Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

kusum kundaria

Romance

2.5  

kusum kundaria

Romance

'દિવ્ય પ્રેમ'

'દિવ્ય પ્રેમ'

6 mins
767


હેમાલી એકદમ ચુલબુલી છોકરી, થોડીવારમાં ગમે તેનુ દિલ જીતી લે. એના ચહેરા પર હંમેશા મીઠું સ્મિત ફરકતું હોય. મળતાવડા સ્વભાવને લીધે તેના ઘણાં બધા મિત્રો હતા. તે દેખાવે પણ ખૂબ આકર્ષક હતી. સુંદર ગોળમટોળ ચહેરો અને ઉજળો વાન હસે ત્યારે ગાલમાં ખંજન પડે. આથીજ સૌની પ્રિય સહેલીમાં તેનુ નામ મોખરે હોય. હેમાલી ભણવામાં પણ ખૂબ હોંશિયાર. કમ્પ્યુટર એંજીનિયરિંગમાં આ તેનું છેલ્લું વર્ષ હતું. દર વર્ષે એ ડીસ્ર્ટીક્શન માર્કસથી પાસ થતી. કોલેજમાં તેના ઘણાં બોય ફ્રેન્ડસ પણ હતા. પણ તેની મિત્રતા નિખાલસ હતી. સારી જોબ મેળવવાનું તેનું સ્વપ્ન હતું. આથીજ તે ખૂબ મહેનત કરતી. કમ્પ્યુટરનો કોર્ષ પુરો થતાંજ તે કેમ્પસ ઇન્ટરવ્યુમાં સિલેક્ટ થઇ ગઇ.! બેંગ્લોરની એક સારી કંપનીમાં તેને સારી સેલેરીમા જોબ પણ મળી ગઇ. અહીં પણ હેમાલી થોડાં દિવસોમાં સૌની પ્રિય બની ગઇ. તે ઝડપથી સૌની સાથે હળીમળી ગઇ.


આ કંપનીમાં એક હેમાંગ નામનો યુવક પણ જોબ કરતો હતો. તે પણ ખૂબજ વાતોડિયો અને મળતાવડો હતો. અને ખૂબ હોંશિયાર પણ ખરો. બધા તેની સલાહ લેવા પણ આવે. કોઇનું કામ ક્યાંય અટકે તો તરત હેમાંગ પાસે આવે અને હેમાંગ પાસે અચૂક તેનું સોલ્યુશન હોય. હેમાંગ ખૂબ હોંશિયાર અને ચબરાક ખરો પણ દુર્ભાગ્યવશ નાનપણમાંજ તેણે પોલિયોની બીમારીમાં બંને પગ ગુમાવી દીધા હતા. તેના માતા-પિતાએ અનેક ડોક્ટરોને બતાવ્યું પણ પરિણામ મળ્યું નહિ. તે વ્હીલચેર પર બેસીનેજ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઇ શકતો. શરૂઆતમાં તેને ખૂબ દુ:ખ થતું. શાળામાં તેની ઉંમરના બાળકો દોડાદોડી કરતા ત્યારે તેને પણ દોડવાનું મન થતું. તે લાચાર નજરે બધાને જોઇ રહેતો. તેના માતા-પિતા તેને ખૂબ હિંમત આપતા અને તેના જેવા બાળકો પણ હિંમતથી આગળ વધે તો વિશ્વમાં પોતાનું નામ કરી શકે છે એવા ઉદાહરણ આપી તેને સમજાવતા. તેના જેવોજ વોલ્ટર નામનો છોકરો કઈ રીતે રમત-ગમતમાં પોતાનું નામ કરે છે. અને આજેય લોકો તેને યાદ કરે છે એની વાત પણ કરતા. ધીમે ધીમે હેમાંગ પણ આત્મવિશ્વાસથી આગળ વધવા લાગ્યો. તેજ દિમાગને લીધે હંમેશા વર્ગમાં તે પ્રથમ સ્થાનેજ રહેતો, બધા શિક્ષકોનો એ પ્રિય વિદ્યાર્થી બની ગયો હતો. હવે તેનામાં આત્મવિશ્વાસ ભરપુર હતો, તે ભણવાની સાથે જનરલ નોલેજમાં પણ આગળ રહેતો. તેણે પણ ક્મ્પુટર એન્જિનિયરનો કોર્ષ કર્યો હતો. તેની તીવ્ર બુધ્ધિ પ્રતિભાને કારણે અપંગ હોવા છતાં આ કંપનીએ તેને ઊંચા પગારમાં નોકરીમાં રાખી લીધો હતો. અને તેને તેડવા મૂકવા માટે ગાડીની વ્યવસ્થા પણ કરી દીધી હતી.


