puneet sarkhedi

Others

3  

puneet sarkhedi

Others

દિવેલ

દિવેલ

2 mins
245


ધનજી અદાનો ફોન રણક્યો. નવા જમાનાની સાથે, આ જમાનાનો ખાધેલ માણસ બરાબરનો તાલ મેળવીને ચાલતો હતો. ભલે એ નોકીયાનું જુનુ ડબલુ હતું, પણ અદા મોબાઈલ વટથી રાખતા હતા. મોટો છોકરો અરવિંદ શે'રમાં ઠરીઠામ થયો હતો, અદાને ઘણીવાર કહેતો કે, "હાલો મારી ભેળા" પણ અદા દાંત કાઢીને વાત ટાળી દેતા.

ચોરે બેઠેલા અને આખા ગામની ચોવટ કરનારા ધનજી અદાને કહેતાય ખરા "અદા શેર જેવી મજા નઈ, છોકરો હરખથી બોલાવે છે તો જાવને શેરમાં રે'વા, અમારે તો કપાતર પાક્યા છે, આયંને આયં ટોચાણા છે"

ધનજી અદા કહેતા, "રાખ્યને, આંય શેર જેવું શું નથી ? ઘરે ટીવી છે, ફ્રીજ છે, એસી, પંખાને આ મોબાઈલ બધુ તો છે, વાડી ખેતર આંટો મારવા કે ગામ પરગામ જાવા આ હિરોનું ફટફટીયુ છે, રહી ખાવાની પીવાની વાત તો આયં પાદરમાં શું નથી મળતું ? આમ રોડે ચડો તો શિવગરબાવાની હોટલ પર પીઝા, બર્ગર, ચાઈનીઝ, ઢોસા, પાંઉભાજી બધુ મળે છે."

"હા ઈ વાત હાચી કહી, અદા હજી પરમ દિવસે તમને બાવાની હોટલે પીઝા ખાતા જોયેલાં."

"જો ભાઈ, આખી જિંદગી બાજરાના રોટલા, લહણની ચટણી ને ડુંગળી, ગોળના દડબા સાથે ખાધા છે, માથે છાસ અને દુધ ઝીંકે રાખ્યુ છે, હજી કડેધડે છું તો આવા ચટકા કરવામાં વાંધો શું ?"

"અદા પીઝા, બર્ગર હજમ થઈ જાય છે?"

"હોવ્વે, ખાધા પછી લાગે કે, કંઈક તકલીફ છે તો રાતે હુતી વખતે એક ચમચો દિવેલ પી જાવાનું એટલે હવારે બેન્ક સાફ" અને, આખો ચોરો હસી પડ્યો.

રાત્રે અરવિદનો એ જ ફોન હતો કે રવિવારના હિસાબે સાંજે બેય છોકરાઓએ પિઝા ખાધા છે અને અત્યારે પેટ પકડીને અમળાયા કરે છે, શું કરવું ?

"બેયને એક એક ચમચી દિવેલ પાઈ દે, હુય પાંઉભાજી ખાઈને આવ્યો છું"


Rate this content
Log in