વાવ
વાવ
શહેરની ગીતાંજલી સોસાયટીમાંથી બજાર સુધી જવાના બે રસ્તા હતા. એક રસ્તો હતો તે થોડો લાંબો હતો જે રસ્તે દિવસના ભાગે લોકો ઓછી અવર જવરકરતા અને બીજો જે રસ્તો હતો ત્યાંથી બજારમાં જલ્દી આવી જઈ શકાતું. તે રસ્તે દિવસના ભાગે તો માણસોની આવ જા ખૂબ રહેતી પણ સાંજ થતાં જ એ રસ્તો સૂમસામ થઈ જતો, સાંજ પડતાં જ લોકો ભલે વાર લાગે પણ લાંબા રસ્તે જ આવવા જવાનું પસંદ કરતા. કેમકે ટૂંકા રસ્તે એક વાવ આવેલી હતી જે સાવ ખંડેર થઈ ગયેલી તેની કોઈ સંભાળ પણ ન લેતું અને ત વાવમાં જવાની તો કોઈ હિંમત જ ન કરતું કારણ ઘણા લોકોનું કહેવું હતું કે એ વાવમાંથી રાત પડતાં જ ચિત્ર વિચિત્ર અવાજો આવે છે કોઈ અટ્ટહાસ્ય કરતું હોય તેવું લાગે અને કોઈ સ્ત્રી નજર સામે દેખાઈ એક પલમાં અલોપ થઈ જાય છે.
માટે સાંજ પડતાં જ તે રસ્તો સૂમસામ થઈ જતો. કોલેજમાં ભણતો રવિ ગીતાંજલી સોસાયટીમાં જ રહેતો એ વાવ વાળા રસ્તે જ આવતો જતો પણ તે દિવસ કોલેજમાં વોલીબોલના મેચની પ્રેકટિસ હોવાથી સાંજના સાત વાગી ગયા શિયાળાના દિવસો હોવાથી સાત વાગ્યામાં સાવ અંધારું થઈ ગયેલું અને વાવ વાળો રસ્તો તો સાવ ઉજ્જડ થઈ ગયેલો હોય રવિના બધા મિત્રોએ તેને તે દિવસ વાવ વાળા રસ્તેથી જવાની ના કહી રવિએ તે લોકોને તો કહ્યું કે હું લાંબા રસ્તેથી જ જઈશ પણ તેને એ સમજણો થયો ત્યારથી એ વાવનું રહસ્ય જાણવાની ઈચ્છા હતી પણ ક્યારેય એવો મોકો જ ન મળતો.
આજે તો પોતે એકલો જ હોવાથી તેને થયું કે લાવ આજે તો આ વાવનું રહસ્ય જાણું ! એટલે એ બાઈક લઈ વાવ વાળા રસ્તે જ ગયો વાવ આવતા જ તેણે બાઈક ધીમી કરી અને સાચે જ તેને કોઈના બોલવાના અવાજો સંભળાયા પણ શું બોલે છે તે સ્પષ્ટ નહોતું સંભળાતું અને કોઈના અટ્ટહાસ્યનો અવાજ પણ સંભળાયો થોડીવાર તો રવિ પણ ડરી ગયો તો પણ હિંમત કરીને તે હળવે હળવે વાવના પગથિયાં ચડ્યો અને અંદરનું દ્રશ્ય જોતા જ તે બહાર દોડી આવ્યો અને ત્યાંથી નીકળી ગયો તે પસીને રેબઝેબ થઈ ગયેલો શિયાળામાં પણ, થોડે દૂર જઈ એણે એક ફોન કર્યો અને થોડીવારમાં તો પોલીસ તે વાવ પાસે આવી ગયા અને રવિને પણ ત્યાં બોલાવ્યો. પોલીસ સાથે હોવાથી રવિમાં હિંમત આવી ગઈ અને તે પોલીસને લઈ અંદર ગયો પોલીસે ટોચૅનો પ્રકાશ ફેંકતાજ ટોળું ભાગવાની કોશિશ કરવા ગયું પણ બધા પકડાઈ ગયા.
બીજા દિવસે બજારની વચ્ચે એ પાંચેયને પોલીસ લઈ આવ્યા અને થોડા ડંડા ફટકાર્યા એટલે એ સાચું બોલવા લાગે એમાંથી એક વ્યક્તિ ત્યાં ભેગા થયેલા માણસોને કહેવા લાગ્યો કે અમે લોકો ચોર છીએ અમે ચોરી નો માલ તે વાવમાં રાતે સંતાડવા આવતાં એટલે એવું ઈચ્છતા કે આ સમયે કોઈ ત્યાં ન આવે એટલે વાવમાં ભૂત થતું હોવાની વાત અમારા વડવાઓએ જ ફેલાવેલી. અમારા વડવાઓ પણ આ જ કામ કરતા એટલે એટલા વર્ષો પહેલાં એમણે આ વાત ફેલાવેલી અને દરેક માણસ ભૂતથી ડરતાં હોવાથી અમારી ફેલાવેલી વાતમાં વિશ્વાસ કરતા હતા એટલે સાંજ પછી એ રસ્તે કોઈ ન ફરકતું પણ આ છોકરાએ હિંમત કરી અને અમારો ભાંડો ફૂટી ગયો.
બધા લોકોએ રવિને ખૂબ શાબાશી આપી. ત્યારે રવિએ કહ્યું કે " પહેલા તો મને પણ ડર લાગ્યો હતો, આવા શિયાળે પણ પસીનો આવી ગયેલો પણ નાની બેટરીના સાવ નહીંવત અજવાળે આ બધા કંઈક છૂપાવતા હોય તેવું લાગ્યું, મેં મનમાં વિચાર્યું કે ભૂત હોય તો તે બધા સાથે મળીને આમ કંઈ છૂપાવતા ન હોય નક્કી દાળમાં કંઈક કાળું છે એટલે મેં પોલીસને ફોન કરવાનું નક્કી કર્યું. પણ જો હું ત્યાંથી ફોન કરૂં તો આ લોકો મારો અવાજ સાંભળી જાય તો મને હાનિ પહોંચાડે કાં ભાગી જાય એટલે મેં વાવથી દૂર જઈને ફોન કર્યો અને પોલીસ આવતાં જ હું ત્યાં પહોંચી ગયો. કેમકે મારે લોકોના મનમાંથી ભૂતનો ભ્રમ કાઢવો હતો અને હવે બધાને સાચી વાતની ખબર પડી ગઈ છે એટલે ગમે તે સમયે લોકો ત્યાંથી આવ જા કરી શકશે સાથે સરકારને પણ વિનંતી કે વાવનું સમારકામ કરાવી એક ફરવા લાયક સ્થળ બનાવે."
થોડાં વર્ષો પછી રવિની હિંમતના કારણે એ વાવ લોકોને ફરવાલાયક સુંદર સ્થળ બની ગયું.