હેમાલીએ જ્યારે હેમાંગ વિશે જાણ્યું ત્યારે તેના મનમાં પણ હેમાંગ પ્રત્યે આદર ભાવ જાગ્યો. તેને હેમાંગ સાથે વાતો કરવી ખૂબ ગમતી. હેમાંગનો નિખાલસ સ્વભાવ અને કામ કરવાની ચીવટ તથા કામ પ્રત્યેની તેની ઇમાનદારી જોઇને તે ખૂબ ખુશ થતી. ઘણીવાર તેઓ બ્રેકમાં સાથેજ જમતા. અને હસી મજાક કરતા અલક મલકની વાતો કરતા. ધીમે ધીમે હેમાલીને હેમાંગ પ્રત્યે લાગણી થવા લાગી. તેને પણ ખબર નહોતી પડતી કે તેને શું થઇ રહ્યું છે. ઘણીવાર થતું કે હેમાંગ અપંગ છે તો શું થયું ? એમાં એનો શું વાંક? માણસ તરીકે એ એકદમ પરફેક્ટ છે. તે બધાને ખુશ રાખી શકે તેમ છે. તે વધારેને વધારે હેમાંગની નજીક જવા લાગી. હવે તેને હેમાંગ ખૂબ ગમવા લાગ્યો હતો. તે ઘણીવાર હેમાંગને પુછતી તે આગળ તારા ભવિષ્ય માટે શું વિચાર્યું છે. તારે કેવી છોકરી સાથે લગ્ન કરવા છે? ત્યારે હેમાંગ હસીને કહેતો મારા જેવાને વળી પસંદગી માટે ક્યાં અવકાશ હોય છે. હું તો હજુ કંઈજ વિચારતો નથી. હેમાલી કંઈ ન બોલી. પણ રાત્રે રૂમ પર આવીને ખૂબ વિચાર્યું. તેણે પોતાની જાત સાથે ઘણી દલીલ કરી. અંતે તેણે સ્વિકાર્યું હા આ પ્રેમ છે. મને હેમાંગ ખૂબ ગમે છે. મારા માટે એ પરફેક્ટ જીવનસાથી બની રહેશે. અને તેણે બીજા દિવસે હેમાંગ સાથે વાત કરવાનું નક્કી કર્યું.


બીજા દિવસે તે સરસ તૈયાર થઇને કંપનીમાં આવી. તેને જોતાજ હેમાંગ બોલી ઊઠ્યો અરે! આજે તો તું ખૂબ સુંદર લાગે છે. જાણે આકાશમાંથી કોઇ અપ્સરા ઉતરી આવી હોય એવું લાગે છે. હેમાલી હસીને બોલી અરે તને તો શાયરી કરતાં પણ આવડે છે. ચાલ બ્રેકમાં શાંતિથી વાત કરીશું. અત્યારે કામમાં ધ્યાન આપીએ. હેમાલીએ પોતાના મનની વાત હેમાંગને સ્પષ્ટ કહી દીધી. અને કહ્યું હું તારી સાથે લગ્ન કરવા માંગું છું બોલ તું તેયાર છે? હેમાંગ તો અવાચક બની અપલક નેત્રે હેમાલીને જોઇ રહ્યો. થોડીવારે કળ વળતા બોલ્યો, અરે તું શું બોલે છે? ભાનમાં તો છે ને? હેમાલીએ તેનો હાથ પકડી પ્રેમથી કહ્યું, હા હું બરાબર ભાનમાં છું. વિચારીને જ તારી સાથે વાત કરું છું. હું જાણું જ છું. મને સારામાં સારા છોકરાઓ પસંદ કરી લેશે. પણ મને તું પસંદ છે. અને જો તું હા પાડે તો હું ઘરમાં બધાને વાત કરું. હેમાંગે કહ્યું, તારા જેવી સુંદર અને મળતાવડી છોકરીને ભલા કોણ ના પાડી શકે? પણ હું તારા માટે યોગ્ય નથી. તારા ઘરના લોકો પણ કદી હા નહિ પાડે. અને આ સમાજ પણ તને અનેક સવાલો પૂછીને મુંઝવી દેશે. હેમાલીએ કહ્યું, એ તું મારા પર છોડી દે. તું તૈયાર છે કે નહિ એ કહે. હેમાંગ હર્ષના આંસુ સાથે બોલ્યો હેમાલી તું મને ખૂબજ ગમે છે. પણ હું હંમેશા મારી ખામીને લીધે આગળ વિચારતોજ ન હતો. અને મને એવું વિચારવાનો હક પણ નથી એવું હું માનતો હતો. પણ તારો આ નિ:સ્વાર્થ પ્રેમ જોઇને હું ગદગદિત થયો છું. અને હું દુનિયાનો સૌથી નસીબદાર ઇન્સાન છું એવુંં આજે લાગે છે. હા હું તેયાર છું. હું દિલોજાનથી તને ચાહીશ અને તને સુખ આપવાનો પૂરો પ્રયત્ન કરીશ. હેમાલી આજે ખુશખુશાલ હતી. તેણે ઘરે જઇને તેના માતા-પિતાને વાત કરી તો ઘરમાં જાણે ધરતીકંપ સર્જાયો તેના માતા-પિતાએ ચોખ્ખી ના પાડી દીધી. તેની બહેનપણીઓએ પણ ખૂબ સમજાવી અને કહ્યું, તું પાગલ છે કે શું? હાથે કરીને પગ પર કુહાડી મારે છે. તારા માટે તો એકએકથી ચડિયાતા છોકરાઓ તૈયાર છે અને તું જાણી જોઇને આવા અપાહિજ સાથે જીવન વિતાવવા માંગે છે? તને આ શું થઇ ગયું છે? પણ હેમાલી પોતાના નિર્ણયમાં અડગ હતી. તેણે બધાનો વિરોધ હોવા છતાં કૌર્ટમાં જઇ હેમાંગ સાથે લગ્ન કરી લીધા.!


