વારસો
વારસો
નાનકડા રિહાનને એક દિવસ એની મમ્મી વહેલી સવારે પૂજાની થાળી લઈને ગામને પાદર લઈ ગઈ. ત્યાં એક ખાંભી હતી. તે રિહાનને બતાવી અને કહ્યું, બેટા આ તારા પર દાદાની ખાંભી છે. આપણે એની પૂજા કરવાની છે. નાનકડો રિહાન નવાઈથી પૂછે છે મમ્મી આ તો પથ્થર છે અમે રોજ અહીં રમીએ છીએ. એની પૂજા થોડી કરાય!
ત્યારે રિહાનની મમ્મી એને સમજાવે છે, બેટા, ઘણાં વર્ષો પહેલાં લૂંટારાઓ આ ગામમાં આવ્યા હતાં, સાંજના સમયે ગાયોને હાંકી જતા હતા, એ સમય ગામના લોકો ગાયોને બચાવવા લૂંટારાઓ સામે લડ્યા હતાં. તેમાં આ આપણા દાદા શહીદ થયાં હતાં, ગાયોને અને ગામને બચાવતાં પોતે જીવ ગુમાવ્યો હતો. એની યાદમાં આ ખાંભી ખોડી છે. આપણે તેની શહીદીને ભૂલવી ન જોઈએ. આપણો વારસો સાચવવો જોઈએ, આજે તે શહીદ થયા હતાં એ તારીખ છે. એમ કહી રિહાનની મમ્મીએ પાળિયાને નવડાવી તેની પૂજા કરી અને શ્રીફળ વધેર્યું. નાનકડો રિહાન પણ તેની મમ્મી કહે એમ પૂજા કરી પગે લાગ્યો. અને બીજા દિવસે બધાં બાળકો પાદરમાં રમવા ગયા ત્યારે રિહાને કહ્યું, આ પાળિયા આપણાં પૂર્વજો છે.એની ઉપર ન રમાય. તેને પગે લાગવું જોઈએ, એમણે આપણા ગામને બચાવ્યું છે. બધાં બાળકો ખાંભીને નમન કરી રમવા લાગ્યા.!