મુલાકાત
મુલાકાત


કોલેજમાં અભ્યાસ કરતી આરઝુ હમણાં ત્રણેક મહિનાથી મયંક સાથે ફેસબુકમાં પરિચયમાં આવી હતી. બંને કલાકો સુધી ચેટ કરતા. શરૂઆતમાં તો ઔપચારિક વાતો થતી. ધીમે ધીમે બંને વચ્ચે પ્રણયની વાતો થવા લાગી. બંને એકબીજાના ફોટાની પણ આપ-લે કરતા. મયંકે એક દિવસ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. આરઝુ તેની વાતોથી ખૂબ પ્રભાવિત હતી. તેને પણ મયંક ખૂબ ગમવા લાગ્યો હતો. આથી તેણે મયંકને એક વખત મળવાની વાત કરી. મયંકે પણ તેની વાતનો સ્વિકાર કર્યો.
બંનેએ સ્થળ અને સમય નક્કી કરી મુલાકાત ગોઠવી. અને એકબીજાને ઓળખવા માટેની નિશાની પણ નક્કી કરી લીધી. નક્કી કર્યા મુજબ આરઝુ રેડ કલરનો ડ્રેસ પહેરી અને બંનેએ જે જગ્યા પસંદ કરી હતી એ સ્થળે પહોંચી ગઇ. મયંક અગાઉથી જ હાથમાં બૂકે લઈને ત્યાં ઊભો હતો. આરઝુ આશ્ચર્યથી જોઈ રહી. એ કંઈ વિચારે એ પહેલાં સામે ઉભેલો પીસ્તાળીસ વર્ષનો એ આધેડ હાથમાં બૂકે લઈ દોડતો તેની પાસે આવ્યો અને બોલ્યો, હાય આરઝુ કેમ છો ? હું મયંક ..આ બૂકે તારા માટે. આરઝુના પગ નીચેથી જમીન સરકવા લાગી. તેની આંખે અંધારા આવી ગયા !