થોડા મહિના સુધી તેની સાથે બધાંયે જાણે નાતો કાપી નાખ્યો, તેના માતા-પિતા અને નાનો ભાઇ પણ તેની સાથે બોલતા ન હતાં. આથી તેને થોડું દુ:ખ થતું પણ હેમાંગના પ્રેમ પાસે એ બધું ગૌણ લાગતું. હેમાલી અને હેમાંગ ખૂબ ખુશ હતા. બંને નોકરીમાં સાથેજ જતાં. ઘરની જવાબદારી હેમાંગના મમ્મી-પપ્પાએ ઉપાડી લીધી હતી. તે હેમાલીને દીકરી કરતાં પણ વિશેષ સાચવતાં અને પ્રેમ આપતા. આમજ એકાદ વર્ષ પૂરું થયુ. કંપનીમાં હેમાંગનું કામ જોઇને તેને સી.ઇ.ઓ, બનાવી દેવામાં આવ્યો. હવે તો આખી કંપનીમાં હેમાંગની બોલબાલા થવા લાગી. ટી.વી. ચેનલવાળા તેનો ઇન્ટરવ્યું લેવા લાગ્યા. અને એક નામાંકિત વ્યક્તિમાં તેની ગણના થવા લાગી. હવે બંને પતિ-પત્ની સાથે ઇન્ટરવ્યું આપતા બંને એકબીજાના ખૂબ વખાણ કરતા અને હેમાલીને જ્યારે પુછતાં કે હેમાંગ સાથે લગ્ન કરીને તમે કોઇ ભૂલ કરી હોય એવું તો નથી લાગતુંને? ત્યારે હેમાલી હસીને કહેતી બિલકૂલ નહિ હેમાંગ મારા માટે પરફેક્ટ જીવનસાથી છે. ભલે તે પગથી અપાહિજ છે પણ મનથી બહુ મજબુત છે. અને હું તેની સાથે છું તો હવે અમે બંને એકબીજાથી સંપૂર્ણ છીએ. આજે સમાજમાં સાચા અને દિવ્ય પ્રેમ માટે હેમાલી અને હેમાંગનું ઉદાહરણ આપવામાં આવે છે. હેમાંગની સફળતા જોઇને સમાજના મોટાં-મોટાં લોકો પણ તેને સલામ આપે છે. હેમાલીના માતા-પિતાએ પણ બંનેને આર્શિવાદ આપી પ્રેમથી સ્વિકારી લીધા. અને દીકરીના નિર્ણયને વધાવી લીધો. અને કહ્યું, જ્યાં પ્રેમ હોય છે ત્યાં શારીરિક ખામી ગૌણ બની જાય છે. આત્માથી આત્માનું મિલન યુગો સુધી મિશાલ બની જાય છે.


Rate this content
Log in