Nayanaben Shah

Romance

2.5  

Nayanaben Shah

Romance

વેલેન્ટાઈન ડે

વેલેન્ટાઈન ડે

8 mins
685


માલવિકા ફેસબુક પર ફોટા જોઈ રહી હતી. સવારથી એ બેચેન તો હતીજ. એ સવારે ઊઠી ત્યારે ટી.વી. ચાલુ કરતાંની સાથે જ ટી.વી. પર રોમેન્ટિક સીન ચાલી રહ્યા હતા. એણે કેલેન્ડર બાજુ નજર કરી. તારીખ ૧૪મી ફેબ્રુઆરી હતી. બધાં પતિપત્ની એ દિવસ ઊજવી રહ્યાં હતાં. એની બહેનપણીઓએ તો કેટલાય દિવસો પહેલાં વેલેન્ટાઈન ડેની તૈયારી કરી હતી. પોતાના પતિ માટે સરસ મઝાની ભેટ ખરીદી હતી. કોઈકે કફલિંગ્સ તો કોઈએ સૂટનું કાપડ કે સરસ મઝાનું સ્પ્રે ખરીદ્યું હતું. જ્યારે એના પતિને તો ફુરસદ જ ક્યાં હતી ?


ફેસબુક પર પેલી ચાંપલી ચિનારે તો એના પતિએ આપેલાં સોનાનાં ઝૂમખાં બતાવેલાં, રિન્કીએ તો હીરાની વીંટી એનો પતિ પહેરાવતો હતો એ ફોટો મૂક્યો. પમાએ તો સોનાનો હાર એના પતિએ આપ્યો એ બતાવ્યો. અરે, ફેસબુક પર તો એની બહેનપણીઓના પતિ લાલ ગુલાબોનો બુકે આપે છે એ પણ બતાવ્યું. અને પેલી મેઘાના પતિએ પહેલાં પાંચ ગુલાબનો ગુચ્છો આપ્યો અને તરત બીજો પચાસ ગુલાબોનો ગુચ્છો આપ્યો. નીચે લખ્યું હતું કે જેમ લગ્નનાં પાંચ વર્ષ ખુશી ખુશી પસાર થયાં એવાં બીજાં પચાસ વર્ષ આમ જ પસાર થઈ જશે એવી ઈચ્છા વ્યક્ત કરતાં બીજો ગુલાબનો ગુચ્છો આપ્યો. અરે, એની બધી બહેનપણીઓના પતિઓ તો એ દિવસ નિમિત્તે આખો દિવસ હોટલમાં એક સ્યૂટ પણ બુક કરાવી દેતા હતા. કેટલીક બહેનપણીઓના પતિઓ તો ફૉરેન ટૂરની ટિકિટો પણ લઈ આવ્યા હતા. બધી બહેનપણીઓના પતિઓ એમની પત્નીઓ માટે કેટકેટલું કરતા હતા ? જ્યારે પર્વને તો જાણે એની કંઈ જ પડી ન હતી. પર્વને તો એ પણ યાદ ન હતું કે આજે ૧૪ ફેબ્રુઆરી છે.


મારી મોટાભાગની બહેનપણીઓએ પ્રેમલગ્ન કર્યાં છે. એ બધામાં એકબીજા માટે કેટલો પ્રેમ છે. જ્યારે પર્વને તો એ ભલો અને એનું લેપટોપ કે એની નોકરી ભલી. શું આ માણસ પહેલેથી જ આવો શુષ્ક છે કે પછી એને મારા માટેનો પ્રેમ ખતમ થઈ ગયો છે ? જોકે લગ્નનાં આટલાં વર્ષોમાં એણે મને ક્યારેય કહ્યું નથી કે, ‘આઈ લવ યૂ ડાર્લિંગ !’


