kusum kundaria

Drama

3  

kusum kundaria

Drama

સગાઈ

સગાઈ

5 mins
392


જ્યોતિ અને દિપ્તી એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા. એસ. વાય. બી. કોમ. ના વર્ગમાં બંને સાથે જ હતા. જ્યોતિ રોજ દિપ્તીના ઘરે બોલાવવા જતી. ત્યાંથી બંને સહેલીઓ સાથે જ કોલેજ જતી. તેનો રોજનો આ ક્રમ હતો. દિપ્તીનો મોટો ભાઈ ઉજ્જવલ પણ ટી, વાય. માં અભ્યાસ કરતો હતો. બંનેની કોલેજ અલગ હતી. એક દિવસ જ્યોતિએ કોલેજ જવા માટે દિપ્તીને બૂમ મારી તો ઉજ્જવલ બહાર નીકળ્યો, તેણે કહ્યું અંદર આવોને દિપ્તી તૈયાર થાય છે. જ્યોતિ હાસ્ય વેરતી દિપ્તીના રૂમમાં ગઈ. ઉજ્જવલ જ્યોતિને જતી જોઈ રહ્યો. આમ ઘણી વખત જ્યોતિ તેના ઘરે આવતી. હસતી-કૂદતી હરણી શી ચંચળ જ્યોતિને જોઈ ઉજ્જવલ તેના વિચારોમાં ખોવાઈ જતો. ધીમે ધીમે તે જ્યોતિને ચાહવા લાગ્યો. પરંતુ તે જ્યોતિ સાથે વાત કરવાની હિંમત ન કરી શકતો. જ્યોતિ તો એક સહેલીના ભાઈ તરીકે ઉજ્જવલને ‘હાય’ હલ્લો, કરી નીકળી જતી. ઉજ્જવલ તેની રાહ જોતો, ક્યારેક દેખાય નહિ તો દિપ્તીને પૂછતો, હમણા કેમ તારી ફ્રેંન્ડ દેખાતી નથી. પરંતુ આગળ કંઈ વાત ન થતી. તે રોજ જ્યોતિના આગમનની પ્રતીક્ષા કરતો. તે જ્યોતિને ખુબ જ ચાહવા લાગ્યો હતો. પરંતુ તેનો પ્રેમ એકપક્ષીય હતો. જ્યોતિ સાવ અજાણ હતી.

એક દિવસ દિપ્તી વહેલી સવારના સજી-ધજીને બહાર નીકળતી હતી તો ઉજ્જવલે પૂછ્યું “અત્યારમાં બહેન બા ક્યાં જઈ રહ્યા છો જરા જણાવશો? દિપ્તીએ હસીને જવાબ આપ્યો, આજે મારી ફ્રેંન્ડ જ્યોતિની સગાઈ છે. હું ત્યાં જઈ રહી છું. કહી તે ઉતાવળે જતી રહી. ઉજ્જવલ અવાક બની જોઈ રહ્યો, જાણે તેની પ્રિય ચીજ કોઈ ઝૂંટવી ગયું હોય તેમ તેને લાગ્યું. તે ખુરશીમાં ફસડાઈ પડ્યો. જ્યોતિ તેના દિલો-દિમાગ પર છવાઈ ગઈ હતી. પરંતુ તે જાણતો હતો કે તેનો પ્રેમ એક પક્ષીય હતો તણે ક્યારેય જ્યોતિ સાથે લાંબી વાતચીત પણ કરી ન હતી. તેને થયું જો જ્યોતિ સુખી થતી હોય તો સારું મારો તેના પર શો અધિકાર? સગાઈ બાદ જ્યોતિ એક દિવસ મીઠાઈનું પેકેટ લઈ દિપ્તીના ઘરે આવી. ઉજ્જવલે તેને કોંગ્રેચ્યુલેશન પાઠવ્યા અને એ બંનેને ઘરે આવવાનું આમંત્રણ આપ્યું.

