kusum kundaria

Inspirational Others

3  

kusum kundaria

Inspirational Others

નાનીમા

નાનીમા

5 mins
683


વાત છે એક 'નાનીમા'ની. હા અમે સૌ તેને નાનીમા કહીને બોલાવતા. સુકલકડી કાયા, બોખું મોં ઊંડી ઊતરી ગયેલી વેદનાગ્રસ્ત આંખો, છતાંય એ આંખોમાં પ્રેમની ઝલક દેખાતી.


નાનીમા યુવાનીમાં જ વિધવા બનેલા. પાંચ-પાંચ દીકરીઓ અને બે દીકરા. સાત સંતાનો, પતિનું બીમારીમાં મૃત્યુ થયું હતું. ગરીબી સાથ છોડવા તૈયાર ન હતી. મિલકતમાં એક જૂનું ઘર હતું. સાત સંતાનો અને પોતે એક. આઠ જણનું પેટ ભરવા એ મહેનત મજૂરી કરતા, પારકા ઘરના કામ કરવા જતા, રાત્રે ભરતગૂંથણ કરતાં છતાંય એક સાંધે ત્યાં તેર તૂટે જેવી ઘરની સ્થિતિ હતી. દીકરીઓને ભણવા ન મોકલતા કામે લગાડી દીધી. બે દીકરાઓને માંડ આઠ ધોરણ સુધી ભણાવ્યા. પછી એક મીલમાં નોકરીએ રાખી દીધા. ચાર દીકરીઓને જેમ તેમ કરી પરણાવી દીધી. દીકરીઓ બહુ સમજુ હતી. સાસરિયામાં પણ ખૂબ ગરીબી અને દુ:ખ, પરંતુ ક્યારેય માને ફરિયાદ ન કરે, પરંતુ નાનીમા દીકરીના ચહેરા પર તેના દુ:ખને વાંચી લેતા. તેને આશ્વાસન આપતા. પોતે પણ હિંમત રાખતા. કાલે સવારે સારું થઈ જશે અને સુખનો સૂરજ ઊગશે.


દીકરાઓ થોડું કમાવા લાગ્યા. થોડા સમય પછી મોટા દીકરાના લગ્ન કર્યાં. શહેરમાં મીલમાં નોકરી હતી. સાધારણ પગાર હતો. ત્યાં મોટા દીકરાએ ઘર વસાવ્યું. નાના દીકરાને પણ ત્યાં મોકલ્યો. નાનીમા અને નાની દીકરી જૂના ઘરમાં એકલા રહેતા હતા. પરંતુ નાનીમાનું શરીર કારમા કાળની સામે ઝઝૂમીને બેવડ વળી ગયું હતું. હવે કામ કરવાની શક્તિ શરીરમાં ન હતી. આથી મોટા દીકરાને કહ્યું, "બેટા હવે મારું શરીર થાકી ગયું છે, હું એકલી રહી શકુ તેમ નથી. હું અને બહેન તારી સાથે આવી જઈએ." આમ મોટા દીકરા સાથે નાનીમા અને તેમની દીકરી રહેવા ગયા. પરંતુ વહુને એ ન ગમ્યું. રોજ ઝઘડા થવા લાગ્યા. મા-દીકરી પર ખોટા આરોપ મૂકી એ પતિને કાન ભંભેરણી કરવા લાગી. દીકરો પત્નિનું સાંભળી મા-બહેનને ધમકાવતો, સાથે રહેવું હોય તો શાંતિથી રહો. નહિતર પાછા ચાલ્યા જાવ. મા-દીકરી લાચાર હતાં. રોજના મહેણા સાંભળી કંટાળી ગયા. નાનીમા દીકરાને કહેતા સારું ઠેકાણું જોઈ બહેનના લગ્ન કરી નાંખીએ તો ઘરનો કંકાસ દૂર થાય.


