ગીર
ગીર
સાસણગીરના રેલ્વે સ્ટેશનથી રેલની પટરી પર આમ સતાધાર બાજુ ચાલવા માંડો તો એક દોઢ કિલોમીટર પર હિરણ નદીનો કાંઠો આવે, અને રેલ્વે પૂલના સામા છેડે નીચે ઉતરો અને સામે દેખાતી કેડી પર લગભગ સાતેક કિલોમીટર ચાલો એટલે જીવીમાનો નેસડો આવે.
ગાંડી ગર્યમાં સાવજ અને સાવજ જેવી જીગરવાળા માણસોનું સહજીવન અનાદી કાળથી ચાલ્યું આવે છે. માણસની વસ્તી વધવા માંડી તેમ તેમ ગીરનું જંગલ સંકોચાવા માંડ્યું અને આની અસર નેસડાના માણસો અને વન્ય પ્રાણીઓ ઉપર પણ પડવા લાગી, ખાસતો સિંહો પર. સિંહોના પગરણ પિપાવાવ, અમરેલી, સાવરકુંડલા અને ભાવનગરનાં ગામડા ધમરોળવા લાગ્યાં અને જુનાગઢ શહેરમાં તો સિંહોની અવર જવર સામાન્ય થઈ ગઈ.
જંગલ કપાતા નેસવાળાઓ પાસે પણ ધીમે ધીમે માલઢોર ઓછા થવા લાગ્યાં. દુધ, ઘીનો ધંધો નહીવત થતા, આજે જીવીમાના નેસડે આજુબાજુનાં નેસવાળા ભેગા થયા હતા. બધાનો સુર એ હતો કે, અહીં માલઢોર માટે ચારો નથી રહ્યોં. જંગલ બેરહેમીથી કપાઈ રહ્યું છે, બહેતર રહેશે કે ગીર મુકીને બિજે વસવાટ કરવોં.
જીવીમા પણ કમને સહમત થયા. ગીર છોડવાનો દિવસ આવી ગયો. જીવીમા આખા નેસને છેલ્લીવાર મનભરીને જોઈ લેવા નિકળ્યાં. બાવડી આગળ જીવીમાના પગ રોકાઈ ગયા. બાવડીની પાસે જીવીમાએ ત્રણ ચાર પાણીની કુંડીઓ બનાવેલી અને રોજ એ કુંડીઓ બાવડીમાંથી પાણી સિંચીને ભરતા. દિવસે હરણા, વાંદરા અને પક્ષીઓ પાણી પીવા આવતા અને રાત્રે શિયાળ, નાર, દીપડા અને એક સિંહ જોડલુ આવતા.
બધાની વચ્ચે જઈને જીવીમાએ ફેસલો સંભળાવ્યો. "હું આ ગાંડી ગર્ય છોડીને ક્યાંય જવાની નથી"
