Read a tale of endurance, will & a daring fight against Covid. Click here for "The Stalwarts" by Soni Shalini.
Read a tale of endurance, will & a daring fight against Covid. Click here for "The Stalwarts" by Soni Shalini.

divya jadav

Drama

4  

divya jadav

Drama

નવી પરોઢ

નવી પરોઢ

9 mins
400


ભૂતકાળ ! નથી બદલી શકતા કે નથી એને આપણે ભૂલી શકતા. વિડંબના તો ત્યારે હોય છે જ્યારે એ આપણી સામે આવીને ઊભો રહી જાય છે. ત્યારે અંતરમાં ધરબી દીધેલી એ યાદો ઉછાળા મારી બહાર આવી વર્તમાનના ચીથરે ચિથરા કરી નાખતી હોય છે. વૈશાખી કાંકરિયાનાં એક બાંકડે હથેળીમાં મોં છૂપાવી મગજમાંથી નીકળતા વિચારોના ઘોડાપુરમાં તણાઈ રહી હતી. એવામાં પોતાની નજીક આવીને કોઈ બેઠું છે એવો એને આભાસ થયો. એણે મોં ઊંચું કરી જોયું પોતાની આંખો પર એને વિશ્વાસ ન બેઠો. જાણે હૃદય એક ધબકારો ચૂકી ગયો. આંખોના ખૂણામાં અશ્રુબિંદુઓ ઉપસી આવ્યા. હોઠ સહેજ ફફડ્યા "રોનક !"

"કેમ આશ્ચર્ય થયું મને અહીંયા જોઈને." રોનક વૈશાખીની આંખોમાં આંખ પરોવી બોલ્યો.

"ના ! "

"તો શું થયું ? રોનકે સહજતાથી પૂછ્યું.

"હવે ..હવે એ સમય નથી રહ્યો. કદાચ હું પણ એ નથી રહી. ઘણું બદલાઈ ચૂક્યું છે." વૈશાખીએ કહ્યું. એની આંખોમાં ઘણાં સવાલો હતા.

"એ તારું માનવું છે. આજે પણ હું એ જ રોનક છું. તારો મિત્ર તારો પ્રેમી અને.."

" અને શું ? બોલ કેમ અટક્યો !"

" મને આ સમાજના બોલવાથી કોઈ ફરક નહિ પડે. હું આજે પણ તને એટલો જ પ્રેમ કરું છું. એક વાર તું લગ્ન માટે હા પાડી દે." રોનકનો સાદ ભારે થઈ ગયો.

લગ્ન ! શબ્દ સાંભળી વૈશાખીનું હૈયું ચિરાઈ ગયું. એ નાં છૂટકે પણ ભૂતકાળમાં ગરકાવ થવા લાગી. 

અમદાવાદનાં કાળુપુર સ્ટેશનથી ઉપડેલી ટ્રેન પાટા ઉપર ધસમસતી જઈ રહી હતી.રોનકના ખભા ઉપર માથું ઢાળી આંખો બંધ કરી બેઠેલી વૈશાખીનાં કાને જાડો કર્કશ આવાજ સંભળાયો. એ અવાજ ચીતપરિચિત લાગતા વૈશાખીનાં હૃદયમાં ફફડાટ વ્યાપી ગયો. એ હજુ તો કંઈ સમજે વિચારે એ પહેલાં તો એ અવાજનો માલિક પોતાની લગોલગ ઊભો દેખાયો. " મામા" વૈશાખી ડરના મારી થરથર ધ્રુજવા લાગી. એને રોનકનો હાથ ખુબ જોરથી પકડી રાખ્યો.

" તને શું લાગ્યું તું હાથમાં નહિ આવે એમ !" એ જાડા કર્કશ અવાજના માલિક જશવંતભાઈ બોલ્યા.

" મામા મારી.." વૈશાખી આગળ બોલે એ પહેલાં જ જશવંત ભાઈએ રોનકના ગાલ ઉપર તમચાઓનો વરસાદ વરસાવી દીધો. " સાલ્લો ! મારી ભાણીને." જશવંતભાઈ બોલતા અટક્યા અને વૈશાખી સામે ડોળા કાઢતાં બોલ્યા. " તે તારા મામાને ઓળખ્યો નથી લાગતો. તને પાતાળમાંથી પણ ખેંચી લાવું એમ છું. " પોતાની સાથે આવેલા ચાર ગુંડાઓ જેવા લાગતા માણસો ઉપર રોનકને પકડી રાખવા હુકમ છોડ્યો.

