puneet sarkhedi

Romance

4  

puneet sarkhedi

Romance

વાવેતર

વાવેતર

2 mins
355


સુરભી, તમે તમારી સુરાહી જેવી ડોક લાંબી કરીને બારી બહાર જોયું.

ગઈ કાલે આખો દિવસ ગોરંભાયેલો વરસાદ રાત્રે મન મુકીને વરસ્યો હતો. અને સંકેત પણ.

વરસાદના હરખથી નવપલ્લીત થયેલા વૃક્ષોના પાન પાંદડેથી પાણીનાં મોતી શા ફોરા ટપકી ટપકીને ધરતીની ગોદમાં સમાઈ જતા હતાં. સામે ગેટ બહાર પાંચ છોકરાઓ પોતાના બાળપણને પડેલા વરસાદમાં ઓળઘોળ કરી રહ્યાં હતા, બાળકોની કાગળની હોડી બનાવીને રોડની સાઈડમાં વહેતા પાણીમાં તરાવવી, એજ વહેતા પાણીમાં છપાક દઈને કૂદવું, ભીની પોચી પોચી માટીમાં નાની નાની નાજુક આંગળીઓ ખોસવી. આ બધાથી હટીને બે નાની બાળાઓ નાના નાના ક્યારા બનાવીને, તણાઈને આવેલી કે વૃક્ષો પરથી ખરેલી ડાળીઓને રોપી રહી હતી.

સુરભી, આ દ્રશ્ય તમને અતીતમાં લઈ જવા માટે પુરતુ હતું.

તમને બરાબર યાદ છે સુરભી કે, નાનપણથી જ દર વેકેશનમાં તમે મમ્મીની આંગળી પકડીને મામાને ગામ જતાં અને મામા સાથે સવારથી જ મામાની વાડીએ જતા અને તમે બાળ સહજ મામાને કાલીઘેલી ભાષામાં વાડીને લગતા, ઉગતા મોલને લગતા, કૂવા, શેઢા, ધોરીયા, બળદગાડુ, હળ, શેઢે ઊગેલા વૃક્ષો, વરસાદ, વાવણી, આ બધા જ સવાલો પૂછતાં અને મામા કૂવાના થાળા પર તમને બેસાડીને બિજની છોડ થવાની કે વૃક્ષ થવાની સફર સફર સમજાવતા, સાથે આપણી જિંદગીમાં વૃક્ષો કેટલા મહત્વનાં છે, એ સમજાવતા.

બસ સુરભી, ત્યારથી તમને છોડ, વૃક્ષો વાવવાની એક લગની લાગી ગઈ હતી. બીજમાંથી ફુટતી કૂંપળ જોઈને તમે આજે પણ હર્ષથી પુલકીત થઈ ઊઠો છો !

અને, તમારા લગ્ન પણ અનોખા થયા હતા, તમારો બિજ, કૂંપળ, વૃક્ષ પરનો પ્રેમ જોઈને સગાવહાલાઓ, મિત્રો, હિતેચ્છુઓએ ગીફ્ટમાં એક એક છોડ આપેલા, જે તમારા આંગણામાં આજે પણ વૃક્ષ બનીને લહેરાય છે.

સુરભી, અગિયાર વર્ષનાં તમારા લગ્નજીવનમાં કશુક ખૂટતું હતું, વરસાદ બરાબર હતો, જમીન ફળદ્રુપ હતી બસ વાવેતર બરાબર ન્હોતું.

 ગઈ રાતનો કેટલાય દિવસનો ગોરંભાયેલો વરસાદ ભરપુર વરસી ગયો હતો અને બેડરુમમાં સંકેત પણ બરાબર વરસ્યો હતો.

અને સુરભી તમે એક પરમ સંતોષ સાથે નાની બાળાઓએ ક્યારા બનાવીને રોપેલી ડાળીઓને તમે એકધારા જોઈ રહ્યાં.

અનાયાસ તમારો હાથ પેટ પર વળ્યો, બીજનું વાવેતર થઈ ચૂક્યું હતું.

બસ, કૂંપળ પાંગરવાની રાહ હતી.


Rate this content
Log in

Similar gujarati story from Romance