puneet sarkhedi

Children Stories

4  

puneet sarkhedi

Children Stories

પહેલવાન

પહેલવાન

3 mins
252


"મનુ સુખડીયાનો છોકરો જાડીયો, જાડીયો પાડીયો ને પાછો ગડદીયો, મનુ સુખડીયાનો છોકરો જાડીયો"

નિશાળ હમણા જ છુટી હતી, છોકરાવનું ધણ હડી કઢીને સ્કુલનો ઝાંપો વળોટી ગયું અને એમાંથી પાંચ છ આળવિતરા છોકરાઓનું ટોળુ એક જાડા, ગોળમટોળ, માંડ માડ ચાલી શકતા છોકરા પાછળ ઉપરોક્ત હુરીયો બોલાવતુ ગામ ભણી ચાલ્યું.

એ ગોળમટોળ જાડો છોકરો એટલે મનુ સુખડીયાનો છોકરો. કહે છે ને કે 'દરજી કોઈ જાડો ન હોય, અને કંદોઈ કોઈ પાતળો ન હોય' બસ આ કહેવત મનુ સુખડીયાને બરોબર લાગુ પડતી હતી. જાડા પણાનો વારસો પેઢી દર પેઢી ચાલ્યો આવતો હતો જે સ્થુળ શરીર મનુ સુખડીયાને એના બાપા આગળથી વારસાઈમાં મળ્યુ હતુ એ જ વારસાઈ મનુ સુખડીયાએ છોકરામાં બરકરા રાખી.

મનુ સુખડીયાની મેઈન બજારના ચોકમાં ઊંચી પડથારની બાપીકી ફરસાણ અને મિઠાઈની દુકાન. વહેલી સવારના મનુ સુખડીયાની દુકાન ખુલી એ ભેગી ઘરાકોની જમાવટ થવા મંડે.

"એ મનુભાઈ મારા ૫૦૦ ગ્રામ વણેલા પાડજો.'

'મારા ફાફડા ૨૫૦ બાંધજો, ને ૧૦૦ જલેબી આપજો'

'અરે, મનુભાઈ ઘારી ૧ કીલો બાંધી આપોને, વેવાઈને ત્યાં મોકવી છે"

આવા અવાજો છેક રાતના દસ સાડા દસે મનુભાઈ દુકાન વધાવે ત્યાં સુધી સંભળાતા રહેતા. ભાઈ, ઘરાકી કેમ ના હોય, મનુ સુખડીયાના ફરસાણ અને મિઠાઈની તોલે બિજો કોઈ કંદોઈ ન આવે. થડે બેઠેલા મનુભાઈને જુઓ એટલે તમને ગુલાબજાંબુની યાદ આવ્યા વગરની ના રહે, દુરથી જુંઓ તો એવું લાગે કે મસમોટા ગુલાબજાંબુ પર આંખ, કાન, નાક, મોઢુ લગાડી દિધેલ છે.

આજે દુકાન વધાવીને મનુભાઈ ઘરે પહોચ્યાને એ ભેગા ઘરવાળીએ હડફેટે લીધા, "બાપ છો કે કોણ છો ?"

"કેમ શું થયું ? આટલા આકરાપાણી કાં ?"

"તે હોય જ ને, ગુણીયાંને નિશાળના છોકરાઓ જાડીયો જાડીયો કહીને આખા ગામમાં ભવાઈ કરે છે, એ મારાથી નથી ખમાતું, કાલથી હું ગુણીયાને નિશાળે નથી મોકલવાની"

"નિશાળે નહી જાય તો ભણશે શું ? શકોરુ ?"

"એ હું કાઈ નો જાણું, છોકરો ઓહવાઈ ઓહવાઈને ક્યાં સુધી રહેશે, આજે તો ખાધુય નથી"

"હે ખાધુ નથી, તારો છોકરો ભુખ્યો ક્યારથી રહેતા શિખ્યો ? પંડ્ય કરતા ઓછુ ખાધુ હોત તો ? આવડુ બધુ શરીર થાત ?"