"મે તને આવી નહોતી ધારી. મારું અભિમાન હતી તું. ને તે જ ! શું મોં બતાવીશ હું દુનિયાને. શું કહીશ કે મારી દીકરી ભાગી ગઈ. " વૈશાખીની માતા સરલાબેનનાં ગળે ડૂમો ભરાઈ ગયો. પછી થોડા સ્વસ્થ થઈ એ બોલ્યા. "ભાઈ હવેથી આને તમને શોંપી છે. આનું જે કરવું હોય એ કરો. પણ સમાજમાં મારી બદનામી ન થાય એનું ધ્યાન રાખજો."

" માસી એક વાર મારી વાત તો સાંભળો." રોનક કરગર્યો. એવામાં જશવંતભાઈના માણસો રોનકની માતાને લઈ આવી પહોંચ્યા. રોનક રડતા હૃદયે પોતાની મા સામે જોઈ રહ્યો. દીકરાની પીડા મા સારી રીતે સમજતી હતી.એ જાણતી હતી કે વૈશાખી રોનક માટે શું અહેમિયત રાખે છે. પરંતુ પતિના ગયા પછી પોતાનો એકનો એક સહારો છીનવાઈ ન જાય એ ભય એના હૃદયને ચિરી રહ્યો હતો. "દીકરા ! આ છોકરી તારા નસીબમાં નથી એમ સમજી માની જા. છોડી દે ! વૈશાખીને." માં બે હાથ જોડી કાકલૂદી કરવા લાગી. માના આંસુઓથી પીગળી રહેલો રોનક વૈશાખીની આંખોમાં જોવા લાગ્યો. એ સમજી ચૂક્યો હતો કે હવે લાખ પ્રયત્ન કરવા છતાંય વૈશાખીને એ નહિ પામી શકે. સતત વરસી રહેલી વૈશાખીની આંખો રોનકને અનિમેષ જોયા કરતી હતી. રોનક સરલાબેનની નજીક જઈ બોલ્યો." માસી ! હું વૈશાખીને મારા જીવ કરતા પણ વધારે ચાહું છું. હું ક્યારેય એને દુઃખી જોવા નથી માગતો પરંતુ તમે તો એની માં છો. મારા કરતાં તમારો પ્રેમ વધુ જ હોય સમજુ છું. તમે બેફિકર રહેજો હું ક્યારેય પણ વૈશાખી ને દુઃખ પહોંચે એવું આજે પણ નહિ કરું અને ભવિષ્યમાં પણ ક્યારેય એની આડે નહિ આવું વૈશાખીને મે સાચો પ્રેમ કર્યો છે. મને આજે પણ એના પ્રત્યે એટલું માન છે. અને રહેશે." રોનકે ઉભરાયેલી આંખોથી એક નજર વૈશાખી ઉપર નાખી. અનેં પોતાની માતાને લઈ એ ત્યાંથી સડસડાટ નીકળી ગયો. "

સરલાબેનનાં મગજમાં રોનકના શબ્દો ભમવા લાગ્યા. છતાંય સમાજ શું કહેશે ! મારી વાતો થશે. મારી બદનામી થશે આવા વિચારોએ રોનકના શબ્દોને સરલાબેનનાં હૃદય સુધી પહોંચવા નાં દીધા. સરલાબેને ઘરમાંજ વૈશાખીને નજર કેદ કરી લીધી અને તાબડતોબ વૈશાખી માટે મુરતિયો જોવા લાગ્યા.

વૈશાખી ઘણી વખત સરલાબેનને સમજાવતી હતી."મમ્મી મે સમજી વિચારીને જ આ પગલું ભર્યું છે. મારે પપ્પા જેવો પતિ નથી જોઈતો. જે હર કદમે પોતાની જવાબદારીઓથી આંખ આડા કાન કરી નાખે. એટલે જ મે રોનકને પસંદ કર્યો. મમ્મી રોનક ભલે ખુબ પૈસાદાર નથી પરંતુ એ મને ખુશ રાખશે. મમ્મી પ્લીઝ માની જા." વૈશાખી કરગરવા લાગી. સરલાબેન સમાજમાં પોતાનું નીચાજોણું ન થાય એ માટે થઈને કંઈપણ કરવા તૈયાર હતા. સરલાબેનને એ દિવસ યાદ આવી ગયો. વૈશાખીનો કોલેજમાં છેલ્લો દિવસ હતો. એને પહેરેલા પીળા કુર્તામાં એની ખૂબસૂરતી ઉભરાઈ આવતી હતી. કેવી સરસ તૈયાર થઈને આજે એ કોલેજ જવા માટે નીકળી હતી. સરલાબેન ઘડી ભર વૈશાખીને જોઈ રહ્યા. " હવે મુરતિયાઓની લાઈન થાસે. સમાજના કેટલાયે લોકો માગા બાબતે કહે છે. પરંતુ મારી વૈશાખી જ્યાં સુધી ગ્રેજ્યુએટ ન થાય ત્યાં સુધી મારે ક્યાં એને પરણાવી હતી. " સરલાબેન ચાની ચૂસકી લઈ રહેલા પતિ અરવિંદભાઈને કહી રહ્યા હતા. બદલામાં અરવિંદભાઈએ આછું સ્મિત કર્યું. પતિનો ઠંડો પ્રતિભાવ જોઈ સરલાબેન સમસમી ગયા. અને મનોમન બબડ્યા" આ પણ જવાબદારી મારી જ તો છે. અત્યાર સુધીની કંઈ જવાબદારી એણે નિભાવી તે દીકરીના લગ્નની ચિંતા કરે. ઘર સાચવવાથી લઈને ઘરમાં કમાવવા સુધીની જવાબદારી તો મે એકલે હાથે ઉપાડી. બાળકોને ભણાવ્યા સાચવ્યા બીજા વહેવારો સાચવ્યા. આ બધી જવાબદારી ઉપાડીને હવે થાકી ગઈ છું. પરંતુ મારી દીકરી સાથે આવું નહિ થવા દવ." સરલાબેનનાં આંખોના ખૂણા ભીંજાઈ ગયા.

" મમ્મી શું વિચારે છે." વૈશાખીએ સરલાબેનને ઢંઢોળ્યા.

" કંઈ નહિ !" સરલાબેન ગળું સાફ કરતા ફરી બોલ્યા. કાલે જશવંતભાઈ એક છોકરાને લઈને આવે છે. તારા માગા બાબતે મને જશવંતભાઈ પર ભરોસો છે. એ તારું ભલું થાય એવું જ કરશે."

" એટલે ! મમ્મી સાફ શબ્દોમાં જ કહી દે ને કે મારે લગ્ન માટે હા પાડી દેવાની છે. મારી ઈચ્છાઓનું શું ? મારા સપનાઓનું શું. જે મે રોનક સાથે જોયા હતા. મમ્મી એ મારો પહેલો પ્રેમ છે. મમ્મી તું મારી જિંદગી બરબાદ કરી રહી છે."

" મા બાપ ક્યારેય પોતાના સંતાનોની જિંદગી બરબાદ નથી કરતા. પરંતુ તમારા ભરેલા અવિચારી પગલાંઓ અમારી જિંદગી બરબાદ કરે છે. રોનક તારો ભૂતકાળ છે તેમ સમજી ભૂલી જા. જશવંતભાઈએ, એ છોકરાને સઘળી હકીકત જણાવી છે. છતાંય એ છોકરો બધું ભૂલી તને અપનાવવા તૈયાર થયો છે."

" પણ મમ્મી."

" મારે આ બાબતે કોઈ ચર્ચા નથી કરવી."

" તો તું પણ સાંભળી લે ! હું આ લગ્ન કોઈ કાળે નહિ કરું." વૈશાખી પગ પછાડતી પોતાનાં રૂમમાં ચાલી ગઈ.

 સવાર પડતાંની સાથે જ બહાર કોલાહલ સંભળાયો. વૈશાખી ઝબકીને જાગી બહાર જઈને જોયું તો એની આંખો પહોળી થઇ ગઈ. જાણે પગ નીચેથી જમીન સરકવા લાગી.

"શું થયું મમ્મીને !" વૈશાખી ચિલ્લાઈ ઉઠી.

" રાતનું એને છાતીમાં દુઃખતું હતું. મે વિચાર્યુ કે ગેસ હશે ! પરંતુ અત્યારે તબિયત વધારે લથળી હોય એવું લાગે છે.

"તમારે વિચારવાનું જ છે ને." વૈશાખીએ ડોક્ટરને ફોન જોડતાં પપ્પા ઉપર કટાક્ષ કર્યો. અને અરવિંદભાઈ જમીનમાં આંખ ખોડી ઊભી ગયા.

