divya jadav

Tragedy Thriller

4  

divya jadav

Tragedy Thriller

ઉજી

ઉજી

5 mins
562


પૂનમની રાતનાં આછા અંજવાળામાં તમારાઓનો અવાજ વધારે તીવ્રતાથી કાનમાં ગુંજી રહ્યો હતો. એ આછા અંધકારમાં એક પછી એક શેરીઓ ફાંદતી એક વૃદ્ધા માથે કાળો ધાબળો ઓઢી ગામનાં પાદર તરફ ઝડપભેર ચાલવા લાગી. 

પાદરે કૂતરાઓનો રડવાનો અવાજ ડરામણો લાગી રહ્યો હતો. એ વૃધ્ધા પાદરાનાં કૂવા પાસે જઈ ઊભી રહી. ચંદ્રનું આછું અંજવાળું કૂવાના પાણીમાં પડી રહ્યું હતું. વૃધ્ધા કૂવામાં ડોકિયું કરી ઊભી રહી ગઈ. પાણીમાં પોતાનું ઝાંખું પ્રતિબિંબ જોઈ એની આંસુના બે ટીપાં કૂવાના પાણીમાં ભળી ગયા. એ પાણીમાં દેખાઈ રહેલા પોતાના ચહેરાને સતત નિહાળતી કૂવાની પાળ ઉપર બેસી ભૂતકાળ તરફ ફંગોળાઈ ગઈ.

બળદના જોડલાઓને શણગાર સાથે સુંદર મજાની વેલમાં બેસી નવોઢા સતાપર ગામનાં પાદર પાસેથી પસાર થઈ. પતિ સાથે મીઠા સંસારના સપનાઓ વાગોળતી એને વેલડાનો પડદો સહેજ હટાવી જોયું. સામે ઘોડા પર સવાર હાથમાં તલવાર સાથે પોતાનો પ્રિયતમ સામે અજાણતા જ નજર પડી ગઈ. સોહામણો પ્રિયતમ પોતાની સામે જોઈ મંદ મંદ મલકાઈ રહ્યો હતો. નવોઢા શરમના મારી પોતાની પાંપણો નીચે ઢાળી દીધી. વેલડું ગામની ભાગોળે થઈ મેડીવાળા મકાન સામે જઈ ઊભુ રહી ગઈ.

ગામની સ્ત્રીઓ નવોઢાને જોવા વેલડાને ઘેરી વળી. ત્યાં પાછળથી એક આધેડવયની સ્ત્રી હાથમાં પૂજાની થાળી લઈ સ્ત્રીઓની ભીડને ચીરતી વેલડા તરફ આગળ વધી. 

" બાયું ! આમ આઘ્યું હટો. હજી પરણીને આવી સે તા તો આમ ઘેરી વળ્યું. મારી વહુને નજર નાં લગડત્યું. આમ આઘે ઊભી ર્યો. " ગોમતીડોશી મલકાતાં વેલડીમાંથી પુત્રવધૂને બહાર આવવા ઈશારો કર્યો. પૂનમના ચંદ્રનેપણ ઝાંખું પાડે એવી ઉજળી ને પાતળી કાયા. ચહેરાની નમણાશ જાણે કે ભગવાન સાવ નવરાશની પળોમાં બેસી ઘડી હોય એવી હતી.

" વ્રજલાલ ભાઈ ભારે નસીબદાર અપ્સરા મળી કે કંઈ. ગોમતીકાકીએ વહુતો ભારે રૂપાળી ગોતી હો ! " ગામની બાયું અંદરોઅંદર વાતો કરી રહી હતી.

" એ હાલત્યું પડો તમારે ઘેર આય હું ઉભ્યું સો ." આખા બોલા ગોમતીકાકી બોલ્યા.

" તે અમારે એય ભાભીને જોવા નાં હોય " એક સોળ સતર વર્ષની છોકરી આગળ આવતાં બોલી.

"બટા ! કાયલ આવજે હો ! તારી ભાભી ક્યાંય વઇ નથી જવાની આય સે ." ગોમતીકાકી કટાક્ષ કરતા બોલ્યા. 

બાયુંનાં ટોળામાંથી નવોઢાનો હાથ પકડી ઘરના ઉંબરે ઊભી રાખી. પાસે વ્રજલાલ હાથમાં તલવાર લઈ અકડ થઈ ઊભો હતો. નવ પરણિત યુગલને પોખી ઘરમાં પ્રવેશ કરાવ્યો.