જ્યોતિની સગાઈ ચિરાગ સાથે વડીલોની સંમતિથી થઈ હતી. બંને એક જ શહેરમાં રહેતા હતા. સગાઈ બાદ ચિરાગ અવાર-નવાર જ્યોતિને લઈ ફરવા જતો. ચિરાગના બાઈક પર જ્યોતિ ફરવા જતી ત્યારે તે જાણે સ્વર્ગીય સુખ અનુભવતી. બંને ભાવિના વિચારોમાં ખોવાઈ જતા. જ્યોતિ પોતાને નસીબદાર ગણતી. તેને ચિરાગ પસંદ હતો. તેનો સ્વભાવ,તેના વિચારો તેને ગમતા હતા. ચિરાગ પણ જ્યોતિને કહેતો, જ્યોતિ ખરેખર મારા જીવનમાં તારા આગમનથી ખૂશીની જ્યોત પ્રગટી ગઈ છે. તું જ મારું સર્વસ્વ છે. તારા વગરની જિંદગી જાણે અધુરી લાગે છે. આપણે જન્મો જન્મના સાથી બનીને જીવીશું. બંને દુનિયાદારીથી બે ખબર મસ્ત બની દિવસો પસાર કરતા હતા. એક દિવસ જ્યોતિ અને ચિરાગ બાઈક પર જઈ રહ્યા હતા. બંને વાતોમાં મશગુલ હતા. અચાનક એક ટ્રક તેના બાઈક સાથે અથડાયો, જ્યોતિ ટ્રકની નીચે આવી ગઈ. ચિરાગ દૂર ફેંકાઈ ગયો. માણસોનું ટોળું એકઠું થઈ ગયું. ચિરાગને બહુ ઈજા થઈ ન હતી. તે ઊભો થયો અને જ્યોતિ પાસે ગયો તો જ્યોતિના બંને પગ કચડાઈ ગયા હતા! લોહી વહી રહ્યું હતું તે દર્દથી ચીસો પાડી રહી હતી. ચિરાગે તેને હોસ્પિટલે પહોંચાડી અને બંનેના ઘરે ફોન કરી જાણ કરી. એ બંનેના મા-બાપ હોસ્પિટલ્માં આવી ગયા. જ્યોતિના પગનું ઓપરેશન કરવું પડશે તેમ ડોક્ટરે જણાવ્યું. જ્યોતિના મમ્મી-પપ્પાતો દીકરીની આવી હાલત જોઈ ભાંગી પડ્યા, તેની આંખમાં આંસુ સુકાતા ન હતા. ઘડીકવારમાં આ શું બની ગયું, તેને જ્યોતિના ભવિષ્યની ચિંતા થવા લાગી. જ્યારે ડોક્ટરે જણાવ્યું કે જ્યોતિ હવે ઘોડીના સહારા વગર ચાલી શકશે નહિ ત્યારે તેને ખુબ જ આઘાત લાગ્યો. ચિરાગના મા-બાપ કહેવા લાગ્યા, અમને માફ કરજો અમે હવે જ્યોતિને વહુ તરીકે નહિ સ્વિકારી શકીએ, લગ્નબાદ આવું બન્યું હોત તો જુદી વાત હતી. પરંતું જાણી-જોઈને અમે અમારા દીકરાની જિંદગી બરબાદ નહિ કરીએ. ચિરાગ પણ તેના મા-બાપના વિચારો સાથે સામેલ થઈ ગયો. જ્યોતિ તો આ સાંભળીને ભાંગી પડી. તેના મા-બાપ માથે તો જાણે આભ ફાટ્યું, તે કંઈ જ ન બોલી શક્યા. જ્યોતિ હજુ હોસ્પિટલમાં જ હતી. હવે તે હસવાનું તો સાવ ભૂલી જ ગઈ હતી. આખો દિવસ ગુમસુમ બની છતને તાકી રહેતી, તેને થતું મારો શું વાંક છે? મને જ આવી સજા કેમ મળી,મારી જગ્યાએ ચિરાગને જો આવું થયું હોત તો શું હું તેને છોડી દેત? ક્યાં ગયો ચિરાગનો જન્મો જન્મનો પ્રેમ? ક્યાં ગઈ તેની વફાદારી? તેને નફરત થવા લાગી આવા ક્ષુલ્લક સંબંધો પ્રત્યે,તેને થેયું આ સગાઈ તો માત્ર શરીરની સગાઈ હતી, વાસનાની સગાઈ હતી. ક્યાં હતો આમાં વિશુધ્ધ, નિ:સ્વાર્થ પ્રેમ? તેનો તકિયો આંસુથી ખરડાઈ ગયો. દૂર રેડિયો પર જૂના ગીતના શબ્દો તેના કાને પડ્યા, ઈસ ભરી દુનીયા મે કોઈ ભી હમારા ન હુવા, ગૈર તો ગૈર થે, અપનો કા સહારા ન હુવા. જ્યોતિ એકદમ નિરાશ બની ગઈ હતી. પરંતુ હવે તે સ્વસ્થ થવા લાગી મનથી તેણે નક્કી કર્યું, મારે કોઈની દયાની,હમ્દર્દીની જરૂર નથી હું સ્વમાનભેર જીવીશ. કોઈની દયા પર નહિ.