જ્યારે મારી બહેનપણીઓના પતિ તો ઘરની બહાર નીકળતી વખતે પણ કહેશે કે, ‘આઈ મિસ યૂ ડાર્લિંગ.’ ભલે ને એ સાંજે પાછા આવતા હોય. એકબીજા માટે આંખોમાં કેટકેટલો પ્રેમ છલકતો હોય છે ? અને જ્યારે પર્વ… મેં ક્યારે નવો ડ્રેસ લીધો કે મેં ક્યારે સાડી પહેરી એ પણ એને જોવાનો સમયજ ક્યાં છે ? ક્યારેય એ પૂછતી કે હું શું પહેરું ? સાડી કે ડ્રેસ ? તો પર્વ તરત કહેતો કે, ‘મનુષ્ય એનાં કપડાંથી નહીં પણ એના સંસ્કારથી ઓળખાય છે. સુંદર કપડાં પહેરનારું કદાચ વ્યક્તિત્વ તમને પ્રભાવિત કરી શકે. પરંતુ લાંબે ગાળે તો…’


‘ઓ… હ… પર્વ મારી ભૂલ થઈ ગઈ કે મેં તને પૂછ્યું કે હું શું પહેરું ?’


એ વિચારતી હતી કે જ્યારે એની બહેનપણીઓ હંમેશ કહેતી, ‘અમારે પાર્ટીમાં જવાનું હોય તો એ સવારથીજ મારે કયાં કપડાં સાંજે પાર્ટીમાં પહેરવા એ નક્કી કરે.’


માલવિકાને પણ થતું કે પર્વ એને કહે કે, ‘તું આજે સાડી પહેરજે,’ ‘તું ગુલાબી ડ્રેસમાં ખૂબ સુંદર દેખાય છે’… પણ આવાં બધાં વાક્ય સાંભળવા માટે એના કાન તલસી રહ્યા હતા. જ્યારે એની બહેનપણીઓ કહેતી કે આજે તો મેં મારા પતિની પસંદગીની સાડી પહેરી છે કે ડ્રેસ પહેર્યો છે તો માલવિકાના મનમાં દુઃખની ટશર ફૂટી નીકળતી. માબાપે માત્ર પર્વનું ભણતર જ જોયું અને ખરેખર જે જોવાનું હતું એ તો જોયું જ નહીં, વારંવાર માલવિકાની હાજરીમાં પણ પતિદેવો પત્નીને ‘આઈ લવ યૂ’ કહેતા. જ્યારે પર્વ તો બધાની હાજરીમાં પણ ચૂપ રહેતો.


માલવિકાની બધી બહેનપણીઓએ જ્યારે ત્રણ દિવસનો પ્રવાસ નક્કી કર્યો ત્યારે દરેકના પતિદેવો બસ ઊપડતાં સુધી ઊભા રહેલા જ્યારે પર્વ માલવિકાને મૂકીને જતો રહ્યો એવું કહીને કે, ‘મારે ઑફિસ જવાનું મોડું થશે. અને પૈસા તારે જોઈએ એટલા લઈ જા. તારી પાસે એટીએમ કાર્ડ, ક્રૅડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ બધું જ છે એ જોઈ લેજે. છતાંય તને કંઈ તકલીફ હોય તો મને ફોન કરજે. તારી તબિયત સાચવજે.’ પર્વ જતો રહ્યો પણ દરેક બહેનપણીના પતિદેવો બસ ઊપડતાં સુધી ઊભા રહ્યા હતા. માલવિકાને પતિદેવનું બસ ઊપડતાં પહેલાં જતા રહેવું ગમ્યું ન હતું. બસ ઊપડ્યા બાદ કલાક પછી તો બધી બહેનપણીઓના મોબાઈલ રણકતા રહ્યા. સિવાય માલવિકાનો –


બીજે દિવસે સવારે બધાં આગલા દિવસનો આનંદ વાગોળી રહ્યાં હતાં. બધાં ખુશ હતાં. ત્યાં જ એમની બસ એક ટ્રક સાથે અથડાઈ. બધાંને નાનીમોટી ઈજાઓ થઈ હતી. બધાંનાં સગાંઓને ખબર કરવામાં આવી. પરંતુ પર્વ તો સૌથી પહેલાં હાજર થઈ ગયો. બધાંને મદદરૂપ પણ થયો. તાત્કાલિક તો બધાંને ‘પેઇન કિલર’ આપી દીધી હતી. પરંતુ બધાં પોતાના શહેર અમદાવાદ પોતાને ઘેરજ જવા ઈચ્છતાં હતાં. બધાંના સગા આવતાં પહેલાંજ પર્વએ બધાંને પાછાં અમદાવાદ લઈ જવાની વ્યવસ્થા કરી દીધી હતી.