સોના જેવી પહેલી રાત પસાર થઈ ગઈ. વહેલી સવારે સાંકળ ખખડવાનો અવાજ કાને અથડાતા નવોઢા સફાળી જાગી ગઈ. આખી રાતનો થાક એના ચહેરા પર નીતરી રહ્યો હતો. દરવાજો ખોલી નવોઢાએ સ્મિત રેલ્યું. સામે ગોમતીકાકી ઊભા હતા. " મહારાણી નીંદરમાંથી ઊઠો. જટ કર ઘરમાં પાણી નથી હેલ લઈને હાલતી થા પાણી ભરવા માણેક ઊભી સે વાટે. જા એના ભેળી." 

પરણ્યાનાં પહેલાં દિવસે જ સાસુમાનું આવું વર્તન જોઈ નવોઢાના આંખોમાંથી આંસુ સરી પડ્યા. કપડાં સરખા કરી પિત્તળના ઘડા માથે ઊંચકી ઘરની બહાર નીકળી. વહેલી પરોઢનાં ઝાંખા અંજવાળમાં સામે માણેક અને બીજી બે ત્રણ બાયું પણ હાથમાં બેડું પકડી હસતી ઊભી હતી. 

ગામની ઊભી બજારો વિંધતી બાયું છેક છાતીસુધી ઘુંઘટો તાણી હાલ્યું જાય. અને એમાંય ગામની બાયું નવી પરણીને આવેલી વહુને જોવા બારીમાંથી ડોકયું કરી ઊભી હતી. પાદરે પક્ષીઓ પીપળના ઝાડવે ચડી મીઠા મધુર ગીતો લલકારી રહ્યા હતા." કોઈ દાઢીયારું નથ બાય. હવે લાજ ખોલી નાખો." એક સ્ત્રીએ કહ્યું. " 

નવોઢાએ બેડું કૂવાની પાળે મેલી ઘૂંઘટ ખુલ્યો. જાણે ફરી વાર સૂર્યોદય થઈ ગયો અને સર્વત્ર ઉજાસ ફરી વળ્યો હોય એમ એના રૂપમાં બીજી બાયું પણ અંજાઈ ગઈ. 

" વવ નામ હું સે તારું." 

" મારું નામ ઊજી." નવ પરણિત સ્ત્રીએ મીઠો રણકાર કર્યો.

" વરજલાલ ભારે ભાગ્યશાળી હો."

બાયું હાસ્યના રેલાઓ સાથે કૂવામાંથી પાણી ભરી ગામ તરફ વળી. બજાર આવતા પાછળથી એક સ્ત્રી બોલી" ઊજી સાડીનો છેડો માથાં ઉપરથી હટવા ના દેતી. ને હંભાળી ને હાલજે બેડા પડે નઇ ધ્યાન રાખજે. નહિતો આખા ગામમાં વાત્યું થાહે. "એક સ્ત્રીએ ઉજીને કહ્યું.

નાની ઉંમરમાં પરણાવી દીધેલી ખાલી સોળ વરસની ઉજી બિચારી ડરતાં ડરતાં ઘરના ઉંબરે આવી ઊભી રહી ગઈ. બેડાઓના ભાર માથેથી હટાવી એણે સાસુને પગે લાગ્યું. સાસુએ આશીર્વાદમાં વરસ દાડામાં દીકરો જોઈએ નાં આશીર્વાદ આપી દીધા. 

એક વરસ બે વરસ અને હવેતો લગ્નનું ત્રીજું વરસ પણ વીતવા આવ્યું. બિચારી ઉજીનો ખોળો ખાલી હતો. સાસુ પણ ત્રણ વર્ષના વહાણા વીતી જતાં ભૂવા ભરડા કરવા લાગ્યા. ઊજી બરાડી પડતી. જ્યારે ભૂવા ઉજીની પીઠ પર સાંકળોના મારાઓ વરસાવતા. બિચારી મૂંગા મોઢે સહન કરી લેતી. જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા હતા તેમ તેમ ગોમતીકાકી વધારે આકરા થઈ ગયા. હવે તો ગોમતીકાકીની સાથે વ્રજલાલ પણ વાંઝણી કહી બોલવા લાગ્યો. પુત્રની ઘેલછામાં ક્યારેક ઊજીને ઢોરમાર પણ મારતો થઈ ગયો. કંચનવર્ણી કાયા ઉપર મારના લીધે કાળા ચાઢા ચોખ્ખા દેખાઈ આવતા. 

