ગ્રંથપાલ
ગ્રંથપાલ
અશોકભાઈ કોલેજમાં ગ્રંથપાલ તરીકે વર્ષોથી ફરજ બજાવે. આથી એક એક પુસ્તકથી માહિતગાર. અને પુસ્તકો સાથે પ્રીત પણ ખરી ! અલગ-અલગ વિભાગમાં પુસ્તકોને ગોઠવીને રાખે જેથી વિદ્યાર્થીઓને પસંદગીનું પુસ્તક સહેલાઈથી મળી જાય.
ટેક્નોલોજીના યુગમાં પુસ્તકોનું વાંચન ઘટતું જોઈ તેમને દુ:ખ પણ થતું. તેઓ કોલેજના વિદ્યાર્થીઓ સાથે હંમેશા મિત્રની જેમ રહેતા, પુસ્તકાલયમાં વિદ્યાર્થીઓને વાંચતા જુએ ત્યારે તેના ચહેરા પર ખુશી વ્યાપી જતી. ઘણીવાર પોતે વાંચેલા પુસ્તક વિશે ચર્ચા પણ કરે. અને કહેતા,
"યુવાનો પુસ્તક તો આત્માની સવારી કરવા માટેનો રથ છે. સારા પુસ્તકોના વાંચન દ્વારાજ તમારા જીવનનું ઘડતર થશે. તમારું જીવન એવું બનાવો કે લોકોને તમારા જીવન પર પુસ્તક લખવાનું મન થાય !"
અશોકભાઈએ પણ ઘણા બધા પુસ્તકોનું વાંચન કર્યું હતું. થોડા સમયથી નોકરીમાંથી નિવૃત થયા. પણ વર્ષોથી પુસ્તક સાથે જીવન વિતાવ્યું હતું, આથી હવે પુસ્તક વગર રહેવું તેના માટે સજા જેવું હતું. આથીજ તેણે પેન્શન આવ્યું તેમાંથી, પોતે રહે છે એ સોસાયટીમાં એક મોટો હોલ બનાવી તેમાં પુસ્તકો ખરીદીને જાહેર પુસ્તકાલય બનાવ્યું અને નામ આપ્યું 'પુસ્તકોની પરબ.' અને લોકો વાંચતા થાય તેના માટે સતત પ્રયત્નશીલ રહેતા. આ રીતે નિવૃતિનો આનંદ પણ માણે છે. અને એક સેવાકિય પ્રવૃતિ પણ ખરી !