divya jadav

Romance Inspirational

4  

divya jadav

Romance Inspirational

પ્રેમનો પંથ

પ્રેમનો પંથ

3 mins
357


મયુર કારને ખુબ ધીમી ગતિએ ચલાવી રહ્યો હતો. પાસેની સીટમાં પીંછી બારીની તરફ મોં કરીને બેસેલી પિંછીનું મૌન મયુરને અકળાવી રહ્યું હતું.

"પીંછી! છેલ્લી વખત બસ ખાલી છેલ્લી વખત તારી સાથેનો એક દિવસ મને આપીશ !"મયુર ધીમે રહીને અચકાતાં અચકાતાં કહ્યું. એ પીંછીને ખુબ સારી રીતે ઓળખતો હતો. એ પોતાના નિર્ણયને ક્યારેય નહિ બદલે. છતાંય કદાચને પીંછી માની જાય.

પીંછીએ મયુર સામે વેધક નજરે એની આંખોમાં આંખ પરોવીને જોયું. અને બોલી, "મયુર હવે એ સમય નીકળી ગયો છે. હવે તો બસ ખાલી નિર્ણય લેવાનો સમય છે."

"પીંછી ફરી એક વાર ઠંડા મગજે વિચાર કર. સબંધોનો છેડો ફાડી નાખવાથી શું લાગણીઓનો પણ છેડો ફાટી જાય છે. હું તને આજે પણ એટલો જ ચાહું છું. જેટલો પહેલાં ચાહતો હતો. તું ખોટો નિર્ણય લઈ રહી છો. શું આપણે એક બીજાને ફરી એક મોકોનાં આપી શકીએ."મયુર ભારે સાદે બોલ્યો.

મયુરનાં ભારે થયેલાં સાદે પીંછીની આંખોને આંસુઓથી ભરી દીધી. અને એ મક્કમ સ્વરે બોલી. "આ વાત તને આજે સમજાણી ! આટલાં સમયથી હું તને એ જ તો કહેતી આવી હતી. મયુર મારે તું જોઈએ. તારો સાથ, તારો પ્રેમ, પણ તું પૈસા કમાવવાની પાછળ ગાંડો થઈ ગયો. જાણે અજાણે પણ તું ક્યારે મારાથી દૂર થતો ગયો એનું તને ભાન જ ન રહ્યું. હું નિર્ણય લઈ ચૂકી છું. હું તને મારા બંધનમાંથી આઝાદ કરું છું. "

મયુર અને પીંછીના લવ મેરેજ હતા. કોલેજના સમયથી બંને એક બીજાને ખુબ પ્રેમ કરતાં હતાં. બંનેએ પોતાના મા-બાપની વિરૂધ્ધ જઈ લગ્ન પણ કરી લીધાં. અને પોતની નાનકડી દુનિયાં વસાવીને એ દુનિયામાં બન્ને ખુબ ખુશ હતાં. પરંતુ જીવનમાં કંઇક કરી છૂટવાની ખેવના રાખનાર મયુર કયારે પોતાનાં બિઝનેસમાં એટલો તે ઓતપ્રોત થઈ ગયો એ એનેજ ખબર ના રહી. અને એ પીંછીને સમય દેવાનું જ ભૂલી ગયો. એ બિઝનેસમાં આવતી એક પછીએક સફળતામાં પીંછીથી એટલો જ દુર થવા લાગ્યો. બંને સાથે હોવા છતાંય જાણે માઈલોની દુરી હોય એ રીતે બેસતાં. મયુરનાં આવા વર્તનથી પીંછીનાં હદયમાં ઉઝરડા પડી જતાં હતાં. એ ઘણી વખત મયૂરને સમજાવવાનો પ્રયત્ન કરતી. ત્યારે મયુર ખુબ જ રુક્ષતાથી પીંછીને જવાબ આપતો

"પીંછી આપણે હવે કોલેજના રોમિયો જુલ્યટ નથી રહ્યા. હવે આપણે આપણા ફ્યુચર વિશે પણ વિચારવું જોઈએ. અત્યારે મહેનત કરીને જે કમાઈશ એ આગળ જતાં આપણને જ કામમાં આવવાનું છે."

ત્યારે પીંછી અકળાઈને કહી ઉઠતી. "મયુર પૈસાની ભાગદોડમાં જિંદગી જીવવાનું તો ના ભૂલી જવાય ને ! મારે તારો સાથ જોઈએ છે. મારે તું જોઈએ છે. તારી સાથે વિતાવેલી પળ ભલે નાની હોય પણ મારાં માટે એ જ અણમોલ છે."

"મયુર !" પીંછીએ ચીસ પાડી પોતાનાં મોં ને બંને હથેળીઓમાં છુપાવી દીધી. પીંછીની ચીસ સાંભળી મયુર તંદ્રામાંથી બહાર આવ્યો અને એને કારને જોરદાર બ્રેક લગાવી. કાર ઊભી રહી ગઈ. મયુરે બહાર જોયું તો એક અંધભીખારીને એની અપંગ ઘરવાળી પોતાનો હાથ પકડીને રસ્તો પસાર કરાવી રહી હતી. કાર બંનેની સાવ નજીક ઊભી રહી.

મયુરે રાહતનો શ્વાસ લીધો.અને બોલ્યો."હમણાં અઘટિત ઘટી જાત. "

"મયુર આને પ્રેમ કહેવાય! જો શું છે એની પાસે? છતાંય એના ચહેરા પર એક બીજા પ્રત્યેની લાગણી, પ્રેમ , હૂંફ ગજબ છે. એ કદાચ હવે આપણી વચ્ચે નથી રહ્યું."

મયુર કંઈ ન બોલ્યો અને ફરી કારને કોર્ટ તરફ જવા માટે હંકારી દીધી. પીંછી બારીની બહાર નજર ટેકવીને બેઠી હતી. એવામાં ઝરમર વરસાદ શરૂ થયો. વરસાદની બુંદો બારીમાંથી પિંછીનાં ચહેરાને ભીંજવવા લાગી. પીંછીએ બંને હાથની હથેળીઓને બારીની બહાર કાઢીને ખોબો ધર્યો. પીંછી વરસાદનાં પાણીને ખોબામાં ઝીલતી પહેલાં વરસાદની મોજ માણી રહી હતી. મયુર પણ પીંછીને વરસાદની મજા માણતા જોઈ રહ્યો. પીંછીને વરસાદમાં પલળવું અતિશય પ્રિય હતું. પીંછીને જોઈ પોતે પણ હરખમાં આવી ગયો અને કારને સાઇડમાં પાર્ક કરી પોતે કારમાંથી બહાર નીકળ્યો.

પિંછી તરફનાં દરવાજાને ખોલીને મયુરે પીંછીનો હાથ પકડી તેને બહારની તરફ ખેંચી. ઝરમર વરસાદમાં બંને પલળતાં એકમેકની આંખોમાં ખોવાઈ ગયા.  વરસાદે એનું કામ કરી દીધું. બે છૂટા પડતાં પ્રેમી પંખીડાને ફરી પ્રેમના વરસાદે ભીંજવી દીધાં. મયુર પીંછીની સામે એક ગોઠણવાળીને બેસી ગયો અને બોલ્યો, "પીંછી તું ફરી મારા જીવનને રંગીન બનાવીશ."

અને પીંછી હળવા સ્મિત સાથે કહ્યું "ચાલ આઈસ્ક્રીમ ખાઈએ." બંને ખળખળાટ હસી પડ્યાં. મયુરે હાથની હથેળીને પીંછીની તરફ ઘરી. પિંછીએ મયુરના હાથમાં પોતાનો હાથ આપ્યો.બન્ને ભુલા પડી ગયેલાં પ્રેમી પંખીડાંઓ એક બીજાનાં હાથમાં હાથ વીંટાળીને ઝરમર વરસતા વરસાદમાં પલળતાં પલળતાં પ્રેમના પંથે નીકળી પડ્યાં.


Rate this content
Log in

Similar gujarati story from Romance