દુઃખના દિવસોનો અંત આવ્યો હોય એમ ઉજિને લગ્નનાં પાંચ વર્ષે સારા દિવસો રહ્યા. અને પૂરા નવ માસે ઉજીએ દીકરાને જન્મ આપ્યો. પરંતુ ઊજીની કરમ કઢણાઈ કે દીકરો શારીરિક અને માનસિક વિકલાંગ જન્મ્યો. 

 ઉજી દીકરાની ખુબ સાર સાંભળ રાખતી. પરંતુ ગોમતીકાકી અને વ્રજલાલ બંને ઉજી અને તેના દીકરાને હડધૂત કરી મેલતા. હવેતો ગોમતીકાકીએ વ્રજલાલના બીજા લગ્ન કરવાનો ફતવો બહાર પાડી દીધો. આ ખબર ઉજીનાં માવતરિયા પાસે પહોંચ્યા. ઉજીના બાપાએ કોઈ પારકીજણી આવીને ઉજિની જિંદગી બગાડે એના કરતા તો એની નાની બહેનને પરણાવી દેવાનો નિર્ણય લીધો. અને મહિના દિવસમાં વ્રજલાલ અને ઊજીની નાનીબહેન રેવા સાથે લગ્ન કરી નાખવામાં આવ્યા. 

વ્રજલાલ અને રેવાના લગ્ન પછી ઊજી જાણે ઘરની નોકરાણી બની ગઈ. વિકલાંગ દીકરાની સાચવવાની જવાબદારી સાથે ઘર અને ખેતરના કામનાં ઢસરડા ઉજી માટે નિત્યનિયમ બની ગયો હતો. સવારમાં પાણી, ઢોર વાસિંદા, ઘરકામમાં દિવસ પસાર થઈ રહ્યા હતા. 

રેવા સાસરે આવતા જ ગર્ભવતી થઈ અને સુંદર મજાના દીકરાને જન્મ આપ્યો. ગોમતીકાકીની ઈચ્છા પૂરી થઈ, સાથે રેવાના માનપાનમાં વધારો થવા લાગ્યો. સાથે ઉજી અને એના બાળકનું ઘર હવે ઘરની સામે બનાવેલ ઝૂંપડી બની ચૂક્યું હતું. 

સમયે ફરી એક વાર ઉજીને થપાટ મારી. સખત તાવમાં સંપડાયેલો એનો લાડકવાયો સદાય માટે તેને છોડીને ચિર નિંદ્રામાં પોઢી ગયો. દીકરાના જવાથી ઊજી સાવ ગાંડા જેવી થઈ ગઈ. 

સમય પોતાની ગતિએ વીતતો ચાલ્યો ગયો. વરસોનાં વરસો વીતતાં ગયા. ગોમતીકાકી સ્વર્ગે સિધાવ્યા અને આખા ઘરનો વહિવટ રેવાના હાથમાં આવ્યો. અને ઉજી માટે કપરા દિવસો વધારે કપરા બનતા ગયા.

ઉજી ઘરડી થઈ આંખે ઝાંખપ આવી. જમવાના પણ સાં સાં પાડવા લાગ્યા. યાતનાઓથી કંટાળીને ઉજી કૂવા પાસે જીવન ટૂંકાવવા આવી. 

ઓચિંતો બાળકનો રડવાનો અવાજ ઉજીના કાને પડ્યો. ઉજી ભૂતકાળમાંથી પરત ફરી. આસપાસ નજર ફેરવી જોયું કૂવાથી સહેજ દૂર સફેદ ચાદરમાં લપેટાયેલ ત્રણ વરસનો છોકરો રડી રહ્યો હતો. ઉજીએ છોકરાને નીરખી જોયો. ચંદ્રમાના અંજવાળામાં એ બાળકનો ચહેરો સાફ દેખાઈ રહ્યો હતો. ઉજીએ એ બાળકને તેડ્યું ત્યાં એ બાળક પોતાની ગરદન ઉજીનાં ખભે નાખી ગયું. ઉજી બાળકની વ્યથા સમજી ગઈ. એને બાળકના હાથ પગ તપાસી જોયા અને એ મોટેથી ચીસ પાડી ઉઠી. " મારો ગોપાલ આવી ગયો. હાલ દીકરા તારી માં હજુ જીવે છે." બાળકને તેડી જીવનની હરેક કસોટીમાંથી પસાર થવા એની સામે ઝઝૂમવા કટિબદ્ધ થઈ ફરી એ જ ઝૂંપડી તરફ આગળ વધી.

( પ્લોટ નં - 7)


Rate this content
Log in

Similar gujarati story from Tragedy