જોકે માલવિકાને બેઠો માર ઘણો વાગ્યો હતો તેથી ડૉક્ટરે કહ્યું કે દવાઓ, આરામ અને શેક કરવાથી અઠવાડિયામાં સારું થઈ જશે. જ્યારે બીજી બધી બહેનપણીઓને તો ઘણી ઈજા થઈ હતી. અમુકને હાથપગ તૂટવાથી ઑપરેશન કરી સળિયો નંખાવવો પડ્યો હતો તો અમુક જણને ટાંકા લેવા પડેલા.


માલવિકા ઘેર આવી ત્યારે પર્વએ કહી દીધું કે, ‘તું પિયર જવાને બદલે અહીં જ આરામ કરજે.’


ત્યાર બાદ માલવિકાએ જોયું કે પર્વ ગરમ પાણીની બેગ તૈયાર કરતો હતો. પાણી ઠંડું થાય કે તરત બીજું ગરમ પાણી થેલીમાં ભરી આપતો. જોકે માલવિકાએ કહેલું કે, ‘મારે પિયરથી કોઈને બોલાવી લો.’ પરંતુ પર્વ કહેતો, ‘ભલે એ તારાં પિયરિયાં હોય, પરંતુ જિંદગીમાં સુખી થવા માટે બને તેટલું બીજાનું ઓછું અહેસાન લેવું. રહી વાત રસોઈની, તો બાજુમાં જ ઘરગથ્થુ ટિફિન બનાવે છે. આપણે કહીએ તે બનાવી આપે છે.’


માલવિકામાં દલીલ કરવાના હોશ જ ક્યાં હતા ? દુખાવાએ તો જાણે એની વાચા હરી લીધી હતી. કહેવાનું મન તો માલવિકાને થયું કે તમે આખો દિવસ ઑફિસમાં જ હોવ છો. મારી પાસે કોણ ? પણ આવા સંજોગોમાં કંઈ પણ બોલવું ઉચિત ન લાગ્યું. પરંતુ માલવિકાએ જોયું કે સાત દિવસ સુધી પર્વએ એને પથારીમાંથી ઊઠવા દીધી ન હતી. કદાચ એની સગી મા પણ ના કરે એટલી ચાકરી પર્વએ કરી હતી એટલું જ નહીં પણ પર્વ જે ક્યારેય ઑફિસમાંથી રજા લેતો ન હતો એ અઠવાડિયાથી રજા ઉપર હતો. માલવિકાની ખડે પગે ચાકરી કરતો હતો. નિયમિત દવા આપવી. ગરમ પાણીની કોથળીથી શેક કરવો. અરે ક્યારેક તો એ જેવું આવડે એવું માથું પણ ઓળી આપતો.


પર્વએ સાત દિવસ દરમિયાન માલવિકાની બહેનપણીઓની પણ ફોન પર ખબર પૂછી હતી. માલવિકાને પતિનો પ્રેમ અને દવાઓથી જલદી સારું થઈ ગયું હતું. પરંતુ સાત દિવસમાં માલવિકા સૂતાં સૂતાં કંટાળી ગઈ હતી. પરંતુ લગ્ન બાદ પહેલી વાર સાત દિવસ સુધી સતત પતિનું સાંનિધ્ય પ્રાપ્ત થયું હતું. માલવિકા ખૂબ જ ખુશ હતી.


