને એકલી જેતપુર મોકલવી પડી હતી, અને એ પણ શરતી કે જેવી જાન પરણી ઉતરે એટલે વળતી ગાડીમાં દમયંતીએ ઘરભેગા થવું.

મેલ બાર વાગ્યે થાન સ્ટેશને પહોંચતો અને એમાં જ દમયંતી આજે આવવાની હતી, બપોરનાં બે વાગ્યા છતાંય દમયંતી ઘર પહોંચી નહીં એટલે શાંતિકાકો મનમાં ધુંધવાયો, અને ગુસ્સે થઈ સવારથી મંડાયેલા વરસાદ પર દર પંદર મિનીટે બારી બાર વરસાદ પર થુંકીને "સાલો વરસાદ" કહી ભાંડતા હતા. શાંતિકાકાને એમ કે વરસાદને કારણે મેલ મોડો પડ્યો હશે.

પણ કારણ બીજું હતું, શાંતિકાકાના ઘરનો દરવાજો ખખડ્યો, શાંતિકાકાએ ઝડપથી દરવાજો ખોલ્યો અને બોલ્યા " દમુ આટલી બધી વાર, મારો જીવ નીકળી ગયો હતો" આટલું બોલીને ઊંચું જોયું તો પોસ્ટમેન ઉભેલો દેખાયો, "તમારો તાર છે"

શાંતિકાકાએ તાર ખોલ્યો, લખ્યુ હતું " કમ સુન, દમયંતી ઈઝ સિરીયસ".

શાંતિકાકાને ધરતી ફરતી દેખાઈ, અને બારણામાં જ ફસડાઈ પડ્યા.

 દમયંતીને ભત્રિજાની જાન ઉઘલાવતી વખતે જ છાતીમાં દુખાવો ઉપડેલો અને હોસ્પિટલમાં દાખલ કરેલી.

જિંદગીએ બંનેને પહેલી વાર જુદા પાડ્યા અને ખરેખરે જુદા થઈ ગયાં !

શાંતિકાકાના હાથમાં તાર આવ્યો, એ જ સમયે હોસ્પિટલમાં દમયંતીએ દેહ છોડ્યો, અને અહીં તાર વાંચતા જ શાંતિકાકાએ દેહ છોડ્યો. ઘડીનોય વિલંબ નહીં ! કદાચ, સ્વર્ગના દરવાજા પર એમના ફરી મંગળફેરા થવા આ સમય કુદરતે સાચવી લીધો હશે, શું ખબર !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy