divya jadav

Drama

3  

divya jadav

Drama

મુક્તિ

મુક્તિ

2 mins
174


"બસ હવે." મુક્તિ, હૃદયના ઝંઝાવાતને બહાર ખેંચતા બરાડી પડી. "હવે ક્યાં સુધી આ બધું ચાલશે, હવે નથી ખમાંતા તમારા બધાના વળકા,હું પણ માણસ છું." મુક્તિની આંખોમાંથી મોતી જેવડા આંસુઓ વહી રહ્યા હતા, અને મોઢામાંથી વર્ષોથી ધરબાયેલા જ્વાળામુખી સમા તણખલાં શબ્દો રૂપે ખરી રહ્યા હતા.

" તું ચૂપ મર, ઘરમાં બેઠા બેઠા રોટલા તોડવા છે,તોય તને કામની આળસ આવે છે. આ વિજયની વહુ, સુમિત્રા આખો દિવસ નોકરી કરે, ઘરમાં બે પૈસા લઈ આવે છે, અને તું અહી ઘરમાં બેઠી બેઠી તેનો વદાળ કરે,એ તો કમાઈને પૈસા ઘરમાં આપે છે એટલે એને મનગમતી ચીજ લે પણ ખરી, અને તારે તો બસ ઘરમાં બેઠા બેઠા ,બધું તૈયાર માંથે જોઈએ" મુક્તિનો પતિ વિમલ બોલ્યો.

" હું,સુમિત્રા નો વદાળ નથી કરતી, પરંતુ હું ખાલી થોડા પ્રેમની આશા રાખું છું.હા, હું વધુ ભણેલી નથી, પણ આ તમારું ઘર સંભાળવામાં મે શી કચાશ રહેવા દીધી ? શું હું તમારા માતા પિતાની સેવા નથી કરતી ?" મુક્તિ ટેબલ પરથી થાળી રસોડામાં લઈ જતા બોલી.

" તો શું નવાઈ કરે છે ? દીકરાની વહુ છો, અમારી સેવા કરવાની તારી ફરજ છે.આમ પણ આખો દિવસ તો તું ઘરે હોય છે,તારે ઘરના કામ સિવાય બીજું કામ શું હોય કરવાનું ?"મુક્તિના સાસુએ ટેબલ પર હાથ પછાડતા કહ્યું.

મુક્તિ સાસુની વાત સાંભળીને ચૂપચાપ રસોડામાં ચાલી ગઈ. ઘરનું સઘળું કામ આટોપીને મુક્તિ પોતાના બેડરૂમમાં ગઈ, અને અરીસા સામે મોં કરીને બેસી ગઈ. "હવે ક્યાં સુધી, રોજ સવારમાં બધાયની પહેલા ઉઠવું, પતિ,બાળકો, દેર દેરાણી,સાસુ સસરા, આખા ઘરની જવાબદારી ઉપાડવી,બધાની એકએક જરૂરિયાતનું ધ્યાન રાખવું, તેમને ભાવતું બનાવું, સાથે તેમના મહેમાનોને સાંભળવા, બજારમાંથી ખુટતી ચીજવસ્તુ લેવા જાવી, આ શું કામ ન કહેવાય," મુક્તિ અરીસા સામે પોતાની જાત સાથે વાતો કરી રહી હતી. "બધાની હસતા મોઢે સેવા કરવાની, છતાંય એક નોકરાણી જેવું વર્તન, ક્યાં સુધી આ વાંક વચનોને સહન કરું." મુક્તિ બોલતા બોલતા રોઈ પડી.

"ના,ભાભી તમે નોકરાણી નથી, તમે એક ગૃહિણી છો," સુમિત્રા મુક્તિના બેડરૂમમાં પ્રવેશતા બોલી,અને રૂમનો દરવાજો બંધ કરીને મુક્તિ પાસે આવીને બેસી ગઈ.

"ગૃહિણી" મુક્તિ ચમકી.

"હા,ભાભી ગૃહિણી ક્યારેય સામાન્ય નથી હોતી. સવારની પહેલી કિરણથી લઈને મોડીરાત સુધી, શું કામના ઢસરડા ઓછા હોય છે. તમે આખા ઘરની જવાબદારી તમારી માથે રાખીને સંભાળો છો, એટલે જ તો હું નોકરી કરી શકું છું."

" સુમિત્રા, હવે હું આ બધું સહન નથી કરી શકતી, બેન હું તારી ઈર્ષા નથી કરતી. પરંતુ ખાલી થોડા સન્માનની આશા રાખું છું." મુક્તિ પોતાની બન્ને હથેળીઓથી મોં છૂપાવતા રડવા લાગી.

" જાણું છું " સુમિત્રા બોલી.

" ક્યાં સુધી હું આમને આમ મારી ઈચ્છાઓને મારતી રહીશ, ક્યાં સુધી આ અપમાનો સહન કરીશ, મારાથી હવે આ ઘૂંટડાઓ નથી પીવાતા. મુક્તિ સુમિત્રાને ત્રાંસી આંખે કહી રહી હતી.

 બીજે દિવસે સવાર સવારમાં, આખું ઘર ગાંડું થયું. ઘરના બધા સભ્યો મુક્તિના નામની બૂમ પાડી રહ્યા હતા. મુક્તિ મારા કપડાં, મુક્તિ મારી ચા, મારું છાપુ, મમ્મી મારું ટિફિન, પરંતુ સામો કોઈ પ્રત્યુત્તર નહોતો. ક્યાં હતી મુક્તિ...

મુક્તિ તો મુક્ત બની, ખુલ્લા ગગનમાં વિહરતી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Drama