પરંતુ નાનીમાનું નસીબજ ફૂટેલું હતું. મોટી વહુ દીકરી માટે એવા માગા લાવતી કે છોકરો મોટી ઉંમરનો હોય, કે બીજવર હોય.! આથી નાનીમા ત્યાં સંબંધ કરવાની ના પાડતાં, પરંતુ દીકરીનું નસીબ હવે તેની ભાભીના હાથમાં હતું. આખરે રોજના ઝઘડાથી કંટાળી એક જગ્યાએ મને-કમને લગ્નની હા પાડી દીધી.


ઘર સાવ સાધારણ સ્થિતિનું હતું. છોકરો પણ જુગારી હતો. દીકરી સાસરે ગઈ. કદી ન કરેલું ખેતીનું કામ પણ કરવા લાગી. નસીબ માની મળ્યું એવું સ્વિકારી લીધું. નાનીમા દીકરીનું દુ:ખ જોઈ રોજ એકલા આંસુ સારતા, પરંતુ આંસુ લૂછનાર કોઈ ન હતું.


નાનો દીકરો સમજુ હતો. પણ નાનો હતો. આવક પણ સામાન્ય હતી. તે મોટા ભાઈને પગાર આપી દેતો. બે-ચાર વર્ષ બાદ તેના લગ્ન પણ કરી નાખ્યા. તેને પણ છોકરી પસંદ ન હતી, પરંતુ અહીં પસંદગીનો સવાલજ ન હતો. ભાઈ-ભાભીએ લગ્ન કરી તુરતજ જુદા કરી દીધા. ભાગમાં લગ્નનું કરજ દઈને !


મોટા દીકરાને ત્યાં ત્રણ દીકરીઓ થઈ. નાનીમાને એ બહુ વહાલી હતી. તેને રમાડતા અને દુ:ખને ભૂલી જતાં પરંતુ મોટી વહુને સાસુ પણ હવે ખટકતા. તે કહેતી મેં ઘણાં વર્ષ સાચવ્યા, હવે નાના ભેગા જાવ તો સારું. આથી એક દિવસ બંને ભાઈઓ ભેગા થયાં બા કોની સાથે રહેશે એ નક્કી કરવા. નાનીમા અને બંને વહુ પણ હાજર હતાં. બંને વહુએ કહ્યું આપણે બાને સાથે રાખવાનું કંઈ રીતે ગોઠવીશું ? કેટલો સમય કોની સાથે રહેશે ? વારા ગોઠવીશું. ત્યારે મોટા દીકરાએ કહ્યું,આપણે બાને મેડી ઉપર ઊભા રાખી ધક્કો મારીએ અને ચત-બઠ કરીએ ! હા, આ મોટા દીકરાના શબ્દો હતાં. વાસ્તવિક રીતે બોલાયેલા, આ લખવામાં કોઈ કલ્પના કરી નથી. પરંતુ નરી વાસ્તવિકતાનું વર્ણન છે. દીકરાના આ શબ્દો સાંભળી નાનીમાનું હદય ચીસ પાડી ઊઠ્યું. ધરતી મારગ આપે તો સમાઈ જાઉં તેમ કહેવા લાગ્યાં. તેનો આત્મા રડી ઊઠ્યો. એ ખૂબ રડ્યાં.


જે દીકરાને મોંમાંથી કોળિયો કાઢી ખવડાવ્યો હતો. રાત-દિવસ તનતોડ મહેનત કરી ઉછેર્યો હતો. એ દીકરો આજે માની ચત-બઠ કરી ભાગ પાડવાનું કહેતો હતો. નાનો ભાઈ પણ મોટા ભાઈના આવા વેણ સાંભળી અવાક થઈ ગયો. તેણે કહ્યું આજથી બા જીવશે ત્યાં સુધી મારી સાથે રહેશે. મારે કોઈ જાતની ખોરાકી નથી જોઈતી. એ મારી મા છે. મોટા ભાઈ તમે માનું હડહડતું અપમાન કર્યું છે. હું એ જીંદગીભર નહિ ભૂલું. એમ કહી એ માને લઈ પોતાના ઘરે ગયો. તેને ખબર હતી તેની પત્નિ માને નહિ સાચવે. પરંતુ એ પોતે માની ખૂબજ સેવા કરતો. સવારે 'નાનીમા' ને ખૂબ ખાંસી ઉપડતી. દમની બીમારી હતી. નાની વહુ મોડી ઊઠતી. ચ્હા પણ સમયસર ન આપતી. 'નાનીમા' કોઈ જાતની ફરિયાદ ન કરતાં. નાનો દીકરો તેની દવા કરાવતો. પોતાની સાથેજ માને જમવા બેસાડતો. 'નાનીમા' આ દીકરાનાં વખાણ કરતાં થાકતાં નહિ. વહુની નાદાનીને માફ કરી દેતાં.