"એટેક !" ડોક્ટરનાં આપેલા રિપોર્ટ સાંભળી વૈશાખી ધ્રુજી ગઈ. આઠ દિવસ હોસ્પિટલે રહ્યા બાદ સરલાબેન ઘરે આવ્યા. વૈશાખીએ પોતાના મનને મનાવી લીધું. અને મમ્મીની ખુશી માટે થઈને પોતાના સપનાઓને કચડી દીધા.

ધામધૂમથી લગ્ન થયા. કન્યાદાન કરી સરલાબેન જાણે પોતાની જાતને ધન્ય સમજી રહ્યા હતા. "હાશ ! વૈશાખીને યોગ્ય મુરતિયો મળી ગયો. વિરાજ ખુબ ખુશ રાખશે. માં બાપ યોગ્ય જ કરતા હોય છે પોતાના સંતાનો માટે." સરલાબેન મનોમન પોતાની જાત સાથે વાતો કરવા લાગ્યા.

પહેલી રાતે વિરાજ હેવાન બની ગયો. આખી રાત વૈશાખીનાં દેહને નોચતો રહ્યો. તકદીર સામે હારી ચૂકેલી વૈશાખીના મોઢામાંથી એક સીસકારો પણ ન નીકળ્યો.

 સવારે વૈશાખીનાં ક્ષેમ કુશળ પૂછવા ફોન આવ્યો. વૈશાખીને ફોનમાં વાતો કરતી જોઈ વિહાન ઉશ્કેરાયો." કોણ છે ? રોનક !"

વૈશાખી સમસમી ગઈ. " મારી માં છે. "

" ઓહ ! મને લાગ્યું તારો પ્રેમી છે." વીહાન ખુધું હસ્યો.

પછી તો રોજનું થયું. કામકાજ માટે બજારમાં એકલા જવામાં પણ વિહાન શંકા કરતો. વારંવાર વૈશાખીનો ફોન ચેક કરતો. મેસેજ ચેક કરતો.

વૈશાખી વિહાનને સમજાવવાનો ઘણો પ્રયત્ન કરતી. વિહાન સાથે પોતે પૂરેપૂરી વફાદાર છે. રોનક એનો ભૂતકાળ છે. મારે હવે એની સાથે કોઈ સંબંધ નથી. પરંતુ શંકાનો કીડો વિહાન સમજવા માટે તૈયાર નહતો થતો. એણે જશવંતભાઈના અહેસાન નીચે કચડાઈને વૈશાખી સાથે લગ્નની હા તો પાડી દીધી પરંતુ વૈશાખી અને રોનકના સંબંધોને એ પચાવવામાં અસફળ રહ્યો.

  વૈશાખી વીહાન દ્વારા થતા અત્યાચારો સહન કર્યે જતી હતી. "કોને કે'વું ? અને શા માટે કહેવું જોઈએ. હવે ... હવે. કહીને પણ શો ફાયદો છે." વૈશાખીના ચહેરા સામે પોતાને છેલ્લી વખત ધારીધારીને જોઈ રહેલા રોનકનો ચહેરો ઉપસી આવ્યો.

" પ્રિયા ! તું અહીં ક્યારે આવી." સરલાબેનને અચાનક બજારમાં વૈશાખીની સહેલી ભેગી થઈ.

" હા ! કાલે જ આવી. થોડો જરૂરી સામાન લેવાનો હતો તે. તમે કેમ છો માસી ? વૈશાખી શું કરે છે ?"

"વૈશાખી પણ મજામાં છે. ચાલ ઘરે ત્યાં આરામથી વાતો કરીશું."

સરલાબેન પ્રિયાને ઘરે લઈ ગયા." બેસ હું ચા નાસ્તો લઈ આવું."

" ના.નાં. એની જરૂર નથી તમે પણ બેસો." સરલાબેનનો હાથ પકડી પ્રિયાએ સરલાબેનને પોતાની પાસે બેસાડ્યા. પછી કહ્યું." માસી વૈશાખી શું કરે છે. મજામાં તો છે ને ?"

" હા ! એને શું વાંધો હોય. મજામાં જ છે. જમાઈ બહુ સારો છે. ખુબ ધ્યાન રાખે છે વૈશાખીનું." સરલાબેન જમાઈની બડાઈ કરતા બોલ્યા.

" એમ !" પ્રિયાના ચહેરાના હાવભાવ અચાનક ફરી ગયા.

" કેમ શું થયું ?" સરલાબેન પ્રિયાની આંખોમાં જોઈ બોલ્યા.

" હિંમત છે સાંભળવાની તમારે ?"