દિપ્તી રોજ હોસ્પિટલે જ્યોતિની ખબર પૂછવા આવતી. તે જ્યોતિને આશ્વાસન આપતી. જ્યારે ઉજ્જવલને આ વાતની ખબર પડી ત્યારે તેને ખુબ જ દુ;ખ થયું, તેણે દિપ્તીને કહ્યું, દિપ્તી હું જ્યોતિ સાથે લગ્ન કરીશ. હું તેનો સહારો બનીશ. હું જ્યોતિને ખુબ જ ચાહું છું અત્યાર સુધી હું મુંગો રહ્યો, પરંતુ હવે મોડું નહિ કરું. તે દિપ્તીને લઈ જ્યોતિના મમ્મી-પપ્પાને મળ્યો અને જ્યોતિ સાથે લગ્ન કરવાની વાત કરી,આ સાંભળીને જ્યોતિના મમ્મી-પપ્પા તો ઉજ્જવલને જોઈ રહ્યા! તેને લાગ્યું ઉજ્જવલ ‘દેવ’ બનીને આવ્યો છે. તેની તમામ ચિંતા દૂર થઈ ગઈ. બધા જ્યોતિ પાસે આવ્યા. જ્યોતિને વાત કરી. પરંતું જ્યોતિએ ના પાડી દીધી. તેણે કહ્યું મારે કોઈની દયાની જરૂર નથી. હું મારી જિંદગીનો બોજ કોઈ પર નાખવા માંગતી નથી. મારા જેવી હજારો યુવતીઓ હશે. હું ભણેલી છું કોઈ જગ્યાએ નોકરી મેળવી સ્વમાનભર જીવી લઈશ. ઉજ્જવલે કહ્યું,’જ્યોતિ હું તારા પર કોઈ દયા નથી કરતો. હું તો મારી ખુશી માટે તને અપનાવવા માંગુ છું. હા જ્યોતિ હું તને ખુબ જ ચાહું છું, ચાહતો રહીશ. કદાચ આ એક્સિડંટ ન થયું હોત તો મારી ચાહત ક્યારેય હોઠ પર ન આવત. પરંતુ કુદરતને આપણો મેળાપ મંજૂર હશે. હવે ના ન કહેતી પ્લીઝ’. જ્યોતિ ઉજ્જવલ સામે જોઈ રહી. તેની આંખોમાં નિર્મળ પ્રેમ નીતરતો હતો. તેણે હા પાડી. બધા આનંદથી છૂટા પડ્યા. દિપ્તી પણ ખુબ જ ખુશ હતી. તેની સહેલી હવે ભાભીના સ્વરૂપમાં ઘરમાં આવવાની હતી. જ્યોતિ અને ઉજ્જવલની સગાઈ સાદાઈથી પતાવવામાં આવી. આજે ખરેખર પ્રેમની સગાઈ હતી,બે આત્માની સગાઈ હતી. જ્યોતિ અને ઉજ્જવલ સગાઈના અતૂટ બંધનથી બંધાઈ ગયા!    


Rate this content
Log in

Similar gujarati story from Drama