kusum kundaria

Classics

3  

kusum kundaria

Classics

'વાત્સલ્યની અમીધારા'

'વાત્સલ્યની અમીધારા'

4 mins
585


આજે એના પપ્પાની પુણ્યતિથિ હતી.

નાહીને દીવો કરી, પ્રભુનું નામ લઈ એ પપ્પાની છબી સામે આવી. પપ્પાને બહુ જ ગમતું ગુલાબનું ફૂલ એમની છબી પાસે મૂકતાં એની આંખો ભરાઈ આવી.

પપ્પા એને બહુ ગમતા. પિતાની છત્રછાયા તો એણે બહુ નાની વયમાં જ ગુમાવેલી. લગ્નના થોડા દિવસ પહેલાં પપ્પા જ્યારે એમના ઘરે આવેલા ત્યારે એની બાએ એમને કહેલું,’બાપ વગરની છોકરી છે અને હજી નાની છે. એની ક્યાંય કોઈ ભૂલચૂક થાય તો વેવાઈ,મોટુ મન રાખજો.’

બાની વાત સાંભળીને પપ્પાનું મોં પડી ગયું હતું. ‘ એવી વાત જ તમે શું કામ કરો છો વેવાણ, કે એ બાપ વગરની છે. હું એનો પપ્પા બેઠો છું ને હજી જીવતો જાગતો?’ એમણે કહેલું. ને ખરેખર, પપ્પા એના સસરા નહીં, પિતા સમાન જ થઈને રહ્યા હતા. એની દરેક નાની નાની વાતની પણ એ ચિંતા કરતા. સતત એમના વાત્સલ્યની અમીધારામાં નહાતા એને ક્યારેય બાપુજીની ખોટ નહોતી સાલી.

એને થયું સૌ પહેલાં નાહી લઊં. પછી જ બધાની ચા કરું. જો કે પપ્પા આવી વાતોમાં બહુ ન માનતા, પણ એમના નિમિત્તે આજે બ્રાહ્મણ જમાડવાનાં હતાં એટલે એનું મન ન માન્યું.

ચા પીને બધા એક પછી એક કામે જવા ઉપડી ગયા. એમણે પૂછેલું,’ નાસ્તો નથી કાંઈ આજે’?

‘ આજે પપ્પાની તિથિ છે ને? બ્રાહ્મણ જમાડવાના છે, એટલે...

અને પછી બધા ભાઈ એક પછી એક કામે ચાલ્યા ગયા.

એને નવાઈ લાગી. આજે પપ્પાની તિથિ છે એ જાણ્યા છતાં કોઈ એમની છબી પાસે માથું નમાવવા ન ગયા! બધાને ઉતાવળ હતી. ઉતાવળ તો રોજ હોય પણ... એ બધાં તો ઠીક, દાદીમા પણ પોતાના ભત્રીજાને ત્યાં રોકાવા ગયાં છે એ ન આવ્યાં. એમને શું યાદ નહીં હોય પપ્પાની તિથિ?... પાછી હું અહીં એકલી... કંઈ ભૂલચૂક થાય.

મનમાં જરાક કડવાશ પ્રવેશી ગઈ. પપ્પાએ બધાંને આટલો બધો અઢળક પ્રેમ આપ્યો. પણ બદલામાં એમને ચપટીક પ્રેમ આપવામાં પણ એ બધાં કેવા ઊણાં ઊતર્યા હતા?...

એને સાંભળ્યું હતું કે તિથિના દિવસે પ્રસન્ન મને બધું કરવું જોઈએ. પણ મનમાં પપ્પાની યાદ અને અનેક વિચારોનાં ઘોડાપૂર ઊછળતા હતાં. વારેવારે એ ઢીલી પડી જતી હતી.

કેટકેટલી વાતો પપ્પાની આજે યાદ આવતી હતી?...

ક્યારેક ખૂબ થાકી જાય,કંટાળી જાય, ત્યારે પપ્પા ગીતા કાકીને ઘેર જતા. એમને ગાવાનું કહેતા. એકાદ ગીત,એકાદ ભજન સાંભળીને બધો થાક ઊતરી ગયાની લાગણી એમને થતી.