માલવિકાને સારું થયું એટલે પર્વએ કહ્યું, ‘હજી પણ બીજા ત્રણ દિવસ હું રજા ઉપર છું. એ દરમિયાન તારી બધી બહેનપણીઓને આપણે મળી આવીશું. તને પણ સારું લાગશે.’ ચિનારને તો મોંની આસપાસ ટાંકા લીધા હતા. એટલે એને તો બોલવાની પણ તકલીફ હતી. સૌપ્રથમ ચિનારને ત્યાં ગયા હતા તો મોં પર સોજો હતો. ડૉક્ટરે કહ્યું કે સોજો ઊતર્યા પછી પણ આ બધા ઘા દેખાયા કરશે. ચિનારના સૌંદર્યમાં ઓટ આવી ગઈ હતી. ઘરમાં એનો પતિ હાજર ન હતો. એની મમ્મી આવી હતી એ એવું જ કહેતી હતી કે ‘એનાં પપ્પાને અઘરું પડે છે અને આમ પણ મને દીકરીના ઘરે રહેવું ગમતું નથી. પણ જમાઈનો આગ્રહ હતો કે એમને રજા મળે એવું નથી તો તમે અહીં આવીને રહો. હવે દામાદજી પણ મોડા જ ઘેર આવે છે.’


રિન્કીના પગે સળિયો નાંખવામાં આવ્યો હતો. રિન્કી પથારીમાં પડી રહી હતી. ઘરનું કામ કરવા નોકરબાઈ હતી. રસોઈ માટે રસોઈવાળી બાઈ હતી. પરંતુ એના પતિની હાજરીનો અભાવ હતો. એનો પતિ ધંધાના કામ માટે અઠવાડિયાથી બહારગામ હતો. રિન્કી કહેતી કે દિવસમાં માંડ એકાદ વાર ફોન આવે છે. તે પણ ઔપચારિક લાગે તેવી વાત કરી તરત ફોન મૂકી દે છે.


પમાનો પતિ ઘેરજ હતો. એ જોઈ માલવિકાને આનંદ થયો. મનમાં થયું કે પમાને તો એના વરની હૂંફ હશે જ. એ તો એના પતિની ખૂબ વહાલી પત્ની હતી. માલવિકાને અને પર્વને જોતાં જ પમા ખુશ થઈ ગઈ. પમાને હાથે ફ્રૅક્ચર હતું અને બીજા હાથે સળિયો નાંખેલો હતો. પમા ઉદાસ થઈ ખુરશી પર બેસી રહી હતી. માલવિકાને જોતાં જ એ બોલી ઊઠી, ‘સારું થયું તું આવી ગઈ. આજે તો તું મને સરસ માથું ઓળી આપ. માથે ગૂંચો પણ થઈ ગઈ હશે. નોકરબાઈ રજા ઉપર છે. ટિફિન તો બંધાવેલું છે પણ મને ખૂબ તકલીફ પડે છે.’


માલવિકાને થયું કે એ જ્યારે બીમાર હતી ત્યારે એના પતિએ એનું માથું પણ ઓળી આપેલું. માલવિકાએ કહ્યું કે, ‘તમને આ બધું ના આવડે’ ત્યારે પર્વએ કહેલું કે ‘જો હું એમબીએ અને પીએચ.ડી. કરી શકું તો એક માથું ના ઓળી શકું ? માથું તને કામવાળી ભલે ઓળી આપતી હોય, પણ હું કામવાળી કરતાં ઘણો હોશિયાર છું. કારણ આપણી કામવાળી એમબીએ કે પીએચ.ડી. નથી.’ ત્યારબાદ તો માલવિકા પણ હસી પડી હતી. અને પતિનો પ્રેમ જોઈ એની અડધી બીમારી ભાગી ગઈ હતી. એક પમાનો પતિ છે કે પમાએ કેટલી બધી વાર કહ્યું કે, ‘માલવિકા અને પર્વને પાણી આપો.’ પરંતુ તેનો પતિ જાણે કે કંઈ સાંભળતો જ ના હોય એમ મોબાઈલના જૉક્સ વાંચીને હસ્યા કરતો હતો. માલવિકાએ તો કહ્યું, ‘અમે જાતે પાણી પી લઈશું. અમે કંઈ મહેમાન છીએ ?’