"લે આલે લે, છોકરો ખાવાનું માંગે તો ખાવાનો દેવું, મારે એકનો એક છે, જ્યાં સુધી આનો રસ્તો નહીં કાઢો ત્યાં સુધી હું નિશાળે નથી મોકલવાની"

"હારુ, જમવાનું કાઢ, હું ગુણાને સમજાવું છું."

બાપ, દિકરો અને મા એ રાત્રે વાળુ કરીને જંપી ગયા પણ મનુ સુખડીયાનાં મનમાં ચિંતા ઘર કરી ગઈ, કે ગુણાના આ ઉંમરે હાલ છે તો આગળ ઉપર શું થશે ? કોઈ હખ્ખે જીવવા નહીં દે, આપણી તો જૈસે તૈસે કટ ગઈ પણ ગુણાનું શું ?

બિજે દિવસે ગુણો નિશાળે ન ગયો, મનુભાઈ દુકાન પર લેતા આવ્યા, ભલે બે ત્રણ દિવસ નાશાળે ન જાય અહીં એનુ મન થોડુ હલકુ થશે. રોજ નવ સાડા નવે ગામના અખાડાનો સરદાર મનુભાઈની દુકાને આવે, સાથે ડઝનેક કેળા હોય અને આંઠ દસ ઈંડા, મનુભાઈની દુકાનેથી પાંચ લિટર દુધ લે અને આ બધુ ટેબલ પર સજાવીને પંદરેક મિનીટમાં સફાચટ કરી જાય. મનુભાઈ બેઠા બેઠા જોતા રહે, કે પહેલવાનનો આ બધો તો સવારનો નાસ્તો છે, તો બપોરે અને રાત્રેનું ખાવાનું કેટલું હશે ? 

પહેલવાનને ઘણી વાર પુછવાનું મન થતુ પણ થોડા ડરને કારણે અને થોડુ મનમાં એમ કે કોઈને ખાવામાં થોડી ટોકાય, પણ એક સવાલ તો મનમાં ઘર કરી ગયેલો કે પહેલવાન આટ આટલું ખાય છે તો પણ એકદમ ચુસ્ત છે અને અમે સાવ કોથળા જેવાં.

પહેલવાને થડાની બાજુમાં બેઠેલા, હાથમાં વણેલા ગાંઠીયાને આજુબાજુની દરકાર કર્યા વગર ખાતા ગુણાને જોયો.

"અરે વાહ, નાના શેઠ આવ્યા છે ને શું "

"હા ગુમાનજી, આજે નિશાળે નથી ગયો તો મે'કુ દુકાને લેતો જાંઉ"

"તે હારુ કર્યુને, આમેય એક દી તો થડો સંભાળવાનો છે જ ને"

" પણ મારે આ ધંધામાં નથી નાખવો"

" હે ?"

"હા, મારે આ કંદોઈના ધંધામાં નથી રાખવો, જુવોને અમારા શરીર"

"એનો રસ્તો છે, શરીર ઓગાળવાનો"

હવે મનુભાઈના કાન ચમક્યા " રસ્તો છે ?"

"હા છે ને, સાડી સત્તરવાર છે, સવાર સાંજ મારા અખાડે બબ્બે કલાક મોકલો પછી જુઓ છ મહીનામાં આની કાયા પલટ નો કરી દઉં તો ફટ કેજો, ગુણા પહેલવાન હાલો અખાડે" 

પહેલી વાર ગુણાએ આંખમાં ચમક સાથે ગાંઠીયા પરથી ધ્યાન હટાવીને પહેલવાન તરફ જોયું. બસ પછી શું, ખાધુ પીધુને રાજ કર્યુ. મનુ સુખડીયાએ એની ચિંતાનું પોટકુ પહેલવાનના ખંભે નાખી બહાર તવામાં તળાતા ગરમા ગરમ ભજીયામાં ધ્યાન પરોવ્યુ.


Rate this content
Log in