આટલીવાર તો માંડ મનની સ્વસ્થતા એણે જાળવી રાખી હતી. એકલી પડતાં જ પપ્પાને યાદ કરતાં એ ધ્રુસકે ચડી ગઈ.

સતત રણકતી ડોરબેલનો અવાજ સાંભળીને એ ચમકી. આવનારે પહેલાં એકાદ વાર બેલ મારી જોઈ હશે. એણે તો સાંભળી જ નહોતી... એટલે જ ધીરજ ખોઈને આવનારે જોરથી એકધારી બેલ મારી હશે. દોડીને એ દરવાજો ખોલવા ઊભી થઈ.

દરવાજો ઊઘડતા જ સામે ગીતા કાકીને ઊભેલાં જોઈ એના રોમરોમમાં પ્રસન્નતાની લહેર દોડી ગઈ.

ગીતા કાકીને પપ્પા પર બહુ લાગણી. નાનપણથી જ પાકી દોસ્તી હતી.

આવતાં જ એ તો વાતોમાં જામી પડ્યાં એમના સ્વભાવ મુજબ.

અચાનક જ એમની નજર સામે પડેલી પપ્પાની છબી તરફ ગઈ. એક પળ એ જોઈ રહ્યાં ત્યાં પછી ઊઠીને આગળ ગયાં એમણે હાથ લંબાવીને છબી પાસેથી ફૂલ લઈ લીધું. સૂંઘતાં એમણે આંખો બીડી દીધી અને પછી....

ફૂલ એમણે પાછું છબી પાસે ન મૂક્યું. પોતાના અંબોડામાં ખોસી દીધું.

વાત કરતાં કરતાં એના મનમાં એક વિચારનો ઝ્બકારો થયો, નાનપણમાં સાથે રમીને ઉછર્યા, પપ્પા પર આટલી બધી લાગણી, છતાં કેમ...?

પણ પછી આવો વિચાર કરવા બદલ એ પોતે જ મનોમન શરમાઇ. એ જમાનો જ જુદો હતો. પાછા પપ્પા તો દાદીમાની ધાકમાં...

એને એક વાત યાદ આવી ગઈ. મમ્મીએ એક વાર બધાં બેઠાં હતાં ત્યારે પપ્પાને કહેલું, ‘ગીતાની દીકરી સારી છે. આપણે વાત કરશું?

પપ્પા-મમ્મીને કાંઈ જવાબ આપે, તે પહેલાં જ દાદીમા વચ્ચે કૂદી પડેલાં, ‘ન થાય એવી વાત કરવાનો અર્થ શું? ક્યાં એ, ને ક્યાં તમે... તમારા ઘરમાં તો એ કોઈ કાળે પોતાની દીકરી ન દે...એમને તો મોટું ઘર જોઈએ.’

પપ્પા કંઈ નહોતા બોલ્યા. ઉભા થઈને બીજા રુમમાં ચાલ્યા ગયાં હતાં.

હવે તો એ વાત જૂની થઈ ગઈ. એનો દિયર પણ પરણી ગયો અને ગીતા કાકીની દીકરી પણ.આજે એમની પાસે એ વાત કરું તો?.... પાછું ઘરમાં બીજુ કોઈ નથી.

કેમ એનામાં હિંમત આવી ગઈ, એને ય ખબર ન પડી.એનાથી વાત થઈ જ ગઈ. દાદીમાએ પપ્પાને કેવા ઉતારી પાડ્યા હતા એની.....

વાત કરતાં કરતાં કાકી ઊભાં થઈ ગયાં. કહ્યું, ‘સાચી વાત કરેલી તારી દાદીમાએ. હું તમારાં ઘરમાં મારી દીકરી ન જ આપત. પણ તારી દાદીમાએ કહ્યું તેમ મને મોટા ઘરનો મોહ હતો એટલે નહીં... આ ઘર મારે મન કેટલું મોટું છે એ હું તને કેમ સમજાવું?...’ કહેતાં એ રડી પડ્યાં.

રડતાં રડતાં જ એ પપ્પાની છબી પાસે ગયાં. હાથમાંની થેલીમાંથી ત્રણ સફેદ ગુલાબનાં ફૂલો કાઢી એમની છબી પાસે મૂકી, એ ઝડપથી ચાલ્યાં ગયાં.


Rate this content
Log in

Similar gujarati story from Classics