નાનો દીકરો માની ખૂબજ સેવા કરતો. પરંતુ નાનીમા મોટા દીકરાના શબ્દો ભૂલી શકતાં ન હતાં. મોટા દીકરાના શબ્દો નાનીમાના કાળજે કોતરાઈ ગયા હતાં. એને યાદ કરી ઘણીવાર છાને ખૂણે રડી લેતાં. તે હવે બીમાર રહેવા લાગ્યા. ખોરાક પણ ન લઈ શકતાં. શરીર અશક્ત થવા લાગ્યું અને અંતે પથારીવશ થઈ ગયાં. બધી દીકરીઓને મળવા બોલાવી દીકરાને કહ્યું,"બેટા આપણું જૂનું ઘર છે એ વેંચી દે. મેં દીકરીઓને કદી કંઈ આપ્યું નથી. આથી મારા હાથે હું થોડું પુણ્ય કરતી જાઉં". નાના દીકરાએ માની એ ઈચ્છા પૂરી કરી. નાનીમાના કહેવા મુજબ બધી દીકરીઓને રકમ આપી.


નાનીમાનો અંત સમય નજીક આવવા લાગ્યો. મળમૂત્ર પથારીમાં થઈ જતું. એ બધું નાનો દીકરોજ સાફ કરતો. છેલ્લા દિવસોમાં એ કામે પણ ન જાતો. માને ફ્રૂટનો રસ ચમચીથી પીવડાવતો. દવા આપતો છેલ્લે નાનીમાએ મોટા દીકરા વહુને પણ બોલાવ્યા અને ક્ષીણ અવાજે દીકરાને કહ્યું, "તે મને બહુ દુ:ખ આપ્યું. તારા શબ્દોએ મારી લાગણીને સૂકવી નાખી હતી. ઈશ્વર તને એની જરૂર સજા આપશે એમ હું કહેતી, પરંતુ બેટા હું તો તારી મા છું. એક મા દીકરાનું બૂરું કદી ન ઈચ્છે. જતાં- જતાં હું તને માફ કરી દઉં છું. ઈશ્વર તારું ભલુ કરે કહી હંમેશને માટે પોઢી ગયા !


હા, નાનીમાના નસીબમાં વિધાતા સુખ નામનો શબ્દ લખવાનું ભૂલી ગયા હતાં આજે પણ તેમનો વેદનાગ્રસ્ત ચહેરો યાદ આવે છે, બીજાના દુ:ખમાં એણે ભાગ લીધો હતો. કોઈનું દુ:ખ એ જોઈ ન શકતા. પોતે જીવનભર દુ:ખમાં શેકાયા હતાં. 'નાનીમા'ના આર્શીવાદથી અને સાચી સેવાથી નાનો દીકરો આજે ખૂબ સુખી છે. શહેરમાં મોટો બંગલો છે. ધીકતો ધંધો છે. આજે પણ એ માના ફોટાને રોજ પગે લાગે છે.


જ્યારે મોટો દીકરો અને વહુ એના કર્મના ફળ ભોગવે છે. 'નાનીમા' એ તો તેને માફ કરી દીધા હતાં, પરંતુ ઈશ્વરે એને માફ ન કર્યા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational