STORYMIRROR

divya jadav

Others

4  

divya jadav

Others

નાનો જીત

નાનો જીત

4 mins
473

બપોરનો એક વાગ્યાનો સમય થયો. જીતનો સ્કૂલેથી આવવાનો સમય થઈ ગયો. એકની ઉપર વીસ મિનિટ થઈ. ઘડિયાળના કાંટા તેની ગતિ એ આગળ વધી રહ્યા હતા. હું વારંવાર ઘડિયાળ તરફ જોઈ રહી હતી.

જીત હજી સુધી ઘરે નહોતો આવ્યો. હું થોડી થોડી વારે ઘર ની ડેલી એ નજર ફેરવતી તો પછી ઘડિયાળ સામે નજર કરતી. એમ કરતાં કરતાં ઘડિયાળ માં 2 વાગ્યા આવ્યા. મારી ધીરજ ખૂટી ગઈ. હું સીધી તેની સ્કૂલ બાજુ દોડી ગઈ. બપોરનો સમય હતો સૂરજ દાદા આકાશમાંથી તાપના ગોળા વરસાવી રહ્યા હોય એમ ધરતી ઘગી રહી હતી.

ગામમાં બજારોની સડકો સૂમસામ ભાસી રહી હતી. હું ઝડપ ભેર ચાલી રહી હતી. ત્યાં પાછળથી મારા નામનો સાદ સંભળાયો. પાછળ વળીને મે જોયુ. સામે મોંઘી કાકી ઊભા હતા.  

"એલી બાય છોકરાવ નું ધ્યાન રાખજે હો. જરાય રેઢાના મેલતી. પાસેના ગામમાંથી કોઈ અજાણી વ્યક્તિ એક છોકરા ને ઉપાડી લઈ ગયો. ધ્યાન રાખજે હો. "

બાપરે !જીત હજુ સુધી ઘરે આવ્યો નથી. મારા પેટ માં ફાળ પાડી. હું મોંઘી કાકીની વાત સાંભળી રહી હતી. મે સીધી સ્કૂલ તરફ દોટ મૂકી. હવે તો મારી આંખોમાં જીતનો ચહેરો નજર સામે તરતો હતો. જેમ જેમ સ્કૂલ નજીક આવતી જતી હતી તેમતેમ મારા દિલના ધબકારા વધી રહ્યા હતા. મોંઘી કાકીની વાત મારા મગજમાં ઘર કરી ગઈ હતી.

હું સ્કૂલે પહોંચી. જોયું તો સ્કૂલ ના દરવાજા બંધ થઈ ગયા હતા. ગેટ પર તાળું લટકતું જોઈ ને મારા પગ નીચે થી જમીન સરકવા લાગી. હું આમતેમ નજર ફેરવતી જીતને શોધી રહી હતી.  જીત ક્યાંય દેખાતો નહોતો. "એ કદાચ નદી બાજુ તો નહિ ગયો હોયને" વિચાર આવતા હું નદી તરફ દોડી. નદી એ કેટલીક સ્ત્રીઓ કપડાં ધોતી હતી. મે જઈને જીત વેશે તેઓને પૂછ્યું. એમાંની એક સ્ત્રી બોલી. "નિશાળ તો ક્યારની છૂટી ગઈ. હજી જીત ઘરે નથી આવ્યો ?" મે નામાં માથું ધુણાવ્યું.

ત્યાં એમાંની એક સ્ત્રીએ કહ્યું "જીત છૂટવા ટાણે તો મારા છોકરા ભેગો હતો. "

તો પછી ક્યાં ગયો હશે જીત ? હવે હું ધ્રુજવા લાગી. મારો જીવ તાળવે ચોંટી ગયો. અને મને મોઘી કાકીના કહેલા શબ્દો યાદ આવ્યાં.

   હે !! ભગવાન, હવે હું શું કરું. ક્યાં હશે મારો જીત. ભગવાન એની રક્ષા કરજો. હું મનોમન પ્રભુ પાસે પ્રાથના કરવા લાગી. મે નદીએથી ઘર તરફ જવા પગ ઉપાડ્યા. મારી આંખોમાંથી શ્રાવણ - ભાદરવો વહી રહ્યા હતા. હું ઘર તરફ જઈ રહી હતી ત્યાં જીતની નિશાળમાં ભણતો છોકરો મને દેખાયો.

મે તેને મારી પાસે બોલાવીને પૂછ્યું. "શું જીત તારી ભેગો હતો ? " તેને કહ્યું કે માસી જીત છૂટવા ટાણે કોક ભાઈ સાથે વાતો કરી રહ્યો હતો. એ ભાઈએ જીતને વેફરનું પેકેટ લઈ દીધું હતું.

હે !! આ સાંભળી મારા હાથ પગ ઢીલા થઈ ગયા.

હું શું કરું. પતિ પણ કોઈ કામથી બહાર ગયા હતા. હવે શું કરું. મારો જીત. . . .

હું માંડ માંડ ઘરે પહોંચી. ડેલી નું તાળું ખોલી હું ઘરમાં પ્રવેશી. અને જમીન પર ફસડાઈ પડી. આંખો સામે અંધારા આવી ગયા હતા. મારા કાળજાનો કટકો. મારો જીત મને ક્યાંય મળતો નહોતો. "શું મોંઘી કાકી સાચું તો નહિ બોલી રહ્યા હોય ને. શું ખરેખર કોઈ જીતને ઉઠાવી ગયું હશે. હું પતિ દેવ ને શું જવાબ આપીશ. " હું જેમતેમ કરી ઓસરીમાં આવી. ત્યાં રૂમમાંથી પંખો ફરવાનો અવાજ આવી રહ્યો હતો. હું કદાચ પંખો બંધ કરતા ભૂલી ગઈ હોઈશ.  

હું મારા બેડ રૂમમાં ગઈ. રૂમમાં પંખો ફરી રહ્યો હતો.

મારી નજર પલંગ ઉપર પડી. જોઈ મારી આંખો પર મને વિશ્વાસ ના આવ્યો. પલંગ ઉપર જીત આરામથી ઊંઘી રહ્યો હતો.

હું તો ડેલી એ તાળું મારીને ગઈ હતી તો પછી જીત અંદર ક્યાંથી. ભર ઊંઘમાં સૂતેલા જીતને મે દોડીને તેડી લીધો. મારા ખોળામાં સુવડાવી તેને ચૂમવા લાગી. મારા આંસુઓથી તેના ગાલ ભીંજાઈ ગયા. જીતની ઊંઘ ઊડી ગઈ. તેણે આંખો ખોલી મારી સામે જોયું. " મમ્મી તું ડેલી બંદ કરીને ક્યાં ગઈ હતી. જીત તેના નાના હાથ મારા ગાલ પર ફેરવતા બોલ્યો.

"જીત તું ઘરે ક્યારે આવ્યો ?" મે તેના માથા પર હાથ ફેરવતા પૂછ્યું.

"જ્યારે તું રસોડામાં રસોઈ બનાવતી હતી ત્યારે. હું થાકી ગયો હતો. એટલે સૂઈ ગયો. "

ઓહ !! મે પહેલા કેમ આ રૂમમાં નજર ના કરી. મને અફસોસ થયો. અને હું મારા જીતને ખોળામાં લઈ વહાલથી ચૂમી રહી હતી. થોડા સમયનો વિરહ મને બેબાકળી બનાવી ગયો હતો. પણ હવે મારી નાદાની પર મને હસવું આવી રહ્યું હતું.

અને હું મારી જાત ઉપર હસી રહી હતી.  આજે મે પેલી કહેવત સાચી પાડી હતી.  

કાંખમાં છોકરું, ને ગામમાં ગોતાગોત.


Rate this content
Log in