‘માલવિકા, તને શું કહું પરંતુ આ તો મારી બીમારી હેઠળ એમને સરકારી નોકરી હોવાથી રજા મળી છે. એ રજાનો ભરપૂર ઉપયોગ મોબાઈલ અને મૂવી જોવામાં કરે છે. ક્યારેય મારી પાસે બેસી મારી ખબર પૂછવાનો પણ સમય નથી.’


મેઘા તો પગનું ફ્રૅક્ચર હોવાથી પિયર જતી રહી હતી. મેઘાએ જ કહ્યું, ‘માલવિકા, એમણે તો ચોખ્ખું કહી દીધું કે મારી પાસે તારી જોડે બેસીને વાતો કરવાનો સમય નથી. તારા પિયરમાં તારી ભાભી અને મમ્મી બંને જણાં છે.’ જોકે મેઘાની સાસરીમાં પણ એનાં સાસુ અને જેઠાણી તો હતાં જ. મેઘાની પણ ઈચ્છા હતી કે એ એના સાસરે જ રહે પરંતુ એના પતિની ઈચ્છા ન હતી.


માલવિકાને થયું પાંચ ગુલાબ આપ્યા બાદ પચાસ ગુલાબનો બુકે આપનાર પતિ ખુશહાલ જિંદગીનાં સમણાં સેવે છે છતાંય કેટલો સ્વાર્થી છે. માલવિકાનું મન દુઃખી થઈ ગયું, એણે પર્વને કહ્યું, ‘ચાલો, આપણે ઘેર જઈએ.’

પર્વ ચિંતા કરતો બોલ્યો, ‘માલવિકા, તને તકલીફ તો નથી ને ? એવું લાગે તો અત્યારે જ આપણે ડૉક્ટર પાસે જઈએ.’

માલવિકા પતિ સામે જોઈ જ રહી.


એની જિંદગીનો બધો અભાવ જતો રહ્યો હતો. સોનાનો હાર, હીરાની વીંટી, સોનાનાં ઝૂમખાં આપવાં કે લાલ ગુલાબોના બુકે આપી ‘વેલેન્ટાઈન ડે’ની ઉજવણી કરનારને શું ખબર પડે કે વેલેન્ટાઈન કે ૧૪મી ફેબ્રુઆરીએ દેખાડો કરવાનો નથી હોતો કે વારંવાર પત્ન્નીને ‘આઈ લવ યૂ’ કે ‘આઈ મિસ યૂ’ કહીને પ્રેમનો દેખાડો કરવાની જરૂર નથી. પચાસ વર્ષ લગ્નનાં ખુશહાલ જવાની ઈચ્છા પ્રદર્શિત પણ કરવાની જરૂર નથી.


વેલેન્ટાઈન ડે તો ત્રણસો પાંસઠ દિવસ હોય છે જેને વાચા આપવાની જરૂર નથી, કે નથી પ્રદર્શનની વસ્તુ. પતિ મૂંગા મોંએ પત્નીની સેવા કરે કે એને સાચા દિલથી સમજીને વહેવાર કરે તો વેલેન્ટાઈન ડે ઊજવવાની જરૂર જ ક્યાં છે ? માલવિકાને થયું કે એ પણ ફેસબુક પર પતિ એને કોળિયા ભરાવે છે, શેકની કોથળીથી શેક કરી આપે છે, એનું માથું ઓળી આપે છે એવા ફોટા મૂકે. પણ હવે એને દેખાડો કરવાની જરૂર જ ક્યાં હતી ? અત્યાર સુધી પર્વ નીરસ છે એવું કહેનાર માલવિકા બદલાઈ ગઈ હતી. કારણ એ સમજી ચૂકી હતી કે એના ઘરમાં ત્રણસો પાંસઠે દિવસ ‘વેલેન્ટાઈન ડે’ જ છે.


Rate this content
Log in

Similar gujarati story from Romance