" કેમ શું વાત છે?" સરલાબેનને ધ્રાસકો પડ્યો.

એક દિવસ વિહાનનાં અત્યાચારોથી કંટાળેલી વૈશાખીએ મનનો ઉભરો ઠલવાવા પ્રિયાને ફોન પર સઘળી હકીકત જણાવી હતી. પ્રિયાએ માંડીને સરલાબેનને વાત કરી. સરલાબેનને જ્યારે વૈશાખી સાથે થતાં અત્યાચારોની ખબર પડી ત્યારે એણે પણ જશવંતભાઈને સઘળી હકીકત જણાવી અને વૈશાખીને આ નર્કમાંથી ઉગારવા ગુહાર કરી."આજે મારા કરતાં તો મારી દીકરીની જિંદગી વધુ બરબાદ છે. જવાબદારીઓથી ભાગનારો મારો પતિ આટલો હેવાન તો નથી જ. મે મારા હાથે જ મારી દીકરીની જિંદગી ધૂળ કરી નાખી. હજી પણ રોનકના કહેલા શબ્દો મારા કાનમાં પડઘાય છે. " હું વૈશાખીને ચાહું છું."

મારી જીદે મારી દીકરીની જિંદગી બગાડી નાખી. મે એની પાસેથી એનો પ્રેમ છીનવી લીધો. આજે પણ જ્યારે રોનક સાથે ભેટો થાય ત્યારે હું એની આંખોમાં આંખ પરોવી નથી જોઈ શકતી. રોનકને જોવ છું ત્યારે મને વૈશાખીનો એ નિ:સહાય ચહેરો દેખાઈ આવે છે. જાણે મને એ કહેતી હોય " મમ્મી સમાજ માટે થઈને તે મારી પાસેથી મારું સર્વસ્વ છીનવી લીધું. ત્યારે હું ધ્રુજી ઉઠું છું. " સરલાબેન વિહવળ થઈ રડવા લાગ્યા.

પોતાની ભાણેજની આવી દશા જોઈ જશવંતભાઈ પીગળી ગયા. અને એણે ફરી પોતનો પાવર બતાવ્યો. વિહાન અને વૈશાખીના ડિવોર્સ કરાવી નાખ્યાં. સરલાબેન અને જશવંતભાઈ સમજતા હતા કે એણે વૈશાખીને નવી જિંદગી અપાવી છે.

પરંતુ વૈશાખી સાવ ઉદાસ રહેવા લાગી. એના મનમાં કેટલીયે ઉથલપાથલ ચાલતી હતી. એ ક્યારેક નિંદ્રામાં બરાડી પડતી." મમ્મી હવે તને સમાજ કંઈ નહિ કહે !"

સરલાબેને ફરીવાર નિર્ણય લીધો રોનક અને વૈશાખીના લગ્નનો. પરંતુ વૈશાખી !" વૈશાખી ! ક્યાં ખોવાઈ ગઈ." રોનકના અવાજે વૈશાખીને ફરી વર્તમાન તરફ ખેંચી લાવી.

" હમમ ! "

" શું થયું." રોનક વૈશાખીનો હાથ પોતાના હાથમાં લેતાં બોલ્યો.

"સમાજ અને એના રીતરિવાજો કેટલી અંશે સાચા છે. મંદિરમાં કૃષ્ણ સાથે રાધાને પૂજનારો આ સમાજ પ્રેમને સ્વીકારવામાં હંમેશા કાચો સાબિત થયો છે. હું સ્ત્રી છું કોઈ કઠપૂતળી તો નથી ને. જ્યારે કીધું ત્યારે પરણી જવાનું જેની સાથે કીધું એની સાથે જ પરણવાનું. મારી ઈચ્છાઓ પણ હોય શકે. સોરી રોનક ! હું તને આજે પણ એટલી જ ચાહું છું. પરંતુ હવે લગ્ન નહિ. મારો પ્રેમ મારી લાગણીઓ હવે કોઈની માલિકીની નથી. એના પર મારો પણ હક છે જ. બસ ! બહુ થયું. મારી જિંદગી સાથે ઘણી રમતો રમાઈ ગઈ. હવે નહિ રોનક. હું જીવીશ અને મારી મરજીથી જીવીશ."

રોનક વૈશાખી સામે જોઈ રહ્યો. સૂરજ ધીમે ધીમે ઢળી રહ્યો હતો. નવી પરોઢ માટે.


Rate this content
Log in

More gujarati story from divya jadav

Similar gujarati story from Drama