વુમન્સ ડાયરી:મનની વાતો
લેખ: કોઈની યાદો અને આપણું એકાંત
કોઈની યાદ પણ આપણા જીવનમાં ખુશીઓ ભરી શકે છે. કોઈની સાથે માણેલી એ સારી પળો જેનાથી આજે પણ આપણે જીવી શકીએ છીએ. યાદો જીવનનું એક એટલું મહત્વનું સ્થાન છે કે જેને ખરાબ સમયમાં પણ જો યાદ કરી લઈએ તો એ ખરાબ સમયમાં પણ આપણા હોઠો પર હસી આવી શકે છે.
દરેકનાં જીવનમાં કોઈ એક એવી વ્યક્તિ તો જરૂર આવે છે જે ભલે તેની જિંદગીમાં નથી આવતી, પણ તેની યાદ હંમેશા તેના દિલમાં ઘર કરી જાય છે.
પછી તેને ભૂલવાની કેટલી એક કોશિશ કરો પણ તેની સાથે વિતાવેલી એ પળોને ભૂલી નથી શકાતી. જીવન હંમેશા આપણા હિસાબ પ્રમાણે નથી ચાલતું. હા ઘણીવાર આપણે જીવનમાં જે બની રહ્યું હોય છે તેને બદલવાની ઘણી કોશિશ કરતા હોઈએ છીએ. કારણકે કદાચ આપણી સાથે જે થઈ રહ્યું હોય છે તેને આપણે સ્વીકારી નથી શકતા. અને ક્યારેક આપણી એ કોશિશ સફળ પણ થતી હોય છે. મુશ્કેલીના સમયમાં આપણે આપણી બુદ્ધિ અને ધીરજથી કામ લઈને સરળતાથી એ મુશ્કેલીમાંથી બહાર પણ નીકળી શકીએ છીએ.
પણ હંમેશા એવું નથી બનતું. અને વધારે તો ત્યારે આપણી બુદ્ધિ અને ધીરજ નથી રહેતી જ્યારે આપણને કોઈ વ્યક્તિ ગમતું હોય છે. અને તેને ન ગમવા માટે આપણે હજારો કારણો શોધતા હોઈએ છીએ. અને છતાં પણ તે વ્યક્તિની નજીક ગયા વગર નથી રહી શકતા. આપણી પસંદગીનો એ સમય ઘણીવાર ખોટો પણ હોય છે. આપણને ખબર હોય છે કે આપણે જે કરીએ છીએ તે આપણી ભૂલ છે. અને આ વાત સ્વીકારવા છતાં પણ આપણે આપણી જાતને રોકી નથી શકતા.
અને પછી જ્યારે સમય સાથે આપણે તેનાથી દૂર થઈ જઈએ છીએ ત્યારે કદાચ પહેલા તો આપણને ઘણું દુઃખ થાય છે. પણ સમય જતા જ્યારે એકાંતમાં આપણે તે વાત વિચારીએ છીએ ત્યારે આપણને આપણી ભૂલનો અહેસાસ થાય છે. પણ કોઈની સાથે વિતાવેલી આપણને ગમતી ક્ષણોને ભૂલી નથી શકાતી. અને ક્યારેય પણ કોઈની પણ સાથે વિતાવેલી સુખદ ક્ષણોને કેમ ભૂલવી જોઈએ?
યાદો અને એકાંતનું એક એવું કોમ્બિનેશન છે જેનાથી એક અલગ જ જીવન બની જાય છે. દિવસ દરમિયાન આપણે આપણા માટે એવી થોડી ક્ષણો પણ આપણા પોતાના માટે કાઢવી જ જોઈએ. આજના જમાનામાં ભલે આ ખૂબ જ મુશ્કેલ છે. પણ પ્રયત્ન કરીએ તો કદાચ આપણે એ સમય કાઢી જ લઈશું. આપણે આપણા જ માટે થોડીવાર માટે પણ આપણે પોતાની જાત સાથે બેસવું બહુ જરૂરી છે. જ્યારે એકલા રહીશું એકલા વિચારીશું ત્યારે જ જીવનમાં ક્યારે શું સારું કર્યું છે અને ક્યારે શું ખોટું કર્યું છે તેનો અંદાજો લગાવી શકીશું. જ્યારે કંઈ યાદ કરીશું તો યાદ આવશે અને તેમાંથી આપણી ભૂલ સમજાશે તો આગળ જતા આપણે એ ભૂલને ફરીથી રિપીટ નહીં કરીએ. આપણે હંમેશા એવું જ માનતા હોઈએ છીએ કે આપણે દરેક રીતે પરફેક્ટ છીએ. પણ દુનિયામાં કોઈ જ બધી જ રીતે પરફેક્ટ નથી હોતું. હા પણ દરેક પોતાની રીતે પરફેક્ટ બનવાનાં પ્રયત્નો જરૂર કરતું હોય છે.
એકાંત માટે એવું કહી શકાય કે એની જરૂર આપણી જિંદગીમાં એટલા માટે છે કારણ કે કોઈ જ્યારે આપણને આપણી ભૂલ બતાવશે ત્યારે આપણને તે નહીં ગમે. કારણ કે માણસને ખાસિયત હોય છે કે તેને ક્યારેય પણ પોતાનો વાંક નથી દેખાતો. અને માટે જ એકાંત એટલે જરૂરી છે કે જીવનમાં ભૂતકાળમાં જે જે ભૂલો કરી હોય છે તેનું ક્યારેય પણ ફરીથી પુનરાવર્તન ના થાય.
જ્યારે જીવનમાં કોઈ ગમી જાય છે ત્યારે આપણી ઈચ્છા એ જ હોય છે કે તે જ આપણા જીવનમાં આપણો સાથી બનીને આવે. પણ અમુક કારણોસર જ્યારે તે શક્ય નથી બનતું ત્યારે આપણું દિલ તૂટી જાય છે. પણ તેનો મતલબ એ નથી કે હવે આપણું જીવન ક્યારેય પણ પહેલા જેવું નહીં બને .હવે એવો કોઈ જ વ્યક્તિ આપણા જીવનમાં નહીં આવે જે આપણને ખૂબ જ પ્રેમ કરશે. કદાચ આપણા નસીબમાં તેના કરતાં પણ વધારે સારો જીવનસાથી લખાયેલો હશે અને માટે જ કદાચ આપણું દિલ તૂટી ગયું હશે .
યાદોને હંમેશા સારી જ બનાવવી. ભલે તે વ્યક્તિ આપણા જીવનમાં ના આવ્યું પણ તેનો મતલબ એ નથી કે આપણે તેને આપણી યાદોમાંથી જ કાઢી નાખીએ. તે યાદોને તો આપણે આપણા દિલમાં એવી રીતે બંધ કરવી કે તેની ચાવી બસ આપણી જ જોડે હોય. આપણી ઈચ્છા હોય ત્યારે જ તેને ખોલી શકીએ અને તે યાદોને યાદ કરી શકીએ. પણ બસ થોડા સમય માટે જ તે સમયને બહાર કાઢવાનો છે. કારણ કે જેની સાથે આપણે છીએ તેની સાથે વફાદારી બહુ જરૂરી છે.